Home Blog Page 99

છત્તીસગઢમાં તરબૂચ ખાધા બાદ 15 વર્ષના છોકરાનું મોત, જાણો ડોક્ટરે શું કહ્યું?

0

છત્તીસગઢના જાંજગીરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું છે. આ ઉપરાંત, ત્રણ અન્ય બાળકો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે, અને લોકો તરબૂચ ખાવાથી ડરી રહ્યા છે.

શું છે આખો મામલો?

આ ઘટના છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના ઘુરકોટ ગામમાં બની હતી. તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું હતું અને તેના પરિવારના ત્રણ બાળકો બીમાર પડ્યા હતા. મૃતકની ઓળખ 15 વર્ષના અખિલેશ તરીકે થઈ છે. બાળકો તેમના પરિવાર સાથે તેમના મામાના ઘરે મળવા આવ્યા હતા. પોડી દલ્હા ગામના રહેવાસી અખિલેશ ધીવર ધીવર ગામના રહેવાસી હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીમાર પડેલા ત્રણ બાળકોની ઓળખ અવારિદ ગામના શ્રી ધીવર (4), ખટોલાના પિન્ટુ ધીવર (12) અને કોટગઢના હિતેશ ધીવર (13) તરીકે થઈ છે.

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એસ. કુજુરનું નિવેદન

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એસ. કુજુર તરફથી આ મામલે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “રવિવારે સાંજે બાળકોએ ઘરમાં સંગ્રહિત પ્રી-કટ તરબૂચ ખાધું. થોડા કલાકો પછી, અખિલેશને ઉલટી, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પાછળથી અન્ય ત્રણ બાળકોમાં પણ આ જ લક્ષણો જોવા મળ્યા.

તેમની સ્થિતિ વધુ બગડતા, પરિવાર સોમવારે અલગ અલગ સમયે એમ્બ્યુલન્સ દ્વારા તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો. અખિલેશ પહોંચ્યા પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અન્ય ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે, અને વિસેરાના નમૂના ફોરેન્સિક તપાસ માટે સાચવવામાં આવ્યા છે. ઘરમાં સંગ્રહિત અન્ય તરબૂચને લેબોરેટરી પરીક્ષણ માટે ફૂડ સેફ્ટી વિભાગમાં મોકલવામાં આવ્યો છે.”

શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણીરૂપે સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બે થી ત્રણ દાયકાઓ સુધીની લાંબી સેવાકીય કારકિર્દી બાદ નિવૃત્તિ મેળવનાર નર્સીસનું સન્માન કરાયું હતું.                    

      આ અવસરે પોલીસ કમિશનરે નર્સની ભૂમિકા દર્શાવતા કહ્યું કે, સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ. નર્સ દ્વારા પોતાના દરેક દર્દી પ્રત્યે નિ:સ્વાર્થ ભાવે કરાતી સેવાકીય પ્રવૃત્તિ સાચે જ પ્રેરણારૂપ છે. તેઓ નિરાશાને આશામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તદ્દન અજાણ્યા લોકોને પોતીકા બનાવી દર્દીને શારીરીકની સાથે માનસિક સહાય આપી સ્વસ્થ કરવામાં નર્સની ભુમિકા અનેરી હોય છે.

        વધુમાં, કમિશનરે તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી સમાન નર્સને તેમની ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી દર્દી સાથે હર હંમેશ સંયમ અને સ્મિત સાથે સકારાત્મક વલણ અપનાવી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

            આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર(ગુજરાત) ડો.વિકાસબેન દેસાઈએ સારવાર દરમિયાન દર્દી પ્રત્યેના નર્સનાં વ્યવહાર, વર્તણુકનું મહત્વ જણાવી ‘વર્તનમાં પરિવર્તન’ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે નર્સના આંતરિક અને બાહ્ય પરિબળો જેવા કે, સંજોગ, ઉછેર, માનસિકતાને નિર્ણાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દી કે, જે શારીરિક, માનસિક અને આર્થિક સહિતની ઘણી વિષમ પરિસ્થિતિઓથી ઝઝૂમતા હોય છે ત્યાં દરેક નર્સને સંવેદનશીલતા સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

         આ પ્રસંગે સોફ્ટ સ્કીલ ટ્રેનર શ્રી પ્રિયંકાબેને દિવસ-રાત સેવાકીય કાર્યમાં જોડાયેલા નર્સોને ગમે તેવા સંજોગોમાં વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખી રિએક્ટિવની જગ્યાએ રિસ્પોન્સિવ રીએકશન પર ભાર આપવા સમજાવ્યું હતું.

         આ કાર્યક્રમમાં સુરત સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારીત્રી પરમાર, RMO ડૉ કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજાબેન પટેલ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, વીરેન પટેલ અને જગદીશ બુહા સહિત વિવિધ કોલેજના હેડ નર્સ, સ્ટાફ નર્સ, નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં આકરી ગરમીનો કહેર: 9 શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર, અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં હાલમાં ભયંકર ગરમી પડી રહી છે. હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે, જ્યાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું તો કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે.રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે. રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. પશ્વિમી પવનો ફૂંકાતા ગરમીની અસર રહેશે.

અગનભઠ્ઠીમાં બે પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાન શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગુજરાત-રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનના બાડમેરમાં પડી રહી છે. બાડમેરમાં ગઈકાલે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ફલૌદીમાં 46.8, જેસલમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરી છે.આજે પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહે તે પ્રકારની શક્યતા છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજકોટમાં 43.3 ડિગ્રી અને વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગરમીથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનો કહેર વધશે. આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવ એલર્ટ જાહેર કરાયા છે.

ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસ બાદ જ કરી શકશો નવી બુકિંગ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવ આજે પણ યથાવત રહ્યા છે. જો કે, કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે તેના ભાવ ₹૩,૦૦૦ને વટાવી ગયા છે.

LPGના આજના ભાવ

આજના ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભાવની વાત કરીએ તો નવી દિલ્હીમાં ઘરેલુ ગેસના ભાવ ₹913 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3071.50 છે, જ્યારે મુંબઈમાં ઘરેલુ ગેસના ભાવ ₹912.50 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3024 છે. તો અમદાવાદમાં ઘરેલુ ગેસના ભાવ ₹920 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3091 છે.

સરળ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે કેટલાક તર્કસંગત નિયમો લાગુ કર્યા છે. હવે શહેરી વિસ્તારોમાં તમે છેલ્લા સિલિન્ડર પછી 25 દિવસથી વહેલા બીજો સિલિન્ડર બુક કરી શકશો નહીં, પહેલા આ સમયગાળો 21 દિવસનો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ સમયગાળો 45 દિવસનો રહેશે. ઘરેલુ ગેસની કાળાબજારની રોકવા માટે સરકારે 98% ઓનલાઈન બુકિંગ અને 94% DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) આધારિત ડિલિવરી સુનિશ્ચિત કરી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં ગેસની કોઈ અછત નથી, તેથી નાગરિકોએ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક કરવો નહીં.

બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ

ગેસના ભાવમાં સંભવિત વધારાની આશંકા વચ્ચે લોકોએ ગભરાટમાં ગેસ સિલિન્ડર બુક કરવાનું શરૂ કરી દીધું છે. પરિણામે લોકોને હવે બુકિંગ કર્યા પછી પણ નવો ગેસ સિલિન્ડર મેળવવા માટે 3 થી 5 દિવસ રાહ જોવી પડી રહી છે.

સરકારે ગેસ ગેસ વિતરણ માટે પ્રાયોરિટી લિસ્ટ તૈયાર કર્યું છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં હોસ્પિટલો અને શાળાઓને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. આવશ્યક ઉદ્યોગો જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, ઓટોમોબાઇલ્સ અને કૃષિ ક્ષેત્રને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. દૈનિક વેતન મેળવતા મજૂરો અને કામદારોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે નાના 5 કિલોગ્રામના સિલિન્ડર માટેનો ક્વોટા બમણો કરવામાં આવ્યો છે.

સુરતના કાકરાપાર ડેમમાં દુર્ઘટના, નાહવા ગયેલા 4 યુવકો ડૂબ્યા, બચાવ કામગીરી ચાલુ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડેમમાં નાહવા ઉતરેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતા વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે યુવકોનો એક જૂથ કાકરાપાર ડેમ ખાતે ફરવા અને નાહવા માટે ગયો હતો. દરમિયાન એક યુવક અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીનો ભારે પ્રવાહ અને વધારે ઊંડાણ હોવાના કારણે ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

બચાવ કામગીરી ચાલુ

ઘટનાની માહિતી મળતા જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ડેમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બચાવ ટીમો બોટ અને અન્ય સાધનોની મદદથી યુવકોની શોધખોળ કરી રહી છે.

તંત્રની લોકોને અપીલ

સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ડેમ, નદી અને અન્ય ઊંડા જળાશયોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ અને પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને આવા સ્થળોએ નાહવા ન જવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોદીની સલાહ છતાં ચાંદી અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હોવા છતાં મંગળવારે કોમોડિટી માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે 12 મેના દિવસે ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કીંમત લગભગ 1.5 ટકા વધીને એક કિલોના 282463 પર પહોંચી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં 0.3 ટકાના ઉછાળા સાથે કીંમત 10 ગ્રામના 154150 ઉપર પહોંચી ગઈ હતી.  

પેપર લીક વિવાદને કારણે 3 મેએ યોજાયેલી NEET (UG) 2026  પરીક્ષા રદ

0

પેપર લીકના વિવાદને પગલે 3 મે, 2026 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી NEET (UG) 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. NEET UG પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.  

NTA એ જણાવ્યા અનુસાર, 8 મેના રોજ, પરીક્ષા સંબંધિત બાબતોને સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી, ત્યારબાદ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી પ્રાપ્ત થયેલા ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી. પેપર લીકની સીબીઆઈ તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જાળવવા અને નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. NTA અનુસાર, NEET UG 2026 પરીક્ષા હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. નવી પરીક્ષા તારીખ, પ્રવેશ કાર્ડ જારી કરવાનું સમયપત્રક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ટૂંક સમયમાં એજન્સીની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર ચેનલો પર જાહેર કરવામાં આવશે. NTA એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અપીલ કરી છે.

રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ NEET પેપર લીક કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 45 થી વધુ લોકોની અટકાયત કરી છે. ઘણા રાજ્યોમાં દરોડા અને પૂછપરછ ચાલુ છે. સોમવાર સુધીમાં, આ કેસમાં 13 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી.

આ વર્ષે લગભગ 22 લાખ વિદ્યાર્થીઓએ  NEET પરીક્ષા આપી હતી. રાજસ્થાન પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) હવે પેપર લીક કેસમાં તપાસ કરી રહ્યું છે. તેમની તપાસ હેઠળ પ્રથમ, પ્રશ્નપત્ર છાપતી વખતે અને પ્રેસમાં પહોંચાડતી વખતે પેપર લીક થયું હોઈ શકે છે. બીજું, તપાસ એજન્સીઓને શંકા છે કે પ્રશ્નપત્ર લીક કરનાર કોઈ વ્યક્તિ દ્વારા પેપર સેટ કરવામાં આવ્યું હશે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તપાસ CBIને સોંપી છે.

વડાપ્રધાન મોદીએ સોમનાથના દર્શન કરી દેશને કોઈ તાકાત ઝુકાવી ન શકે એવો કર્યો હૂંકાર

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક, સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર દેશભરના 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક સમારોહ યોજાયો હતો. તેમણે એક સ્મારક ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો.

પોતાના ભાષણમાં, પીએમ મોદીએ જણાવ્યું હતું કે 1951માં સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ અને અભિષેક ભારતની સ્વતંત્ર ભાવનાની ઘોષણા હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણથી વિશ્વને સંદેશ મળ્યો કે ભારત માત્ર સ્વતંત્ર જ નથી પણ તેનું પ્રાચીન ગૌરવ પાછું મેળવવાના માર્ગ પર પણ છે.

તેમણે દેશને કોઈ તાકાત ઝુકાવી નહીં શકે એવો હૂંકાર કર્યો હતો.

મુંબઈની પ્રખ્યાત તાજ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી

0

મુંબઈની પ્રખ્યાત તાજ હોટલ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા શખ્સે ફોન કરીને બંને હોટલોમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. બંને હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સુરક્ષા કડક બનાવી દેવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં થોડા જ કલાકોમાં ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરી લીધું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોલ સાયન વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો હતો.

૨૬/૧૧ના આતંકવાદી હુમલાની યાદોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ કોઈપણ જોખમ લેવા તૈયાર નહોતી. હોટલના સ્ટાફ અને મહેમાનોને સાવચેત કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તાર પર કડક નજર રાખવામાં આવી રહી હતી.

હાલ પોલીસ આરોપીની ઓળખ, તેની મન્સા અને કોલ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ છે તેની દિશામાં સઘન તપાસ કરી રહી છે.

બોગસ ડિગ્રી કૌભાંડ: બનાવટી સર્ટિફિકેટથી નોકરી મેળવનારી મહિલાને 3 વર્ષની સજા

નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને ત્રણ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. વર્ષ 2009માં નોંધાયેલા આ કેસમાં અદાલતે આરોપી રાજીબેન પરબતભાઈ બોરખતરીયાને દોષિત ઠેરવી અંતિમ ચુકાદો આપ્યો છે.

કેસ મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રા ગામની રહેવાસી રાજીબેન બોરખતરીયાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં વિદ્યાસહાયક તરીકે ભરતી માટે અરજી કરી હતી. તેણે બૃહદ ગુજરાત સંગીત સમિતિનું ‘સંગીત વિશારદ’ (બી.એ. સમકક્ષ)નું વર્ષ 2006માં પાસ કર્યું હોવાના બનાવટી ગુણપત્રક અને પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે તેને વિદ્યાસહાયક તરીકે નોકરી મળી ગઈ હતી.

પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ દસ્તાવેજો શંકાસ્પદ લાગતાં તેની ખરાઈ માટે બૃહદ ગુજરાત સંગીત સમિતિનો સંપર્ક કર્યો હતો. તપાસમાં ખુલ્યું કે રજૂ કરેલા તમામ પ્રમાણપત્રો સંપૂર્ણપણે ખોટા અને બનાવટી હતા. આ કૌભાંડ બહાર આવતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સરકારી મદદનીશ વકીલ ડો. સ્મિતા પ્રજાપતિએ પુરાવાઓ સાથે મજબૂત દલીલો કરી હતી. ન્યાયાધીશ એસ.એચ. ચાવડાએ સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા અને ત્રણ વર્ષની સખત કેદ સાથે રૂ. 5,000નો દંડ ફટકાર્યો.

આ કેસમાં સહ-આરોપી મનીષકુમાર શંભુભાઈ રાછડિયાનું ટ્રાયલ દરમિયાન અવસાન થઈ જતાં તેમના વિરુદ્ધનો કેસ બંધ કરવામાં આવ્યો હતો.