Home Blog Page 300

લોરન્સ બિશ્નોઈ-રોહિત ગોદારા ગેંગનો અંત નજીક? શાર્પશૂટર અમિત પંડિત અમેરિકામાં ઝડપાયો

0

કુખ્યાત ગેંગસ્ટર લોરન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાને મોટો ઝટકો લાગ્યો છે. તેમની ગેંગનો ખતરનાક સભ્ય અમિત પંડિત અમેરિકા માં પકડાયો છે. હવે અમિત પંડિતને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. મળેલી માહિતી મુજબ, આ કાર્યવાહી બાદ હવે વિદેશમાં છુપાયેલા રોહિત ગોદારા સુધી પહોંચવાનું કામ પણ સરળ બની શકે છે. એડીજી ક્રાઇમ દિનેશ એમ.એન.એ વિદેશમાં લેવામાં આવેલા આ એક્શન વિશે માહિતી આપી છે.

કોણ છે લોરન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા?
લોરન્સ બિશ્નોઈ એક કુખ્યાત ભારતીય ગેંગસ્ટર છે, જે અપહરણ, હત્યા, ખંડણી વસૂલી, ડ્રગ અને હથિયારોની હેરાફેરી જેવા ગુનાઓ માટે જાણીતો છે. તેનું નેટવર્ક ઉત્તર ભારતમાં ફેલાયેલું છે. લોરન્સ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવી જગ્યાએ અનેક ગેંગવોરમાં સામેલ રહ્યો છે.

2022માં પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં પણ લોરન્સનું નામ સામે આવ્યું હતું. 2024માં સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં પણ તે ચર્ચામાં રહ્યો હતો. હાલમાં તે ગુજરાતના સબરમતી જેલમાં બંધ છે અને ત્યાંથી જ પોતાનો ગેંગ ચલાવે છે.

રોહિત ગોદારાનું સાચું નામ રોહિત રાઠોડ છે. તે પણ એક ખતરનાક ગેંગસ્ટર છે, જે પહેલાં મોબાઇલ રિપેરિંગનું કામ કરતો હતો અને પછી લોરન્સ બિશ્નોઈનો ખાસ સાથીદાર બની ગયો. જેલમાં રહીને તેણે લોરન્સ સાથે સંપર્ક બનાવ્યો અને ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. હાલ તે ફરાર છે અને વિદેશમાં છુપાયેલો છે. તે એન.આઇ.એ. દ્વારા વોન્ટેડ છે.

લોરન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગના સભ્યો વર્ષોથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. પોલીસ આ ગેંગની દરેક હલચલ પર કડક નજર રાખી રહી છે અને સતત એક્શન મોડમાં છે.

સુપ્રીમ કોર્ટે EDને ફરી ફટકાર્યું: ED રાજ્યના અધિકારને છીનવી રહી છે

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહી પર વિપક્ષ સતત સવાલ ઉઠાવતું રહે છે, સુપ્રીમ કોર્ટ પણ ઘણી વાર EDને ફટકાર લગાવી ચુકી છે. આજે મંગળવારે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ સાથે સંકળાયેલા કથિત દારૂ કૌભાંડની તપાસ મામલે EDની ઝાટકણી કાઢી હતી.

માર્ચમાં કરાયેલા કરેલા બે દરોડા અંગે સુપ્રીમ કોર્ટે EDને છ મહિનામાં બીજી વખત ખુલાસો કરવા કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે EDને પૂછ્યું, “સંઘીય માળખાનું શું થયું? શું તમે રાજ્ય સરકારનો તપાસ કરવાનો અધિકાર છીનવી નથી રહ્યા? જ્યારે પણ તમને શંકા થાય છે કે રાજ્ય ગુનાની તપાસ નથી કરી રહ્યું તો શું તમે જાતે જઈને તે કરી શકો છો?”

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઈએ વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, ” મેં છેલ્લા છ વર્ષમાં ED ની તપાસ ઘણા કેસ જોયા છે… પરંતુ હવે હું કંઈ કહેવા માંગતો નથી, નહીં તો મીડિયા દ્વારા ફરીથી રિપોર્ટ કરવામાં આવશે.”

વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગીએ તમિલનાડુ સરકાર તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતાં. EDએ રાજ્યની માલિકીને કંપની પર દરોડા પાડીને કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિકડિવાઈસ જપ્ત કાર્ય હતાં, જ્યારે કથિત ગુનાઓની તપાસ માટે પોલીસ કેસ પહેલાથી દાખલ કરવામાં આવેલા હતાં. બંને વકીલોએ EDની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા.

સિબ્બલે કહ્યું કે જ્યારે પહેલાથી જ FIR દાખલ કરેલી હતી, તેની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે (ED) વચ્ચે કેમ આવી રહી છે?” ED વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલિલ કે જો રાજ્યએ પહેલાથી જ 47 પોલીસ કેસ દાખલ કર્યા હોય અને છતાં ભ્રષ્ટાચાર થતો રહેતો હોય, તો ED તપાસ કરી શકે છે.

આ સમયે મુખ્ય ન્યાયાધીશે પણ એસ.વી. રાજુને પૂછ્યું, “દેશના સંઘીય માળખાનું શું થયું? તમે વ્યક્તિઓ સામે કેસ નોંધી શકો છો… પણ કોર્પોરેશનો સામે કેવી રીતે? ED બધી મર્યાદાઓ વટાવી રહી છે! નોટિસ પાઠવો.”

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઇટને અમદાવાદમાં ટેક્નિકલ ખામીને કારણે ઈમર્જન્સી લેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી.

ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. હાલમાં ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ ચાલી રહી છે અને ખામી દૂર થયા બાદ ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરશે.

બધા મુસાફરો સુરક્ષિત છે
આ અંગે માહિતી આપતાં, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “દોહા (DOH) થી હોંગકોંગ (HKG) જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતાં, ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ બપોરે ૨:૧૨ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વિમાનના ઉતરાણ માટે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. વિમાન બપોરે ૨:૩૨ વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું અને બપોરે ૨:૩૮ વાગ્યે સંપૂર્ણ કટોકટી હટાવી લેવામાં આવી. એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી નથી. SVPIA મુસાફરો અને સ્ટાફની સલામત કામગીરી અને સલામતી માટે પ્રતિબદ્ધ છે.”

“અમારો શું દોષ હતો માં…”: 2 વર્ષના જુડવા બાળકોની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યો

0

હૈદરાબાદમાં એક 27 વર્ષીય મહિલાએ મંગળવારે તેના જોડિયા બાળકોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. આ ઘટના બાલાનગરના પદ્મનગર કોલોની ફેઝ 1 માં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે ગૃહિણી મહિલાએ સવારે 4 વાગ્યાની આસપાસ તેના ઘરમાં ઓશીકું વડે તેના બે વર્ષના જોડિયા બાળકો – એક પુત્ર અને એક પુત્રી – ને ગળું દબાવી દીધા હતા અને પછી ઇમારતના ચોથા માળેથી કૂદી પડી હતી. સ્થાનિક લોકોએ તેનો મૃતદેહ રસ્તા પર જોયો અને પોલીસને જાણ કરી.

લગ્ન 2022 માં થયા હતા
સાઈ લક્ષ્મીના લગ્ન ઓગસ્ટ 2022 માં સોફ્ટવેર કર્મચારી અનિલ કુમાર સાથે થયા હતા. આ દંપતીને બે વર્ષના જોડિયા બાળકો હતા, ચેતન કાર્તિકેય અને લસ્યતા વલ્લી. આ દંપતી નાની નાની બાબતોમાં ઝઘડો કરતા હતા. પોલીસને શંકા છે કે પીડિતાએ ઘરેલુ ઝઘડાને કારણે થતી હતાશા અને તકલીફને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.

વહેલી સવારે જોરદાર અવાજ સાંભળીને લોકો ઘરની બહાર નીકળી આવ્યા.
મંગળવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની, જ્યારે તેનો પતિ અનિલ કુમાર કામ પર હતો. લક્ષ્મીએ તેના જોડિયા બાળકોનું ગળું દબાવી દીધું અને પછી મકાન પરથી કૂદી પડી. જોરદાર અવાજ સાંભળીને, સ્થાનિક લોકો તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા અને મહિલાને શેરીમાં મૃત હાલતમાં પડી રહેલી જોઈ. જ્યારે તેઓ અંદર ગયા ત્યારે તેમને બંને બાળકો મૃત હાલતમાં મળ્યા.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી
દીકરો બોલી શકતો ન હતો, પતિ તેને ટોણો મારતો હતો. ચેતન બોલી શકતો ન હતો, અને પરિવાર તેને નિયમિતપણે સ્પીચ થેરાપીમાં લઈ જતો હતો. બાળકની આ સ્થિતિને કારણે લક્ષ્મી અને તેના પતિ વચ્ચે મતભેદો થતા હતા અને પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા. તેની પુત્રી પણ બીમાર પડી ગઈ હતી, જેના કારણે તેનો પતિ તેને આવું બાળક હોવા અંગે દરરોજ ટોણો મારતો હતો.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

0

ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. એનડીએમાં સીટ શેરિંગ પહેલા જ ફાઇનલ થઇ ગઇ છે અને ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. હવે ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર થઈ ગઈ છે. ભાજપ બિહાર અધ્યક્ષે પહેલા જ આ વાતનો સંકેત આપી દીધો હતો.

ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ઘણા મોટા નામો છે. ભાજપે તારાપુરથી ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ટિકિટ આપી છે. 2021ની પેટાચૂંટણીમાં આ બેઠક જેડી-યુના રાજીવ કુમાર સિંહે જીતી હતી. લખીસરાયથી વિજય સિન્હા, સિવાનથી મંગલ પાંડે અને દાનાપુરથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે.

બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે અને 6 અને 11 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 14 નવેમ્બરે મતગણતરી સાથે તે સ્પષ્ટ થઈ જશે કે બિહારની જનતાએ કોને જનાદેશ આપ્યો છે.

ભાવનગરમાં ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશાયી, એકનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત

ભાવનગર શહેરમાં સોમવારે મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ માળની એક જર્જરિત ઇમારત ધડાકાભેર તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મોડી રાત્રે રેસ્ક્યૂ ઓપરેશન
પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રે આ ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું, જેના કારણે ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં કરણભાઈ સવજીભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છવાઈ છે.

કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
ભાવનગરના કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, હાઉસિંગ બોર્ડની આ ઇમારત ધરાશાયી થઈ છે, જેમાં ત્રણ લોકો દટાયા હતા અને એકનું મૃત્યુ થયું છે.

કલેક્ટરએ આ બનાવ અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, આ મકાન કેટલા જૂના હતા અને રહેવાસીઓને તેમને ખાલી કરવા અંગે કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, તે અંગેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં, શિવ શક્તિ દુકાનની મીઠાઈમાં વંદો જોવા મળ્યો

સુરતમાં દિવાળી તહેવારને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. શહેરના વિવિધ ઝોન વિસ્તારના મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ મીઠાઈના નમુનાઓ લેવામાં આવ્યા. દરમિયાન શહેરના ઘોડરોડના શિવ શક્તિ દુકાનની મીઠાઈમાંથી વંદો નીકળ્યો. તપાસ દરમિયાન જ એક મીઠાઈના કેરેટ માંથી વંદો જતો દેખાયો. જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ મીઠાઈના આખા કેરેટનો નાશ કર્યો.

સુરત મહાનગર પાલિકા ફૂડ વિભાગ એકશનમાં શહેરમાં દિવાળીને લઈએ સુરત મહાનગર પાલિકા ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી. તહેવારનો લાભ લઈ દુકાનદારો નકલી તેલનો ઉપયોગ કરે છે જયારે મીઠાઈ બનાવવા ઉપયોગમાં લેવાતો માવો અખાદ્ય હોવા છતાં વપરાશ કરવામાં આવે છે. તેમજ વેપારીઓ દ્વારા સ્વચ્છતાને લઈને યોગ્ય તકેદારી પણ રાખવામાં આવતી નથી તેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરી વેપારીઓને નિયમ મુજબ દંડ ફટાકરવામાં આવે છે. દરમિયાન આરોગ્યની તપાસ દરમિયાન ગંદકી જોવા મળે તેવા એકમો સામે કડક કાર્યવાહી કરાશે.

સુરત મહાનગર પાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં જે વિક્રેતાઓને ત્યાં લેવાયલ ખાદ્ય પદાર્થના નમૂના અને સ્વચ્છતા બાબતે શંકાસ્પદ લાગતા કાર્યવાહી હાથ ધરાય છે. આવા એકમોને ચકાસણીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે. તાજેતરમાં હાથ ધરાયેલ ફૂડ વિભાગના દરોડામાં શિવ શક્તિ વિક્રેતાને ત્યાં તપાસ દરમિયાન જ મીઠાઈમાં વંદો જોવા મળતા સમગ્ર જથ્થાનો નાશ કરાયો. તહેવારમાં વેપારીઓ દ્વારા કમાણીની લાલચે ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવામાં આવે છે. પરંતુ તેના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો થતો હોવાનું પણ સામે આવ્યું છે. અને એટલે જ દિવાળીને લઈને આરોગ્ય વિભાગે વિવિધ એકમો પર ચકાસણી હાથ ધરી છે.

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં 12 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

0

સુરક્ષા દળોએ મંગળવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. 13 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે નિયંત્રણ રેખા નજીક કુંભકરી જંગલોમાં શરૂ થયેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓએ આ જ વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

અગાઉ, 8 સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક શોપિયનના અમીર અહેમદ ડાર તરીકે ઓળખાઈ ગયો હતો. તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા 14 આતંકવાદીઓની યાદીમાં પણ તેનો સમાવેશ થતો હતો.

શિનજિયાંગમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા

ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે 8:45 વાગ્યે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શિનજિયાંગમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ 41.65 ઉત્તર અક્ષાંશ, 81.14 પૂર્વ રેખાંશ હતું. તેની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતી.

ભારતના આ ભાગમાં ભૂકંપ આવ્યો
સોમવારે રાત્રે 9.28 વાગ્યે (IST) ભારતના લદ્દાખના લેહ વિસ્તારમાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગિલ નજીક હતું, જે લેહથી લગભગ ૨૮૪ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં 36.68° ઉત્તર અક્ષાંશ અને 74.39° પૂર્વ રેખાંશ સાથે હતું. ભૂકંપની ઊંડાઈ ફક્ત 10 કિલોમીટર હતી. સ્થાનિક સ્તરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓનું સમયપત્રક જાહેર

0

રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે.

જાહેર કરાયેલી તારીખો અનુસાર, ધોરણ 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 વચ્ચે લેવામાં આવશે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે. દિવાળી પહેલાં જ વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હોવાથી, વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી પડશે.

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં નવ ઝોનલ બોર્ડ એટલે કે પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ દ્વારા લેવામાં આવનારી 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.

12માં ધોરણના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 10 ફેબ્રુઆરી 2026થી 18 માર્ચ 2026 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માહિતી ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન વિષયોની ઓનલાઈન પરીક્ષા સાથે લેવામાં આવશે. જ્યારે 10મા ધોરણની પરીક્ષા 20 ફેબ્રુઆરી 2026થી 18 માર્ચ 2026 દરમિયાન લેવામાં આવશે.

પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા ક્યારે?
12મા ધોરણની પ્રેક્ટિકલ, ગ્રેડેડ, મૌખિક અને આંતરિક મૂલ્યાંકન તેમજ એનએસક્યુએફ આંતરિક અભ્યાસક્રમની પ્રેક્ટિકલ પરીક્ષા 23 જાન્યુઆરી 2026થી 9 ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવશે. તે ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા સાથે લેવામાં આવશે. 10મા ધોરણની પ્રેક્ટિકલ અને મૌખિક પરીક્ષા 2 ફેબ્રુઆરી 2026થી 18 ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવશે. આ વખતે, શરીરરચના, સ્વચ્છતા અને ગૃહ વિજ્ઞાન વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે.

શાળાઓ/જુનિયર કોલેજોના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમનું આયોજન કરવા અને વિદ્યાર્થીઓ પર માનસિક તાણ ઘટાડવા માટે બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષા માટે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. બોર્ડે કહ્યું છે કે આ પરીક્ષાઓનું અંતિમ સમયપત્રક શક્ય હોય ત્યારે બોર્ડની વેબસાઇટ પર અલગથી જાહેર કરવામાં આવશે.