સુરતના સચિન GIDC વિસ્તારમાં દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે, જ્યાં 12 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બિહારનો રહેવાસી બાળક થર્મોકોલના સહારે પાણીમાં ઉતર્યો હતો, પરંતુ અચાનક થર્મોકોલ તૂટી જતા તે આશરે 20 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ડોલર સામે રૂપિયો સતત ગગડ્યો: છઠ્ઠા સત્રમાં ફરી ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો
ભારતીય રૂપિયામાં સતત નબળાઈ જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો સતત છઠ્ઠા સત્રમાં ઘટ્યો છે. આજે રૂપિયો 96.37 પર ખુલ્યો હતો, જ્યારે અગાઉના સત્રમાં તે 96.35 પર બંધ થયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને શેરબજારમાં શરૂઆતથી જ સુધારો જોવા મળ્યો હોવા છતાં રૂપિયામાં દબાણ યથાવત રહ્યું. સોમવારે ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 96.39 સુધી ગગડી ગયો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર માનવામાં આવે છે.
2026માં રૂપિયો સૌથી નબળું એશિયન ચલણ બન્યો
રૂપિયામાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. 2026 દરમિયાન રૂપિયો એશિયાનું સૌથી નબળું પ્રદર્શન કરતું ચલણ બની ગયું છે. માત્ર આ મહિનામાં જ તેમાં 1.5 ટકા અને સમગ્ર વર્ષ દરમિયાન 7 ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો યુએસ ડોલર સામે 96.38 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન વધુ ઘટીને 96.47 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો. આ અગાઉના બંધની સરખામણીએ 27 પૈસાનો ઘટાડો દર્શાવે છે. સોમવારે રૂપિયો 96.20 પ્રતિ ડોલરના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, ડોલર ઇન્ડેક્સમાં પણ 0.03 ટકાનો ઘટાડો નોંધાઈ 99.16 પર આવી ગયો હતો.
રૂપિયો ફરી સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો
રૂપિયામાં ઘટાડાનો સિલસિલો અટકતો નથી. સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે રૂપિયો 96.47ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો. અગાઉ તેનો સૌથી નીચો સ્તર 96.3875 નોંધાયો હતો. સોમવારે ટ્રેડિંગ દરમિયાન પણ રૂપિયો આ સ્તરે તૂટી પડ્યો હતો. નિષ્ણાતોના મતે ઈરાન યુદ્ધ બાદથી અત્યાર સુધી રૂપિયામાં લગભગ 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ડોલર સામે રૂપિયો 18 પૈસા નબળો પડ્યો
મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 18 પૈસા ઘટીને 96.38 પર પહોંચ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે રૂપિયો વધુ સંવેદનશીલ બન્યો છે. ગલ્ફ દેશોમાંથી થતી આયાત અને નિકાસ પર પણ તેની અસર પડી રહી છે.
રૂપિયો કેમ સતત નબળો પડી રહ્યો છે?
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાચા તેલના ભાવમાં સતત વધારો થવાથી રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. બજારમાં રૂપિયા પ્રત્યેનો વ્યાપક મત નબળો છે અને રોકાણકારો સરકારના તેલના ભાવ ઘટાડવા તથા પુરવઠા નિયંત્રણ સંબંધિત પગલાં પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, રૂપિયાને 96.55ની આસપાસ સપોર્ટ મળી રહ્યો છે, જ્યારે તાત્કાલિક પ્રતિકાર 96 થી 96.10ની વચ્ચે જોવા મળી રહ્યો છે.
બિહારમાં ખનિજ ખજાનાની મોટી શોધ: જામુઈમાં સોનાના સંકેત, 14 બ્લોકની હરાજી ટૂંક સમયમાં થશે હરાજી
બિહારના ખાણ અને ભૂ-તત્ત્વ મંત્રી પ્રમોદ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં દુર્લભ ખનિજ તત્ત્વોના ભંડાર મળ્યા છે અને તેમના વ્યાવસાયિક ખનનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ દુર્લભ ખનિજોના 14 બ્લોકોની ઓળખ કરી છે, જેના માટે ટૂંક સમયમાં હરાજી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે. પ્રમોદ કુમારે કહ્યું કે તેમાં પેલેડિયમ, ટાઇટેનિયમ, ગ્લોકોનાઇટ, કોબાલ્ટ સહિતના અન્ય ખનિજોનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી કે બાંકા જિલ્લામાં કોબાલ્ટ મળ્યો છે અને તેની પણ ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે. ભાગલપુર જિલ્લાના બટેશ્વર સ્થાન વિસ્તારમાં રેર અર્થ એલિમેન્ટ્સ (REE)ના મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. ઉપરાંત જિલ્લામાં ક્રોમાઇટના ભંડાર હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આરઈઈ શું છે અને તેનો ક્યાં ઉપયોગ થાય છે?
ઉલ્લેખનીય છે કે આરઈઈ એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સ 17 કુદરતી ધાતુ તત્ત્વોનો સમૂહ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મિસાઈલ, રડાર, લડાકૂ વિમાનો, ડ્રોન અને સૈન્ય સંચાર સાધનોમાં થાય છે. ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન, લેપટોપ, ટીવી સ્ક્રીન, સ્પીકર, કેમેરા લેન્સ અને હાર્ડ ડિસ્ક જેવા ઉપકરણોમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ તત્ત્વો પૃથ્વીની સપાટી પર પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ તેમના આર્થિક રીતે ઉપયોગી ગાઢ ભંડાર પ્રમાણમાં ઓછા પ્રમાણમાં મળે છે. તેમાં લેન્થેનમ, સેરિયમ, પ્રાસીઓડિમિયમ, નીઓડિમિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસપ્રોસિયમ, હોલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, યિટરબિયમ, લ્યુટેશિયમ, સ્કેન્ડિયમ અને યિટ્રિયમ જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે.
20 મે બાદ શરૂ થશે હરાજી પ્રક્રિયા
કેન્દ્ર સરકાર નવાદા જિલ્લામાં વેનેડિયમ યુક્ત મેગ્નેટાઇટ અને ઇલ્મેનાઇટના એક ખનન બ્લોક તેમજ રોહતાસ જિલ્લામાં ગ્લોકોનાઇટના ત્રણ બ્લોકોની હરાજી કરવાની તૈયારીમાં છે. જાહેર ક્ષેત્રની એકમ મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન (MSTC) દ્વારા આ માટે ખનન બોલીઓ મંગાવવામાં આવી છે અને 20 મે પછી હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ઝારખંડની સીમા સાથે જોડાયેલા દક્ષિણ બિહારના વિસ્તારોમાં વ્યાપક ખનિજ શોધખોળ કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત હવાઈ સર્વે, ઉપગ્રહ ચિત્રો, જૂના આંકડાઓનું વિશ્લેષણ અને જમીન સ્તરે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જામુઈ જિલ્લામાં સોનાના ભંડાર મળવાના સંકેત
રાજ્યના ખાણ અને ભૂ-તત્ત્વ મંત્રી પ્રમોદ કુમારે જણાવ્યું કે જામુઈ જિલ્લાના સોનો વિસ્તારમાં સોનાના ભંડાર હોવાના સંકેત મળ્યા છે. ત્યાં હાલ સર્વેક્ષણ ચાલી રહ્યું છે અને તેની અંતિમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ઉપરાંત બાંકા જિલ્લાના પિંડારક વિસ્તારમાં તાંબાના ભંડાર પણ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેના ખનનની શક્યતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડૂરીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ઉત્તરાખંડના રાજકારણમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવન ચંદ્ર ખંડૂરીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પરિવારે આપી નિધનની માહિતી
પૂર્વ સીએમના પરિવારે તેમના અવસાનની સત્તાવાર માહિતી આપી હતી. ખંડૂરીના પરિવારમાં પત્ની અરુણા, પુત્ર મનીષ અને પુત્રી ઋતુ ખંડૂરી ભૂષણ છે. તેમની પુત્રી અને ઉત્તરાખંડ વિધાનસભાની અધ્યક્ષ ઋતુ ખંડૂરી ભૂષણે જણાવ્યું કે ભુવન ચંદ્ર ખંડૂરીએ રાત્રે લગભગ 11 વાગ્યે દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકારણમાં આગવી ઓળખ ઉભી કરી
ભુવન ચંદ્ર ખંડૂરી ઉત્તરાખંડના દિગ્ગજ નેતાઓમાં ગણાતા હતા. તેઓ પોતાની સાદગી, શિસ્ત અને વિકાસલક્ષી રાજકારણ માટે જાણીતા હતા. તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અમેરિકાના સાન ડિએગોમાં ઇસ્લામિક સેન્ટર પર હુમલો, સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોના મોત
અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઇમ સાથે જોડાયેલો એક ખૂબ જ ડરામણો કિસ્સો સામે આવ્યો છે. કેલિફોર્નિયાના સેન ડિએગો કાઉન્ટીમાં આવેલા સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર સોમવારે બે સગીર બંદૂકધારીઓએ આડેધડ ફાયરિંગ કર્યું હતું.
આ ભયાનક હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પણ નજીકની એક ગલીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સી જા અને સ્થાનિક પોલીસ આ ઘટનાને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવેલો ‘શંકાસ્પદ હેટ ક્રાઇમ’ માનીને તપાસ કરી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટના બપોરે આશરે ૧૨ વાગ્યાની થોડી જ વાર પહેલાં બની હતી, જ્યારે લોકો મસ્જિદ પરિસરમાં હાજર હતા. અચાનક ગોળીઓનો અવાજ આવતા નમાઝીઓ અને પરિસરની અંદર ચાલતી શાળાના બાળકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.
Two teenage gunmen opened fire on Monday at the Islamic Center of San Diego, California, killing three men outside the mosque, one of them a security guard, before the two suspects were found dead, apparently from self-inflicted gunshot wounds, police said.
— ANI (@ANI) May 18, 2026
All of the children… pic.twitter.com/cURDX330ro
સેન ડિએગોના પોલીસ વડા સ્કોટ વાહલે જણાવ્યું કે હુમલો થયા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ મોરચો સંભાળી લીધો હતો અને મસ્જિદ પરિસરની અંદર ડે-સ્કૂલમાં ભણતા તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, કોઈ પણ બાળકને ઈજા થઈ નથી.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેને મસ્જિદની ઇમારત બહાર ત્રણ પુરુષોના મૃતદેહ મળ્યા, જેમને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. મૃતકોમાંના એક મસ્જિદના સિક્યોરિટી ગાર્ડ (સુરક્ષા કર્મચારી) હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ બહાદુર સુરક્ષા કર્મચારીએ પોતાના જીવનું જોખમ ખેડીને હુમલાખોરોને મુખ્ય ઇમારતની અંદર ઘૂસતા રોક્યા હતા, જેના કારણે એક બહુ મોટો નરસંહાર થતા રહી ગયો.
હુમલાના થોડા જ સમય બાદ, સુરક્ષા એજન્સીઓએ નજીકના એક રોડ પર પાર્ક કરેલી શંકાસ્પદ કારની અંદર બે કિશોરો (ઉંમર ૧૭ અને ૧૯ વર્ષ) ના મૃતદેહ મળ્યા. પોલીસનું માનવું છે કે આ બંને જ મસ્જિદ પર હુમલો કરનારા મુખ્ય શૂટર (બંદૂકધારી) હતા, જેમણે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાને ગોળી મારી દીધી હતી.
પાસપોર્ટ વિવાદ: કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાને આસામ ક્રાઇમ બ્રાંચનું સમન્સ
આસામમાં કથિત પાસપોર્ટ વિવાદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આસામ પોલીસની ક્રાઇમ બ્રાંચે કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાને સમન્સ જારી કર્યું છે. પોલીસે તેમને 23 મેના રોજ ગુવાહાટી સ્થિત ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જણાવ્યું છે. આ મામલો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાની પત્ની રિન્કી ભુયાં સરમા સાથે જોડાયેલા કથિત પાસપોર્ટ વિવાદ સાથે સંબંધિત હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી પોલીસે મામલાના તમામ પાસાઓનો જાહેર ખુલાસો કર્યો નથી, પરંતુ તપાસ એજન્સીઓ આ કેસને ગંભીરતાથી જોઈ રહી છે.
પૂછપરછ દરમિયાન સુરજેવાલાનું નામ સામે આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ મામલે કથિત રીતે રણદીપ સુરજેવાલાનું નામ લીધું હતું. ત્યારબાદ તપાસ એજન્સીઓએ કેસની કડીઓને વધુ ઊંડાણથી તપાસવાનું શરૂ કર્યું છે. તપાસ એજન્સીઓ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે ગૌરવ ગોગોઈ અને રણદીપ સિંહ સુરજેવાલા કથિત રીતે આ વિવાદ સાથે જોડાયેલા કોઈ મોટા ષડયંત્રની યોજના બનાવવામાં સામેલ હતા કે નહીં. આસામ પોલીસે જણાવ્યું છે કે મામલાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પવન ખેડાએ શું લગાવ્યા હતા આરોપો?
આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા પવન ખેડાએ આરોપ લગાવ્યો હતો કે સીએમ સરમાની પત્ની પાસે યુએઈ, એન્ટીગુઆ અને ઈજિપ્ત જેવા ત્રણ દેશોના પાસપોર્ટ છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દુબઈમાં આવેલી મિલકતો સહિત કેટલીક વિદેશી સંપત્તિઓનો સત્તાવાર ફાઈલિંગમાં ખુલાસો કરવામાં આવ્યો નહોતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સના વાયોમિંગમાં રજીસ્ટર્ડ એક કંપની સરમા સાથે જોડાયેલી છે અને તેમાં હજારો કરોડ ડોલરના નાણાકીય વ્યવહારો સામેલ છે. કોંગ્રેસ નેતાએ આ મામલાને સંપત્તિ છુપાવવાનો કેસ ગણાવી કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ કરવાની માંગ કરી હતી. આ નિવેદન બાદ તેમના વિરુદ્ધ ગુવાહાટી ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. આ FIRમાં ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો લગાવવામાં આવી છે, જેમાં ચૂંટણી સંબંધિત ખોટા નિવેદનો, છેતરપિંડી, જાલસાજી, માનહાનિ અને શાંતિ ભંગ કરવા જેવા આરોપો સામેલ છે.
રિન્કી ભુયાં સરમાએ આરોપોને ગણાવ્યા ખોટા
રિન્કી ભુયાં સરમાએ આ તમામ આરોપોને નિરાધાર અને દુર્ભાવનાપૂર્ણ ગણાવી સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજો નકલી હતા, જેમાં સરકારી રેકોર્ડ જેવા દેખાતા બનાવટી સીલ અને QR કોડ લગાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે મામલે શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો પવન ખેડા આસામના અધિકારક્ષેત્ર ધરાવતી અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરશે તો તેમના કેસ પર નિષ્પક્ષ રીતે વિચારણા કરવામાં આવશે અને અગાઉના આદેશનો તેના પર કોઈ પ્રભાવ નહીં પડે. ત્યારબાદ ખેડાએ સુપ્રીમ કોર્ટ પાસે સ્ટે હટાવવા અને ટ્રાંઝિટ બેલ વધારવાની માંગ પણ કરી હતી, પરંતુ કોર્ટે આ માંગ ફગાવી દીધી હતી.
ગૌહાટી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ
આ કાનૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે પવન ખેડાએ સીધા ગૌહાટી હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. બીજી તરફ આસામ પોલીસ આ મામલે ખૂબ સક્રિય રહી છે અને અગાઉ હૈદરાબાદમાં ખેડાની શોધમાં પહોંચી હતી. એટલું જ નહીં, પોલીસે દિલ્હીમાં આવેલા તેમના નિવાસસ્થાને પણ જઈ તપાસ કરી હતી. હવે આ મામલે આગળનો નિર્ણય ગૌહાટી હાઇકોર્ટમાં સુનાવણી બાદ જ સ્પષ્ટ થશે કે પવન ખેડાને આ કેસમાં રાહત મળે છે કે નહીં.
ઉત્તર ભારત ગરમીથી તપ્યું: અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી, પારો 47 ડિગ્રી પાર
ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં આ અઠવાડિયે પ્રચંડ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સોમવારથી 24 મે સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. સાથે જ મંગળવારથી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તીવ્ર લૂ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પંજાબના ભટિંડામાં દિવસ દરમિયાન તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ભારે ગરમીમાં શેકાઈ ગયા હતા. હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહ દરમિયાન પણ દિલ્હીમાં આવી જ આકરી ગરમી યથાવત રહેશે અને તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.
સૂકા અને કાળઝાળ પવનો સાથે સતત વધી રહેલી ગરમીના કારણે દિવસ દરમિયાન મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD મુજબ દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ખાતે મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ ગરમીના કારણે એર કન્ડિશનર અને કૂલરનો ઉપયોગ વધતા રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળીની મહત્તમ માંગ 7542 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે આ ઉનાળાની અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ છે.
ખાદ્યતેલના ભાવમાં ભડકો: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો
સુરત સહિત રાજ્યભરમાં ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતા સામાન્ય ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.
મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગતેલનો એક ડબ્બો રૂ. 2765 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે રૂ. 20નો વધારો થયો છે અને તેનો ભાવ હવે રૂ. 2620 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ખાદ્યતેલની આયાત ખર્ચમાં વધારો થતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
આ વર્ષે ડબ્બાના ભાવમાં રૂ.600નો વધારો
ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદ્યતેલના ડબ્બાના ભાવમાં આશરે રૂ. 600 જેટલો વધારો નોંધાતા મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે ખાદ્યતેલના વધતા ભાવ લોકો માટે વધુ ચિંતાનો વિષય બન્યા છે. વેપારીઓનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે.
રખડતા કૂતરા કેસમાં સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી, જાણો NHAIએ કોર્ટમાં શું દલીલ કરી?
સુપ્રીમ કોર્ટે જાહેર સંસ્થાઓના પરિસરમાંથી રખડતા કૂતરાઓને હટાવવાના પોતાના અગાઉના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ડોગ લવર્સ દ્વારા કરવામાં આવેલી અરજીને નામંજૂર કરતા સ્પષ્ટ કર્યું છે કે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ યથાવત રહેશે.
ડોગ લવર્સ અને પશુપ્રેમી સંગઠનોએ જાહેર સ્થળોથી કૂતરાઓને હટાવવાના આદેશમાં રાહત આપવા માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણય બાદ હવે દેશભરના જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને દૂર કરવાની કાર્યવાહી વધુ તેજ બની શકે છે.
NHAIએ કોર્ટમાં શું દલીલ કરી?
સુનાવણી દરમિયાન બેન્ચે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) તરફથી રજૂ કરાયેલી દલીલો પણ સાંભળી હતી. તેમાં 7 નવેમ્બર 2025ના સુપ્રીમ કોર્ટના આદેશના અમલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અદાલતે NHAIને રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવા અને રસ્તાની બાજુમાં વાડ લગાવવાના નિર્દેશ આપ્યા હતા.
અદાલતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI)ને પણ પશુ આશ્રયસ્થળો અને પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો માટે મંજૂરી માંગતી એનજીઓની અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવા સૂચના આપી હતી. બેન્ચે AWBIના વકીલને કહ્યું હતું કે, “અરજી સ્વીકારો કે ફગાવો, પરંતુ ઝડપથી કાર્યવાહી કરો.”
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે વકીલે જણાવ્યું કે 7 નવેમ્બરના આદેશ બાદ વિવિધ સંગઠનો તરફથી આવી અરજીઓમાં અચાનક વધારો થયો છે.
શું છે સમગ્ર મામલો?
જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે 7 નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી કરી હતી. આ આદેશમાં અધિકારીઓને સંસ્થાકીય વિસ્તારો અને રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 13 જાન્યુઆરીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જો કૂતરાના હુમલાની ઘટનાઓ ચાલુ રહેશે તો રાજ્યોને ભારે વળતર ચૂકવવાનું કહેવામાં આવશે. સાથે જ જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવનાર લોકોને પણ જવાબદાર ઠેરવવાની ચેતવણી આપવામાં આવી હતી.
અદાલતે છેલ્લા પાંચ વર્ષથી રખડતા પશુઓ સંબંધિત નિયમોના યોગ્ય અમલ ન થવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્ર અને નગરપાલિકાઓ પર કડક અમલવારી માટે દબાણ વધ્યું છે.
ઋષિકેશ ટ્રેન અકસ્માત! ઉજ્જૈન એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા
ઉત્તરાખંડના ઋષિકેશ રેલવે સ્ટેશન નજીક ખાંડ ગામ વિસ્તારમાં એક ગંભીર રેલ અકસ્માત સર્જાયો છે. સોમવારે રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઉજ્જૈની એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે આ ઘટનાના સમયે ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. ઘટના બાદ સ્થાનિક લોકો તેમજ રેલવે કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત જાળવણી દરમિયાન ટ્રેનના બ્રેક ફેલ થઈ ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રેલવે વ્યવસ્થાપન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આરોપ છે કે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે લગભગ અઢી કલાક બાદ પહોંચ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી, જેને GRP (સરકારી રેલવે પોલીસ)ના જવાનોએ નિયંત્રિત કરી લોકોને દૂર કર્યા હતા. હાલ રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સાસારામમાં ટ્રેનમાં આગની ઘટના
આ પહેલાં સોમવારે સવારે 6 વાગ્યે સાસારામ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગી હતી. સાસારામથી આરા થઈને પટણા જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગતાં મુસાફરો અને પ્લેટફોર્મ પર હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. લોકો તાત્કાલિક દોડાદોડી કરવા લાગ્યા હતા. જોકે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં આગની ઘટના
રવિવારે તિરુવનંતપુરમ–હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (12431)ના એક કોચમાં આગ લાગી હતી. આ ઘટના મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના આલોટ સ્ટેશન પાસે બની હતી. આગ લાગેલા કોચમાં 68 મુસાફરો સવાર હતા, પરંતુ સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

