Monday, Dec 15, 2025

ઈઝરાઇલમાં એક લાખ ભારતીય મજૂરો મોકલવા કંઇ સરળ નથી, મોત ને પણ એટલુ જોખમ

3 Min Read

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઈઝરાઇલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાઇલે તુરંત જ ભારત પાસેથી ૧૦૦,૦૦૦ કામદારોની મોકલવાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ઈઝરાઇલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે ૧૦૦,૦૦૦ ભારતીય કામદારોની પરવાનગી માંગી છે. જેથી કરીને ૯૦ હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.

ઈઝરાઇલની કન્સ્ટ્રક્શન કંપનીઓએ ત્યાંની સરકારને કહ્યું છે કે, તેઓ ૯૦ હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ ૧ લાખ ભારતીય કામદારોને નોકરી પર રાખવા માંગે છે. આ માટે તેમને છૂટ આપવી જોઈએ. હકીકતમાં ૭ ઓક્ટોબરે હમાસના હુમલા પછી ઈઝરાઇલમાં કામ કરતા ૯૦ હજાર પેલેસ્ટિનિયન મજૂરોની પરમિટ રદ કરવામાં આવી છે. જેના કારણે ઈઝરાઇલમાં બાંધકામ સંબંધિત તમામ કામો ઠપ્પ થઈ ગયા છે. ભારતીય કામદારોએ ખાડી દેશોમાં રણમાં આધુનિક શહેરો બનાવ્યા છે, જેના કારણે ઇઝરાયેલની કંપનીઓને પણ તેમની મહેનત પર વિશ્વાસ છે. પરંતુ શું આ સ્થિતિમાં આ મજૂરોને મોકલવા યોગ્ય રહેશે?

ઈઝરાઇલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગ્લિને કહ્યું, ‘અત્યારે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે કામદારોને મંજૂરી આપવા માટે ઈઝરાઇલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમને ભારતમાંથી ૫૦ હજારથી ૧ લાખ કામદારોની જરૂર છે. જો ભારતીય કામદારો ઈઝરાઇલ જશે તો મોટા પાયે રોજગારી મળશે. આ સિવાય તેમના દ્વારા મોકલવામાં આવેલ નાણાં અર્થતંત્રમાં યોગદાન આપશે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અહેવાલ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે હજુ પણ જાણી શકાયું નથી કે ભારત કામદારોને ઈઝરાઇલ જવા દેશે કે કેમ, તે પણ એવા સમયે જ્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોને બહાર કાઢવાનું ઓપરેશન અજય હજુ પૂર્ણ થયું નથી.

ઈઝરાઇલના બાંધકામ ઉદ્યોગમાં પેલેસ્ટિનિયનો લગભગ ૨૫ ટકા છે. તેમાંથી 10 ટકા એવા છે જે ગાઝાથી આવે છે. બાકીના વેસ્ટ બેંકમાંથી આવે છે. યુદ્ધ દરમિયાન મજૂરોની માંગમાં અચાનક વધારો થયો હોવા છતાં,ઈઝરાઇલ પહેલેથી જ ભારતીય કામદારોને લાવીને પેલેસ્ટિનિયન મજૂરોથી છુટકારો મેળવવા માંગતો હતો. આ વર્ષે મે મહિનામાં ભારતે ઈઝરાઇલ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ૪૨,૦૦૦ ભારતીય કામદારોને ઈઝરાઇલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ લોકો નર્સિંગ સિવાય બાંધકામ ક્ષેત્રે પણ કામ કરશે.

આ પણ વાંચો :-

Share This Article