Home Blog Page 398

કાશ્મીરમાં તાપમાનનો ત્રાસ: 134 વર્ષ બાદ સૌથી ઉંચું તાપમાન નોંધાયું

0

કાશ્મીર ખીણમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે, જેના કારણે છેલ્લાં 134 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તાજેતરમાં શ્રીનગરમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જે છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધુ છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે રાત્રે પણ તાપમાન 23 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે 134 વર્ષમાં સૌથી વધારે છે. આ ભયંકર ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 23 જૂનથી સાત જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

વહીવટી તંત્રને હાલની હીટ વેવ (ઉચ્ચ તાપમાનની લહેર)ની સ્થિતિને કારણે કાશ્મીરની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. જૂન અને જુલાઈમાં પણ ગરમી અને ભેજ યથાવત રહેશે તેવી શક્યતા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ પરિસ્થિતિને ગંભીર મોસમી ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં તાપમાન સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી વધુ નોંધાયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થિતિ સીધી રીતે જલવાયુ પરિવર્તન (કલાયમેટ ચેન્જ) અને વૈશ્વિક તાપમાનને પરિણામે છે.

આ અસામાન્ય ગરમી પાછળના અનેક કારણો નીચે મુજબ છે:

  • કાશ્મીર યુનિવર્સિટી દ્વારા 2024માં કરાયેલા અભ્યાસ અનુસાર 1980 પછી કાશ્મીરમાં 5 ડિગ્રી સેલ્સિયસનો તાપમાન વધારો નોંધાયો છે.
  • શ્રીનગરમાં વધતું કોન્ક્રીટીકરણ શહેરમાં “અર્બન હીટ આઇલેન્ડ” અસરનું કારણ બન્યું છે, જ્યાં ઇમારતો વધુ ગરમી શોષી લે છે.
  • ઉપગ્રહ ડેટા અનુસાર 2000થી 2025 દરમિયાન શ્રીનગરમાં હરિયાળો વિસ્તાર 12 ટકા ઘટ્યો છે.
  • છેલ્લાં 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં સ્નો ફોલમાં 18 ટકા ઘટાડો થયો છે, જેને કારણે જમીન વધુ ગરમી શોષી રહી છે.
  • આ વર્ષે ખાસ કરીને શિયાળામાં વરસાદ પણ ખૂબ ઓછો થયો છે. જૂનમાં 83 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેને કારણે કુલ વરસાદમાં 26 ટકા ઘટાડો થયો છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ 1 જુલાઈથી ટ્રેનના ભાડાંમાં થશે વધારો, આ ટ્રેનોમાં થશે મોટો ફર્ક

0

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઈ, 2025 થી, ભારતીય રેલ્વે કેટલીક શ્રેણીઓની ટિકિટના ભાવમાં વધારો કરવા જઈ રહ્યું છે. એટલે કે, હવે તમારે એસી અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. જોકે, કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

કઈ ટ્રેનોમાં ભાડું વધશે?

  • એસી ક્લાસ: સૌથી મોટો વધારો એસી ટિકિટમાં થયો છે. હવે તમારે પ્રતિ કિલોમીટર 2 પૈસા વધુ ચૂકવવા પડશે.
  • જનરલ સેકન્ડ ક્લાસ: જો તમે ૫૦૦ કિમી સુધી મુસાફરી કરી રહ્યા છો, તો ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ, જો તમારી મુસાફરી ૫૦૦ કિમીથી વધુની હોય, તો તમારે પ્રતિ કિમી અડધા પૈસા વધુ ચૂકવવા પડશે.
  • મેલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી): હવે તમારે આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે.

નોન-એસીમાં એક પૈસા અને એસી ક્લાસમાં બે પૈસાનો વધારો
ભારતીય રેલવેએ પહેલી જુલાઈથી નવું ભાડું વસૂલવાનો નિર્ણય લીધો છે, જેનાથી લાંબા અંતરની મુસાફરી કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારમણ વધશે, પરંતુ અમુક કેટેગરીમાં કોઈ વધારો થશે નહીં. રેલવેના નવા ટેરિફ અનુસાર જનરલ મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)ના ભાડાંમાં પ્રતિકિલોમીટર એક પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી ક્લાસની ટ્રેનમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે, જેનાથી સામાન્ય વધારો થશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

એસી ક્લાસની ટિકિટના ભાડાંમાં મોટો ફેરફાર
એના સિવાય મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)માં મુસાફરી કરનારા પ્રવાસીઓને હવે કિલોમીટરદીઠ એક પૈસા વધારે ચૂકવવાના થશે. એ જ રીતે એસી ક્લાસની ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કિલોમીટરદીઠ બે પૈસાનો વધારો કર્યો છે. મુંબઈ સહિત દેશના અન્ય સબર્બનમાં દોડાવાતી લોકલ ટ્રેનના ભાડાંમાં કોઈ વધારો કર્યો નથી, જેનાથી રોજ મુસાફરી કરનારા કરોડો પ્રવાસીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે.

ટિકિટ બુકિંગ માટે નવા નિયમો
અગાઉ, રેલવેએ ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોમાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી તમે મુસાફરીના 4 કલાક પહેલા જાણી શકતા હતા કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં, પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. આ અંતર્ગત, કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે. આ નવી સિસ્ટમ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે તેનો પ્રયાસ થોડા અઠવાડિયા સુધી કરવામાં આવશે.

સુરતમાં ખાડીમાં તણાઈ ગયેલા યુવકોમાંથી બે બચ્યા, 18 વર્ષીય યુવક માટે શોધ ચાલુ

સુરત ખાડીમાં ત્રણ યુવક તણાયા છે. ફાયર બ્રિગેડે બેનો બચાવ કર્યો હતો જ્યારે એક યુવક હજુ ગુમ છે. પુણા-કુંભારિયા વિસ્તારમાં આવેલી એક ખાડીમાં આજે સવારે બનેલી ઘટનામાં એક યુવક ખાડીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે ત્રણ જેટલા યુવકો ખાડી પાસે હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા તેઓ ફસાઈ ગયા હતા. આ પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ખાડીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, 18 વર્ષીય અર્જુન નામનો યુવક હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા અર્જુનને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પણ અર્જુન સહીસલામત મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સુરતમાં ગતરોજ (23 જૂન) બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો 6:00 વાગ્યાથી 8ઃ00 વાગ્યા સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલ, 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળ્યા 724 કરોડની સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 724 કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે સિંગલ ક્લિક દ્વારા DBT થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરેન્ટ, સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે.

તદ્દઅનુસાર મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ચૂકવી છે.

નમો લક્ષ્મી યોજના:-

  • મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે.
  • આ અંતર્ગત ધો.9-10 માટે વિદ્યાર્થિની દીઠ વાર્ષિક રૂ.10 હજાર તથા ધો.12-12 માટે વાર્ષિક રૂ.15 હજારની સહાય આપવામાં આવે છે.
  • આ યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રીના હસ્તે 10.83 લાખ કન્યા છાત્રાઓને રૂ. 600 કરોડ સિંગલ ક્લિક દ્વારા DBT થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે.
  • આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નમો લક્ષ્મી યોજના શરૂ થવાથી શાળાઓમાં કન્યાઓની સંખ્યાનું પ્રમાણ ગત વર્ષે 16 ટકા વધ્યુ છે.
  • એટલું જ નહિ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પરિણામ સ્વરૂપે રાજ્યના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ પ્રત્યેનો ઝોક વધ્યો છે અને ગયા વર્ષે 11 ટકાનો વધારો વિજ્ઞાન પ્રવાહ માટેના પ્રવેશમાં જોવા મળ્યો છે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના:-

  • ધોરણ 10 પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓને ધોરણ 11-12 માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી.
  • ધો. 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષ દરમિયાન કુલ રૂ.25 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
  • મુખ્યમંત્રીએ ગુરૂવારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ આપતાં વિજ્ઞાન પ્રવાહના 1.53 લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૨ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે.
  • ગુજરાત સેમિકંડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો.૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે તે હેતુસર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
  • આ ઉપરાંત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના’અને‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના’ અમલમાં મુકવામાં આવી છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના:-
આ યોજના અન્વયે ધો.1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના

  • ધો. 1 થી 5 માં સળંગ અભ્યાસ કરી ધો.૫ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે ધોરણ-6 માં રાજ્યની શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 60 હજાર વિદ્યાર્થીઓને રૂ. 31 કરોડથી વધુની સ્કોલરશિપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરી હતી.
  • રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિવિધ તબક્કે આ ચારેય યોજના અંતર્ગત રૂ.594.98 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે.
  • હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર 24 જૂને 13 લાખ વિદ્યાર્થીઓને વધુ 724 કરોડની સહાય DBTથી ચૂકવતાં સમગ્રતયા કુલ 1318.98 કરોડની માતબર સહાય નમોલક્ષ્મી યોજના, નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી છે.

ભારતના ભૂતપૂર્વ સ્પિનર દિલીપ દોશીનું લંડનમાં અવસાન, ક્રિકેટ વિશ્વમાં શોકની લહેર

0

ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ દોશીનું 23 જૂન, 2025 ને સોમવારે 77 વર્ષની વયે નિધન થયું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર હૃદયને લગતી સમસ્યાઓના કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.

દિલીપ દોશીનો જન્મ 22 ડિસેમ્બર 1947ના રોજ ગુજરાતના રાજકોટમાં થયો હતો. બીસીસીઆઈએ તેમના નિધન પર અફસોસ વ્યક્ત કર્યો છે. દિલીપ દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, પુત્ર નયન જેઓ સરે (ઈંગ્લિશ કાઉન્ટી) અને સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા અને પુત્રી વિશાખા છે.

દિલીપ દોશી ક્રિકેટર કરિયર
દિલીપ દોશીએ ભારત માટે 33 ટેસ્ટ અને 15 વન ડે રમી હતી. જેમા તેમણે અનુક્રમે 114 અને 22 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટ મેચમાં તેમણે 6 ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. તેમણે માત્ર 28 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પુરી કરી હતી. ક્લાસિકલ લેફ્ટ આર્મર એક્શનથી બોલિંગ કરનારા દિલીપ દોશીએ વન ડેમાં 3.96ના ઇકોનોમી રેટથી વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમોને તેમના આર્મ બોલને સંભાળવામાં મુશ્કેલી પડી હતી.

દિલીપ દોશી ક્રિકેટ રેકોર્ડ
દિલીપ દોશીએ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ અને તેણે પ્રથમ ઈનિંગમાં 103 રનમાં છ વિકેટ અને 167 રનમાં આઠ વિકેટ ઝડપી હતી. દિલીપ દોશી એ નવ ભારતીય ક્રિકેટરોમાંના એક છે જેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે. જાવેદ મિયાંદાદે જ 1982-83માં પાકિસ્તાન સામેની સિરિઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય ઝડપી બનાવી હતી.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સોમવારના દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. લોકોના ઘરોમાં અને માર્કેટના બેઝમેન્ટોમાં પાણી ભરાયા હતા. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે પણ સુરત સહિત દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે
વરસાદી મોસમ વચ્ચે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે 24 જૂન 2025ના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઈરાને ઈઝરાયલના તેલ અવીવ પર ત્રણ વાર કર્યા મિસાઈલ એટેક્સ

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો આખરે અંત આવ્યો છે કે નહિ તે સવાલ વધુ ગૂંચવાડાભર્યો બની ગયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી અને યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ ઈરાને ઈઝરાયલના તેલ અવીવ પર 3 વાર મિસાઈલ એટેક્સ કર્યા છે. ઈઝરાયલી સંરક્ષણ દળે કહ્યું કે, ઈરાને 1 કલાકમાં 3 વખત મિસાઈલ હુમલા કર્યા છે અને તેમાં 4 ઈઝરાયલી નાગરિકો પણ માર્યા ગયા છે. ઈઝરાયલ પરના હુમલાને કારણે તેલ અવીવમાં સાયરન વાગ્યા અને લોકો સુરક્ષિત સ્થળોએ દોડી ગયા છે.

છેલ્લી ક્ષણ સુધી લડવા ઈરાન મક્કમ
યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી ઈરાનના હુમલાઓ દર્શાવે છે કે, તે છેલ્લા શ્વાસ સુધી લડવા માંગે છે. ઉપરાંત, તાજેતરના હુમલાઓ અમેરિકાને સંદેશ આપે છે કે ઈરાન કોઈના દબાણ હેઠળ યુદ્ધવિરામ સ્વીકારી રહ્યું નથી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ તાજેતરના હુમલાઓ વિશે કહ્યું છે કે, આપણું શક્તિશાળી લશ્કરી દળ ઈઝરાયલને છેલ્લી ઘડી સુધી તેના હુમલાઓ માટે સજા આપશે.

તેમણે કહ્યું, ‘બધા ઈરાનીઓ સાથે, હું આપણા બહાદુર સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કરું છું જેઓ તેમના લોહીના છેલ્લા ટીપા સુધી દેશનું રક્ષણ કરવા તૈયાર છે અને જેમણે છેલ્લી ક્ષણ સુધી દુશ્મનના કોઈપણ હુમલાનો જવાબ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોડ પહોંચી

ગુજરાત હાઇકોર્ટને ફરી એક વખત ધમકીભર્યો ઈ મેલ મળ્યો છે. આ વખતે હાઇકોર્ટમાં બોમ્બથી હુમલો કરવાની વાત ઈ મેલમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાલ હાઇકોર્ટની સુરક્ષા સંદર્ભે હાઇકોર્ટ પહોંચ્યા છે. જ્યારે અલગ અલગ સ્થળે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂકાણે જણાવ્યું હતું કે હાલ ધમકીભર્યો મેલ હાઇકોર્ટને મળતા અમારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

15 દિવસ પહેલા પણ હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી
અગાઉ 15 દિવસ પહેલા પણ હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો હતો. ધમકીભર્યો મેલ મળતા જ હાઇકોર્ટના ગેટ બંધ કરી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું હતું. 6 BDDS(બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડ)ની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું.

હાઇકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેની હેઠળ SRPની બે કંપની તથા ટેક્નિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યાં હતા.

રાજ્યના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે 23 જૂનથી 24 જૂન સુધીમાં 24 કલાકમાં 31 જિલ્લામાં 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 21.15% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે સુરતમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

વરસાદની પરિસ્થિતી
24 જૂન, 2025ના રોજ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં 167 મીમી નોંધાયો, જ્યારે પાલસાણામાં 208 મીમી અને સુરત શહેરમાં 346 મીમી વરસાદ થયો, જે રાજ્યનું સૌથી ઊંચું પ્રમાણ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં નહિવત વરસાદ નોંધાયો. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી 31 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ 71.3 મીમી વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે.

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 308.5 મીમી વરસાદ થયો, જે 20.71% છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 196.1 મીમી વરસાદ નોંધાયો, જે 26.23% છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 162.94 મીમી વરસાદ થયો. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે 104.6 મીમી અને 107.08 મીમી વરસાદ નોંધાયો, જે સૌથી ઓછો છે. રાજ્યની સરેરાશ 882 મીમીની સામે 186.51 મીમી વરસાદ થયો, જે 21.15% છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

શેરબજારમાં આજે સેન્સેક્સ 900 ઉછળ્યો, નિફ્ટી 270 લેવલે સ્પર્શ્યો

ઇઝરાયેલ-ઈરાન વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલતી ભીષણ યુદ્ધ પર હવે વિરામ લાગી ગયો છે અને બંને દેશો સીઝફાયર (યુદ્ધવિરામ) માટે સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જાહેરાત કરી છે. આ સમાચારના પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે મળેલા સકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજારોએ મંગળવારના રોજ જોરદાર શરૂઆત કરી છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સંયુક્ત સૂચકાંક સેન્સેક્સ (BSE Sensex) 900થી વધુ અંક ઉછળી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સૂચકાંક (NSE Nifty) પણ 270થી વધુ અંકની તેજી સાથે ખુલ્યો.

એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ અને આ બધા શેર વધ્યા

સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સના શેર 1.78 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.30 ટકા, ટ્રેન્ટ 1.23 ટકા, ટાટા સ્ટીલ 1.21 ટકા, ઇટરનલ 1.16 ટકા, TCS 1.10 ટકા, SBI 1.09 ટકા, ઇન્ફોસિસ 1.09 ટકા, પાવર ગ્રીડ 1.07 ટકા, L&T 1.06 ટકા, ટાટા મોટર્સ 1.02 ટકા, બજાજ ફિનસર્વ 0.98 ટકા, HCL ટેક 0.95 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.85 ટકા વધ્યા.

આ ઉપરાંત, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.79 ટકા, ટેક મહિન્દ્રા 0.78 ટકા, મારુતિ સુઝુકી 0.77 ટકા, ભારતી એરટેલ 0.77 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.75 ટકા, HDFC બેંક 0.72 ટકા, BEL 0.69 ટકા, રિલાયન્સ 0.67 ટકા, બજાજ ફાઇનાન્સ 0.62 ટકા, ICICI બેંક 0.57 ટકા, એક્સિસ બેંક 0.49 ટકા, ટાઇટન 0.37 ટકા, ITC 0.36 ટકા અને સન ફાર્માના શેર 0.20 ટકા વધ્યા હતા.

વિદેશી બજારો તરફથી મળ્યા સારા સંકેતભારતીય શેરબજાર (Indian Stock Market) માટે તેજી ના સંકેત પહેલેથી જ અમેરિકા થી લઇને એશિયા સુધીના શેરબજારોમાંથી મળી રહ્યા હતા. છેલ્લા વેપાર દિવસે અમેરિકાના શેરબજારો હરિયાળી ઝોનમાં બંધ થયા હતા. ડાઉ જોન્સ (Dow Jones) 374.96 અંકના ઉછાળા સાથે, S&P 0.51 ટકા ના ઉછાળા સાથે અને નાસ્ડેક (Nasdaq) 183.56 અંકના ઉછાળ સાથે બંધ થયા હતા. આ ઉપરાંત મંગળવારે પણ મોટા ભાગના એશિયાઈ શેરબજારોમાં જબરદસ્ત તેજી સાથે વેપારની શરૂઆત થઈ હતી.

એશિયાઈ બજારોની વાત કરીએ, તો પ્રારંભિક વેપારમાં જાપાનનો નિક્કી (Nikkei) 415 અંકના ઉછાળા સાથે 38,769.12 પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારે હૉંગકૉંગનો હેંગસેંગ (Hang Seng) 423.87 અંકના ઉછાળ સાથે 24,111ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. દક્ષિણ કોરિયાના કોપ્સી સૂચકાંક (KOSPI) પણ 75.78 અંકના ઉછાળ સાથે 3,090.25 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગિફ્ટ નિફ્ટી (Gift Nifty)માં પણ 200 અંકથી વધુની તેજી જોવા મળી હતી.