Home Blog Page 346

સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં 3000 પાનાના FSL રિપોર્ટમાં ખુલાસો, જામીન અરજી સામે વિરોધ

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના આરોપી કિશોરની જામીન અરજી સામે ગુરુવારે કોર્ટમાં જોરદાર દલીલો કરવામાં આવી હતી. મૂળ ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કોર્ટમાં જણાવ્યું કે કિશોરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી પણ બની હતી. તેમણે દલીલ કરી કે જો કિશોરને જામીન આપવામાં આવશે, તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે, જેથી તેની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.

3000 પાનાના FSL રિપોર્ટમાં ગંભીર ખુલાસા
આ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા 3000 પાનાના FSL રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં પીડિતા અને આરોપી કિશોર વચ્ચે થયેલી જી-મેઇલ ચેટિંગની વિગતો પણ સામેલ છે. આ ચેટિંગમાં શારીરિક સંબંધો અને ગર્ભપાત અંગેની વાતોનો ઉલ્લેખ છે. આ પુરાવાના આધારે ફરિયાદ પક્ષે માંગ કરી છે કે કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવા જેવી કલમોનો ઉમેરો કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જેમાં બચાવ પક્ષના વકીલ કલ્પેશ દેસાઈ પોતાની દલીલો રજૂ કરશે.

ચેટિંગમાં શું શું નીકળ્યું
પોલીસે શિક્ષિકાનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હતો. સિંગણપોર પોલીસે FSLએ આપેલા રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. આ રિપોર્ટના એનાલિસિસ બાદ ઘણી અન્ય બાબતો પણ બહાર આવી છે. જેમાં સગીર અને શિક્ષિકા વચ્ચે જી-મેલ મારફત બંને વચ્ચે જે ચેટિંગ થઈ છે તેનો રિપોર્ટ રજૂ કરાયો છે. પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી. FSL રિપોર્ટમાં મૃતક દ્વારા આરોપી સગીરને કરવામાં આવેલા મેલનો પણ ઉલ્લેખ છે. મોટા પ્રમાણમાં 2024માં મૃતક દ્વારા આરોપી સગીરને મેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શરીર સંબંધ બાંધ્યાનો અને બે વાર ગર્ભપાત કરાવાની સાથે મૃતક પાટીદાર શિક્ષિકાને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

મેઈલમાં એકબીજા માટે ઘણું બધુ લખ્યું
મૃતકે સગીર આરોપીને 14 નવેમ્બર 2020એ સાંજે છ વાગ્યા આસપાસ એક મેલ કર્યો છે. જેમાં મૃતકે સગીર આરોપીને જણાવ્યું છે કે એક વાત તો ભૂલી જ ગઈ કે જે બે વાર પાપ કર્યું છે ને એ બંનેને નડશે, હું તો જઈશ પણ તમને એ પણ નડશે. બીજા એક મેલમાં જણાવ્યું છે કે, પછી યાદ છે ઓલા દિવસ ફાર્મમાં ગયા ને બહુ મોટો ઝઘડો થઈ ગયો. તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું દબાવી દીધું હતું. અન્ય એક મેલમાં લખ્યું છે કે ખબર છે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા.

સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાવડીયા પરિવારની એકની એક દીકરીના અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.આ ઘટના બાદ સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.

હરિયાણામાં મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા મળશે: અરજી કરવાની રીત અહીં છે

0

હરિયાણા સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ‘દીન દયાલ લાડો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દર મહિને 20 લાખ જેટલી મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવશે. આ પહેલનો હેતુ રાજ્યની મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવાનો છે, જેના દ્વારા તેમનું જીવનધોરણ ઉંચું લાવવામાં આવશે. આ યોજના ભાજપના 2024ના ચૂંટણી વચનનો એક ભાગ છે.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ 28 ઓગસ્ટના રોજ જાહેર કર્યું કે ‘દીન દયાલ લાડો લક્ષ્મી યોજના’ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2,100 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય કેબિનેટની ખાસ બેઠકમાં લેવાયો, જેનો મુખ્ય ઉદ્દેશ આ યોજનાને મંજૂરી આપવાનો હતો. આ યોજના ભાજપના વિચારક દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવશે.

આ યોજના 23 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે છે, પછી ભલે તેઓ પરિણીત હોય કે અપરિણીત. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં અંદાજે 19થી 20 લાખ મહિલાઓનો સમાવેશ થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે એક પરિવારમાં પાત્ર મહિલાઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ પરિવારમાં ત્રણ મહિલાઓ પાત્ર હશે, તો તમામને આ ભથ્થું મળશે. પાત્રતા માટે મહિલા અથવા તેના પતિનું ઓછામાં ઓછું 15 વર્ષથી હરિયાણાનું નિવાસી હોવું જરૂરી છે.

આ યોજના અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલી છે. અપરિણીત મહિલાઓ 45 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેમને વિધવા અને નિરાશ્રિત મહિલા આર્થિક સહાય યોજનામાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે, પરિણીત મહિલાઓ 60 વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થા પેન્શન યોજનામાં સ્થાનાંતરિત થશે. આ યોજનાનો લાભ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે તેનો વિસ્તાર કરવામાં આવશે, જેથી ઉચ્ચ આવકવર્ગની મહિલાઓને પણ ભવિષ્યમાં સામેલ કરી શકાય.

મહિલાઓને ઘરે બેઠા અરજી કરવાની સુવિધા આપવા માટે એક ખાસ એપ લોન્ચ કરવામાં આવશે. પારદર્શિતા જાળવવા માટે પાત્ર લાભાર્થીઓની યાદી ગ્રામ પંચાયતો અને વોર્ડોમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ યોજના ભાજપના 2024ના વિધાનસભા ચૂંટણી વાયદાઓનો ભાગ હતી. તેમણે 2025-26ના રાજ્ય બજેટમાં આ યોજના માટે 5,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

કેવી રીતે અરજી કરવી?

  • યોજના માટેની સત્તાવાર સૂચના અને અરજીઓ માટે એક મોબાઇલ એપ્લિકેશન એક અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
  • પાત્ર મહિલાઓને એપ્લિકેશન દ્વારા અરજી કરવા માટે SMS સૂચનાઓ પ્રાપ્ત થશે.
  • દરેક પંચાયત અને વોર્ડમાં પાત્ર મહિલાઓની યાદી પ્રકાશિત કરવામાં આવશે, જેથી જરૂર પડ્યે સ્થાનિક સમુદાયો વાંધો ઉઠાવી શકે.

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

0

ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુરુવારે સવારે રાજ્યના પૂર્વ કામેંગ જિલ્લામાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 27.77° ઉત્તર અક્ષાંશ અને 93.12° પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હતી, પરંતુ કેટલાક વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હતા.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા
આ પહેલાં, બુધવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 હતી, જેના આંચકા સમગ્ર હિન્દુકુશ ક્ષેત્રમાં અનુભવાયા હતા. ભારતીય સમય મુજબ, ભૂકંપ સાંજે 6:57 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર 36.32° ઉત્તર અક્ષાંશ અને 71.33° પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ 138 કિલોમીટર હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ રાજ્યમાં ગણેશ અને નવરાત્રી ઉજવણી માટે મફત વીજળીની જાહેરાત કરી

0

તેલંગાણા સરકારે આ વર્ષે ગણેશ ચતુર્થી અને દુર્ગા નવરાત્રી ઉજવણી દરમિયાન પંડાલો માટે મફત વીજળીની જાહેરાત કરી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી માટે આ પહેલ 11 દિવસ અને દુર્ગા નવરાત્રી ઉજવણી માટે 9 દિવસ ચાલશે.

આ યોજના હેઠળ, સરકાર ગણેશ ચતુર્થીના 11 દિવસ અને દુર્ગા નવરાત્રીના ૯ દિવસ માટે પંડાલોમાં વપરાતી વીજળીનું બિલ વસૂલશે નહીં. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીનો તહેવાર, જેને વિનાયક ચવિથી તરીકે પણ ઓળખવામાં આવે છે, બુધવારે તેલંગાણામાં સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉત્સાહ સાથે શરૂ થયો હતો. હૈદરાબાદ સહિત રાજ્યના ગામડાઓ અને શહેરોમાં લાખો ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે, તેલંગાણા અને પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં વરસાદ હોવા છતાં, મોટી સંખ્યામાં લોકોએ મંદિરોમાં મુલાકાત લીધી હતી અને તેમના ઘરોમાં ગણપતિની મૂર્તિઓ પણ સ્થાપિત કરી હતી અને પૂજા કરી હતી.

ખૈરતાબાદમાં ‘વિશ્વ શાંતિ મહાશક્તિ ગણપતિ’
આ વર્ષે પણ હૈદરાબાદનો ખૈરતાબાદ પંડાલ રાજ્યમાં સૌથી મોટું આકર્ષણ રહ્યું છે. અહીં 69 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રતિમાને ‘વિશ્વ શાંતિ મહાશક્તિ ગણપતિ’ નામ આપવામાં આવ્યું છે, જેનો હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિની કામના કરવાનો છે.

ગણેશોત્સવ સુચારુ રીતે યોજાય તે માટે સરકાર અને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ઉત્સવના છેલ્લા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. હૈદરાબાદમાં, હજારો મૂર્તિઓનું હુસૈન સાગર તળાવ અને અન્ય તળાવો અને તળાવોમાં વિસર્જન કરવામાં આવશે.

પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, પીએમ શિગેરુ ઇશિબા સાથે યોજશે શિખર બેઠક

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 ઓગસ્ટ બે દિવસના જાપાન પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરશે અને 15માં ભારત-જાપાન શિખર સંમેલનમાં સામેલ થશે. આ પીએમ મોદીની આઠમી જાપાન યાત્રા છે તેમજ શિગેરુ ઈશિબા સાથે પ્રથમ શિખર મુલાકાત થશે.

વૈશ્વિક ભાગીદારી કરાશે મજબૂત
આ મુલાકાતમાં પીએમ મોદી અને શિગેરુ ઇશિબા ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આ સમીક્ષામાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા, તેમજ મુખ્ય ક્ષેત્રોને આવરી લેવાશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને નિયમો-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તેઓ 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં હાજરી આપશે. બંને દેશો વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આ એક મહત્વપૂર્ણ તક હશે. અને ત્યાર બાદ તેઓ ચીનની મુલાકાત લેશે.

પીએમ મોદી અને ઇશિબા વચ્ચેની મુલાકાત મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જાપાનની E10 શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા પ્રાયોજિત છે અને ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓ ટેકનોલોજી ટ્રાન્સફર અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ વિચાર કરશે.

એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરશે
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને રણનીતિક જોડાણની પણ ચર્ચા કરશે. જેમાં ભારત અને જાપાન 2008 સુરક્ષા સહયોગ પર સંયુક્ત જાહેરાત કરશે. તેની સાથે આ બંને દેશ નવી ઇકોનોમિક સિકયોરિટી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં સેમીકંડર, ક્રિટિકલ મિનરલ્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલીકોમ્યુનિકેશન અને ક્લીન એનર્જી સેક્ટર સામેલ છે. તેમજ બંને દેશો વચ્ચેની ભાગીદારી એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરવાની રીતે મહત્વની માનવામાં આવે છે.

જાપાન ભારતમાં 68 બિલિયન યુએસ ડોલરની રોકાણની જાહેરાત કરશે
આ ઉપરાંત સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીની 2 દિવસના પ્રવાસ દરમિયાન જાપાન ભારતમાં 10 ટ્રિલિયન યેન (68 બિલિયન યુએસ ડોલર) ના રોકાણની જાહેરાત કરી શકે છે. આ વડા પ્રધાન મોદી અને ઇશિબા તેમના સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022 માં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાએ પણ ભારતમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

અમેરિકામાં ટ્રાન્સજેન્ડરનું અંધાધૂંધ ફાયરિંગ: ગુનેગારે હથિયાર પર કેમ લખ્યું ‘ન્યુક ઈન્ડિયા’?

અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેયાપોલિસ શહેરમાં આવેલી એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની એક દુ:ખદ ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે અહેવાલો સામે આવ્યા છે કે, હુમલાખોર રોબિન વેસ્ટમેન ભારતનો દુશ્મન હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ભારત પર બોમ્બ ફેંકવાનો મેસેજ પણ જોવા મળ્યો હતો.

અમેરિકામાં ટ્રાન્સજેન્ડરનું અંધાધૂંધ ફાયરિંગ Robin W નામની યુટ્યુબ ચેનલ પર કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં પ્લેટફોર્મ દ્વારા જ આ ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. યુટ્યુબ ચેનલ પર 10 મિનિટ લાંબા વીડિયો હથિયારો અને ગોળીઓથી ભરેલા મેગેઝિન જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેના પર મેસેજ પણ લખેલા હતા, જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ છે. બંદૂકો પર મેસેજ લખેલા હતા કે, ‘ટ્રમ્પને મારી નાખો, ઈઝરાયલને ખતમ કરી દેવું જોઈએ, ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો.

‘ડોનાલ્ડ ટ્રમ્પે દુ:ખદ વ્યકિત કર્યોઆ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં લખ્યું કે, ‘મિનેસોટાના મિનેયાપોલિસમાં થયેલા દુ:ખદ ફાયરિંગ વિશે મને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

FBIએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસ આ ભયંકર પરિસ્થિતિ પર નજર રાખશે. શંકાસ્પદ વ્યક્તિને પકડવા શોધખોળ શરૂઆ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં નિયમિત વર્ગો ચાલી રહ્યા હતા. ફાયરિંગના અવાજો સંભળાતા જ શાળાને તાત્કાલિક તાળાબંધી કરી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે વાલીઓને જાણ કરી હતી.

કેજરીવાલનો આક્ષેપ: મોદીએ અમેરિકી કપાસ પરની 11% ડ્યૂટી હટાવી, સરકારે ખેડૂતો સાથે દગો કર્યો

0

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. કેજરીવાલે આજે, ગુરુવારે (28 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે અમેરિકાથી ભારતમાં આવતા કપાસ પર મોદી સરકારે ડ્યૂટી હટાવી દીધી છે. અગાઉ 11 ટકા ડ્યૂટી હતી. અમેરિકાથી આવતા ચોક્કસ પ્રકારના કપાસ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી હટાવી દેવામાં આવેલી હતી જેની મુદત સમાપ્ત થઈ રહી હોવાથી સરકારે આજે જ એ મુદત ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને કેજરીવાલે કહ્યું કે, “અમેરિકાએ આપણા પર ટેરિફ લગાવ્યો, આપણે કપાસ ઉપર 50 ટકા ટેરિફ લગાવવો જોઈએ હતો. પરંતુ આપણે એવું ન કર્યું.” તેમણે કહ્યું, “ખેડૂતો સાથે આ દગો છે. જ્યારે ઓક્ટોબરમાં આપણા ખેડૂતોનો કપાસ મંડીમાં આવશે, ત્યારે તેમને નજીવા ભાવે વેચવો પડશે. આનાથી ગુજરાત, પંજાબ, વિદર્ભ, તેલંગાણાના ખેડૂતોને અસર થશે.”

કેજરીવાલે કહ્યું, ‘અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યો છે. તેના જવાબમાં ભારતે અમેરિકા પર 100% ટેરિફ લાદવો જોઈતો હતો, પરંતુ પીએમ મોદી અમેરિકન વસ્તુઓને ટેક્સ ફ્રી બનાવી રહ્યા છે. આ નિર્ણય ભારતીય ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરશે.’

કેજરીવાલે કહ્યું- AAP ગુજરાતમાં કપાસના ખેડૂતો માટે બેઠક કરશે કેજરીવાલે કહ્યું , ‘મોદીજી અદાણીને બચાવવા માટે દેશને દાવ પર લગાવી રહ્યા છે. આજે આખો દેશ જાણવા માગે છે કે તમે (પીએમ મોદી) અમેરિકા સામે કેમ ઝૂકી રહ્યા છો? આજે લોકો કહી રહ્યા છે કે તમે અદાણીને અમેરિકામાં ધરપકડથી બચાવવા માટે દેશને દાવ પર લગાવી રહ્યા છો. જો આ સાચું હોય તો તે દેશ સાથે મોટો વિશ્વાસઘાત છે.’

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી 7 સપ્ટેમ્બરે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ખેડૂતોના સમર્થનમાં એક સભા કરશે. તેમણે કહ્યું, ‘ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં કપાસ ઉગાડતા ખેડૂતોની સંખ્યા સૌથી વધુ છે. હું તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને કહેવા માગુ છું કે આ ગરીબ ખેડૂતોને બચાવવા માટે આપણે સાથે ઉભા રહેવું પડશે.’

સરકારે કપાસ પરની આયાત ડ્યુટી ફ્રી ડિસેમ્બર સુધી લંબાવી બીજી તરફ, કેન્દ્ર સરકારે ગુરુવારે યુએસ કપાસ પર 11% આયાત ડ્યુટીમાંથી છુટનો સમયગાળો 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી. નાણા મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, સ્થાનિક કાપડ ઉદ્યોગ પાસે કપાસનો પૂરતો સ્ટોક રહે તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસ પરની આયાત ડ્યુટીમાં કામચલાઉ છુટ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ પરની આયાત ડ્યુટી છુટ 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી, 40 બાળકોમાંથી 12થી વધુ ઘાયલ

0

ઉત્તરાખંડના હલ્દ્વાનીના જયપુર બીસા ગામમાં આજે ગુરૂવારે ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બનતાં નાળામાં ખાબકી હતી. જેમાં 40 વિદ્યાર્થીઓ સવાર હતા. 12થી વધુ બાળકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજા થઈ છે.

સ્થાનિક લોકોએ અકસ્માત બનતાં તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. બસનો કાચ તોડી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 12થી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હલ્દ્વાનીમાં બરેલી રોડ પર સ્થિત જયપુર બીસા ગામમાં બની હતી. આ બસ રામપુર રોડથી બાળકોને શાળાએ લઈ જઈ રહી હતી. ત્યાં બે બસ ચાર રસ્તા નજીક સાઈડ લઈ રહી હતી, તે દરમિયાન બસ રોડ પરથી ઉતરી જતાં નાળામાં ખાબકી હતી. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસને પણ અકસ્માતની જાણ કરી હતી.

ગામના સરપંચ રમેશ ચંદ્ર જોષીએ આ અકસ્માત માટે બસ ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, બસમાં આશરે 40 બાળકો સવાર હતા, જેમાંથી 12થી વધુ ઘાયલ થયા છે. આ ક્ષેત્રમાં બસ ડ્રાઈવર અવારનવાર નશાની હાલતમાં ગાડી ચલાવે છે. અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના બની ચૂકી છે. પરંતુ શાળાના વહીવટીતંત્રે કોઈ ઠોસ પગલાં લીધા નથી. અકસ્માત થયો તે સ્થળે નાળું હતું. પરંતુ સદનસીબે નાળામાં પાણી ન હોવાથી બાળકોના જીવ બચી ગયા.

અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત,બે લોકોની ધરપકડ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CID ક્રાઇમ અને નાર્કોટિક્સ કંટ્રોલ સેલ દ્વારા સંયુક્ત કામગીરીમાં 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં બે આરોપીઓ, સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હતા. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ અને નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્લાઇટમાં ગેરકાયદેસર ડ્રગ્સની મોટી માત્રામાં દાણચોરી કરવામાં આવી રહી છે.

આ માહિતીના આધારે, CID ક્રાઇમઅને નાર્કોટિક્સ સેલની ટીમે એરપોર્ટ પર સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. બે શંકાસ્પદ મુસાફરો, સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની બેગની તપાસ કરતી વખતે, અધિકારીઓને હવાચુસ્ત બેગમાં છુપાવેલ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. આ ગાંજો બેંગકોકથી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આરોપી હવાચુસ્ત બેગમાં ડ્રગ્સની દાણચોરી એવી રીતે કરતા હતા કે કોઈને કોઈ શંકા ન થાય. આવી બેગનો ખાસ ઉપયોગ ડ્રગ્સની ગંધને નિયંત્રિત કરવા અને તપાસ દરમિયાન શંકા ટાળવા માટે કરવામાં આવે છે. જોકે, અધિકારીઓની સતર્કતા અને અદ્યતન સ્કેનિંગ ટેકનોલોજીના કારણે, આ રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ આ ડ્રગ્સ બેંગકોકથી લાવવાની અને ભારતના વિવિધ શહેરોમાં વેચવાની યોજના બનાવી હતી. જપ્ત કરાયેલ હાઇબ્રિડ ગાંજાને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે.

સુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એન્જિનની સમસ્યા સર્જાતા તેને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેથી પાઇલોટે ત્વરિત નિર્ણય લઈ પ્લેનને અમદાવાદ તરફ ડાયવર્ટ કર્યું હતું. આ નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં, અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ટેક્નિકલ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ અને ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ઘટનાને કારણે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. પરતુ ફ્લાઈટમાં મધદરિયે એક એન્જિનના અચાનક થામી સર્જાઈ હતી. પાયલટને આ ખામીની જાણ થતાં તેણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.

મુસાફરો માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરી
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી રહી છે અને એન્જિનમાં ખામીનું કારણ શોધવામાં આવી રહ્યું છે. બીજી તરફ મુસાફરોને દુબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી વિમાન બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ મુસાફરોને લઈ પ્રસ્થાન કર્યું. નોંધનીય છે કે, પાયલટના આ નિર્ણયને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એક વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. વિમાનમાં રહેલા અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભિનેતા સંજય કપૂર પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ હતા. આ વિમાન એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું. આવી સ્થિતિમાં, ઇમારતમાં હાજર લોકોનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ 265 લોકોના મોત થયા હતા.