પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું છે. પીએમ મોદીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરીયા, સંગીતા પાટીલ, ગોવિંદ ધોળકીયા, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત અન્ય પદાધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.
આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આજે ફરી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (7 માર્ચે) શુક્રવારે બપોરના 1:30 વાગ્યે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સેલવાસા જવા રવાના થશે. જ્યાં મોદી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટીયા હેલીપેડ પર પહોંચશે. જ્યારે સાંજે 4:30 વાગ્યે પર્વત પાટીયાથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શૉ કર્યા બાદ 5 વાગ્યે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે અને સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ માટે રવાના થશે. જ્યાં તેમણે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 8 માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.
પ્રધાનમંત્રી મોદી સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ (ફેઝ-1)નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે રૂ. 2580 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ત્યાર બાદ તેઓ સુરતનો પ્રવાસ કરશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ સુરત ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવશે. સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે.