ઉત્તરપ્રદેશના સંભલમાં કોર્ટના નિર્દેશ બાદ રવિવારે જામા મસ્જિદના સ્થળે સર્વેક્ષણની કાર્યવાહી માટે ટીમ પહોંચી હતી. આ દરમિયાન કટ્ટરવાદી ટોળાએ ભારે પથ્થરમારો, આગજની અને હિંસા કરતા પોલીસ એક્શનમાં આવી છે. સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ બહારના લોકોને પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે અખિલેશ યાદવના પક્ષ સમાજવાદી પાર્ટીના સાંસદ જિયા ઉર રહેમાન તેમજ સપાના ધારાસભ્ય ઇકબાલ મસુદના પુત્ર સુહેલ ઇકબાલ ઉપર હિંસાના કાવતરાનો કેસ દાખલ કર્યો છે.
સંભલ પોલીસે સપાના સ્થાનિક આગેવાનો વિરુદ્ધ કેસ દાખલ કરવા ઉપરાંત હિંસા ભડકાવવા માટેના પોસ્ટર કોણે લગાવ્યા હતા તેની તપાસ પણ શરૂ કરી છે. સંભલના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમારા એક સબ-ઈન્સ્પેક્ટર દીપક રાઠી ગઈકાલની હિંસામાં ઘાયલ થયા હતા, તેમણે તેમના સહિત પોલીસ અને સર્પેક્ષણની ટીમ ઉપર હુમલો કરનારા 800 જણા ઉપર એફઆઈઆર દાખલ કરાવી છે.
કોર્ટના આદેશ બાદ એસડીએમ, ઈઓ અને સીઓની એક કમિટી બનાવવામાં આવી હતી, જેના પર મસ્જિદનો સરવે કરાવવાની જવાબદારી હતી. કમિટીએ કહ્યું કે, સંભલમાં હાલ કલમ 163 લાગુ છે. જોકે, હવે પરિસ્થિતી નિયંત્રણમાં છે. દુકાનો પણ ધીમે-ધીમે ખુલી રહી છે. જોકે, મંગળવારે પણ ઈન્ટરનેટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
હિંસા બાદ સંભલમાં જિલ્લા પ્રશાસને બહારના લોકોના પ્રવેશ પર પહેલી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, ભીમ આર્મી ચીફ અને નગીનાથી સાંસદ ચંદ્રશેખર આઝાદે એલાન કર્યું છે કે, તે આજે સંભલ જશે અને મૃતકોના પરિવારજનોને મળશે. આઝાદે કહ્યું, દર વખતે સરકારના ઈશારે પોલીસે નિઃશસ્ત્ર આંદોલનકારીઓ પર સીધો ગોળીબાર કરી તેમનો જીવ લઈ લે છે. હું જલ્દી જ ઘાયલ પોલીસકર્મીઓને પણ મળીને આ હિંસાની હકીકત દેશ સામે લાવવાનો પ્રયાસ કરીશ.