Wednesday, Apr 8, 2026

11 વર્ષ બાદ રામપાલને જામીન, છતાં જેલમુક્તિ પર સસ્પેન્સ યથાવત્

2 Min Read

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલને જામીન મંજૂર કર્યા છે. લગભગ 11 વર્ષ બાદ મળેલી આ રાહતથી તેમના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રામપાલ હાલ હરિયાણાની હિસાર જેલમાં બંધ છે. વર્ષ 2014માં હરિયાણાના બરવાલામાં આવેલ સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેમના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણમાં 6 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે તેમના વિરુદ્ધ અનેક કેસ નોંધાયા હતા, જેમાં રાજદ્રોહનો કેસ પણ સામેલ હતો.

હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં રામપાલની જેલમાંથી તાત્કાલિક મુક્તિ શક્ય નથી, કારણ કે તેમની સામે અન્ય અનેક કેસો હજુ પેન્ડિંગ છે. તેથી તેમની જેલમુક્તિ અન્ય કેસોની કાનૂની પ્રક્રિયા અને શરતોના પાલન પર આધારિત રહેશે. મળતી માહિતી મુજબ, જામીનની શરતોનું કડક પાલન કરવું જરૂરી રહેશે. રામપાલ સતલોક આશ્રમના પ્રમુખ છે અને તેમના અનુયાયીઓ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ એક તરફ તેમના સમર્થકોમાં ખુશી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર આગળની કાનૂની પ્રક્રિયાઓ પર નજર રાખી રહ્યું છે.

કોણ છે રામપાલ?
રામપાલ એક ભારતીય આધ્યાત્મિક ઉપદેશક અને સતલોક આશ્રમના સ્થાપક છે. તેમનો જન્મ 1951માં હરિયાણામાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલાં તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત હતા. તેમણે ભગવદ ગીતા, કબીર સાગર સહિતના ધાર્મિક ગ્રંથોના આધાર પર પોતાના આધ્યાત્મિક ઉપદેશો આપવાનું શરૂ કર્યું. તેઓ સંત કબીરના ઉપદેશોને અનુસરીને ભક્તિ અને મોક્ષના માર્ગનો પ્રચાર કરે છે. તેમના અનુયાયીઓ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે માને છે.

શું છે વિવાદ?
વર્ષ 2006માં હરિયાણામાં રામપાલના અનુયાયીઓ અને અન્ય ધાર્મિક જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં 2014માં હિસાર સ્થિત સતલોક આશ્રમમાં પોલીસ સાથે થયેલી હિંસક અથડામણમાં 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન પોલીસને રામપાલને ધરપકડ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રામપાલ પર ગેરકાયદેસર કેદ રાખવા અને લોકોને પર અત્યાચાર કરવા જેવા ગંભીર આરોપો લાગ્યા છે. કેટલાક કેસોમાં અદાલતોએ તેમની વિરુદ્ધ ચુકાદા પણ આપ્યા છે. વિવાદો હોવા છતાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમના અનુયાયીઓની મોટી સંખ્યા છે અને તેઓ વિવિધ માધ્યમો દ્વારા પોતાના ઉપદેશોનો પ્રસાર કરે છે.

Share This Article