Home Blog Page 517

મધ્યપ્રદેશના ધારમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોના મોત

0

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બુધવારે (12મી માર્ચ) રાત્રે બદનાવર-ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, કાર અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. પીકઅપમાં પણ લોકો ફસાયા હતા, જેમને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. બધાં મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા.

મળતી માહિતી મુજબ, ધાર જિલ્લામાંથી પસાર થતી નવનિર્મિત બદનાવર-ઉજ્જૈન ફોર લેન પર બુધવારે રાત્રે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે ધાર જિલ્લામાં બદનવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઇડથી આવી રહેલા ગેસ ટેન્કરે કાર અને પીકઅપ વાહનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા કેટલાક લોકો કૂદીને દૂર પડી ગયા હતા જ્યારે કેટલાક લોકો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. બહાર પડેલા લોકો મૃત્યુ પામ્યા. અકસ્માત સમયે ટેન્કર અને પીકઅપમાં હજુ ત્રણ લોકો ફસાયેલા હતા, તેમને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી રહી છે.

સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે ગેસ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

વડોદરામાં દારૂ ભરેલી કાર પલટી, સ્થાનિક લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી

0

વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડીયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચે આવેલી એલએન્ડટી નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા રસ્તા પર બોટલો રેલાઈ હતી. કારમાં બે લોકો સવાર હતા જેમાં એક વ્યકિત ત્યાંથી નાશી છૂટ્યો હતો જ્યારે એક ઈજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો. ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ, કેટલાક લોકોએ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે દારૂની બોટલોની ઉઠાંતરી કરી ભાગતા જોવા મળ્યા હતા. આ બનાવમાં કપુરાઇ પોલીસે અલગ-અલગ ત્રણ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર શહેરના એલ.એન્ડ.ટી નોલેજ સિટી પાસે રોડ પરથી પોતાની કારમાં પસાર થતા 30 વર્ષના અજાણ્યા યુવકને ટ્રકે ટક્કર મારી દેતા કાર આગળ જતા બાઈકમાં પણ અથડાઈ હતી. આમ ત્રીપલ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નાસી ગયો હતો. અકસ્માત બાદ કારમાં ભરેલો દારૂ રોડ પર ફેલાયો હતો. લોકોએ દારૂની લૂંટ કરી હતી.

કપુરાઈ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી બેહોશ બનેલા કાર ચાલકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ આ બનાવની પૂછપરછ અને તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

૧૩ માર્ચ, ૨૦૨૫/ ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

મેષઃ

સત્યવાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ રોકાણોનું યોગ્ય આયોજન શકય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગિત. આરોગ્ય જળવાય.

વૃષભઃ

સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિધાર્થી મિત્રો માટે શુભ કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ

આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યો ની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

માનસિક સ્થિરતા જળવાય. અવાકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. જીવનસાથી સાથે ગુસ્સા ટાળવો.

સિંહઃ

મનની ચંચળતા વધે. મિત્રો ને સાથ સહકાર મળે. મિત્ર વર્તુળ માં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિ થી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માત ની શકયતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુુલતવી રાખ‍વા. માતાની તબિયત ની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શકયતા છે. આધાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ

વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુંટુંબમાં શાંતિ ભયું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાની થી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ

નોકરીમાં ઉપરી અધિકારી તરપથી પ્રશાંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. યાત્રા પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસધાત નો ભોગ ન બનાય અેની કાળજી રાખવી.

ધનઃ

ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ

નાણાંકીય ક્ષેત્રે નુકશાની ની શકયતા છે. આવક ધટે. ‌પરિવારમાં તણાવ ભયું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિ થી કામ લેવું અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી ખાંસી કફની સમસ્યા રહે.

કુંભઃ

દામ્પત્ય ક્ષેત્રે આનંદ ભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શકિતમાં ‍વધારો થતો જણાય. હયાત રોકાણો થી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મી ની વખત સર હેરફેર શકય બને.

મીનઃ

આત્મવિશ્વાસમાં સફળતા મળતી જણાય. શકિત થી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. જયોતિષ, કર્મકાંડ, અેક્ષપોર્ટ-ઇમ્પોટના ધંધામાં વિશેષ લાભ.

સુરતમાં BRTS બસની ટિકિટમાં કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં BRTS બસની ટિકિટમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં ઘટના બહાર આવી છે. કોન્ટ્રાક્ટરો પૈસા આપ્યા છતા ટિકિટ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં બસમાં સવાર તમામ મુસાફરો ટિકિટ વગર મળ્યા હોવાનું સામે આવ્યું છે. બસના કંડકટરને બ્લેક લિસ્ટ કરી આકાર એજન્સીને દંડ ફટકારાયો છે. અગાઉ પર કોન્ટ્રાકટરની ફરિયાદ કર્યાનો ચેરમેનનો દાવો છે.

સુરતમાં મનપાની સીટી બસ અને BRTSમાં ટિકિટ નહીં આપી મુસાફરોને બેસાડાતા હોવાની ફરિયાદ પહેલાં પણ ઉઠી ચુકી છે. ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. પણ તેમનું કહેવું છે કે તેઓ જે રૂટ પર તપાસ કરવાના હતા.તે રૂટ ઉપર પહેલાં જ એજન્સીના મેનેજરે મેસેજ પાસ કરીને કંડક્ટરને સતર્ક કરી દીધાં હતા. આ વાત ધ્યાને આવતા અન્ય રૂટની બસમાં તપાસ હાથ ધરાઈ હતી.

પાંડેસરા રૂટ પર 205ની બસમાં ચેકિંગ કરતાં 60 મુસાફરો ટિકિટ વગર હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો. હાલ તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેક લિસ્ટ કરવાના આદેશ અપાયા છે. પોલીસ કેસ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખીને તબક્કાવાર માર્ગ બંધ કરવાની માગણી

સુરત શહેરમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં તેઓએ સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં વિકાસના કામના નામે જાહેરનામું બહાર પાડી રસ્તાઓ બંધ કરવા બાબતે રજૂઆત કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં વિકાસના કામો અમોને માન્ય છે. પરંતુ બધા રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય? હાલમાં છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલ્વે સ્ટેશન થી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે. તેમજ રામનગર ચાર રસ્તા થી સીમાડા નાકા કેનાલ રૉડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોક ચાલુ છે. સાથે વરાછા મેઈન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશન થી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલ છે.

હાલમાં આ માર્ગ વરાછા પોલીસ સ્ટેશનથી મોહની ચાલ સુધી સંપૂર્ણ રીતે બંધ છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજ રેમ્પના નિર્માણને કારણે પી.પી. સાવણી સ્કૂલથી હીરાબાગ સુધી માર્ગ બદલવામાં આવ્યો છે. ઉપરાંત, પાણીની મુખ્ય લાઈનોમાં લીકેજને કારણે વરાછા વિસ્તારમાં સતત બેફામ ખોદકામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી પોદદાર સુધી 6 મહિના માટે માર્ગ બંધ કરવાનો આદેશ 16/02/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.

હાલમાં એફિલ ટાવર અને પોદદાર આર્કેડ પાસે ટ્રાફિક પોલીસ તૈનાત છે, જે ટ્રાફિક નિયંત્રિત કરવા અને જનતાને માર્ગ સંબંધિત માર્ગદર્શિકા આપવા માટે છે. પરંતુ તે બદલ, તેઓ હેલ્મેટના દંડ વસુલવામાં વ્યસ્ત રહે છે, જેનાથી ટ્રાફિક સમસ્યાઓ વધુ વધી રહી છે. ઉપરાંત, પ્રતિબંધિત સમયગાળામાં ભારે વાહનોને સંપૂર્ણપણે અટકાવી આદેશની અમલવારી કરવી જોઈએ.

સુરતમાં પોલીસથી બચવા બે જુગારી તાપી નદીમાં કૂદ્યા, બેના મોત, બેની ધરપકડ

સુરત શહેરના રાંદેર કોઝવે નજીક જુગાર રમતા લોકો પોલીસને જોઈ ભાગ્યા હતા. જે પૈકી બે યુવકો તાપી નદીમાં કૂદી પડ્યા હતા, જેમનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. રાંદેર કોઝવે નજીક કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા, ત્યારે રાંદેર પોલીસની ટીમ આવી પહોંચી હતી. જેના પગલે જુગાર રમી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રાંદેર ખાતે માલમવાડ સ્ટ્રીટમાં રહેતા 52 વર્ષીય ગુલામ નબી ઉર્ફે મંજુ ગુલામ મહોમ્મદ સફેદ અને 50 વર્ષીય મહોમ્મદ અમીન, મહોમ્મદ હુસેન હોટલવાલા અને તેમના ચાર મિત્ર સાથે મંગળવારે (11 માર્ચ) બપોરે રાંદેરના ઈકબાલ નગર પાસે કોઝવે નજીક આવેલી અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં અચાનક આવેલી પોલીસને જોઈને જુગારીઓ આમતેમ ભાગવા લાગ્યા હતા. જેમાં ગુલામ નબી અને મોહમદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા હતા. બંનેને કૂદતા જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, ફાયરની ટીમ ત્યાં પહોંચે તે પહેલા સ્થાનિકોએ બંનેને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

આ મામલે મૃતકના ભાઈ મહોમ્મદ સાજિદ ગુલામ સફેદાએ જણાવ્યું કે, બન્ને મૃતકો કોઝવે નજીક જંગલમાં જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન રાંદેર પોલીસના ડી-સ્ટાફની ટીમે દરોડો પાડયો હતો. જેથી આ બન્ને લોકો નદીમાં કૂદી પડયા હતા. જેવા બન્ને યુવકો ડૂબી ગયા.

જ્યારે અન્ય એક જુગારીએ જણાવ્યું કે, અમે જુગાર રમતા હતા. આ સમયે ડી-સ્ટાફ વાળા ધસી આવતા 4 જણા ભાગી ગયા હતા, જે પૈકી 2 જણાં પાણીમાં કૂદી પડયા હતા. જ્યારે બે જણા પકડાઈ ગયા હતા. મેં ડી-સ્ટાફના જવાનોને વિનંતી કરી કે, સાહેબ આ લોકોને તરતા નથી આવડતું, તો તેમણે મને જવાબ આપ્યો કે, તેઓ જખ મારવા પાણીમાં કૂદ્યા. તે બન્ને જણાં પાણીમાં ગરકાવ થઈ ગયા અને પેટમાં પાણી ભરાઈ ગયું અને મરી ગયા પછી મને છોડીને કહ્યું કે, જા બચાવી લે. મેં તેમને બહાર કાઢીને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બચી ના શક્યા.

રાંદેર પોલીસ મથકમાં પી.આઈ આર.જે ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ મથકના ગુનાનો વોન્ટેડ આરોપી રાશીદ તુડો કોઝવે પાસે હોવાની બાતમી મળતા પોલીસ ટીમે તેને પકડવા કોઝવે પાસે ગઈ હતી અને ત્યાંથી તે મળી આવતા તેને ઝડપી લેવાયો હતો. તે સમયે અહીં જુગાર રમતા લોકો પોલીસને જોઈને આમતેમ ભાગવા લાગ્યા હતાં. જેમાં બે શખસો વિયરના પાણીમાં કૂદી પડ્યા હતાં, બે ફરાર થઈ ગયા હતાં અને અન્યે બે શખસને ઝડપી લેવાયા હતાં. સમગ્ર ઘટના અંગે હાલ તપાસ શરૂ છે.

ઉકાઈ ટીપીએસના યુનિટોમાં તકલીફ, ડિજીવીસીએલની વીજ માંગમાં ઘટાડો

0

ગેટકો અને એલએમયુ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન (TPS)ના ચાર યુનિટ અચાનક બંધ થતા 500 મેગાવોટ વિજ ઉત્પાદન ઘટાડાયું છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ડીજીવીસીએલ દ્વારા વિવિધ સબ-સ્ટેશનો પર શૂન્ય પાવર લોડ ઘટાડવા માટે પગલાં લેવાયા છે.

સુરત શહેર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભરબપોરે પાવર કટ થયો હતો. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં પાવર કટ થયો હતો. અચાનક વીજ પુરવઠો કટ થતા જનજીવન થંભી ગયું હતું. લોકો ઘર-ઓફિસમાં પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. બીજી તરફ પાવર સપ્લાય અટકી જતા રેલ વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો. સુમલ ડેરીનો પ્લાન્ટ પણ બંધ થયો હતો. પ્લાન્ટ શરૂ કરવા જનરેટર ચાલુ કરવા પડ્યા હતા.

વિજળીના અચાનક ઘટાડાને કારણે સિસ્ટમ અંધારામાં ન જાય તે માટે SPS (સિસ્ટેમ પ્રોટેક્શન સ્કીમ) કાર્યરત કરવામાં આવી છે. જો કે, રાજ્યના વિજ વ્યવસ્થાપન માટે જવાબદાર SLDC (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર) સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

આ મુદ્દાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ અને તંત્ર ઝડપથી કામ કરી રહ્યું છે જેથી વપરાશકર્તાઓને લાંબા સમય સુધી તકલીફ ન થાય. લોકોને ગભરાશ ન રાખવાની અને વિજ વ્યવસ્થાની નવીનતમ માહિતી મેળવતી રહેવાની અપીલ કરવામાં આવી છે.

UPI અને RuPay ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ ચૂકવવો પડશે! પેમેન્ટ કરતા લોકોને પડશે ઝટકો

0

કેન્દ્ર સરકાર UPI પર MDR ચાર્જ ફરીથી લાગુ કરવાની તૈયારીમાં છે. એ ચાર્જ માત્ર UPI પર જ નહીં, બલકે રૂપે ડેબિટ કાર્ડ પર લગાવવામાં આવશે. જો આવું થશે તો ડિજિટલ પેમેન્ટ પ્રભાવિત થશે. આ ચાર્જને વર્ષ 2022માં સરકારે માફ કરી દીધો હતો, પરંતુ હવે ફિનટેક કંપનીઓનું કહેવું છે કે મોટા વેપારી એને વહન કરવાની ક્ષમતા રાખે છે. જેથી આવા વેપારીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ લગાવવામાં આવે એવી શક્યતા છે.

વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ શરૂ થયા બાદ દેશમાં ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. મોટા કોર્પોરેશનથી માંડીને નાના દુકાનદારો પાસે પણ UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, જેને કારણે ગ્રાહકોને પણ પેમેન્ટ કરવામાં સરળતા થઇ રહી છે. હાલ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો. એવામાં સરકાર UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે.

હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ વડે થતા ટ્રાન્ઝેક્શન પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી, પરંતુ બેંકો મોટા ઉદ્યોગો પાસેથી હવે ફી વસૂલવા માગે છે. બેંકોએ આ અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જોકે નાના વેપારીઓ માટે UPI પહેલાની જેમ મફત જ રહેશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

બેંકિંગ ઉદ્યોગ દ્વારા સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવ મુજબ વાર્ષિક 40 લાખ રૂપિયા કે તેથી વધુ વેચાણ ધરાવતા ઉદ્યોગો પાસેથી MDR વસૂલવામાં આવે. બેંકો અને પેમેન્ટ કંપનીઓ દલીલ કરી છે, જ્યારે મોટા વેપારીઓ પહેલાથી જ વિઝા, માસ્ટરકાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર વેપારી ફી ચૂકવી રહ્યા છે, તો તે UPI અને RuPay કાર્ડ પર પણ ફી વસૂલવી જોઈએ.

આ મુજબ, સરકાર એક ટીયર સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે, જે મુજબ મોટા વેપારીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવશે, જ્યારે નાના વેપારીઓને છૂટ આપવામાં આવશે અથવા ઓછી ફી લાગવવામાં આવશે.હવે જો UPI પર MDR લાગશે તો ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવી શકે છે, જેને કારણે સામાન્ય ગ્રાહકના ખિસ્સાને અસર થઇ શકે છે.

પાસપોર્ટ અરજી માટે મહત્વપૂર્ણ સમાચાર, હવે આ દસ્તાવેજો ફરજિયાત

0

વિદેશ જવા પાસપોર્ટ સૌથી મહત્ત્વનો પુરાવો છે. ગુજરાત સહિત દેશભરમાંથી ગુનેગારો ભારત છોડીને ભાગી ન જાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વ્યક્તિ વિરુદ્ધ નાનો-મોટો કોઈ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર એક વર્ષ માટે જ મળશે. આવા વ્યક્તિએ વિદેશ ફરવા જવું હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો પાસપોર્ટ રિન્યુ કરાવવો હશે તો તેમાં પણ આ નિયમ લાગુ પડશે.

પાસપોર્ટ કઢાવવા માટે પણ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. પાસપોર્ટનું કામ કરતાં પોલીસ કર્મચારીઓના કહેવા મુજબ, અત્યાર સુધી દરેક વ્યક્તિને 10 વર્ષનો પાસપોર્ટ મળતો હતો પરંતુ હવેથી નાના ગુનો પણ નોંધાયેલો હશે તો માત્ર એક જ વર્ષનો પાસપોર્ટ મળશે. પોલીસ સ્ટેશનથી આવતા અભિપ્રાયમાં પોલીસે જે તે વ્યક્તિના ગુનાનું વર્ગીકરણ દર્શાવવું પડશે. ગુનાહિત ઈતિહાસ ધરાવતાં વ્યક્તિએ પોસપોર્ટ માટે કોર્ટની મંજૂરી લેવી પડશે. પાસપોર્ટ કઢાવવા માટે કોર્ટમાં રૂ. 50 હજારથી બે લાખ ડિપોઝીટ પેટે જમા કરાવવા પડશે. કોર્ટની મંજૂરી બાદ પાસપોર્ટ મળ્યા પછી એક અઠવાડિયામાં કોર્ટમાં જમા કરાવવો પડશે. જે બાદ ડિપોઝિટ પાછી મળશે.

જૂના અરજદારો માટે વિકલ્પ
1 ઑક્ટોબર, 2023 પહેલાં જન્મેલા લોકો નીચે આપેલા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજનો જન્મના પુરાવા તરીકે ઉપયોગ કરી શકે છે.

  • સરકારી સેવા રૅકોર્ડની કોપી
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • મેટ્રિક સર્ટિફિકેટ
  • પબ્લિક લાઇફ ઇન્સ્યોરન્સ બિઝનેસ પોલિસી બોન્ડ
  • આધાર કાર્ડ તથા ઈ-આધાર
  • EPIC -ઈલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ
  • એડ્રેસ ડિજિટલી એમ્બેડ થશે

પાસપોર્ટ માટે એડ્રેસના પુરાવા તરીકે રેસિડેન્શિયલ એડ્રેસનું ડિજિટલ એમ્બેડિંગ થશે. સુરક્ષા અને ગોપનીયતામાં સુધારો કરવાના હેતુ સાથે પાસપોર્ટના અંતિમ પેજ પર હવે રેસિડેન્શિયલ એડ્રેસ પ્રિન્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે આ ડેટા બારકોડમાં સ્ટોર કરવામાં આવશે. જેથી ઇમિગ્રેશન ઑફિસર જરૂર પડે તો બારકોડ સ્કેન કરી એડ્રેસ વિશે માહિતી મેળવી શકશે.

એડ્રેસના પુરાવા માટે આ દસ્તાવેજો જરૂરી

  • વીજ બિલ
  • ટેલિફોન બિલ (પોસ્ટ-પેઇડ મોબાઇલ તથા લેન્ડલાઇન)
  • પાણીનું બિલ
  • આધાર કાર્ડ
  • રેન્ટ એગ્રિમેન્ટ
  • ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર
  • ઈલેક્શન કમિશન પિક્ચર આઇડી કાર્ડ
  • ગેસ કનેક્શનના પુરાવા
  • ઔપચારિક લેટરહેડ સાથે એમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ
  • વાલીના પાસપોર્ટની નકલ ( જો અરજદાર સગીર હોય)
  • સ્પાઉસની પાસપોર્ટ નકલ

તાજેતરમાં પ્રકાશિત થયેલા 2025 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, ભારતનો પાસપોર્ટ 80મા ક્રમે છે, જે અલ્જેરિયા, ઇક્વેટોરિયલ ગિની અને તાજિકિસ્તાન સાથેનું સ્થાન છે. કુલ 227 દેશોમાંથી 193 દેશોમાં પ્રવેશ સાથે સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયાના પાસપોર્ટ 190 દેશોમાં પ્રવેશ સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સ્થાને સાત દેશોના પાસપોર્ટ છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી અને સ્પેનનો સમાવેશ થાય છે, જેમને 189 દેશોમાં પ્રવેશની મંજૂરી છે.

મુંબઈની લીલાવતી હોસ્પિટલ વિવાદમાં! રૂ.1500 કરોડનો હેરાફરીનો લાગ્યો આરોપ

0

પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલને કોણ નથી જાણતું, અહીં સૈફ અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ પોતાની સારવાર કરાવે છે. આ હોસ્પિટલ શહેરના ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિઓ માટે સૌથી પસંદગીઓમાંની એક છે. લીલાવતીનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે એક એવો આરોપ લગાવ્યો છે કે જેના લીધે આ હોસ્પિટલ હવે ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, ટ્રસ્ટે આરોપ લગાવ્યો કે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા 1,500 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો.

લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા આ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાં કાળું જાદુ કરવામાં આવ્યું. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્સિક ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવેલી આ અનિયમિતતાઓએ ટ્રસ્ટની કાર્યપ્રણાલી અને બાંદ્રા વિસ્તારમાં સ્થિત અગ્રણી ખાનગી તબીબી સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્યસંભાળ સેવાઓને અસર કરી છે.

LKMMT ના પરમેનેન્ટ રેસિડેન્ટ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું કે, “અમે ફરિયાદો નોંધાવી, જે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને કારણે FIRમાં ફેરવાઈ ગઈ. ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે ત્રણથી વધુ FIR નોંધવામાં આવી છે. આ વ્યક્તિઓ સામે ચોથી કાર્યવાહી હવે મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ છે, જે કાળા જાદુ અને ગુપ્ત પ્રથાઓ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અમારી ફરિયાદ પર આધારિત છે. બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે આ વ્યક્તિઓ સામે તપાસનો આદેશ આપ્યો છે. અમે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની અખંડિતતા જાળવી રાખવા અને એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

લીલાવતી હોસ્પિટલની સ્થાપના 1997 માં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલ તમામ ક્ષેત્રોના લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ કીર્તિલાલ મહેતાની માતા લીલાવતી મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કીર્તિલાલ મહેતા જેમ્બેલ ડાયમંડ્સના સ્થાપક હતા, જે વિશ્વભરમાં શાખાઓ ધરાવતું વૈશ્વિક હીરા સામ્રાજ્ય છે. વ્યવસાય પ્રત્યેના તેમના જુસ્સા અને પરોપકાર પ્રત્યેના સમર્પણને કારણે તેમણે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની રચના કરી, જે હોસ્પિટલના સંચાલનને ટેકો આપે છે. તેમનો પરિવાર તેમના વારસાને આગળ ધપાવી રહ્યો છે, આ હોસ્પિટલ ભારતની અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થાઓમાંની એક છે.