Tuesday, Oct 28, 2025

લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું નિધન

2 Min Read

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા, અત્રે જણાવીએ કે, તેમણે લખનૌના SGPGI ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન અંગે તેમના પુત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મુનવ્વરને તેમની તબિયત બગડતાં ૯ જાન્યુઆરીએ લખનૌના SGPGIમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુનવ્વર રાણા એક પ્રખ્યાત કવિ અને લેખક હતા. તેમણે ઉર્દૂ સિવાય હિન્દી અને અવધી ભાષાઓમાં લખ્યું હતું. મુનવ્વરે તેમની ગઝલો વિવિધ શૈલીમાં પ્રકાશિત કરી. તેમને ૨૦૧૪ માં ઉર્દૂ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૨૦૧૨ માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક વર્ષ પછી એકેડેમી એવોર્ડ પરત કર્યો હતો. વળી, વધતી જતી અસહિષ્ણુતાને કારણે તેમણે ક્યારેય સરકારી પુરસ્કારો નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

અહેવાલ અનુસાર મુનવ્વર રાણાની દીકરી સુમૈયાએ કહ્યું કે તેમના પિતાને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે તેમની દફનવિધી કરવામાં આવશે. મુનવ્વરના પરિવારમાં તેમની પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરો છે. રાણાના દીકરા તબરેજે કહ્યું કે બીમારીના કારણે તેમના પિતા ૧૪-૧૫ દિવસથી સારવાર હેઠળ હતા. તેમને અગાઉ લખનઉની મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે રવિવારે રાતે આશરે ૧૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ ઉત્તર પ્રદેશના રાજકીય વિકાસમાં પણ સક્રિય હતા. તેમની પુત્રી સુમૈયા પોતે સમાજવાદી પાર્ટીની સભ્ય છે. રાણા પોતાના રાજકીય નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હતા. તેમના નિધનના સમાચારને પગલે સાહિત્ય જગતમાં હાલ શોકનું મોજું ફેલાયું છે. આ મહાન કવિના નિધનથી સૌ કોઈ દુઃખી છે.

Share This Article