મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના 16 વર્ષીય યુવા AI ઇનોવેટર રાહુલ જ્હોન અજુના કામની પ્રશંસા કરી છે. મોસ્કોમાં યોજાયેલી ‘AI Journey 2026’ કોન્ફરન્સ દરમિયાન પુતિને રાહુલ સાથે વાતચીત કરી હતી અને તેના કામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન સાથે જોડ્યું હતું.
આ કોન્ફરન્સમાં પુતિન ઉપરાંત કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જો માર્ટ ટોકાયેવ પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન યુવા ઇનોવેટર્સ સાથે થયેલી ચર્ચામાં રાહુલ જ્હોન અજુને પણ પોતાની વાત રજૂ કરવાની તક મળી હતી.
AI શિક્ષણમાં મદદરૂપ કે વિદ્યાર્થીઓ માટે જોખમ?
વાતચીત દરમિયાન પુતિને સવાલ ઉઠાવ્યો હતો કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધતી નિર્ભરતા વિદ્યાર્થીઓની યાદશક્તિ અને પોતાની રીતે વિચારવાની ક્ષમતાને નબળી પાડી શકે છે?
આ સવાલના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પાયાના સિદ્ધાંતો સમજવા જોઈએ. ત્યારબાદ AIનો ઉપયોગ કરવો જોઈએ.
તેણે AIની સરખામણી કેલ્ક્યુલેટર સાથે કરતાં સમજાવ્યું કે જેમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતાં પહેલાં ગણિતનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે, તેવી જ રીતે AIનો ઉપયોગ કરતાં પહેલાં વિષયની સમજ હોવી જરૂરી છે.
રાહુલે વધુમાં જણાવ્યું કે AI વિદ્યાર્થીઓને નવી બાબતો શીખવામાં, માહિતી એકત્રિત કરવામાં અને નવા વિચારો વિકસાવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, AIને પોતાની વિચારશક્તિના વિકલ્પ તરીકે ન જોવું જોઈએ.
કોણ છે રાહુલ જ્હોન અજુ?
કેરળનો રહેવાસી રાહુલ જ્હોન અજુ ‘AI Kid of India’ તરીકે ઓળખાય છે. તે AI Realm Technologiesનો સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) છે. ખાસ વાત એ છે કે ટેક્નોલોજીમાં રસ ધરાવતો રાહુલ કોમર્સનો વિદ્યાર્થી છે.
રાહુલને માત્ર 9 વર્ષની ઉંમરે વીડિયો એડિટિંગમાં રસ જાગ્યો હતો. 12 વર્ષની ઉંમરે તેણે શાળાના વિજ્ઞાન પ્રોજેક્ટ તરીકે ‘MeBot’ નામનો રોબોટ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે AI આધારિત અનેક ટૂલ્સ વિકસાવ્યાં છે.
તેના પ્રોજેક્ટ્સમાં MeBot, RESQ AI, ZapGap, Investo AI અને FeedFye જેવા ટૂલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે ThinkCraft Academy મારફતે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે તાલીમ પણ આપે છે.
પુતિન સાથેની મુલાકાત બની યાદગાર
પુતિન સાથે મુલાકાત બાદ રાહુલે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે 9 વર્ષની ઉંમરે બાથરૂમમાં પોતાનો પહેલો વીડિયો બનાવવાથી લઈને રશિયાના રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી લેવા સુધીની સફર તેણે ક્યારેય કલ્પી નહોતી.
પુતિને રાહુલના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેનું કામ યુવાનોને પોતાના ઉકેલો શોધવા અને તેને અમલમાં મૂકવા પ્રેરિત કરે છે. આ રીતે યુવા ઇનોવેટર્સનું કાર્ય વડાપ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના વિચારને સાકાર કરવામાં મદદરૂપ બને છે.
આ મુલાકાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય યુવા પ્રતિભા અને AI ક્ષેત્રમાં ભારતની વધતી ઓળખને વધુ એક વખત ચર્ચામાં સ્થાન મળ્યું છે.








