મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.
વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.
મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.
કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.
સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.
કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.
તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.
વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.
ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.
મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.
કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.
મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ-જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.
૧૦ માર્ચ, ૨૦૨૫ / ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ
‘અરે વો ચાચા, ચાચા….આ મૂત્રાલય નથી, મંત્રાલય છે’, પેશાબ કરતાં શખ્સનો વીડિયો વાયરલ, જુઓ
દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બહાર રસ્તા પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સો રોષે ભરાયા છે અને તેઓ સિવિક સેન્સ યાદ અપાવી રહ્યા છે. કેટલાકે તો તેના પર હાસ્યાસ્પદ કોમેન્ટે પણ કરી છે.
સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયેલો આ વીડયો છ સેકન્ડનો છે, જેમાં સફેદ પેન્ટ-શર્ટ પહેલો એક વ્યક્તિ ફુટપાથ પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે અને તે જ્યાં ઉભો છે, ત્યાં તેની સામે ‘પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય’ લખેલું છે. લોદી રોડ સ્થિત મંત્રાલય બહારની આ ઘટનામાં એક કાર ચાલકે તે વ્યક્તિને ટોક્યો હતો અને સાથે વીડિયો પણ ઉતાર્યો હતો. તેણે વીડિયો ઉતારતી વખતે પેશાબ કરનાર વ્યક્તિને કહ્યું કે, ‘અરે વો ચાચા, ચાચા….’ મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે.’
અમદાવાદમાં ભારતની પહેલી ગિયરવાળી ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંગોદર ખાતે મેટર દ્વારા સ્થાપિત દેશના પ્રથમ ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીને આ સુવિધા વિશે જાણ થઈ અને તેમને ઇલેક્ટ્રિક મોટરબાઈક ભેટમાં આપવામાં આવી. ગુજરાત પોલીસ વિભાગ અને ગીર ફોરેસ્ટ રેન્જર્સને પણ એક-એક બાઇક ભેટમાં આપવામાં આવ્યું હતું. મેટરનો નવો નેક્સ્ટ જનરેશન પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટિવ ઇન્ડિયા પહેલ હેઠળ વાર્ષિક 1.2 લાખ ઇલેક્ટ્રિક બાઇકનું ઉત્પાદન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતને ભારતમાં ગ્રીન એનર્જીનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન એનર્જી ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ‘ભારતમાં નવીનતા’નો મંત્ર આપ્યો છે. આને ટેકો આપવા માટે, મેટર કંપનીએ દેશના પ્રથમ ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
નવીનીકરણીય ઊર્જાને પ્રાથમિકતા મળી
મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલ દ્વારા નવીનીકરણીય ઉર્જાને પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, ભારતની ગ્રીન એનર્જી ક્ષમતા 2.8 GW થી વધીને 102.5 GW થઈ છે, જ્યારે પવન ઉર્જા ઉત્પાદન લગભગ બમણું થયું છે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની સફળતા હેઠળ, દેશભરમાં ૧૧ લાખથી વધુ ઘરોમાં સૌર પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી સૌર આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા 9 ગીગાવોટથી વધીને 98 ગીગાવોટ થઈ છે. 4.5 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે 2,240 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ભારતને વિશ્વમાં ત્રીજો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા ઉત્પાદક દેશ બનાવશે.
છેલ્લા દાયકામાં EV નું વેચાણ 640 ગણું વધ્યું છે, જેમાં ગયા વર્ષે જ 1.7 મિલિયન EV નું વેચાણ થયું હતું. ગુજરાતની EV નીતિ-2021 હેઠળ, રાજ્ય EV માળખાગત સુવિધાઓ અને લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે.
800 EV બસો દોડી રહી છે
રાજ્યની જાહેર પરિવહન વ્યવસ્થામાં હાલમાં લગભગ 800 EV બસો કાર્યરત છે અને ગયા વર્ષે ગુજરાતમાં 2.64 લાખ EV નોંધાયા હતા. મેટર કંપનીના સ્થાપક અને ગ્રુપ સીઈઓ મોહલ લાલભાઈએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને આ પ્રસંગને કંપની અને EV ઇકોસિસ્ટમ બંને માટે પરિવર્તનશીલ ક્ષણ ગણાવ્યો. તેમણે આ સિદ્ધિ શક્ય બનાવવા માટે ગુજરાતની પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિઓને શ્રેય આપ્યો.
ફિક્સ પે ના કર્મચારીઓ ખાંસ વાંચે, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાત સરકારે ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો છે. નાણાં વિભાગે ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. 12 કલાક કરતા ઓછા સમય માટે નું ભથ્થું રૂપિયા 120 થી વધારી રૂપિયા 200 કરવામાં આવ્યું છે. જ્યારે 12 કલાક થી વધુ ના રોકાણ માટે ભથ્થું રૂપિયા 240 થી વધારી 400 કરવામાં આવ્યું છે. તેમને મુસાફરી ભાડું એસટી અને રેલ્વે પ્રમાણે મળશે તેવું પણ નક્કી કરાયું છે.
સરકારી કર્મચારીઓ માટે આજે ખુશી સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર ફિકસ પગાર વેતન ધારકોના ભથ્થામાં વધારો કરતાં જે કર્મચારીઓને સરકારી કામ માટે બહાર જવાનું થાય ત્યારે 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછું રોકાણ હોય ત્યારે તેમને હવે પછીથી નવા ભાવ વધારો મુજબ ભથ્થું મળશે. સરકારી કર્મચારીઓના ભથ્થામાં વધારો કરતા 12 કલાકથી ઓછા સમયના રોકાણમાં ભથ્થું વધારી 120નાં બદલે રૂપિયા .200 મળશે અને વધુ સમયના ભથ્થા પેટે એટલે કે 12 કલાકથી વધુ સમયના રોકાણ માટે નવા લાગુ કરાયેલા નિયમ મુજબ ભથ્થા પેટે 400 રૂપિયા મળશે. સરકારી કર્મચારીઓના 12 કલાકથી વધુ રોકાણમાં 240ની ભથ્થું મળતું હતો તેમા વધારો કરતા હવેથી 400 રૂપિયા મળશે.
ફિક્સ પે કર્મચારીઓના ભથ્થાને લઈને નાણા વિભાગમાં રજૂઆત કરાયા બાદ ભથ્થામાં મંજૂરી મળતા આજે જાહેરાત કરવામાં આવી. ફિક્સ પે કર્મચારીઓના ભથ્થાને લઈને નાણા વિભાગમાં રજૂઆત કરાયા બાદ ભથ્થામાં મંજૂરીને લઈને ઠરાવ પસાર થતા આજે જાહેરાત કરવામાં આવી. અગાઉ ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2024માં રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરાયો હતો. આ વધારો 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને પંચાયતના લગભગ 9 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ભથ્થાના વધારાનો લાભ મળ્યો હતો.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં 267 કેદીઓ સાક્ષર થયા
ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત ન રહે તેવું રાજ્ય સરકારનું હરહંમેશ આયોજન રહ્યું છે. તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી વિદ્યાલય બનાવવામાં આવી છે. જેમાં અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે, સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ ૧૬ બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ – 2024માં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂ.18 લાખના ખર્ચે “ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ” તૈયાર કરવામાં આવ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ જેલ ખાતે વર્ષ – 2024-24માં ધો-10ના 16, ધો- 12ના 9 અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટીફીકેટ કોર્ષમાં 32 કેદીઓઓ મળીને કુલ 57 બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જેલની શાળામાં વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં ધો 10માં અને ધો ૧૨માં પરીક્ષાનું પરિણામ 100% આવ્યું હતું.
આ વિદ્યાલયમાં બંદીવાન ભાઈ-બહેનોના સર્વાગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરૂષ અને મહિલા વિભાગ માટે અલગ-અલગ લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઈબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઈસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં બંદિવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે, તે અંગેનું રેકર્ડ રાખવામાં આવે છે. વિદ્યાલયની લાઈબ્રેરીમાં કુલ 18 હજારથી વધુ પુસ્તકો તેમજ કુલ 864 મેગઝીન ઉપલબ્ધ છે. આ શાળામાં અભણ- નિરક્ષર અને વૃધ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવાં બંદિવાનો માટે જેલ ખાતે ઓડીયો લાઈબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં કુલ-2064 જેટલાં બંદીવાનોએ ઓડીયો લાઈબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે.
ખડગેને ખુરશી પર બેસાડી રાહુલ સોફા પર બેસી ગયા! ભાજપનો કોંગ્રેસ પર વાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દલિતોના અપમાન અંગે ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર અલગથી બેઠેલા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સોફા પર બેઠા છે. ભાજપે તેને દલિતોનું અપમાન ગણાવ્યું છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપને દલિત વિરોધી કહેવામાં આવ્યું અને એવો આરોપ મૂકવામાં આવ્યો કે જ્યારે વિપક્ષના નેતા ટીકા રામ જુલી રામ મંદિર ગયા, ત્યારે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યએ તે મંદિર ધોઈ ધોવડાવ્યુ. રાહુલ ગાંધીએ કોંગ્રેસની આ પોસ્ટ શેર કરી અને લખ્યું કે આ ભાજપની દલિત વિરોધી અને મનુવાદી વિચારસરણીનું બીજું એક ઉદાહરણ!
ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી, સહીત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ જોવા મળે છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે અલગ બેસાડીને તેમનું આપમાન કર્યું હતું.
રાહુલ ગાંધીની તે પોસ્ટ પર, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મલ્લિકાર્જુન ખડગે ખુરશી પર બેઠેલા અને રાહુલ સોનિયા સોફા પર બેઠેલાનો એક વીડિયો શેર કર્યો. અમિત માલવિયાએ લખ્યું કે પહેલા ખડગે જીનું સન્માન કરતા શીખો. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમની ખુરશી છેડે રાખવાનો અર્થ શું હતો? આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ દલિત વિરોધી છે.
વક્ફ બોર્ડ મામલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મારામારી
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ફરી એકવાર મોટો હોબાળો થયો છે. ભાજપ અને આપના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વધી ગયો હતો કે, બંને પક્ષના નેતાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એનસીના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા પર ચર્ચાની માગ કરતાં સદનમાં દેખાવો કર્યા હતા.
ભાજપના ધારાસભ્યે જણાવ્યું હતું કે, તેઓ મીડિયા સાથે વાતચીત દરમિયાન હિન્દુઓ વિરૂદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતાં. વિધાનસભાની કાર્યવાહી જોવા આવેલા પીડીપીના કાર્યકરોએ પણ મુફ્તી મોહમ્મદ સૈયદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતાં તેમણે પણ AAP ના ધારાસભ્યો સાથે મારામારી કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકે કહ્યું કે, આ લોકો મને જણાવશે કે, તેઓ બહાર તમાશો કેમ કરી રહ્યા હતા, ભાજપના લોકોએ હુમલો કર્યો હતો.
શું હતી બબાલ?
ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ નિવેદન આપ્યું હતું કે, બે કોડીના ધારાસભ્ય હિન્દુઓને ગાળો આપશે, આજે તેમને બતાવવું પડશે. જ્યારે AAPના ધારાસભ્યે કહ્યું કે, હિન્દુ તિલક લગાવી દારૂ પીવે છે, ચોરી કરે છે.
વક્ફ બિલ સંસદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર લાગતાં કાયદો બન્યો છે. જે ગઈકાલથી સત્તાવાર ધોરણે લાગુ પણ થયો છે. પરંતુ તેના વિરોધમાં રાજકારણની લડાઈ થંભી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી વક્ફ કાયદા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભા યુદ્ધનો અખાડો બની ગઈ છે. પીડીપીના નેતાની આ મુદ્દે ચર્ચા કરવાની માગ ફગાવી દેવામાં આવતાં હોબાળો થયો હતો. આ હોબાળાએ આજે ઉગ્ર સ્વરૂપ લીધુ હતું.
શેરબજારમાં આજે સેન્સેક્સમાં 300થી વધુ પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટેરિફ વોરની અસર વૈશ્વિક બજર સાથે ભારતીય બહાર પર પણ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. સેન્સેક્સ 379.93 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 73,847.15 પર બંધ થયો હતો, અને નિફ્ટી 136.70 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 22,399.15 પર બંધ થયો હતો. લગભગ 1500 શેર વધ્યા હતા, 2241 શેર ઘટ્યા હતા અને 138 શેર યથાવત રહ્યા હતા.
નિફ્ટીમાં વિપ્રો, SBI, ટેક મહિન્દ્રા, L&T, ટ્રેન્ટ મુખ્ય ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે નેસ્લે, HUL, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન કંપની, પાવર ગ્રીડ કોર્પના શેરોમાં વધારો થયો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો. ઓટો (0.3 ટકા વધ્યો) અને FMCG (1.5 ટકા વધ્યો) સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા હતા, જેમાં IT અને PSU બેંક દરેક 2 ટકા ઘટ્યા હતા.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 3.47%, કોરિયાનો કોસ્પી 1.20% અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.55% ઘટ્યો છે. 8 એપ્રિલના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ 0.84% ઘટ્યો. S&P 500 ઇન્ડેક્સ 1.57% ઘટ્યો અને નાસ્ડેક કમ્પોઝિટ 2.15% ઘટ્યો. આજનો દિવસ નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેના સાપ્તાહિક ઓપ્શન્સ એક્સપાયરીના દિવસ છે. મહાવીર જયંતિના કારણે 10 એપ્રિલ, ગુરુવારના રોજ સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વધુ એક ગુજરાતીની હત્યા, આરોપીની ધરપકડ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા, યુરોપ હોય કે પછી ઓસ્ટ્રેલિયા, સતત હત્યાની ઘટનાની સામે આવતી રહે છે. આ કડીમાં વધુ એક દુઃખદ ઘટના ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી છે, અહીં ગુજરાતી યુવાનની હત્યા થઇ છે. જોકે, હત્યા કયા કારણોસર થઇ તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
માહિતી પ્રમાણે, નવસારીના બીલીમોરાના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઇ છે. મેલબોર્નના બરવૂડમાં રહેતા મિહિર દેસાઈ નામના યુવાનની ચપ્પૂના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ મેલબોર્ન પોલીસે ઘરમાંથી એક 42 વર્ષીય યુવકની અટકાયત કરી હતી. જોકે, તપાસમાં હુમલાખોર વ્યકિત ગુજરાતી મૂળનો જ હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે, આ બન્ને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. મિહિર દેસાઈની હત્યાના પગલે હાલમાં ગુજરાતમાં વતન બીલીમોરામાં શોકનો માહોલ છવાયો છે. મેલબોર્ન પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
સુરતમાં ડાયમંડ કંપની સામે બીજા દિવસે વેપારીઓના ધરણા યથાવત્
સુરતની જાણીતી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરવામાં આવેલા કેસને લઇ વેપારીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. ગઈકાલે વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા ઉપર બેઠેલા વેપારીઓને મળવા માટે અને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે આજે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયા અને કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા હતા. સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા દ્વારા કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી.
કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ડાયમંડ વેપારીના પરિવારો ધરણા ઉપર બેઠા છે. વેપારીઓ તેમના પત્ની સાથે ધરણા ઉપર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. છ વર્ષ પહેલા ડાયમંડના ધંધામાં નુકસાન થતા વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીને નાણા પરત કરી શક્યા ન હતા. જે બાબતે કંપનીના માલિક ડાયમંડ એસોસિએશન દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરીને શક્ય તેટલું બાકી નીકળતા નાણા લઈ લેવામાં આવ્યા હતા અને સમાધાન કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા જ્યારે વેપાર ધંધો સાથે કરવામાં આવતો હતો ત્યારે કંપનીએ તેમની પાસેથી સિક્યુરિટી પેઠે એડવાન્સ ચેક લઈ લીધા હતા. તે ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવીને વેપારીઓ સામે કેસ દાખલ કર્યો છે. જેનાથી વેપારીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા એ જણાવ્યું કે, કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક દ્વારા સમાધાન કરી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન વેપારીઓ દ્વારા તેમની જમીનો, ઘરેણા, રોકડ રકમ અને પ્રોપર્ટી પણ આપી દેવામાં આવી હતી. આજે બાર જેટલા પરિવારો કંપની સામે ધરણા ઉપર બેઠા છે. અમે કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે રજૂઆત કરી રહ્યા છે, કારણકે અમે પોતે પણ આ 12 પરિવારોની સંપત્તિ અંગે ખરાઈ કરી લીધી છે તેમની પાસે હવે આપવા માટે કશું બચ્યું નથી. આવી સ્થિતિમાં અમે તેમને સહાનુભૂતિ આપવા માટે કેપી સંઘવી ડાયમંડ કંપનીની સામે ધરણા સ્થળ ઉપર આવ્યા છે.

