Home Blog Page 91

ઉત્તર ભારત ગરમીથી તપ્યું: અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી, પારો 47 ડિગ્રી પાર

0

ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં આ અઠવાડિયે પ્રચંડ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સોમવારથી 24 મે સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. સાથે જ મંગળવારથી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તીવ્ર લૂ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પંજાબના ભટિંડામાં દિવસ દરમિયાન તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ભારે ગરમીમાં શેકાઈ ગયા હતા. હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહ દરમિયાન પણ દિલ્હીમાં આવી જ આકરી ગરમી યથાવત રહેશે અને તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.

સૂકા અને કાળઝાળ પવનો સાથે સતત વધી રહેલી ગરમીના કારણે દિવસ દરમિયાન મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD મુજબ દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ખાતે મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ ગરમીના કારણે એર કન્ડિશનર અને કૂલરનો ઉપયોગ વધતા રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળીની મહત્તમ માંગ 7542 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે આ ઉનાળાની અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ છે.

ખાદ્યતેલના ભાવમાં ભડકો: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો

0

સુરત સહિત રાજ્યભરમાં ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતા સામાન્ય ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગતેલનો એક ડબ્બો રૂ. 2765 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે રૂ. 20નો વધારો થયો છે અને તેનો ભાવ હવે રૂ. 2620 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ખાદ્યતેલની આયાત ખર્ચમાં વધારો થતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

આ વર્ષે ડબ્બાના ભાવમાં રૂ.600નો વધારો
ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદ્યતેલના ડબ્બાના ભાવમાં આશરે રૂ. 600 જેટલો વધારો નોંધાતા મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે ખાદ્યતેલના વધતા ભાવ લોકો માટે વધુ ચિંતાનો વિષય બન્યા છે. વેપારીઓનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે.

રખડતા કૂતરા કેસમાં સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી, જાણો NHAIએ કોર્ટમાં શું દલીલ કરી?

0

સુપ્રીમ કોર્ટે જાહેર સંસ્થાઓના પરિસરમાંથી રખડતા કૂતરાઓને હટાવવાના પોતાના અગાઉના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ડોગ લવર્સ દ્વારા કરવામાં આવેલી અરજીને નામંજૂર કરતા સ્પષ્ટ કર્યું છે કે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ યથાવત રહેશે.

ડોગ લવર્સ અને પશુપ્રેમી સંગઠનોએ જાહેર સ્થળોથી કૂતરાઓને હટાવવાના આદેશમાં રાહત આપવા માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણય બાદ હવે દેશભરના જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને દૂર કરવાની કાર્યવાહી વધુ તેજ બની શકે છે.

NHAIએ કોર્ટમાં શું દલીલ કરી?
સુનાવણી દરમિયાન બેન્ચે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) તરફથી રજૂ કરાયેલી દલીલો પણ સાંભળી હતી. તેમાં 7 નવેમ્બર 2025ના સુપ્રીમ કોર્ટના આદેશના અમલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અદાલતે NHAIને રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવા અને રસ્તાની બાજુમાં વાડ લગાવવાના નિર્દેશ આપ્યા હતા.

અદાલતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI)ને પણ પશુ આશ્રયસ્થળો અને પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો માટે મંજૂરી માંગતી એનજીઓની અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવા સૂચના આપી હતી. બેન્ચે AWBIના વકીલને કહ્યું હતું કે, “અરજી સ્વીકારો કે ફગાવો, પરંતુ ઝડપથી કાર્યવાહી કરો.”

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે વકીલે જણાવ્યું કે 7 નવેમ્બરના આદેશ બાદ વિવિધ સંગઠનો તરફથી આવી અરજીઓમાં અચાનક વધારો થયો છે.

શું છે સમગ્ર મામલો?
જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે 7 નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી કરી હતી. આ આદેશમાં અધિકારીઓને સંસ્થાકીય વિસ્તારો અને રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે 13 જાન્યુઆરીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જો કૂતરાના હુમલાની ઘટનાઓ ચાલુ રહેશે તો રાજ્યોને ભારે વળતર ચૂકવવાનું કહેવામાં આવશે. સાથે જ જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવનાર લોકોને પણ જવાબદાર ઠેરવવાની ચેતવણી આપવામાં આવી હતી.

અદાલતે છેલ્લા પાંચ વર્ષથી રખડતા પશુઓ સંબંધિત નિયમોના યોગ્ય અમલ ન થવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્ર અને નગરપાલિકાઓ પર કડક અમલવારી માટે દબાણ વધ્યું છે.

ઋષિકેશ ટ્રેન અકસ્માત! ઉજ્જૈન એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

0

ઉત્તરાખંડના ઋષિકેશ રેલવે સ્ટેશન નજીક ખાંડ ગામ વિસ્તારમાં એક ગંભીર રેલ અકસ્માત સર્જાયો છે. સોમવારે રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઉજ્જૈની એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે આ ઘટનાના સમયે ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. ઘટના બાદ સ્થાનિક લોકો તેમજ રેલવે કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત જાળવણી દરમિયાન ટ્રેનના બ્રેક ફેલ થઈ ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રેલવે વ્યવસ્થાપન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આરોપ છે કે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે લગભગ અઢી કલાક બાદ પહોંચ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી, જેને GRP (સરકારી રેલવે પોલીસ)ના જવાનોએ નિયંત્રિત કરી લોકોને દૂર કર્યા હતા. હાલ રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સાસારામમાં ટ્રેનમાં આગની ઘટના
આ પહેલાં સોમવારે સવારે 6 વાગ્યે સાસારામ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગી હતી. સાસારામથી આરા થઈને પટણા જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગતાં મુસાફરો અને પ્લેટફોર્મ પર હાજર લોકોમાં હડકંપ મચી ગયો હતો. લોકો તાત્કાલિક દોડાદોડી કરવા લાગ્યા હતા. જોકે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં આગની ઘટના
રવિવારે તિરુવનંતપુરમ–હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (12431)ના એક કોચમાં આગ લાગી હતી. આ ઘટના મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના આલોટ સ્ટેશન પાસે બની હતી. આગ લાગેલા કોચમાં 68 મુસાફરો સવાર હતા, પરંતુ સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

બિહારમાં વંદે ભારત સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો, કોચના કાચ તૂટતા મુસાફરોમાં નાસભાગ

0

બિહારના મુઝફ્ફરપુરમાં રવિવારની સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં વંદે ભારત એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ડરના માર્યા પોતાની સીટો છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા હતા.

પથ્થરમારામાં હાઇસ્પીડ ટ્રેનના 3 કોચને નુકસાન
પાટલિપુત્ર-ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસને મઝૌલિયા અને ખબરા વિસ્તાર પાસે નિશાન બનાવવામાં આવી હતી. પથ્થર લાગવાના કારણે આ હાઇસ્પીડ ટ્રેનના ત્રણ કોચની બારીઓના કાચ આંશિક રીતે તૂટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ ડરેલા મુસાફરોએ તાત્કાલિક રેલવે પ્રશાસન અને આરપીએફ (RPF)ને જાણ કરી હતી.

વંદે ભારત બાદ અન્ય બે ટ્રેનો પર પણ હુમલો
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની આ ઘટનાના ગણતરીના સમયમાં જ આ જ રેલવે લાઇન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નંબર 15550 પટના-જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14006 લિચ્છવી એક્સપ્રેસ પર પણ ઉપરાઉપરી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ બંને ટ્રેનોના પણ અનેક કોચની બારીઓના કાચ તૂટી ગયા હોવાના અહેવાલો છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
એક જ રેલખંડ પર માત્ર દોઢ કલાકમાં સતત ત્રણ ટ્રેનો પર પથ્થરમારાના સમાચાર મળતાં જ સોનપુર મંડળ અને રેલવે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આરપીએફ અને જીઆરપીની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. રેલવે સુરક્ષા બળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પથ્થરમારો કરનારા તત્ત્વોને પકડવા માટે વંદે ભારત એક્સપ્રેસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ખંગાળવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલવે ટ્રેક નજીક રમી રહેલા બાળકોએ તોફાનમાં આ પથ્થરો ફેંક્યા હોઈ શકે છે. જોકે, રેલવે પોલીસ આમાં કોઈ અસામાજિક તત્ત્વોની સંડોવણી હોવાની શક્યતાને પણ નકારી રહી નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટના માત્ર બાળકોની કોઈ શરારત હતી કે પછી કોઈ મોટા કાવતરાના ભાગરૂપે ટ્રેનોને નિશાન બનાવવામાં આવી છે.

દોષિતોને બક્ષવામાં નહીં આવે: રેલ એસપી
આ મામલે રેલવે એસપી વીણા કુમારીએ જણાવ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો પર પણ પથ્થરમારો થયો હોવાની માહિતી મળી છે. જે અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક લોકો રેલવે લાઇન કિનારે ઊભા હતા અને ટ્રેન પસાર થતી વખતે તેમણે પથ્થરો ફેંક્યા હતા. રેલ એસપીએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં સાફ કહ્યું છે કે, ટ્રેનો પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોને કોઈ પણ કિંમતે બક્ષવામાં આવશે નહીં અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઓળખ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરમાં ACBનો મોટો ટ્રેપ: ક્લાસ-2 અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરના સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. અને સર્ટિફિકેટ માન્ય રાખવાના અવેજ પેટે રૂ. 5 લાખની મસમોટી લાંચ માંગતા એસીબીના સકંજામાં આવી ગયા છે.

અમદાવાદ શહેર એસીબીની ટીમે આજે 18 મે, સોમવારે ગાંધીનગરના ઘ-2 સર્કલ પાસે જાહેર રોડ ઉપર સફળ ટ્રેપ ગોઠવી આ લાંચિયા અધિકારીને પ્રથમ હપ્તા તરીકે રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ચકચારી કેસની વિગત મુજબ, ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને તેઓ વિવિધ બાંધકામ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમ ફિટ કરવાનું વ્યવસાયિક કામકાજ કરે છે. પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ તેના સર્ટિફિકેટ્સ સંબંધિત પ્રોજેક્ટના માલિક મારફતે ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા હોય છે.

આ રજૂ થયેલા પ્રમાણપત્રોને માન્ય રાખવા તેમજ પ્રોજેક્ટ માટે ઈશ્યુ કરવામાં આવેલી ફાયર એનઓસીના સંદર્ભમાં આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે ફરિયાદી પાસે રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા નાણાં ટુકડે-ટુકડે આપવાની વાત કરી હતી. તે અંતર્ગત આજ રોજ પ્રથમ હપ્તા તરીકે રૂ. 50 હજાર ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

જો કે, ફરિયાદી આ લાંચિયા અધિકારીને ભ્રષ્ટાચારના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અધિકારી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ. પુવારના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. વાળા તથા તેમની ટીમે ગાંધીનગરમાં ઘ-2 સર્કલ પટેલ આઈસ્ક્રીમ પાસે આવેલા 102 નંબરના AMTS બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું.

ટ્રેપ દરમિયાન ફરિયાદી જ્યારે નિયત સ્થળે પહોંચ્યા ત્યારે આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની ખાતરી કરી હતી. જેવી ફરિયાદીએ રૂ. 50 હજારની રોકડ રકમ આપી કે તરત જ છુપાઈને ઉભેલી ACBની ટીમે ત્રાટકી આરોપીને સ્થળ પર જ લાંચની રકમ સાથે દબોચી લીધો હતો.

હાલ ગુજરાત રાજ્ય એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ ક્લાસ-2ના આ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને તેના ભ્રષ્ટાચારના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad: નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દુકાનમાં કામ કરતી સેલ્સ ગર્લે જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સેલ્સ ગર્લ કેટલાય દિવસથી ફરાર હતી, જોકે ક્રાઈમબ્રાન્ચે આજે તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ દુકાનમાંથી અંદાજે ₹1.66 કરોડના દાગીના ચોરી કર્યા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોરીના સમગ્ર કાવતરામાં હર્ષિદાના પ્રેમીની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે પ્રેમીની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, બંનેએ મળીને આયોજનબદ્ધ રીતે દાગીના ગાયબ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ચોરાયેલા દાગીનાની પુનઃપ્રાપ્તિ અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ચોરી બાદ દાગીનાને અલગ-અલગ જગ્યાએ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી શંકા ન જાય. દુકાનના હિસાબમાં ગડબડ દેખાતા માલિકને શંકા ગઈ હતી, જેના આધારે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ નિકોલ પોલીસ આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ કોલ રેકોર્ડ અને દાગીનાના વેચાણ સંબંધિત કડીઓની પણ તપાસ કરી રહી છે.

અમૂલ દૂધના ભાવમાં વધારો: 19 મેથી લાગુ થશે નવા દર, જાણો હવે કેટલું મોંઘું મળશે દૂધ

0

અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ફરી વધારો જાહેર કર્યો છે. કંપની દ્વારા વિવિધ દૂધના પેકેટના ભાવમાં રૂ.1 થી રૂ.3 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 19 મે 2026 એટલે કે આવતીકાલથી સમગ્ર દેશમાં અમલમાં આવશે. અગાઉ પણ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ફરી એકવાર ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.

અમૂલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પેકેજિંગ ફિલ્મ, ઇનપુટ ખર્ચ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થવાને કારણે ડેરી ઉદ્યોગ પર આર્થિક બોજ વધી રહ્યો છે. ઉત્પાદનથી લઈને વિતરણ સુધીના તમામ ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાતા કંપનીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

કયા દૂધના કેટલા વધ્યા ભાવ?
નવી જાહેર થયેલી કિંમત મુજબ અમૂલ ગોલ્ડ (Amul Gold) 500 મિલીનો ભાવ રૂ.35થી વધીને રૂ.36 થયો છે. અમૂલ તાજા (Amul Taaza) 500 મિલી હવે રૂ.28ના બદલે રૂ.29માં મળશે. અમૂલ શક્તિ (Amul Shakti) 500 મિલીનો ભાવ રૂ.32થી વધીને રૂ.33 થયો છે.

સુમુલ ગાય દૂધ 500 મિલીનો ભાવ રૂ.29થી વધીને રૂ.30 કરવામાં આવ્યો છે. અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ 500 મિલી હવે રૂ.25ના બદલે રૂ.26માં મળશે.

અમૂલ ભેંસ દૂધ 1 લીટર પેકેટમાં સૌથી મોટો વધારો નોંધાયો છે, જેનો ભાવ રૂ.75થી વધીને રૂ.78 થયો છે. જ્યારે સુમુલ છાશ 500 મિલીનો ભાવ રૂ.16થી વધીને રૂ.17 કરવામાં આવ્યો છે.

ડેરી સંચાલકોનું શું કહેવું?
ડેરી સંચાલકોના જણાવ્યા અનુસાર વધતા ટ્રાન્સપોર્ટેશન અને ડીઝલ ખર્ચ વચ્ચે ગુણવત્તા જાળવી રાખવા તેમજ ગ્રાહકો સુધી નિયમિત સપ્લાય પહોંચાડવા માટે ભાવ વધારો જરૂરી બન્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી કાચા માલ અને પેકેજિંગના ખર્ચમાં સતત વધારો થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લખીમપુરથી બહરાઈચ સુધી હાહાકાર: ઉત્તર પ્રદેશમાં બે અકસ્માતોમાં 12ના મોત, અનેક ઘાયલ

0

ઉત્તર પ્રદેશમાં સોમવારે બે અલગ-અલગ સ્થળોએ થયેલા ભયાનક માર્ગ અકસ્માતોએ ભારે ચકચાર મચાવી દીધી છે. લખીમપુર ખિરી અને બહરાઈચ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. બંને અકસ્માતો બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.

માહિતી મુજબ લખીમપુર ખિરી જિલ્લાના ધૌરહરા વિસ્તારમાં સિસૈયા-લખીમપુર નેશનલ હાઈવે-730 પર મેજિક વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ઇસાનગર અને ધૌરહરા પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદ પર આવેલા ઊંચગાંવ અને ભરેહતા ગામ વચ્ચે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર લખીમપુર તરફથી સિસૈયા જઈ રહેલી મેજિક વાન સામે આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધૌરહરાના સીઓ શમશેર બહાદુર સિંહે સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી.

બીજી તરફ બહરાઈચ જિલ્લામાં પણ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બહરાઈચના પોલીસ અધિક્ષક વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક કાર બહરાઈચ તરફ જઈ રહી હતી ત્યારે બાજુના રસ્તા પરથી આવી રહેલા કમ્બાઈન હાર્વેસ્ટર સાથે તેની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બંને દુર્ઘટનાઓ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ તથા બેદરકારી અકસ્માત પાછળનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પૂર્વ મિસ પુણે ટ્વિશા શર્માનું લગ્નના પાંચ મહિનામાં શંકાસ્પદ મોત

0

ભોપાલમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોતને ભેટેલી ટ્વિશા શર્મા માત્ર એક સામાન્ય ગૃહિણી નહોતી, પરંતુ ખૂબ જ પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. MBA સુધી અભ્યાસ કરનાર ટ્વિશાએ માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પૂર્વ મિસ પુણે રહી ચૂકી હતી અને યોગ ટ્રેનર તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. ડેટિંગ એપથી શરૂ થયેલી લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ લગ્નના માત્ર પાંચ મહિનામાં જ તેનું જીવન દુઃખદ અંત સુધી પહોંચી ગયું. મોત પહેલા માતા અને મિત્રોને મોકલેલા ભાવુક મેસેજોએ અનેક સવાલો ઉભા કર્યા છે કે શું ટ્વિશા ખરેખર માનસિક રીતે પરેશાન હતી કે પછી આ મામલે કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે?

ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માએ MBA સુધી અભ્યાસ કર્યો હતો અને લગ્ન પહેલાં દિલ્હીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તેણે તેલુગુ ફિલ્મ ‘મુગ્ગુરુ મોનાગલ્લુ’માં પણ અભિનય કર્યો હતો.

ટ્વિશાનો કારકિર્દી માર્કેટિંગ, કમ્યુનિકેશન અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલો હતો. એક કથિત LinkedIn પ્રોફાઈલ મુજબ તેણે પોતાને ડાયનેમિક પ્રોફેશનલ તરીકે રજૂ કરી હતી, જેને માર્કેટિંગ સાથે અભિનય અને ફિલ્મ નિર્માણમાં પણ રસ હતો. પ્રોફાઈલમાં ઉલ્લેખ હતો કે તેણે મુંબઈની કંપની ફ્લેવર પોટ ફૂડ્સમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું હતું. પછી તે જર્મન એકેડમી ઓફ ડિજિટલ એજ્યુકેશન (DADB)માં કમ્યુનિકેશન અને ઓનબોર્ડિંગ મેનેજર તરીકે પણ રહી હતી. ઉપરાંત તે પ્રમાણિત યોગ ટ્રેનર અને વિપશ્યના મેડિટેશનની સાધિકા પણ હતી.

માતાને મોકલ્યા હતા ભાવુક મેસેજ
મોત પહેલા ટ્વિશાએ પોતાની માતા અને મિત્રોને કેટલાક ભાવુક વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજોમાં તેણે પોતાની માનસિક પરેશાની અને લગ્નજીવનમાં “ફસાઈ ગઈ” હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

એક મેસેજમાં તેણે પોતાની માતાને લખ્યું હતું, “મને અહીં શા માટે મોકલી? આ વ્યક્તિ મારી સાથે વાત પણ કરતો નથી.” બીજા મેસેજમાં તેણે લખ્યું હતું, “મમ્મી, મારું જીવન નરક બની ગયું છે.” મિત્ર સાથેની વાતચીતમાં ટ્વિશાએ કહ્યું હતું કે ઘરે બેસી રહેવાના કારણે તે ચિંતામાં હતી અને જીવનમાં કંઈક કરવું માંગતી હતી.

પરિવારની ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ
ટ્વિશાના મોત બાદ તેના પરિવારજનોએ ભોપાલમાં મુખ્યમંત્રી નિવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને AIIMS દિલ્હી ખાતે ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ ઉઠાવી હતી. પરિવારનો આરોપ છે કે ન્યાય મેળવવા માટે તેમને સતત અધિકારીઓના ચક્કર લગાવવા પડી રહ્યા છે. ટ્વિશાના પિતા નવનિધિ શર્મા અને તેના કઝિન આશિષ શર્માએ આરોપ લગાવ્યો હતો કે શરૂઆતમાં પોલીસ FIR નોંધવામાં પણ આનાકાની કરી રહી હતી.

SIT કરશે સમગ્ર મામલાની તપાસ
દહેજ હેરાનગતિના આરોપોની તપાસ માટે પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. પરિવારજનોએ ટ્વિશાના પતિ સમર્થ સિંહ અને તેમની માતા ગિરીબાલા સિંહ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારને આશંકા છે કે આરોપીઓનો પ્રભાવ તપાસને અસર કરી શકે છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.