અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ફરી વધારો જાહેર કર્યો છે. કંપની દ્વારા વિવિધ દૂધના પેકેટના ભાવમાં રૂ.1 થી રૂ.3 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 19 મે 2026 એટલે કે આવતીકાલથી સમગ્ર દેશમાં અમલમાં આવશે. અગાઉ પણ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ફરી એકવાર ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.
અમૂલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પેકેજિંગ ફિલ્મ, ઇનપુટ ખર્ચ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થવાને કારણે ડેરી ઉદ્યોગ પર આર્થિક બોજ વધી રહ્યો છે. ઉત્પાદનથી લઈને વિતરણ સુધીના તમામ ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાતા કંપનીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
કયા દૂધના કેટલા વધ્યા ભાવ?
નવી જાહેર થયેલી કિંમત મુજબ અમૂલ ગોલ્ડ (Amul Gold) 500 મિલીનો ભાવ રૂ.35થી વધીને રૂ.36 થયો છે. અમૂલ તાજા (Amul Taaza) 500 મિલી હવે રૂ.28ના બદલે રૂ.29માં મળશે. અમૂલ શક્તિ (Amul Shakti) 500 મિલીનો ભાવ રૂ.32થી વધીને રૂ.33 થયો છે.
સુમુલ ગાય દૂધ 500 મિલીનો ભાવ રૂ.29થી વધીને રૂ.30 કરવામાં આવ્યો છે. અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ 500 મિલી હવે રૂ.25ના બદલે રૂ.26માં મળશે.
અમૂલ ભેંસ દૂધ 1 લીટર પેકેટમાં સૌથી મોટો વધારો નોંધાયો છે, જેનો ભાવ રૂ.75થી વધીને રૂ.78 થયો છે. જ્યારે સુમુલ છાશ 500 મિલીનો ભાવ રૂ.16થી વધીને રૂ.17 કરવામાં આવ્યો છે.
ડેરી સંચાલકોનું શું કહેવું?
ડેરી સંચાલકોના જણાવ્યા અનુસાર વધતા ટ્રાન્સપોર્ટેશન અને ડીઝલ ખર્ચ વચ્ચે ગુણવત્તા જાળવી રાખવા તેમજ ગ્રાહકો સુધી નિયમિત સપ્લાય પહોંચાડવા માટે ભાવ વધારો જરૂરી બન્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી કાચા માલ અને પેકેજિંગના ખર્ચમાં સતત વધારો થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.