આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અગાઉની વાયએસઆરસીપી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ચઢાવવામાં આવતી પવિત્ર મીઠાઈ એટલે કે તિરુપતિના લાડુને બનાવવામાં પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવતા તેલ અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સીએમ નાયડૂએ આ તમામ દાવા એનડીએ વિધાયક દળની બેઠક દરમિયાન કર્યા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ કહ્યું કે તિરુમાલા લાડુ પણ હલકી કક્ષાની સામગ્રીમાંથી બનાવવામાં આવી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે લાડુ બનાવવામાં ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આરોપોને પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપીના વડા જગન મોહન રેડ્ડીએ સંપૂર્ણ રીતે ફગાવી દીધા હતા. વાયએસઆરસીપીના વરિષ્ઠ નેતા અને ટીટીડીના પૂર્વ અધ્યક્ષ વાય વી સુબ્બા રેડ્ડીએ નાયડુના નિવેદનોને દૂર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા અને ટીડીપી નેતા પર રાજકીય લાભ માટે કોઈપણ સ્તરે ઝુકી જવાનો આરોપ લગાવ્યો હતો.
તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.
રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું.
તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં.
આ પણ વાંચો :-