Home Blog Page 486

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

0

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના સૌથી નાના પુત્ર માર્ક શંકર આગની ઘટનામાં ઘાયલ થયા છે. તે સિંગાપોરની એક શાળામાં અભ્યાસ કરતો હતો. માર્કની સારવાર સિંગાપોરની એક હોસ્પિટલમાં ચાલી રહી છે.

પવન કલ્યાણ હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ કર્યા બાદ સિંગાપોર જવાનો નિર્ણય લીધો છે. જનસેવા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘પવન કલ્યાણે કાલે અરાકૂ પાસે કુરિડી ગામના આદિવાસીઓને મળવાનું વચન આપ્યું હતું. પહેલાં તે ત્યાં જઈને તેમને મળીને તેમની સમસ્યા વિશે સાંભળશે.’ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક વિકાસ યોજના શરૂ કરવાની છે. તેથી તે મુલાકાત ખતમ કર્યા બાદ સિંગાપોર જશે.

જનસેના પાર્ટીએ X પર જણાવ્યું હતું કે શંકરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. સારી વાત એ છે કે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે, માર્ક શંકરનો જન્મ 10 ઓક્ટોબર 2017 ના રોજ થયો હતો. તે હવે માત્ર 8 વર્ષનો છે અને સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો શંકરના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

જયપુરમાં બેકાબૂ SUVએ 10 પદયાત્રીને કચડ્યા, ત્રણનાં મોત, સાત ઘાયલ

0

રાજસ્થાનની રાજધાની જયપુરમાં 7 એપ્રિલ, 2025ના રોજ રાત્રે ગતિનો ભયંકર કહેર જોવા મળ્યો. અહીં એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા અનેક ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અહેવાલો અનુસાર, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક ખૂબ જ નશામાં હતો.

એડ. DCP (ઉત્તર) બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર, ઉસ્માન ખાન (62)એ લગભગ 500 મીટરના વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતાના મંદિર પાસે આરોપી ડ્રાઇવરે પહેલા સ્કૂટર-બાઇકને ટક્કર મારી અને પછી રસ્તા પર ચાલતા લોકોને કચડીને ભાગી ગયો. આરોપીએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલાં વાહનોને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શાસ્ત્રીનગર રહેવાસી વિરેન્દ્ર સિંહ (48), મમતા કંવર (50), નાહરગઢ રોડ નિવાસી મોનેશ સોની (28), માનબાગ ઢોર શારદા કોલોની રહેવાસી મોહમ્મદ જલાલુદ્દીન (44) ઘાયલ થયા છે.

આ દરમિયાન, સંતોષી માતા મંદિર વિસ્તારની રહેવાસી દીપિકા સૈની (17), વિજય નારાયણ (65), ઝેબુન્નીશા (50), અંશિકા (24) અને ગોવિંદરાવ જી માર્ગના રહેવાસી અવધેશ પારીક (37)ને પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ મમતા કંવર અને અવધેશને મૃત જાહેર કર્યા હતા. મંગળવારે સવારે અન્ય એક ઘાયલ વીરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું.

આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનો થશે પ્રારંભ, રાહુલ અને સોનિયા ગાંધી સ્મારક પહોંચ્યા

ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. અમદાવાદમાં આ અધિવેશન આજે 8 એપ્રિલ 2025 અને આવતી કાલે 9 એપ્રિલ 2025ના રોજ યોજાશે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના મોટા નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે.

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગે લેવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં આવી ચૂક્યા છે ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે ત્રણેય દિગ્ગજ નેતા સરદાર સ્મારક પહોંચ્યા છે. આ ત્રણેય નેતાઓ સૌ પ્રથમ મ્યુઝિયમમાં જશે.

નોંધનીય છે કે, આ અધિવેશન દરમિયાન અનેક મુદ્દાઓ પર ખુલ્લામંચે ચર્ચાઓ કરવામાં આવશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાય પથ’ નામ આપવામાં આવ્યું છે. જેમાં સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ ટેગલાઈન પણ આપવામાં આવી છે. અમદાવાદમાં અનેક જગ્યાએ આ અધિવેશનના પોસ્ટરો લાગેલા જોવા મળ્યા છે.

ગુજરાત સહિત 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી, વક્ફ (સંશોધન) બોર્ડ બિલ અંગે ચર્ચા, પ્રિયંકા ગાંધીને કોઈ મોટી જવાબદારી, રાષ્ટ્રીય કક્ષાએ ફરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવી વગેરે બાબતો પર આજે ચર્ચા થશે તેવું પાર્ટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, બે દિવસીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે. જેથી કોંગ્રેસ પાર્ટીએ સાબરમતી રિવરફ્રન્ટ નહીં પરંતુ સાબરમતી તટ એવું નામ આપ્યું છે. અધિવેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજથી એટલે કે 11 વાગ્યાથી કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ જશે.

સપાના ભૂતપૂર્વ નેતાનાં 10 સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનય શંકર તિવારી સામે મની લોન્ડરિંગના ગંભીર આરોપોની તપાસ અંતર્ગત એક સાથે 10 થી વધુ સ્થળો પર દરોડા પાડી છે. લખનઉ, ગોરખપુર, નોએડા, મહારાજગંજ અને મુંબઈ સહિતના શહેરોમાં આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. વિનય શંકર તિવારી સાથે સંકળાયેલી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સંબંધિત કંપનીઓની ઓફિસોને આ તપાસ હેઠળ આવરી લેવામાં આવી છે.

વિનય શંકર તિવારી, જે ચિલ્લુપાર વિધાનસભા ક્ષેત્રમાંથી વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને પ્રસિદ્ધ નેતા હરિશંકર તિવારીના પુત્ર છે, તેમના વિરુદ્ધ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેન્કોએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં આરોપ છે કે ગંગોત્રી એન્ટરપ્રાઈઝે બેન્કો પાસેથી રૂપિયા 1129 કરોડની લોન લીધી અને પછી તેનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી છે.

પૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે. વિનય શંકર તિવારી અને તેની કંપની પર થોડા વર્ષો પહેલા આ કંપની માટે 7 બેન્કો પાસેથી લગભગ 1129 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાદમાં તે જ બેન્કો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેથી, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ એજન્સીએ ગયા વર્ષે ED પાસેથી આ કેસ સંભાળ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

EDના સૂત્રો મુજબ, ગયા વર્ષે લોન ફ્રોડના આ જ કેસમાં લકનઉ ઝોન દ્વારા 72 કરોડથી વધુની જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. હવે ફરી દરોડાની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે તપાસ એજન્સી સમગ્ર લોન ફ્રોડ મામલે વધુ પુરાવા અને જોડાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે આક્રમક વલણ અપનાવી રહી છે. જો આ આરોપો સાબિત થાય તો તિવારી સહિત જોડાયેલા તમામ પર કાયદેસર કડક પગલાં લેવાઈ શકે છે.

ટ્રમ્પના ટેરિફ વોરથી શેરબજારમાં ભૂકંપ, મંદીની આશંકાએ સેન્સેક્સ 2200 પોઇન્ટ તૂટ્યો

0

સપ્તાહના શરૂઆતમાં ભારતીય શેરબજારમાં વિશ્વભરના નકારાત્મક સંકેતોના કારણે હાહાકાર મચી ગયો. ટેરિફ યુદ્ધ વધવાની શક્યતા અને અમેરિકા સહિત વૈશ્વિક મંદીની આશંકાએ રોકાણકારોને ભારે ચિંતામાં મુકી દીધા. ખુલતાની સાથે જ નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ભારે ઘટાડો નોંધાયો. નિફ્ટી છેલ્લા 10 મહિનામાં સૌથી મોટો દરજજો તૂટ્યો હતો. રોકાણકારોના અંદાજે 13.4 લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ચોક્કસપણે નષ્ટ થયું હતું.

દિવસ દરમિયાન સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો તીવ્ર તૂટ જોવા મળ્યો હતો, જો કે અંતે આ ઘટાડો ઘટીને 2226 પોઈન્ટ રહ્યો અને તે 73,137.90ના સ્તરે બંધ રહ્યો. નિફ્ટી પણ 742.85 પોઈન્ટ તૂટીને 22,161.60 પર બંધ થયો. વૈશ્વિક સ્તરે ટ્રમ્પના ટેરિફ નિવેદન અને ચીનની જવાબી પગલાઓને લઈને રોકાણકારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

BSEના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ 3.5% ઘટ્યો હતો જ્યારે મેટલ અને રિયલ્ટી સેક્ટર સૌથી વધુ દબાણમાં રહ્યા. ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો પણ 60 પૈસા તૂટીને 85.84 પર બંધ રહ્યો, જેની પણ શેરબજાર પર નકારાત્મક અસર જોવા મળી.

BSE પર કુલ 4225 શેરોમાં કામકાજ થયું હતું. તેમાં માત્ર 576 શેરોમાં તેજી રહી જ્યારે 3505 શેરોમાં ઘટાડો નોંધાયો. નિફ્ટીના લગભગ 50% શેરો ચાર ટકા કરતાં વધુ તૂટી ગયા હતા. ઇન્ડિયા VIXમાં એક દિવસમાં 70% જેટલો ઉછાળો આવ્યો હતો, જે બજારમાં અનિશ્ચિતતા અને ભય દર્શાવે છે.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવમાં વધારો, જાણો નવી કિંમત

0

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. રાંધણગેસના ભાવ વધતા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને મોંઘવારી ફટકો લાગ્યો છે. કેન્દ્ર મોદી સરકારે એલીપજી ગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધાર્યા છે. રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઉજ્જવલા યોજનાન પર પણ લાગુ થશે. એક બાજુ એક્સાઇઝ ડ્યુટી વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં તેનાથી ચિંતિત પ્રજાને સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારી દાઝ્યા પર ડામ આપ્યો છે.

સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.

સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, “8 એપ્રિલ 2025 મંગળવારથી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો ઉજ્જવલા યોજના અને બિન-ઉજ્જવલા યોજના હેઠળ તમામ ગ્રાહકોને લાગુ પડશે. હવે નવી કિંમતો મુજબ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ”

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ તેમણે આપી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના 10,415 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 44 પી.એચ.ડી. તથા 1 એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર,શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

રાષ્ટ્રનિર્માણ ભૌતિક સુખસુવિધાઓથી નહીં, પરંતુ વીર માતાઓના સતીત્વ અને તેમના પ્રતાપી પુત્રોના સંસ્કારો, સમર્પણથી થાય છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનવું એ સમયની માંગ છે.

ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ એવી મહામૂલી શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.

દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@2047’નો સંકલ્પ સાકાર કરવા માટે સામૂહિક પુરૂષાર્થ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓને ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજ, રાજ્ય અને દેશના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. યુવાનો દેશની પ્રગતિની દિશા નક્કી કરે, કારણ કે દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં છે.

નર્મદ યુનિવર્સિટી આર્ય સંસ્કૃતિ, ભારતીયતાના સંસ્કારોને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહી છે એમ જણાવી સમગ્ર યુનિવર્સિટી તંત્રને અભિનંદન આપી મંત્રીશ્રીએ જણાવ્યું કે, એ.આઈ. અને આધુનિક ટેકનોલોજીના યુગમાં વિકાસનો માર્ગ પણ ખૂલ્યો છે સાથોસાથ ટેકનોલોજીનો દુષ્પ્રભાવ પણ વ્યાપક બન્યો છે, ત્યારે યુવાનોએ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણા પ્રાચીન મૂલ્યોને ન છોડતા જમીન સાથે જોડાયેલા રહીને મળેલી તકોનો ઉજ્જવળ ભાવિ ઘડવામાં ઉપયોગ કરવો જોઈએ.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. જ્ઞાનના પ્રકાશથી સમાજનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ ખીલવવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા પર ભાર મૂક્યો હતો.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.100 કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.60 કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ધરપકડ, જાણો વિગત

અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે સંકળાયેલા ધોકાધડીના કેસો પાછલા કેટલાક સમયથી ફરીથી ચર્ચામાં આવી રહ્યા છે. તાજેતરમાં મસૌરી રાજ્યના વેરનોન કાઉન્ટીમાંથી ભાગ્ય પટેલ નામના યુવકની ધરપકડ કરાઈ છે. પોલીસ અનુસાર, ભાગ્ય પટેલ પર એક અમેરિકન નાગરિક સાથે 40,000 ડોલર પડાવવાના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસની જાણ ત્રીજી એપ્રિલે પોલીસને મળતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી અને તે જ દિવસે આરોપીની ધરપકડ થઈ હતી. ધરપકડ દરમિયાન ભાગ્ય પટેલ પાસેથી 37,000 ડોલરની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે ભાગ્ય પટેલના વિરુદ્ધ ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો લગાવવામાં આવી શકે છે. હાલ તેના પર બે લાખ ડોલરનું કેશ બોન્ડ મૂકવામાં આવ્યું છે. તેની ધરપકડ મસૌરી અને નેવાડાની સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનની મદદથી કરવામાં આવી હતી. હાલમાં પણ તેની વિરુદ્ધ તપાસ ચાલુ છે, જોકે આરોપી કેટલા સમયથી અમેરિકામાં રહે છે, તેની ઉંમર કેટલી છે અને તેનો ઈમિગ્રેશન સ્ટેટસ શું છે તેની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

ટ્રમ્પના શાસનકાળમાં એવા કિસ્સાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ છેલ્લાં કેટલાક મહિનામાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ફરીથી માથું ઊંચકતી જણાઈ રહી છે. છેલ્લા બે મહિનામાં જ પાંચથી વધુ ગુજરાતીઓ આવી જ નકલી કૌભાંડોની ઘટનામાં ધરપકડ થયા હોવાના રિપોર્ટ મળ્યા છે. હકીકતમાં આ આંકડો વધુ પણ હોઈ શકે છે, પરંતુ ઘણા કેસોમાં હજુ સુધી સત્તાવાર જાહેરાત થવી બાકી છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં 2 રૂપિયાનો કર્યો વધારો

0

સામાન્ય લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના એક નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2-2 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે. વધારેલી એક્સાઇઝ ડ્યુટી લાગૂ થયા બાદ તેલ કંપનીઓ તેને ગ્રાહકો સુધી ઓન કરી શકે છે. તેનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે સોમવારે સવારે શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. શેરબજારમાં સેન્સેક્સ ત્રણ હજારથી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.

આ એક્સાઇઝ ડ્યુટી સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી શકે છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે દેશની તેલ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે કે પછી તે વર્તમાન દરે લોકોને પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરવાનું ચાલુ રાખે છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થાનિક સ્તરે સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર હતી. એક મોટી ઓઈલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની વેબસાઈટ પર જારી કરાયેલા દરો અનુસાર આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં તેમની કિંમતો સમાન રહેવા સાથે, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યું.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારો દ્વારા લગાવવામાં આવતો વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) મુખ્ય છે. વર્ષ 2021માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ₹27.90 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹21.80 પ્રતિ લિટર હતી.

મે 2022 માં, કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે પેટ્રોલના ભાવમાં 8 રૂપિયા અને ડીઝલના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ આ દરો અમલમાં આવ્યા હતા. હાલની વાત કરીએ તો, ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત આશરે 32 રૂપિયા પ્રતિ લિટર છે. આના પર કેન્દ્ર સરકાર ₹33 પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. આ પછી, વિવિધ રાજ્ય સરકારો પોતાના નિયમો અનુસાર વેટ અને સેસ લગાવે છે, જેના કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ તેમની મૂળ કિંમતથી લગભગ ત્રણ ગણા વધી જાય છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ

ખેડૂતો અને વપરાશકર્તાઓને અત્યંત લાભદાયી એવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડુતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવા આશયથી સુરત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સુરત શહેરના વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ થયો છે. પ્રાકૃતિક કૃષિ માટે મિશન મોડ માં કામ કરી રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે પ્રાકૃતિક કૃષિ બજાર ખુલ્લું મુકાયું હતું.

વેસુની એસ.ડી.જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પૈકીના  ૭૦થી વધુ ખેડૂતો પોતાના ઉત્પાદનોના વેચાણ માટે આવ્યા હતા. ખેડૂતો અહીં દર બુધવાર અને રવિવારે સવારે 8.00 થી 11.00 વાગ્યા સુધી શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યપ્રદ ગુણવત્તાવાળા અને કેમિકલમુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરશે.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. તેમણે ખેડુતોના પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.

રાજય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય, ધરતીની ફળદ્રુપતા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે. જે માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉકેલ છે, એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, આજે નવા નવા રોગોનું પ્રમાણ વધ્યું છે. કેન્સર, ડાયાબિટીસ, નાના બાળકોમાં હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે. ખેતીમાં રાસાયણિક ખાતરો, પેસ્ટીસાઈડસના બેફામ ઉપયોગથી ખોરાકમાં ઝેરનું પ્રમાણ વધ્યું છે. લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરીને ઉપભોકતાઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતનમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.
  
તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પ્રાકૃતિક ખેતી મિશનને રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન બનાવીને દેશના બજેટમાં રૂા.૧૪૮૧ કરોડની જોગવાઇ કરી છે. જેનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન મિશન મોડમાં ચાલશે.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પંચાયત તથા સુરત મહાનગરપાલિકાની આ પહેલ અંતર્ગત ખેડૂતો તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોને સીધા જ બજારમાં વેચી શકશે, જેનાથી તેમને ખેત ઉત્પાદનોના સારા ભાવ મળશે અને આવકમાં વધારો થશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોના લોકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રાકૃતિક કૃષિ પેદાશો વાજબી કિંમતે મેળવવા માટે સરળતા થશે જેનાથી સ્વાસ્થ્યની જાળવણી થશે.