આફ્રિકન દેશ નાઈજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં બે માળની શાળાનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે વર્ગો ચાલી રહ્યા હતા. આ અકસ્માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.

ઘટનાસ્થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પઠાર રાજ્યના બુસા બુજી સમુદાયની સેન્ટ્સ એકેડમી કોલેજમાં પહોંચ્યા હતા. વર્ગો શરૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા ૧૫ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસ પ્રવક્તા આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી ૧૩૨ને બચાવી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે.
અકસ્માત બાદ ડઝનેક ગામલોકો શાળા પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં બૂમો પડી રહી હતી, જ્યારે કેટલાક મદદ માગતા જોવા મળ્યા હતા. આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. સત્તાવાળાઓ ઘણીવાર આવી આપત્તિઓને બિલ્ડિંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતા અને નબળી જાળવણીને દોષ આપે છે.
આ પણ વાંચો :-