વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભના ભવ્ય આયોજન અને તેની સફળતા અંગે સંસદમાં ઉલ્લેખ કર્યો. તેમણે મહાકુંભને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યું. સંસદમાં આપેલા તેમના ભાષણમાં તેમણે મહાકુંભના આયોજન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રશંસા કરી. બીજીતરફ વડાપ્રધાનનું ભાષણ સમાપ્ત થતા જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ‘વડાપ્રધાન સંસદમાં ભાષણ આપવાના હતા, તેની અમને સમયસર માહિતી અપાઈ નથી.’
વડાપ્રધાનના સંસદીય ભાષણ બાદ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રસાર માધ્યમો સાથે વાત કરતા આક્ષેપ કર્યો કે, “વડાપ્રધાનએ મહાકુંભની ભવ્યતા પર તો વખાણ કર્યા, પણ કુંભ દરમિયાન જીવ ગુમાવનારાઓને યાદ પણ ન કર્યા.” રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, “વડાપ્રધાન રોજગારી અને બેરોજગારીના મુદ્દે પણ મૌન રહ્યા. યુવાનોને આશા હતી કે તેઓ આ વિષય પર ચોક્કસ વાત કરશે, પણ તેઓ એ મુદ્દાને ટાળી ગયા.”
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન મોદીએ વિપક્ષને અવાજ ઊઠાવવાની તક આપી નથી. “અમે ચર્ચા કરવા માગતા હતા, પણ અમારી વાત સાંભળવાની તૈયારી નથી.” રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “કુંભ માત્ર ધાર્મિક ઘટમાળ નથી, તે આપણા દેશની એક સંસ્કૃતિ છે, એક પરંપરા છે. પરંતુ, જે શ્રદ્ધાળુઓએ ત્યાં જીવ ગુમાવ્યો, તેમના પરિવારજનો માટે વડાપ્રધાનની તરફથી એક શબ્દ પણ ન આવ્યો.”