Home Blog Page 522

ગુજરાતના આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન વધતા હવામાન વિભાગે કરી લાલ આગાહી

0

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હિટવેવના કારણે એલર્ટ અપાયું છે. તો કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગે 9 જિલ્લાઓમાં હિટવેવને લઇ રેડ એલર્ટ આપ્યું છે. જેમાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે રેડ એલર્ટમાં 42 ડિગ્રી કે તેના ઉપર તાપમાન રહી શકે છે. અને ઓરેન્જ એલર્ટમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે.

આવતી કાલે એટલે કે 12 માર્ચે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જો કે, આજે પણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યાં છે. કેરળ અને લક્ષદ્વીપ સાથે પંજાબ અને હરિયાણમાં પણ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવા વરસાદ સાથે હિમવર્ષાની આગાહી છે. જેથી ત્યાં ફરી પાછો ઠંડીનો ચમકારો અનુભવાશે. ભારતમાં ઉત્તર અને પૂર્વમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં અંદમાન અને નિકોબાર સાથે તમિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, હવે ટૂંક સમયમાં શાળામાં ભણતાં બાળકોનું ઉનાળું વેકેશન શરૂ થશે. એવામાં શહેરમાં જ્યારે-જ્યારે રેડ એલર્ટ હશે ત્યારે શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. જેથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગરમીના કારણે બીમાર ન પડે. મનપા દ્વારા તમામ ઝોનમાં રાહદારીઓ માટે પણ 50 પાણીની પરબની સુવિધા કરવામાં આવી છે. તેમજ લોકોને આરામ કરવા માટે બગીચાનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. હવેથી બગીચા સવારના 6 થી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.

તનિષ્ક શોરૂમમાં ફિલ્મી સ્ટાઇલે 20 મિનિટમાં 25 કરોડનાં ઘરેણાંની લૂંટ

0

ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં ગુનેગારોએ ઘૂસીને શોરૂમના કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા અને માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા. ગુનેગારો એટલા નિર્ભય હતા કે ઘટના દરમિયાન કોઈએ પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો ન હતો કે તેઓ કોઈથી ડર્યા ન હતા.

આ શોરૂમમાં બદમાશોને જોતાં ત્યાં હાજર લોકો અને સેલ્સમેનો ડરી ગયા હતા. બદમાશો લોકોને ખૂણામાં ધકેલી દીધા હતા. ત્યાં સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયાર છીનવી લીધા હતા.. આ દરમિયાન પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબારની માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડાયરા વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગુનેગારો સવારે લગભગ 10.15 વાગ્યે ગ્રાહકો તરીકે પોતાને રજૂ કરીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. થોડી જ વારમાં તેઓએ સેલ્સમેન અને ગાર્ડને બંદૂકની અણીએ પકડી લીધા. જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે સેલ્સમેન રોહિતકુમારને માર મારવામાં આવ્યો, જ્યારે ગેટ પર તૈનાત સુરક્ષા ગાર્ડ મનોજ ઠાકુરને ધમકી આપવામાં આવી અને તેમની લાઇસન્સવાળી રાઇફલ છીનવી લેવામાં આવી. આ પછી, બદમાશોએ લગભગ 22 મિનિટ સુધી બંને માળે લૂંટ ચલાવી.આ લૂંટ બાદ ગુનેગારો ચાલાકીપૂર્વક સ્થળ પરથી ભાગી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનેગારો છાપરા તરફ ભાગી ગયા છે. આ લૂંટમાં સંડોવાયેલા સાત ગુનેગારોમાંથી એકે માસ્ક પહેર્યો હતો, જ્યારે બાકીના ગુનેગારો માસ્ક વગરના હતા. આ ઘટનાની માહિતી મળતાં જ ભોજપુરના એસપી રાજ, એએસપી પરિચય કુમાર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી.

હોળી-ધૂળેટી દરમિયાન પાણીના ફગવાળા ફેંકવા પર પ્રતિબંધ, સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

હોળી/ધુળેટીના તહેવારોની ઉજવણીને ધ્યાને લઈ શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેમજ જાહેર સુલેડ શાંતિ જળવાઈ રહે એવા ઉદ્દેશથી શહેર વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંડ ગહલોતે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહલોતે હોળી અને ધૂળેટી દરમિયાન પાણીથી ભરેલા ફગવાળા ફોડવા પર પ્રતિબંધ મૂકતા સૂચના જાહેર કરી છે. જાહેર માર્ગો પર ચાલતા રાહદારીઓ પર રંગ, પેઇન્ટ કે તૈલીય પદાર્થ ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને અન્ય રાહદારીઓ પર પાણીભરી ફગવાળા કે રંગ ઉડાડવા પર કડક પ્રતિબંધ રહેશે.

સૂચનામાં શું જણાવાયું?

હોળી 13 માર્ચ 2025ના રોજ અને ધૂળેટી 14 માર્ચ 2025ના રોજ ઉજવાશે. આ તહેવાર સુરત શહેરના વિવિધ વિસ્તારો, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થાનો પર ઉજવાય છે. તહેવાર દરમિયાન લોકો એકબીજા પર પાઉડર, પાણીભરેલા ફગવાળા, રંગમિશ્રિત પાણી, કાદવ, તેલીય પદાર્થો કે અન્ય ચીકણા પદાર્થો ફેંકતા હોય છે. જેનાથી જનજીવન ખોરવાઈ શકે છે, જાહેર માર્ગો પર અવરજવર કરતી પ્રજાને મુશ્કેલી પડે છે અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાની શક્યતા રહે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા જાહેર માર્ગો પર શિસ્ત જળવાઈ રહે તે માટે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હોળી અને ધૂળેટીના દિવસે વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થનારા તત્વો સામે કડક કાર્યવાહી થશે.

હોળી પર લાગવાનું છે ચંદ્ર ગ્રહણ, શું હોળિકા દહનની રાતથી જ શરૂ થઈ જશે સૂતક કાળ?

0

ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે, જે ત્યારે થાય છે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે. જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીની છાંયાથી ઢંકાઈ જાય છે, ત્યારે તેને સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

જ્યારે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ લાગે છે, ત્યારે ચાંદ લાલ દેખાય છે, જેને “બ્લડ મૂન” (Blood Moon) કહેવામાં આવે છે. આ વર્ષે પ્રથમ ચંદ્ર ગ્રહણ હોળી પર, 14 માર્ચે લાગવાનું છે. હોળી ફાગણ માસની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે. તો ચંદ્ર ગ્રહણ ભારતના સમયાનુસાર ક્યારે લાગશે, શું તે ભારતમાં જોવા મળશે કે નહીં, અને તેનું સૂતક કાળ માન્ય રહેશે કે નહીં, એ વિશે નીચે જાણો.

ચંદ્ર ગ્રહણનું સમયગાળું | Chandra Grahan Time

આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ 14 માર્ચ, શુક્રવારે લાગશે. ભારતના સમયાનુસાર આ ચંદ્ર ગ્રહણ સવારે 9:27 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:28 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ પૂર્ણ થશે, તે બપોરે 3:30 વાગ્યા સુધી હશે.

શું ભારતમાંથી ચંદ્ર ગ્રહણ જોવામાં આવશે?

જે સમયે ચંદ્ર ગ્રહણ લાગશે, તે સમયે ભારત (India) માં સવારે ઊગવાનું હશે. તેથી, આ ચંદ્ર ગ્રહણ ભારતમાંથી જોવામાં નહીં આવે. આ બ્લડ મૂન ઓસ્ટ્રેલિયા, પશ્ચિમી આફ્રિકા, યુરોપ, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, આર્કટિક મહાસાગર, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાંથી જોવામાં આવશે.

શું હોળિકા દહન પર સૂતક કાળ લાગુ પડશે?

ચંદ્ર ગ્રહણ લાગતા પહેલા 9 કલાક પહેલાં સૂતક કાળ (Sutak Kaal) શરૂ થઈ જાય છે. ધાર્મિક માન્યતા મુજબ, સૂતક કાળ અશુભ સમય માનવામાં આવે છે, અને આ સમયગાળામાં ઘણી ક્રિયાઓ ટાળી દેવામાં આવે છે.

ઘણા લોકોમાં આ અંગે અસમંજસ છે કે જો હોળીના દિવસે સવારે ચંદ્ર ગ્રહણ લાગશે, તો હોળિકા દહનની રાત્રે જ સૂતક કાળ લાગુ થઈ શકે. જોકે, જ્યાં ચંદ્ર ગ્રહણ દેખાતું નથી, ત્યાં સૂતક કાળ માન્ય નથી ગણાતા. તેથી, હોળીના દિવસે લાગતા ચંદ્ર ગ્રહણ માટે કોઈપણ સૂતક કાળ હોળિકા દહન પર લાગુ નહીં થાય.

૧૧ માર્ચ, ૨૦૨૫ : આજે ગણપતિ દાદાની કૃપાથી તુલા, કન્યા, વૃષભ અને કુંભ આ 4 રાશિના જાતકોને શરૂ થશે ગોલ્ડન ટાઇમ, જુઓ આજનું રાશિફળ

મેષઃ-

માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-‌પિતાની ત‌બિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભઃ- ‌

દિવસ દરમ્યાન પ‌રિવારમાં આનંદીત વાતાવરણ રહે. પ‌રિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે.‌

મિથુનઃ-

આ‌‌ર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઇ-બહેનની ‌ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્કઃ-

માન‌સિક ચંચળતા વધે. ‌દિવસ દરમ્યાન પ્રફુલ્લીત રહી શકાય. જીવન સાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું ‌નિર્માણ થાય. આક‌‌સ્મિક ધન લાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.‌

સિંહઃ-

માન‌સિક રીતે ‌ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય ‌દિવસ. પ‌રિવારના સ્ત્રી વર્ગ માટે સાવધાની જરૂરી. માન‌સિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી તાવથી સાચવવું.

કન્યાઃ- ‌

દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. ‌મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આ‍વકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃ‌ધ્ધિ થતી જણાય.

તુલાઃ-

ધંધાકીય ક્ષેત્રે અગત્યના ‌નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો ‌દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃ‌‌ધ્ધિ થાય.

વૃ‌શ્ચિકઃ-

આદ્યા‌ત્મિકતામાં વૃ‌ધ્ધિ થાય. ધા‌ર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારૂં રહેશે. ટાયર, ટયુબ, કલર, કેમીકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધનઃ-

થોડી માન‌સિક અસ્વસ્થતા સતાવે. ‌વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઇજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકરઃ-

તર્ક શ‌ક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યો‌તિ‌‌ષ‌‌િ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજજુ દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભઃ- ‌

નિર્ણય શ‌ક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. આગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતાભેદની શક્યતા છે.

મીનઃ-

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણ ઉકલ્યા પ્રશ્નોનું ‌નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ ‌મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઔરંગઝેબની કબર પર ચલાવાશે બુલડોઝર?

0

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બધાનું માનવું છે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવામા આવવી જોઈએ. જોકે આ કાનૂનના દાયરામાં કરવામાં આવવું જોઈએ, કેમ કે પાછલી કોંગ્રેસ સરકારે આ સ્થળને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના સંરક્ષણમાં આપી દીધું હતું.

મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાથી ભાજપના સાંસદ ઉદયનરાજે ભોસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવાની માગ કરી હતી.

તેઓ ઔરંગઝેબની કબર હટાવવા માગે છે પણ કોંગ્રેસને કારણે નથી કરી શકતા, ફડણવીસે કેમ કહ્યું આવું? મહારાષ્ટ્રમાં બજેટ સત્ર દરમિયાન ઔરંગઝેબની કબર પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબનું સમારકામ કરવામાં ન આવે. ગઈ કાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. હવે ભાજપ ધારાસભ્ય સુધીર મુનગંટીવારે પણ ઔરંગઝેબની કબર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

બજેટ સત્ર પહેલા મિડિયા સાથે વાત કરતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે આ બજેટમાં સમાજના તમામ વર્ગોને કેન્દ્ર બિંદુ તરીકે રજૂ કરવામાં આવશે. અમે ચૂંટણી ઢંઢેરામાં જે પણ વચનો આપ્યાં છે તે પૂરાં કરીશું. અમે આ વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. ઔરંગઝેબની કબર વિશે વાત કરતાં સુધીરે કહ્યું કે સરકારે એ કબરને રિપેર કરાવવા માટે પૈસા ન આપવા જોઈએ.

ટ્રમ્પના વિચારો પર કેનેડિયન નેતા માર્ક કાર્નેની તીખી પ્રતિક્રિયા

માર્ક કાર્ને, બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર, હવે કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓએ લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં 85.9% મત સાથે જીત મેળવી છે.પદ સંભાળતા જ, કાર્નેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના નિવેદનોનો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમેરિકા આપણા સંસાધનોનું શોષણ કરવા માંગે છે. જો તેઓ સફળ થશે તો આપણે સમાપ્ત થઈશું. કેનેડા કોઈપણ રીતે અમેરિકાનો ભાગ બની શકે નહીં.”

કાર્નેએ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ્સ અંગે પણ નિંદા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, “ડોના લ્ડ ટ્રમ્પે અમારા ઉત્પાદનો પર અયોગ્ય ટેરિફ લાદ્યા છે, જે કેનેડિયન પરિવારો, કામદારો અને વ્યવસાયો પર હુમલો છે. પરંતુ અમે તેને સફળ થવા દઈ શકીએ નહીં.” કાર્ને પ્રથમ એવા કેનેડિયન વડાપ્રધાન છે જેઓ અગાઉ કોઈ વિધાનસભા કે કેબિનેટનો અનુભવ રાખતા નથી. તેઓના આર્થિક અનુભવને કારણે, તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે તેવી અપેક્ષા છે.માર્ક કાર્નેના વડાપ્રધાન તરીકેના નિમણૂક સાથે, કેનેડાની રાજકીય દિશામાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

રાહુલ ગાંધીએ લોકસભામાં મતદાર યાદી પર ચર્ચાની માંગણી કરી, કરી દીધી આ મોટી માંગ

0

બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત સાથે સંસદના નીચલા ગૃહમાં કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષોને ગૃહમાં પ્રશ્નકાળનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. લોકસભા શરૂ થતાં જ વિપક્ષે ગૃહમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષ દ્વારા મણિપુર સળગી રહ્યું છે તેવા નારા લગાવવામાં આવ્યા હતા. જેને લઇ સંસદમાં હંગામો મચી ગયો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં મતદાર યાદીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. આ સત્રની શરૂઆત હંગામા સાથે થઈ છે. આ વખતે વિપક્ષે યુએસ ટ્રેડ ટેરિફ, મતદાર યાદીમાં કથિત હેરાફેરી, વક્ફ બિલ, સીમાંકન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં ત્રણ ભાષાના નિયમ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદ સભ્યો ચેરની નજીક આવ્યા અને હોબાળો મચાવ્યો. ઉપ સભાપતિ હરિવંશે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને મત રજૂ કરવાની મંજૂરી આપી. ખડગેએ બોલવાનું શરૂ કર્યું હતું ત્યારે ઉપ સભાપતિએ કહ્યું કે તેઓ નકારી કાઢવામાં આવેલી નોટિસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવી શકે નહીં. આ પછી, વિપક્ષી સાંસદોએ થોડા સમય માટે વિરોધ કર્યો અને પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

વિપક્ષ મતદાર યાદીમાં કથિત છેડછાડ, મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટના અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભારતનું વલણ જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. જ્યારે સરકારનું ધ્યાન ગ્રાન્ટની માંગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા તેમજ બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા, મણિપુર બજેટ માટે મંજૂરી મેળવવા અને વકફ સુધારા બિલ પસાર કરવા પર રહેશે.

ગોંડલમાં ગુમ થયેલા રાજકુમાર જાટની લાશ મળી, પરિવારને હત્યાની આશંકા

ગોંડલમાં રહસ્યમય રીતે લાપતા થયેલા યુવકનો મૃતદેહ કુવાડવા પાસેથી મળી આવ્યો છે. એક સપ્તાહ પૂર્વે યુવક ગુમ થયો હતો. જે અંગે પિતા દ્વારા રાજકોટ એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી.જેના પગલે તપાસ શરૂ થઇ હતી. ત્યારે રાજકોટના કુવાડવા પાસે તરઘડિયા નજીક વાહન અડફેટે આવીને મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ ગોંડલના જ લાપત્તા યુવાન તરીકે થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા હત્યા કરાયાનો આક્ષેપ કરવામાં આવતા આજે મૃતક યુવાનનું રી પીએમ કરવામાં આવશે.

વધુ વિગતો અનુસાર ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે રાજકોટ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે કે, ગત તા.2 માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે આવી રહ્યાં હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થતી વખતે તેમને અટકાવવામાં આવ્યા હતા અને 8-10 માણસોએ બેફામ માર માર્યો હતો. બાદમાં પિતા-પુત્ર બન્ને ઘરે જતાં રહ્યા હતા.

આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં મોત

રાજકુમાર જાટની લાશ મળવાને મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે. 2 માર્ચ 2025એ પિતા-પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા. 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરેથી નીકળી ગયો હતો. 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો.

આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

સાંસદ હનુમાન બેનિવાલે કહ્યું- જાટ સમાજ સહન નહીં કરે રાજકોટ-ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમને કહ્યું છે કે આ ઘટનાને જાટ સમાજ સહન નહી કરે. આ ઘટના સંસદમાં ઉઠાવીશ. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં શામેલ છે.

મૃતક રાજકુમારના બનેવી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, મારો સાળો રાજકુમાર 3 માર્ચથી ગોંડલ ખાતે તેના ઘરેથી ગુમ થયો હતો. રાજકોટમાં તેમનો અકસ્માત થયો હોવાનો કોલ પોલીસ પાસેથી મળ્યો હતો. ગોંડલ ખાતે જયરાજસિંહના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતા તેને ત્યાં ઊભેલા 5-7 લોકો સાથે નાની-મોટી મારામારી થઈ હતી. એવું કાંઈ ખાસ હતું નહીં. રાજકુમાર મિસિંગ હતો અને તેનો અકસ્માત થયો હોવાનું પોલીસે કહેતા અમે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પર EDની મોટી કાર્યવાહી

0

છત્તીસગઢના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ ભિલાઈના પદ્રુમનગરસ્થિત બઘેલના ઘરે પહોંચ્યા હતા. બઘેલ સિવાય કમસે કમ 14 જગ્યાએ EDએ દરોડાની કાર્યવાહી કરી છે. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જેમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલના સ્થળે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે.

આજે સવારે લગભગ 7 વાગ્યે EDની ટીમ ભૂપેશ બઘેલના ભિલાઈ પદુમનગર ખાતેના નિવાસસ્થાને પહોંચી હતી. આ કાર્યવાહી છત્તીસગઢના વિવાદાસ્પદ દારૂ કૌભાંડ સાથે જોડાયેલી છે, જેમાં મની લોન્ડરિંગના ગંભીર આરોપો લાગ્યા છે. તપાસ દરમિયાન ચૈતન્ય બઘેલનું નામ સામે આવ્યું છે. આ દરોડા એ દારૂ કૌભાંડ કેસની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, જેમાં EDએ પહેલાંથી જ ઘણી મોટી કાર્યવાહીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે ચૈતન્ય બઘેલના પરિસરમાં પહોંચીને દસ્તાવેજોની તપાસ અને પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ રાજ્યના અન્ય 14 સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે આ કેસ સાથે સંકળાયેલા અન્ય શંકાસ્પદોને લક્ષ્યમાં રાખે છે. આ કાર્યવાહીએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

ED એ આ કેસમાં અગાઉ મે 2024માં મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ભૂતપૂર્વ IAS અધિકારી અનિલ તુટેજા, રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 205.49 કરોડ રૂપિયાની મિલકતો પર કામચલાઉ જપ્તી લગાવાઈ હતી, જેમાં 18 જંગમ અને 161 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતોમાંથી અનિલ તુટેજાની 14 મિલકતો હતી, જેની કિંમત 15.82 કરોડ રૂપિયા હતી, જ્યારે અનવર ઢેબરની 115 મિલકતોની કિંમત 116.16 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ ઉપરાંત, વિકાસ અગ્રવાલની 3 મિલકતો જપ્ત થઈ, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા હતી. અરવિંદ સિંહની 33 મિલકતો પણ જપ્ત કરાઈ, જેનું મૂલ્ય 12.99 કરોડ રૂપિયા હતું. અરુણ પતિ ત્રિપાઠીની 1.35 કરોડ રૂપિયાની સંપત્તિ પણ EDના હાથે લગાવાઈ હતી. આ તમામ જપ્તીઓ દારૂ કૌભાંડમાં થયેલી નાણાકીય ગેરરીતિઓના પુરાવા તરીકે ગણાવવામાં આવી હતી.

છત્તીસગઢનું દારૂ કૌભાંડ એ ભૂપેશ બઘેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ઉઠેલો એક મોટો વિવાદ છે. આ કેસમાં મોટા પાયે નાણાકીય ગેરવ્યવહારોના આરોપો લાગ્યા છે, જેની તપાસ ED દ્વારા ઝીણવટથી કરવામાં આવી રહી છે. ચૈતન્ય બઘેલનું નામ સામે આવવું એ આ કેસમાં નવો વળાંક લાવ્યો છે, જે ભૂપેશ બઘેલની સીધી સંડોવણીની શક્યતાને પણ ઉજાગર કરે છે. EDનું માનવું છે કે આ કૌભાંડમાંથી મળેલી રકમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો હતો, અને તેની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.