દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21મે ના રોજ સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.