વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. તેમનો આ પ્રવાસ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને સંસ્કૃતિના સન્માન પર કેન્દ્રિત છે. સૌપ્રથમ, PM મોદી સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમણે બુલેટ ટ્રેનના અંત્રોલી સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલી કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાવા માટે ડેડિયાપાડા જવા રવાના થયા હતા.
PM મોદીએ નર્મદા જિલ્લામાં પહોંચીને આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાના મંદિરે પ્રાર્થના કરી અને દર્શન કર્યા હતા. દેવમોગરા મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન કેસરિયા સાફામાં સજ્જ થઈને સભાસ્થળે જવા રવાના થયા હતા, જ્યાં તેમનો ભવ્ય રોડ-શો શરૂ થયો હતો.
આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન
ડેડિયાપાડા ખાતે વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે. વડાપ્રધાનને આવકારવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા છે. રોડ-શો દરમિયાન, વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી સમુદાયના લોકોએ તેમની આગવી શૈલીમાં નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની અદ્ભુત ઝાંખી કરાવી હતી. સ્થાનિક લોકોએ પણ પારંપારિક આદિવાસી શૈલીમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.