અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહે છે

Share this story

દક્ષિણ અરબી સમુદ્રમાં આ દિવસોમાં એક ચક્રવાતી તોફાન ઉઠ્યું છે. જેને હવામાનશાસ્ત્રીઓએ ‘તેજ’ નામ આપ્યું છે. અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનના કારણે દેશના પશ્ચિમ કિનારા પર તેની અસર થવાની ધારણા છે. જોકે, ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન તેજની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, ૨૨ ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક ૨૨ ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે.

દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૪ ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી ૧૫૦ કિમીથી વધુની હોઈ શકે છે.

પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ૨૨, ૨૩ ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે ૨૪, ૨૫ ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન ‘તેજ’ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ કહ્યું છે કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. ૨૨ ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે.

આ પણ વાંચો :-