Home Blog Page 576

“વન નેશન વન ઇલેકશન” બિલને કેન્દ્રિય મંત્રીમંડળની લીલીઝંડી, સંસદમાં રજૂ કરાશે બિલ

0

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાનાં એંધાણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઈલેક્શનને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ લોકસભાની ચૂંટણી પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ ભલામણોનો સ્વીકાર કર્યો હતો. પોતાના રિપોર્ટમાં સમિતિએ માત્ર બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. ભલામણ મુજબ, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી બીજા તબક્કામાં યોજવી જોઈએ.

”વન નેશન-વન ઈલેક્શન” એટલે શું? હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલાઓને પ્રતિ માહ 1000 રૂ. આપશે

0

દિલ્હીના પૂર્વ મુખ્યામંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું દિલ્હીના લોકો માટે બે મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને દિલ્હીની મહિલાઓ માટે છે. મેં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. દિલ્હી કેબિનેટે તેને પાસ કરી દીધો છે. આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં આમ આદમી પાર્ટીને આ યોજનાને લાગુ કરવાની અપેક્ષા હતી. CM આતિશીએ હાલમાં જ નાણાં વિભાગને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લે. તેમણે નાણાં અને યોજના વિભાગોને પ્રસ્તાવ પર વિચાર કરવા અને એ અનુસાર પોતાનો મત રાખવા નિર્દેશ આપ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે પૈસા ક્યાંથી આવશે. જ્યારે હું મફત વીજળી આપતો હતો ત્યારે પણ તેઓ આવું જ કહેતા હતા. હું જે કહું તે કરું છું. યોજના અમલમાં આવી છે પરંતુ ચૂંટણી બાદ ખાતામાં પૈસા આવશે. કેજરીવાલે કહ્યું કે આ માટે રજીસ્ટ્રેશન શુક્રવારથી શરૂ થશે. આ રજિસ્ટ્રેશન 1000 રૂપિયામાં નહીં પરંતુ 2100 રૂપિયામાં થશે. ચૂંટણી પછી તમારા ખાતામાં 1000 નહીં પરંતુ 2100 રૂપિયા આવશે. ચૂંટણી જીતીને જ્યારે અમારી સરકાર બનશે ત્યારે મહિલાઓના ખાતામાં દર મહિને 2100 રૂપિયા મોકલવામાં આવશે. ભાજપના લોકો પૂછે તો કહે કે મારો ભાઈ જાદુગર છે. લાકડી લહેરાવશે અને પૈસા લાવશે.

આ યોજનાને લઈને અધિકારીઓએ નાણાં મંત્રીને રિપોર્ટ સોંપી દીધો હતો. આ યોજના માટે રૂ. 4560 કરોડનું બજેટ પ્રસ્તાવિત છે. વિભાગે આ યોજનાની ખામીઓને પણ ઉજાગર કરી હતી. દિલ્હી સરકારના અધિકારીઓ અનુસાર પ્રસ્તાવિત યોજનાનું લક્ષ્ય રૂ. ત્રણ લાખથી ઓછી વાર્ષિક પારિવારિક આવકવાળી મહિલાઓ છે. જેને પગલે લાભાર્થી મહિલાઓની સંખ્યા આશરે 10 લાખ સુધી હશે.

આ પણ વાંચો :-

સુરતમાં નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં 10 વર્ષના બાળકની આત્મહત્યા

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યાં છે. સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. બાળકના આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ રોઠાડ પોતાના ચાર બાળકો સાથે રહે છે. ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે. દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં અને પતંગ ચગાવી રહ્યા હતાં. જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરો ન આપતાં તે નારાજ થઈ ગયો. નજીવી બાબતે નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતાં તેઓ મજૂરી કામ મૂકી તુરંત ઘરે દોડી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકની આત્મહત્યાની પોલીસને જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

આ પણ વાંચો :-

હાથરસ પીડિત પરિવારને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

0

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સવારે હાથરસ ગેંગ રેપ પીડિતાના પરિવારને મળવા હાથરસ પહોંચ્યા હતા. કોંગ્રેસના સાંસદો આજે હાથરસના બૂલ ગઢી ગામમાં પહોંચ્યા હતા. તેમની અપેક્ષિત મુલાકાતને ધ્યાનમાં રાખીને, પોલીસે જિલ્લાના ચાંદપા વિસ્તારના ગામમાં અને તેની આસપાસ પોલીસ કર્મચારીઓની તૈનાતી વધારી દીધી છે. અગાઉ, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા અજય રાયે લખનૌમાં પુષ્ટિ કરી હતી કે રાહુલ ગાંધી હાથરસના બૂલ ગઢીમાં પીડિત પરિવારની મુલાકાત લેશે.

રાહુલની હાથરસની મુલાકાત પર, કોંગ્રેસના સ્થાનિક નેતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ પીટીઆઈને કહ્યું, “રાહુલ જી અને પ્રિયંકાજી એવા નેતાઓ છે જેઓ દેશભરના પીડિત લોકોના સંપર્કમાં છે. રાહુલ જી પણ આ પરિવારના સંપર્કમાં છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાથરસની મુલાકાતના ચાર વર્ષ બાદ આ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. 14 સપ્ટેમ્બર, 2020ના રોજ હાથરસમાં એક યુવતી પર તેના ગામના કેટલાક લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો, સારવાર દરમિયાન યુવતી મૃત્યુ પામી હતી. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભૂપેન્દ્ર પટેલની સરકારના ઝળહળતા બે વર્ષ પૂર્ણ, ‘દાદા’ને નિરંકુશ કરવામાં આવશે તો ગુજરાત વધુ સોળે કળાએ ખીલી ઉઠશે

રાજકીય અને વહિવટકુશળ ભૂપેન્દ્ર પટેલમાં લોકકલ્યાણના કામો કરવાની ભારોભાર ક્ષમતા છે, પરંતુ સવાલ છે સરકાર ચલાવવા માટે મોકળાશ આપવાનો

વિતેલા બે વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સામે વ્યક્તિગત કે સરકાર સામે એક પણ આંગળી ચિંધાઇ નથી બલ્કે ક્રમશઃ ભૂપેન્દ્ર પટેલમાં લોકો પોતીકાપણાની લાગણી અનુભવી રહ્યા છે

વિતેલા વર્ષોમાં સરકારની અનેક યોજનાઓ રજુ કરવામા આવી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, ખેતી, ખેડૂત મહિલાઓ અને નવા રોકાણકારો માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે દેશભરમાં અવલ્લ નંબર હાંસલ કર્યો

કાયદો, વ્યવસ્થાની જાળવણીમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઇ કમી છોડી નથી, ગુનેગાર માફિયાઓને રાજકીય ઓથ હોય તો પણ માફ કર્યા નથી અને એટલે જ ગુજરાત સાર્વત્રિક ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે

મૃદુ અને સાવ નિખાલસ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરૂવાર તા.૧૨મીના રોજ સરકારના બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે. વિતેલા વર્ષોમા ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતની પ્રજા માટે ઘણું ઘણું કર્યું છે. શિક્ષણ, મહેસુલ, વેપાર, ઉદ્યોગક્ષેત્રે ઘણા સકારાત્મક નિર્ણયો લીધા છે. આ ઉપરાંત લાંબાગાળાના ઘણા આયોજનો કર્યા છે. પરંતુ સરકારની લોકકલ્યાણની કરેલી કામગીરીનો લોકોને અહેસાસ કરાવવામાં ક્યાંક ‘દાદા’ ઊંણા ઉતર્યા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાત માળખાગત સુવિધાઓ સાકાર કરવામાં કદાચ દેશમા પ્રથમક્રમે હશે. પરંતુ પ્રજાને આ વાતની અનુભૂતી થઇ રહી નથી. અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ગુજરાતનો માળખાગત વિકાસ જોઇને અભિભૂત થઇ જાય છે. અને એટલે જ અન્ય રાજ્યોના ઉદ્યોગકારો ગુજરાતમા ઉદ્યોગ સાહસો શરૂ કરવા પર પ્રાધાન્ય આપી રહ્યા છે. પરંતુ કમનસીબે ગુજરાત સરકારનુ વહિવટી માળખુ ‘ઉદ્યોગ ફ્રેન્ડલી’ નથી. કામકાજ માટે સચિવાલયમાં સમયસર નિર્ણય લેવામાં ક્યાંકને ક્યાંક અડચણો ઉભી થાય છે અને ફાઇલો દિવસો, મહિનાઓ સુધી અટવાતી રહે છે. બલ્કે એવું કહી શકાય કે ચોક્કસ સમયમર્યાદામાં વહિવટીતંત્ર નિર્ણય લેતુ નથી. જ્યાં સુધી કોઇ રાજકીય ભલામણ કરવામાં આવે નહીં ત્યાં સુધી ફાઇલ ખુલતી જ નથી.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગલ વિન્ડો અને ફેસલેસ પધ્ધતિ શરૂ કરાવી હતી પરંતુ વર્તમાન હાલત એવી છે કે કેટલી વિન્ડો હશે તેનો અંદાજ નથી ‘ફેસલેસ’ની આખી વાત જ દફન થઇ ગઇ છે. બલ્કે એવું કહી શકાય કે ‘ફેસ’ વગર કામ થતુ નથી. વળી ભ્રષ્ટાચારની કોઇ જ મર્યાદા નથી. હજુ બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ACBના અધિકારીઓ સાથેની બેઠકમા ભ્રષ્ટાચારીઓ સામે તૂટી પડવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. પરંતુ કહેવાની જરૂર નથી કે વહેવાર કરો નહીં ત્યાં સુધી કોઇ કામ આગળ વધતુ નથી. વળી આ સમસ્યાઓનો નજીકમા ઉકેલ આવે એવું લાગતો નથી કારણ મોટાભાગના સરકારી અધિકારીઓ ‘નિર્ભય’ બની ગયા છે. પરિણામે ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરીનો લોકોને અહેસાસ થતો નથી.

ભૂપેન્દ્ર પટેલ એક સજ્જન અને નિર્મળ વ્યક્તિત્વ છે. સરકારી વહિવટી કામગીરીના અનુભવી છે. નજીકના ભૂતકાળમા અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરીટી ‘ઔડા’ ના ચેરમેન તરીકે કામ કરી ચૂક્યા છે. મતલબ સરકાર ચલાવવા માટે ટ્રેનિંગ કે સલાહની જરૂર નથી. ખંધા અધિકારીઓને સારી રીતે ઓળખી શકે છે. પરંતુ કોઇક કારણોસર ભૂપેન્દ્ર ‘દાદા’ સરકારી બાબુઓ ઉપર લગામ રાખી શકતા નથી.

આ ઉપરાંત કોઇ માને કે નહી માને એક વાત સ્વીકારવી જ પડે કે ભૂપેન્દ્ર પટેલને સરકાર ચલાવવા માટે જોઇએ તેટલો ‘ફ્રિ હેન્ડ’ નથી. કોઇને કોઇ અંકુશ તેમના માથા ઉપર મુકવામાં આવી રહ્યું છે. મતલબ તેઓ પોતાની સ્વતંત્ર રીતે સરકાર ચલાવી શકતા નથી. પોતાના વિચારો, આઇડીયાઝ વહિવટમાં પ્રતિબિંબીત થતા નથી. લાંબી રાજકીય કારકીર્દી અને લાંબો જાહેરક્ષેત્રનો અનુભવ હોવા છતાં પેલા ‘અંકુશ’ને કારણે‘દાદા’ કામ કરી શકતા નથી.

વિધાનસભામાં વિપક્ષની ગેરહાજરી અને પોતીકા સભ્યોના મજબૂત સંખ્યાબળને કારણે સરકાર દોડતી રહે એ સ્વભાવિક છે. વળી ગુજરાતના લોકોમાં જ્યાં સુધી ‘ભાજપ’ જીવે છે ત્યાં સુધી સાવ નબળો માણસ પણ સરકાર ચલાવી શકશે. પરંતુ બદલાતો સમય, સંજોગો અને ઉગતી નવી પેઢીની અપેક્ષાઓ સમજીને સરકાર નહીં ચલાવવામાં આવે તો આવનારા વર્ષોમાં લોકમાનસમાં ભાજપની ‘જડ’ નબળી પડતી જશે. ભૂતકાળમાં આવા જ કારણોને લઇને દેશભરમાં શાસન ચલાવતી કોંગ્રેસના મધ્યાહને અંતની શરૂઆત થઇ હતી અને આવનારા દિવસોમાં પતનનો દોર ચાલુ રહેશે તો એક દિવસ કોંગ્રેસ ભારતની રાજકીય ભૂમિમાંથી નામશેષ થઇ જશે.

સમગ્ર દેશમા માત્ર બે સીટ ધરાવતી ભારતીય જનતાપાર્ટી એક દિવસ સમગ્ર દેશમાં વર્ચસ્વ અને સત્તા ધરાવતી હશે એવી કોઇએ કલ્પના પણ કરી નહીં હોય પરંતુ જ્યારે સત્તાના નશામાં ડૂબી જવાનો ક્રમ શરૂ થાય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. સિરિયામા ૫૦ વર્ષથી એક હથ્થુ શાસન ચલાવતી સરકારે દેશ છોડીને ભાગવું પડ્યું આ પણ એક ઇતિહાસની ઘટના છે.

ખેર, ભૂપેન્દ્ર પટેલ બધી જ રીતે સક્ષમ છે જ એમા કોઇ જ શંકાને સ્થાન નથી. ‍વળી માત્ર સક્ષમ નહી એટલા જ લોકપ્રિય છે. લોકોની વચ્ચે જ્યારે જાય છે. ત્યારે લોકોને પોતીકાપણાની અનુભૂતિ પણ કરાવે છે. લોકોને ‘‘ભૂપેન્દ્રભાઇની’ સાથે વાતો કરવાનુ ગમે છે અને ભૂપેન્દ્ર પટેલનો વહેવાર લોકોને ગમે તેવો હોય છે, મતલબ વધુને વધુ લોકો ઇચ્છે છે કે ભૂપેન્દ્ર પટેલ તેમને મળતા રહે.

આ પોતીકાપણાને કારણે લોકોની અપેક્ષાઓમાં વધારો થાય એ પણ સ્વભાવિક છે. પરંતુ એક હકીકત એ પણ છે કે પક્ષની ઉપલી નેતાગીરીના ‘અંકુશ’ને કારણે ભૂપેન્દ્ર પટેલ સક્ષમ હોવા છતાં લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં ‘સબળ’ હોવાની અનુભૂતી કરાવી શકતા નથી.

બાકી સરકારી એજન્ડા પ્રમાણેની કામગીરી ચાલતી રહે છે.

રાજ્યના માર્ગો, શાળાઓ, બ્રિજીસ સહિત માળખાગત સુવિધાઓની કામગીરી સતત ચાલતી રહે છે. પરંતુ ભૌતિક સુવિધાની સાથે માનવીય અપેક્ષાઓ કોઇક કારણોસર સંતોષાતી નથી. સિવાય કે ‘દાદા’ની કમર ઉપર મુકવામાં આવેલું ‘અંકુશ’ દૂર કરવામાં આવે. કોઇપણ રાજકીયપક્ષનો સર્વોચ્ચ વડો હંમેશા એવી જ અપેક્ષા રાખે કે સરકારમાં મારૂ જ ‘વર્ચસ્વ’ હોવું જોઇએ પરંતુ આ પોતાનુ પ્રભુત્વ પ્રસ્થાપિત કરવાની ઘેલછામાં લાંબેગાળે પોતાના જ પગમા કુહાડો મારવા જેવી હાલત થઇ શકે, પરંતુ આ સનાતન સત્ય કોણ સમજાવી શકે?

સમગ્ર દેશમાં ગુજરાતની પ્રજાએ જ ભાજપને સૌપ્રથમ સત્તાનુ સિંહાસન સોંપ્યુ હતું અને આજના તબક્કે પણ ગુજરાતની પ્રજા અડીખમ રીતે ભાજપની પડખે ઉભી છે. ત્યારે પ્રજાની પણ અપેક્ષાઓ હોય, લાગણીઓ પણ હોય અને પ્રજાભિમુખ સરકારએને જ કહેવાય જે પ્રજાની લાગણીને સમજી શકે.

ગુજરાતમા નરેન્દ્ર મોદીની સરકાર પછીની ભાજપનો એક પણ મુખ્યમંત્રી સળંગ પાંચ વર્ષ સરકાર ચલાવી શક્યો નથી. મતલબ આનંદીબેન, વિજય રૂપાણી સક્ષમ નહોતા એવું નથી પરંતુ ભાજપના પોતીકા મુખ્યમંત્રીને ઉથલાવવા ભાજપના જ લોકો ખેલ પાડી ગયા હતા.

આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરખામણીએ ભૂપેન્દ્ર પટેલ સાવ સરળ અને નિર્લેપ વ્યક્તિત્વ છે. દાદા ભગવાનની વિચારધારામા માનતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની ખુરસીનો કોઇ જ નશો નથી

સદનસીબે ગુજરાતને એક સજ્જન મુખ્યમંત્રી મળ્યા છે અને વહિવટ કુશળ પણ છે, અને એટલે જ કોઇ વિવાદ વગર તેઓએ ત્રણ વર્ષ પુરા કરી નાંખ્યા. તેમના મંત્રીમંડળમાં અને સરકારમાં ઘણા એવા પણ ચહેરા છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને સ્વીકારતા અચકાય છે. આ બધુ જાણતા હોવા છતાં ભૂપેન્દ્ર દાદા કોઇપણ પ્રકારનો રંજ રાખ્યા વગર સરકાર ચલાવી રહ્યા છે. તેઓ માને છે કે મુખ્યમંત્રીની ખુરસી અને સત્તા કાયમી નથી અને એટલે જ તેઓ સામાન્ય લોકો સાથે જમીન ઉપર બેસીને વાત કરવામાં જરા પણ હિચકાટ અનુભવતા નથી, બલ્કે તેઓને શેરી અને છેવાડાના માણસ સાથે બેસવાનુ, વાતો કરવાનું ગમે છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પુરા થઇ ગયા તેમના અત્યાર સુધીના શાસનકાળ દરમિયાન કોઇ કુદરતી ગંભીર હોનારત સર્જાવા પામી નથી અને જ્યાં માનવ સર્જિત હોનારત થવા પામી છે ત્યાં તેમણે કોઇને માફ પણ કર્યા નથી.

વિતેલા બે વર્ષ દરમિયાન અનેક નવી પોલીસી અને યોજનાઓ જાહેર કરવામાં આવી. ગુજરાતમાં નવા રોકાણો આવ્યા, ગરીબો, વંચિતો આદિવાસી અને શ્રમિકો માટે ઘણું ઘણું કર્યુ. યુવાનો માટે વિકાસના અને શિક્ષણના નવા માર્ગો ખોલ્યા, ખેડૂતોને વ્યાજ વગરનુ ધિરાણ આપવા સહિત ખેત ઉત્પાદન વધે એવા પ્રયાસો પણ કર્યા, મહિલાઓના વિકાસ માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ રજુ કરવામાં આવી.

ઉદ્યોગોના વિકાસ માટે નવા નવા માર્ગો ખોલવામાં આવ્યા, જ્યારે વીજળીના ઉત્પાદનમાં પણ ગુજરાતને મોખરાનુ સ્થાન અપાવ્યું. દરિયાઇ માર્ગોનો વિકાસ, પ્રવાસન અને યાત્રાધામોના વિકાસને પણ નવી દિશા આપી જાહેર જનતાના રક્ષણ માટે પોલીસદળની કામગીરીમા મહત્વનો બદલાવ લાવવા ઉપરાંત, ગુનેગારોમાં પણ કાયદો અને વ્યવસ્થાનો ભય ઉભો કરવા ચોક્કસ દિશામાં નિર્ણય અને પગલા પણ ભર્યા.

આ ઉપરાંત ભૂપેન્દ્ર દાદાની સરકાર હજુ પણ કંઇક નવું કરવાનો થનગનાટ કરી રહી છે. લોકોની નાડ અને જરૂરિયાત પારખતા ભૂપેન્દ્ર પટેલની સરકાર આવનારા દિવસોમાં ઘણું ઘણું કરવા સાથે લોકોમાં પણ ભાજપની ‘જડ’ વધુ મજબૂત બનાવવાની પુરેપુરી ક્ષમતા ધરાવે છે.

ભૂપેન્દ્ર પટેલના વિચારોને મોકળાશ મળશે તો ચોક્કસ ગુજરાતનો વિકાસ અને લોકોની સુખાકારી દેશભરમાં મોખરે હશે.

જયપુરમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાને નડ્યો અકસ્માત

0

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો બુધવારે બપોરે જયપુરમાં ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દુર્ઘટનામાં કાફલામાં તૈનાત સુરક્ષાકર્મીઓ સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંમાંથી 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ICU માં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ટ્રાફિક પોલીસને ખાસ સૂચના આપી હતી કે તેમના કાફલાની અવર-જવર દરમિયાન સામાન્ય લોકોને અવરોધ ન થાય. આ આદેશના પાલન દરમિયાન, એક રોંગ સાઈડથી આવતી કાર તેમના કાફલામાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માતમાં કાફલાના સુરક્ષાકર્મીઓના વાહનને ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે વાહન રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. આ સમગ્ર ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાં 5 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી 2 ની હાલત ખૂબ નાજુક હોવાથી તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

રાજકોટના મેટોડામાં ગોપાલ નમકીનની ફેકટરીમાં ભીષણ આગ

0

રાજકોટના મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા GIDCમાં ગોપાલ નમકીન ફેકટરીમાં આજે કોઇ કારણસર બપોરે આગ ભભુકી હતી. આ આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગના ધુવાડા દુર દુર સુધી દેખાતા હતા. લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ લેવા માટે પાણીનો મારો ચલાવ્યો છે. આ લખાય છે ત્યારે પણ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાન પોલીસમાં હિન્દુ વ્યક્તિ બન્યા પોલીસ ઓફિસર, જાણો કોણ છે રાજેન્દ્ર મેઘવાર ?

0

રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ હિંદુ અધિકારીની આ પ્રકારની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. રાજેન્દ્ર મેઘવારે શુક્રવારે 6 ડિસેમ્બરે ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં ASP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ઓફિસર છે જેમણે અથાગ પ્રયાસો અને પડકારોનો સામનો કરી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી આ સફળતા હાંસલ કરી હતી. રાજેન્દ્ર પાકિસ્તાનના સિંધના ગ્રામીણ વિસ્તાર બદીનના રહેવાસી છે. લઘુમતી સમુદાયમાંથી હોવા છતાં પોતાના સમર્પણ અને મહેનતથી આ અવરોધોને પાર કર્યા હતાં.

રાજેન્દ્ર મેઘવારની નિમણૂકને પોલીસ દળમાં તેમના સાથીદારો પણ હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ફૈસલાબાદમાં આટલા મહત્વપૂર્ણ પદ પર કોઈ હિન્દુ અધિકારીની નિમણૂક પ્રથમ વખત થઈ છે. પોલીસ અધિકારીઓ માને છે કે રાજેન્દ્ર મેઘવારની હાજરી માત્ર કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરશે નહીં પરંતુ લઘુમતી સમુદાયોની ચિંતાઓને પણ દૂર કરશે, જેનાથી પોલીસ પર લોકોનો વિશ્વાસ વધશે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા ફાટી નીકળી, ચુસ્ત બંધોબસ્ત

0

મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે બંધારણના અપમાન મામલે અપાયેલા બંધના એલાન વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં મંગળવારે કેટલાક બદમાશોએ પરભણી રેલ્વે સ્ટેશનની બહાર બીઆર આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ આગચંપી અને પથ્થરમારો થયો હતો. તેના વિરોધમાં અનેક સંગઠનોએ શહેરમાં બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન અચાનક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બદમાશોએ ઘણી જગ્યાએ આગચંપી શરૂ કરી દીધી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

ઘટના વચ્ચે બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે, જે અત્યંત નિદનિંય અને શરમજનક છે. આવું પહેલી બન્યું નથી, આ પહેલા પણ બાબાસાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખસમાન પ્રતિક પર આવી તોડફોડ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, “પરભણી જિલ્લામાં ઘટના જાણ થતા જ VBAના કાર્યકર્તા પહેલા પહોંચી ગયા છે. અહીં અમારા કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શના કારણે પોલીસે FIR નોંધી છે અને ઉપદ્રવીઓમાંથી એકની ધરપકડ કરી છે. હું તમામને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરું છું. જો આગામી 24 કલાકની અંદર ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો ગંભીર પરિણમો ભોગવવા પડશે.”

આ પણ વાંચો :-

ગુજરાતમાં કડકડતી ઠંડીની શરુઆત, જાણો નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું ?

0

ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી છે. રાજ્યમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચવા આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 13.5 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

ગુજરાતમાં પ્રસરી રહેલી ઠંડીના પગલે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. અમદાવાદ શહેરમાં સતત તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો શહેરમાં 13.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ 26 ડિગ્રી પહોંચ્યું હતું. અમદાવાદની નજીક આવેલા રાજ્યના પાટનગરમાં ઠંડીનો પારો એકદમ ઘટ્યો હતો. અહીં ગાંધીનગરમાં 10.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું, હાલ પવનની ગતિમાં વધારો થયો છે. 14થી લઇ 20 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 14 ડિસેમ્બર સુધી પવનની ગતિ આવી જ રહેવાની સંભાવના છે. આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનામાં જ કોલ્ડવેવનો એક રાઉન્ડ આવી શકે છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. એમાં 16થી 18 તારીખ દરમિયાન એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે. આ ઠંડીનો રાઉન્ડ મોટો હશે તો ડિસેમ્બર અંતમાં પણ ઠંડીનો મોટો રાઉન્ડ આવી શકે છે. દિવસ દરમિયાન લોકોને ગરમ કપડામાં લપેટાઈને રહેવાની ફરજ પડી શકે છે.

હવામાન વિભાગની માનવું છે કે આગામી 2થી 3 દિવસ સુધી અમદાવાદમાં પવનની ગતિ વધારે જ રહેશે. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે.જેના કારણે હાલ સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યું છે. આગામી 3 દિવસ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે છે.

આ પણ વાંચો :-