Home Blog Page 400

મહેસાણા દૂધસાગર ડેરી બોર્ડ મિટિંગમાં હોબાળો, વાઈસ ચેરમન પર હુમલો

મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં યોગેશ પટેલની સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાંખ્યા હતા. જેના પગલે વાઈસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી છે.

સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી એ હુમલો કરીને મારામારી કરી સોનાની ચેન અને ચશ્મા તોડી નાંખ્યા. મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરાઈ.

આ મામલે દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે એક વીડિયો પણ શેર કર્યો છે અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે. વીડિયોમાં યોગેશ પટેલના હાથમાં તેમના તૂટેલા ચશ્મા અને તુટેલી સોનાની ચેન સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યાં જ વીડિયોમાં તેઓ પોતાના પર થયેલા હુમલાની સમગ્ર ઘટના વર્ણવી રહ્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયાની જાણકારી દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે પોતે આપી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે,”હું દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલ, આજે અમારી બોર્ડ બેઠક હતી અને તેમાં મેં પ્રશ્નોત્તરી હતી. જે દરમિયાન મારી પાસે કેટલાક મુદ્દા હતા. જે મેં ચેરમેન અને એમડીને મારે પૂછવાના હતા. જેથી મેં મારા મુદ્દાને લઈ પૂછ્યુ જે મુદ્દો સાચો હતો. બેંકનું 1790 કરોડનું રૂપિયાનું દેવું છે, તેઓએ સાગર પત્રિકામાં જે લખાવ્યું છે તે ખોટું છે.”

વધમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ કહ્યું કે,”બેંકોનું 1790 કરોડ રૂપિયાનું દેવું ડેરી પર છે જે મેં પૂછતા દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડી મારા પર ખિજાયા હતા, જે બાદ અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારા પર હુમલો કર્યો હતો. અગાઉ પણ આ લોકોએ મને ધમકી આપી હતી. જોકે હું ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક અને કાર્યકર્તા છું. હું પણ પટેલનો દીકરો છું અને સામો જવાબ પણ આપી શકું છું પરંતુ મારી પાર્ટીની છબી ખરડાય નહીં માટે મેં તેઓને વળતો જવાબ આપ્યો નહીં પરંતુ બાદમાં મેં મહેસાણા ખાતે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી તેઓ વિરૂદ્ધ ફરિયાદ માટે અરજી આપી દીધી છે.”.

હવામાન વિભાગનો રેઈન અલર્ટ: આગામી 24 કલાકમાં 215 તાલુકામાં ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 27 જૂનના રોજ સવારે 6 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ
વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ 21 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 133 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ
નોધાયો છે.

આ જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
આ સિવાય મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત અને ડાંગમાં પણ ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે શનિવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. શનિવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સતત વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

કર્ણાટક: એમએમ હિલ્સ અભયારણ્યમાં પાંચ વાઘોના શંકાસ્પદ મોત, ઝેર આપવાનો અનુમાન

0

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલા નર મહાદેશ્વર હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં પાંચ વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે. આમાં એક માતા અને ચાર બચ્ચાનો સમાવેશ થાય છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ આ ચાર વાઘના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. એવી શંકા છે કે આ પાંચ વાઘ ઝેરના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે, વન વિભાગનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ બધી પ્રક્રિયાઓ અને પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.

મધ્યપ્રદેશ પછી કર્ણાટકમાં વાઘની સંખ્યા બીજા ક્રમે છે. અહીં વાઘની સંખ્યા 563 છે. વન્યજીવો સાથે વધતા સંઘર્ષને કારણે, ખાસ કરીને વાઘ દ્વારા પશુઓ પર હુમલો કરીને ખાઈ જવાને કારણે, ગામલોકો ઘણીવાર ઝેર અને ફાંસોનો ઉપયોગ કરીને તેમને મારવાનો પ્રયાસ કરે છે. વન વિભાગની ટીમે મૃત વાઘના નમૂના લીધા છે અને તેમને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ એકસાથે 5 વાઘના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઘણ થોડા દિવસ પહેલા એક ગાયને મારી નાખી હતી. એવું માનવામાં આવે છે કે આ વાઘણને ઝેર આપીને મારી નાખવામાં આવી છે. તેમને થોડો ખોરાક આપવામાં આવ્યો હતો જેમાં ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે. ઝેરી ખોરાકથી વાઘણ અને તેના બચ્ચાં મરી ગયા.

વનમંત્રી ઈશ્વર ખાંડ્રેએ કહ્યું, ‘એમએમ હિલ્સમાં પાંચ વાઘના મોત થયા છે અને તે ખૂબ જ દુઃખદ છે. એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત્યુ પામ્યા. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મેં વન વિભાગના વડાનો સંપર્ક કર્યો છે અને આ મામલાની ગંભીર તપાસના આદેશ આપ્યા છે.’

સુરતમાં બિલ્ડિંગના દાદરનો ભાગ તૂટી પડ્યો, લેડરથી 6 બાળક અને 7 મહિલાનું રેસ્ક્યૂ

સુરતમાં વેરરોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો ભાગ એકાએક તૂટી પડતાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉતાર્યા હતા.

લેડરની મદદથી ફાયર વિભાગે રસ્તો કર્યા
વેડરોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના ત્રણથી ચાર જેટલા પગથિયાં એકાએક જ તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. રહીશો ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

6 બાળકો અને 7 મહિલાનું રેસ્ક્યુ
ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ગણતરીની મિનિટોમાં જ જે દાદરનો ભાગ પડી ગયો હતો તેના ઉપરના ત્રણ માળના લોકો ફસાઈ ગયા હતા. લેડરની મદદથી તાત્કાલિક 6 જેટલા બાળકો અને 7 જેટલી મહિલાનુ રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટના સમયે કોઈ પણ પુરુષ ઘરે ન હોવાને કારણે બાળકો અને મહિલાઓ જ ફસાઈ હતી. ઘટનાની જાણ થયા બાદ કોર્પોરેશનના ઝોનની ટીમ બિલ્ડિંગ સ્ટેબિલિટી જોવા માટે પહોંચી હતી.

ભગવાન જગન્નાથ રથયાત્રામાં મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે?

0

રથયાત્રાએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના ભક્તો માટે એક અતિ પવિત્ર અને આનંદમય તહેવાર છે. દેશભરમાં અને વિશ્વભરમાં આ યાત્રા ધામધૂમથી ઉજવાય છે, અને દરેક ક્ષેત્રની પોતાની આગવી પરંપરાઓ અને પ્રસાદ ધરાવવાની રીતો હોય છે. આ વખતે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા છે.

રથયાત્રાના આ અવસરે ભગવાન જગન્નાથને મુખ્યત્વે છપ્પન ભોગ (મહાપ્રસાદ) અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ સાથે મગનો પ્રસાદ પણ અર્પણ કરવાની પ્રથા પ્રચલિત છે. અહીં જાણો રથયાત્રામાં મગનો પ્રસાદ શા માટે ધરાવવામાં આવે છે જાણો કારણો

  • પૌષ્ટિકતા: મગ એ એક અત્યંત પૌષ્ટિક અને સુપાચ્ય કઠોળ છે. ડબલ સીઝનમાં આવતા આ તહેવાર દરમિયાન, શરીરને હળવો અને પૌષ્ટિક આહાર આપવો હિતાવહ છે. મગ સરળતાથી પચી જાય છે અને શરીરને જરૂરી એનર્જી પૂરી પાડે છે, જે લાંબા સમય સુધી ચાલતી રથયાત્રામાં ભાગ લેનારા ભક્તો માટે ખૂબ ફાયદાકારક છે. તેને બાફીને, ફણગાવીને કે દાળ સ્વરૂપે પ્રસાદમાં શામેલ કરી શકાય છે.
  • સાત્વિકતા અને શુદ્ધતા: ધાર્મિક વિધિઓમાં સાત્વિક આહારનું વિશેષ મહત્વ હોય છે. મગને સાત્વિક ભોજનમાં ગણવામાં આવે છે, જે મન અને શરીરને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ભગવાનને શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ અર્પણ કરવી એ ભક્તિનો એક મહત્વનો ભાગ છે.
  • સરળતા અને ઉપલબ્ધતા: મગ એ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ થતું કઠોળ છે. તેને તૈયાર કરવામાં પણ બહુ સમય લાગતો નથી. મોટા પાયે પ્રસાદ વિતરણ કરવાનું હોય ત્યારે, મગ જેવી સરળતાથી બનતી અને ઉપલબ્ધ વસ્તુ ખૂબ અનુકૂળ રહે છે.
  • પરંપરા અને માન્યતાઓ: કેટલાક પ્રદેશોમાં અથવા ચોક્કસ મંદિરોમાં, રથયાત્રા દરમિયાન મગનો પ્રસાદ અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય છે. આ પરંપરાઓ પાછળ સ્થાનિક લોકકથાઓ, ઐતિહાસિક ઘટનાઓ અથવા કોઈ વિશેષ ધાર્મિક મહત્વ જોડાયેલું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક સ્થળોએ એવી માન્યતા હોય છે કે ભગવાનને અમુક પ્રિય વસ્તુઓ ચઢાવવાથી વિશેષ ફળ મળે છે.
  • સિમ્બોલિક અર્થ: કઠોળ સામાન્ય રીતે વૃદ્ધિ, સમૃદ્ધિ અને જીવનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. મગનો પ્રસાદ અર્પણ કરીને, ભક્તો ભગવાન પાસેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના આશીર્વાદ માંગે છે.

ટૂંકમાં, રથયાત્રામાં મગનો પ્રસાદ ધરાવવા પાછળ સ્વાસ્થ્ય, સાત્વિકતા, સરળતા અને પરંપરાગત માન્યતાઓ જેવા અનેક કારણો સંકળાયેલા હોઈ શકે છે. આ પ્રસાદ ભક્તોને શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર પૂરો પાડે છે.

મુખ્યમંત્રીના કાફલામાં બેદરકારી! ડીઝલની જગ્યાએ પાણી ભરાતા 19 વાહનો પાછા ખેંચવા પડ્યા

0

મધ્યપ્રદેશના રતલામમાં આજે ‘એમપી રાઈઝ 2025’ કોક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ભાગ લેશે. ગત રાત્રિના ડીઝલ ભરાવ્યા બાદ મુખ્યમંત્રીના કાફલાના વાહનો થોડા અંતર બાદ અચાનક ચાલતા બંધ થઈ ગયા. તપાસ કરી તો ખબર પડી કે તેમાં પાણી હતું.

ડીઝલ ભરાવ્યા બાદ વાડનો બંધ થયા
આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. રતલામમાં એમપી રાઈઝ 2025′ કોન્કલેવ માટે સીએમના કાફલા માટે ઇન્દોરથી લગભગ 19 ઈનોવા કાર મંગાવવામાં આવી હતી. કાફલાના લગભગ 19 વાહનો ધોસી ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા ગયા હતા. ત્યાં ડીઝલ ભર્યા પછી થોડું અંતર કાપ્યા પછી બધા વાહનો અચાનક ચાલતા બંધ થઈ ગયા.

પેટ્રોલ પંપને સીલ કરી દેવાયો
મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં ખામી હોવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે તમામ વાહનોમાંથી ડીઝલ ખાલી કરવામાં આવ્યું ત્યારે તેમાં પાણી મળી આવ્યું હતું. વાહનોના ડીઝલ ટેન્ક ખોલવામાં આવ્યા. વાહનમાં 20 લિટર ડીઝલ ભરેલું હોવાનું જાણવા મળ્યું, જેમાંથી 10 લિટર પાણી નીકળ્યું. આ સ્થિતિ તમામ વાહનોમાં જોવા મળી. વહીવટીતંત્રે ત્યારબાદ પેટ્રોલ પંપને સીલ કરી દીધો અને ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી.

વરસાદનું પાણી ડીઝલમાં લીક થયો હોવાનો દાવો
પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ખોલવાથી ગેરેજ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આ સાથે કેટલાક અન્ય ટ્રક ડ્રાઈવરો પણ આ જ ફરિયાદ સાથે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક મેનેજર શ્રીધરને ફોન કર્યો. તેમની સામે પેટ્રોલ પંપના કર્મચારીઓનું આ મામલે કહેવું છે કે વરસાદને કારણે ડીઝલ ટાંકીમાં પાણી લીક થયું છે.

અમદાવાદ 148મી રથયાત્રામાં ગજરાજ બેકાબૂ, ત્રાસથી અફરાતફરી મચી

અમદાવાદ અને પુરી ખાતે આજે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી છે. જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથ નાદથી અમદાવાદ અને પુરી ગૂંજી રહ્યા છે. આજે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી, પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો. હજારોની સંખ્યામાં ભક્તો, શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા જેમ જેમ નગરમાં આગળ વધી રહી છે તેમ તેમ નગરનું વાતાવરણ જય રણછોડ નાદથી અભિભૂત થઇ રહ્યું છે. અહીં નોંધનિય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે.

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ડીજેના સાઉન્ડના કારણે હાથીઓ બેકાબૂ બન્યાં હતા. જેના કારણે ત્રણ લોકોને ઈજા થઈ હતી. ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. જો કે, ગાંડાતૂર બનેલા હાથીઓને રથયાત્રામાંથી બાકાત કરી દેવામાં આવ્યા હોવાનુ અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.

જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતી અને પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર, ભાઈ બલરામ તાલધ્વજ રથ પર અને બહેન સુભદ્રાજીને દેવદલન રથ પર બિરાજમાન કરાયા અને ભારે ઉત્સાહભેર માહોલમાં રથયાત્રાનો શુભારંભ કરાયો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા રથયાત્રાનું ભવ્ય સ્વાગત
ભગવાન જગન્નાથના રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા ત્યારે અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારે રથયાત્રા નિયત સમય કરતા એક કલાક સુધી મોડી ચાલી રહી છે. જેના કારણે મોસાળ સરસપુર પહોંચા સમય લાગી જવાનો છે. ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર પહોંચે તે પહેલા મેઘરાજા વધામણી કરવા માટે તૈયાર છે. કારણે કે, સરસપુરમાં મેઘ મંડાણ જોવા મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ વહેલી સવારે પણ મેઘરાજાએ અમી છાંટણાથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

બેંગલુરુ : પાર્ટીની મોજમાં બનાવતી રીલ બની મોતનું કારણ, 13મા માળેથી પડી ગઈ યુવતી

0

બેંગલુરુના પરપ્પાના અગ્રાહારા વિસ્તારમાં 13મા માળેથી પડી જવાથી 20 વર્ષીય મહિલાનું મોત થયું. આ અકસ્માત એક નિર્માણાધીન ઇમારતમાં થયો હતો, જ્યાં મહિલા સોશિયલ મીડિયા માટે રીલ શૂટ કરી રહી હતી.

રીલ બનાવતી વખતે મારો પગ લપસી ગયો
મોડી રાત્રે પાર્ટીમાં તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયા પછી, યુવતી ઉદાસી રીલ બનાવવા માટે ટેરેસ પર ગઈ. રીલ શૂટ કરતી વખતે, તેનો પગ લપસી ગયો અને તે ભૂલથી એક ખાડામાં પડી ગઈ જ્યાં ભવિષ્યમાં લિફ્ટ લગાવવાની હતી. ઘટના પછી, તેનો પુરુષ મિત્ર ત્યાંથી ભાગી ગયો, પરંતુ સ્ત્રી મિત્ર ત્યાં જ રહી ગઈ. તેણે 112 ડાયલ કરીને ઘટનાની જાણ કરી.

પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી તેના મિત્રોના જૂથ સાથે મોડી રાત્રે પાર્ટી માટે તે બિલ્ડિંગમાં ગઈ હતી. આ દરમિયાન, પ્રેમ સંબંધને લઈને વિવાદ થયો હતો. તણાવ વચ્ચે, છોકરીએ “સેડ રીલ” બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક તે લપસી ગઈ અને લિફ્ટના શાફ્ટમાં પડી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક એક શોપિંગ માર્ટમાં કામ કરતી હતી અને મૂળ બિહારની હતી. ઘટના બાદ તેના મિત્રો ઘટનાસ્થળેથી ભાગી ગયા.

બેંગલુરુના ડીસીપી ફાતિમાએ પુષ્ટિ આપી કે હા, તેઓ એક નિર્માણાધીન ઇમારતમાં પાર્ટી કરી રહ્યા હતા અને પછી રીલ બનાવવા માટે છત પર ગયા, ત્યારે છોકરી લપસી પડી. પ્રેમ સંબંધ કારણભૂત હતો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી, તપાસ ચાલી રહી છે. અકુદરતી મૃત્યુ અહેવાલ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. “પરાપ્પના અગ્રાહરા પોલીસ આ રહસ્યમય મૃત્યુની વિગતવાર તપાસમાં રોકાયેલી છે.

ગાંધીનગરમાં 24 કલાકમાં સરેરાશ 7.5 મિમી વરસાદ, માણસામાં સૌથી વધુ 10 મિમી નોંધાયો

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની મોસમ અનોખી રીતે અનુભવાઈ રહી છે. શહેરમાં હજુ સુધી મોસમનો ધારણા મુજબનો વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના ચારેય તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.

માણસા તાલુકામાં સૌથી વધુ 10 મિમી વરસાદ નોંધાયો છે. દહેગામ અને ગાંધીનગરમાં 7 મિમી તથા કલોલમાં 6 મિમી વરસાદ પડયો છે. શુક્રવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સવારે 26 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરે તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ધુમ્મસ સાથે ભેજનું પ્રમાણ 82થી 87 ટકા રહેવાની શક્યતા છે. ગુરુવારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું. રાત્રિ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે શહેરમાં વધુ વરસાદની આગાહી કરી છે. તાપમાન અને ભેજના પ્રમાણમાં થતા ફેરફારને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

આજે ગુજરાત-મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું એલર્ટ, જાણો દેશભરમાં ચોમાસાની સ્થિતિ શું છે

0

દેશભરમાં ચોમાસાનો કહેર ચાલુ છે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને હિમાચલથી ગુજરાત સુધી લોકો પાણી ભરાઈ જવાના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, IMD એ આજે ​​પણ ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે પણ હિમાચલ અને ઉત્તરાખંડમાં પૂર અને વરસાદની ચેતવણી છે, અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી છે. મહારાષ્ટ્રના રાયગઢ, મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદ માટે પીળો ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં વરસાદની સંપૂર્ણ સંભાવના છે.

ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે જ્યાં સતત ભારે વરસાદથી ઘણા શહેરોની હાલત ખરાબ થઈ ગઈ છે. અમદાવાદથી લઈને સુરત અને નવસારી સુધી ફક્ત પાણી જ પાણી દેખાય છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી નદી પૂરજોશમાં વહી રહી છે જેના કારણે નદી કિનારે બનેલા નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. વહીવટીતંત્રે લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે. સુરતમાં પણ વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. નાળા છલકાઈ ગયા છે, રસ્તાથી લઈને ઘરોની અંદર સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં હવામાન સ્થિતિ
મહારાષ્ટ્રના બુલઢાણામાં કલાકો સુધી પડેલા વરસાદને કારણે, કંચન ગંગા નદીમાં પૂર આવ્યું છે, જેની અસર બુલઢાણા નજીક મુંબઈ નાગપુર હાઇવે પર પણ પડી છે. આ વિસ્તારમાં, રસ્તા ઉપરાંત, લોકોના ઘરોમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. કાર ડૂબી ગઈ છે, ઘણી દુકાનો ડૂબી ગઈ છે, વીજળીના થાંભલા ડૂબી ગયા છે અને લોકો ઘૂંટણ સુધી પાણીમાં ફરવા મજબૂર છે. નદીઓના પાણી ભરાઈ જવાને કારણે, મહારાષ્ટ્રના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જોકે, હજુ સુધી આમાંથી કોઈ રાહત મળી નથી કારણ કે IMD એ મહારાષ્ટ્રના રાયગઢ, મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદ માટે પીળો ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત, મુંબઈમાં ભારે વરસાદ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે?
આજે સવારે રાજસ્થાનના બિકાનેર, જેસલમેર, બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, દૌસા, અજમેર, ટોંક, સવાઈ માધોપુર જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં વીજળી, ગાજવીજ અને વરસાદ સાથે શરૂઆત થશે.

શું વાદળો દિલ્હી પર કૃપા કરશે?
દિલ્હી-એનસીઆરમાં વાદળો છવાયેલા હોવા છતાં, હજુ સુધી ચોમાસાનો વરસાદ થયો નથી. ગુરુવારે સવારે પણ તીવ્ર સૂર્યપ્રકાશ અને ભેજએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હાલમાં ચોમાસાની ગતિ ધીમી છે. પરંતુ હવે હવામાન પેટર્નમાં મોટો ફેરફાર શક્ય છે. હવામાન વિભાગે 27 જૂને ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું પીળું એલર્ટ જારી કર્યું છે.

યુપીમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
ઉત્તર પ્રદેશમાં હવામાનનો મિજાજ હળવો થવા લાગ્યો છે. વરસાદ પડી રહ્યો નથી, ચોમાસાની ગતિ ઓછી થઈ ગઈ છે જેના કારણે ચિંતા વધી ગઈ છે. જોકે, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે.