Home Blog Page 26

ગુજરાતમાં વરસાદી કહેર: 48 કલાકમાં આટલાં લોકોના મોત, અમદાવાદમાં બે દાયકાનો સૌથી વધુ વરસાદ

0

ગુજરાતમાં ભારે વરસાદે હવે વિનાશક રૂપ ધારણ કર્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં વરસાદ અને પૂર સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં 30 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.

અમદાવાદમાં ગુરુવારે પડેલા અતિભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. શહેરમાં 24 કલાક દરમિયાન લગભગ 295 મિમી વરસાદ નોંધાયો હતો, જે અમદાવાદના ઇતિહાસમાં એક દિવસના સૌથી વધુ વરસાદમાં ચોથા ક્રમે છે. છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત શહેરમાં આટલો ભારે વરસાદ નોંધાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ભારે વરસાદ બાદ બોપલ સહિતના વિસ્તારોમાં અનેક સોસાયટીઓ અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. બોપલની સેન્ટોસા પાર્ક જેવી હાઈ-રાઈઝ સોસાયટીઓમાં ફસાયેલા લોકોને બચાવ ટીમોએ બોટની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રાજ્યમાં NDRF, SDRF, આર્મી અને અન્ય બચાવ દળોની ટીમો સતત રાહત કામગીરીમાં લાગી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને પાણીના નિકાલ અને રાહત કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી.

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સ્થિતિ સૌથી ગંભીર બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું છે અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર પડી છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

હવે ફ્રિજમાં બેસશે માણસ! જાપાને રજૂ કરી ગરમી સામે નવી કૂલિંગ ટેક્નોલોજી

વિશ્વભરમાં વધતી ગરમી અને હીટવેવ વચ્ચે જાપાને એક અનોખી કૂલિંગ ટેક્નોલોજી રજૂ કરી છે. ‘ડો હિએમોન બોક્સ (Do Hiemon Box)’ નામનું આ વ્યક્તિગત કૂલિંગ કેબિન, જેને લોકો ‘હ્યુમન રેફ્રિજરેટર’ તરીકે ઓળખી રહ્યા છે, શરીરનું તાપમાન ઝડપથી ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ ઉપકરણ ખાસ કરીને બાંધકામ સાઇટ, ફેક્ટરી અને ખુલ્લામાં કામ કરતા કર્મચારીઓને હીટસ્ટ્રોકથી બચાવવા માટે વિકસાવવામાં આવ્યું છે.

જાપાની કંપની SDRS દ્વારા વિકસાવવામાં આવેલા આ કેબિનમાં એક સમયે માત્ર એક વ્યક્તિ બેસી શકે છે. અંદરનું તાપમાન આશરે 15 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે, જ્યારે માથું, ગરદન, ખભા અને પીઠ તરફ 5 ડિગ્રી સેલ્સિયસની ઠંડી હવા છોડવામાં આવે છે. કંપનીનો દાવો છે કે લગભગ 5 મિનિટમાં શરીરને ઠંડકનો અનુભવ થાય છે, જ્યારે 10 મિનિટમાં ગરમીથી થતી થાક, અસ્વસ્થતા અને હીટ એક્ઝોસ્ટનના લક્ષણોમાં રાહત મળી શકે છે. વધુ પડતી ઠંડકથી બચાવવા માટે કેબિન 20 મિનિટ બાદ આપમેળે બંધ થઈ જાય છે.

આ કૂલિંગ બૂથની બીજી મહત્વની વિશેષતા તેની ઊર્જા કાર્યક્ષમતા છે. ઉત્પાદક કંપનીના જણાવ્યા મુજબ, આ ઉપકરણ પરંપરાગત સ્પોટ એર કન્ડીશનરની સરખામણીએ લગભગ અડધી વીજળીનો ઉપયોગ કરે છે, જેના કારણે ઉદ્યોગો માટે તે વધુ ઉપયોગી બની શકે છે.

જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં બહાર કામ કરતા લોકો માટે આ કેબિન જીવનરક્ષક સાબિત થઈ શકે છે. હાલમાં તેની કિંમત લગભગ 15 લાખ યેન (ભારતીય ચલણ મુજબ અંદાજે ₹8.8 થી ₹9 લાખ) છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ તથા જાહેર સ્થળો માટે ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.

Video: AI ડીપફેકનો ખેલ! મોદી-પીયૂષ ગોયલના વાયરલ વીડિયો પર PIBનું ફેક્ટ ચેક

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નામે વાયરલ થઈ રહેલા AI-જનરેટેડ ડીપફેક વીડિયોને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક યુનિટે સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. PIBએ સ્પષ્ટ કર્યું છે કે બંને નેતાઓએ વીડિયોમાં દર્શાવ્યા મુજબ કોઈ નિવેદન આપ્યું નથી અને આ વીડિયો ડિજિટલ રીતે ફેરફાર કરીને લોકોમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

PIBના જણાવ્યા અનુસાર, આ AI-આધારિત ડીપફેક વીડિયો પાકિસ્તાની પ્રોપેગાંડા નેટવર્ક સાથે જોડાયેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો હેતુ ખોટી માહિતી ફેલાવી જનમાનસમાં ગેરસમજ ઊભી કરવાનો હોવાનું જણાવાયું છે.

ફેક્ટ ચેક મુજબ, પ્રધાનમંત્રી મોદીના પેપર લીક સામે કડક કાર્યવાહી અંગેના મૂળ સંબોધન સાથે ડિજિટલ ચેડાં કરીને ભ્રામક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. તે જ રીતે, સંસદ બહાર પીયૂષ ગોયલે આપેલા મૂળ નિવેદનને પણ AIની મદદથી બદલવામાં આવ્યું હતું જેથી તે વિરોધ પ્રદર્શનકારીઓને ધમકી આપતા હોય તેવો ખોટો સંદેશ ફેલાય.

આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ફેક વીડિયો બનાવનાર તેમજ તેને પ્રસારિત કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી કોઈપણ માહિતી શેર કરતાં પહેલાં તેની સત્તાવાર સ્ત્રોતોથી ચકાસણી કરે અને માત્ર વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ રાખે.

જંતર-મંતર CJP પ્રદર્શનમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા 2,500 લોકો ? FRSથી થયો મોટો ખુલાસો

0

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસનો મોટો દાવો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 20 જુલાઈની હિંસા બાદ લગાવવામાં આવેલી ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 2,500થી વધુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ઓળખ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 20 જુલાઈના ‘સંસદ ચાલો’ માર્ચ દરમિયાન થયેલી અથડામણમાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસકર્મીઓ પર ચાકૂ સહિત ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા વધારવા માટે જંતર-મંતરના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ FRSની ચાર યુનિટ તૈનાત કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસના ડેટાબેઝ સાથે જોડાયેલી આ સિસ્ટમ 21થી 23 જુલાઈ દરમિયાન 2,500થી વધુ એવા લોકોની ઓળખ કરવામાં સફળ રહી, જેમનો અગાઉથી ગુનાહિત રેકોર્ડ હોવાનું પોલીસનો દાવો છે.

https://twitter.com/War_crazy44/status/2080773317515210921

આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 15 FIR નોંધાઈ છે અને પોલીસકર્મીઓ પર હુમલો તેમજ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકો સામે તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે CJP દ્વારા જંતર-મંતર પર NEET પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે.

સુરતમાં ખાડી પૂર નિવારણ માટે સરકારની મોટી પહેલ, બે ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના

સુરત: શહેરમાં દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવાની અને ખાડી પૂર (Creek Flooding)ની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે બે વિશેષ સમિતિઓની રચના કરી છે.

રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ એમ. થેન્નારસન (IAS)ની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, સુરત કલેક્ટર તેજસ પરમાર, SUDAના CEO સહિત સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા GPCBના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ પૂર નિયંત્રણ માટે તૈયાર થનારા માસ્ટર પ્લાન અને DPRની સમીક્ષા કરી મંજૂરી આપશે તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરશે.

શહેર કક્ષાની કમિટીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજનની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ (IAS), SUDA, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારીઓ, SMCના એન્જિનિયરો અને SVNITના ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ ડ્રેનેજ અને ખાડી વિસ્તારોનું ટેકનિકલ સર્વેક્ષણ કરશે, પાણી ભરાવાના કારણો અને દબાણો ઓળખશે તેમજ ટૂંકા અને લાંબા ગાળાના ઉકેલો અંગે ભલામણ કરશે.

ગુજરાત સરકારે સુરત મહાનગરપાલિકાને આ સમગ્ર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા મંજૂર થનારા તમામ પૂર નિવારણ અને ડ્રેનેજ સુધારણા પ્રોજેક્ટ્સનું અમલીકરણ SMC દ્વારા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સુરત શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા અને ખાડી પૂર સામે લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.

પેપર લીક પર મોદી સરકારનો પ્રહાર, નવા કાયદામાં આટલા કરોડ સુધીના દંડની જોગવાઈ

NEET પેપર લીક વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષા ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી માટે મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2024માં સુધારા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકાર આ સુધારા બિલને આગામી સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સુધારેલા કાયદામાં પેપર લીક કરનારા માફિયા અને સંગઠિત ગેંગ સામે વધુ કડક જોગવાઈઓ ઉમેરવામાં આવશે. પ્રસ્તાવિત ફેરફારો મુજબ પેપર લીકના ગંભીર કેસોમાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે NEET-UG પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને સંગઠનો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે પેપર લીક લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ગંભીર સમસ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે પેપર લીક સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની પણ તૈયારી દર્શાવી છે. આવા કેસોમાં ત્રણ મહિનાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાની યોજના છે.

હાલમાં દેશમાં લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) અધિનિયમ, 2024 લાગુ છે, જે 21 જૂન 2024થી અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ પેપર લીક માટે 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે, જ્યારે સંગઠિત ગુનામાં 5 થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

NEET પેપર લીક કેસની તપાસ હાલ ચાલુ છે અને સરકાર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા માટે કાયદાને વધુ અસરકારક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

NEET પેપર લીક મામલે CJP-સરકાર વચ્ચે 45 મિનિટ બેઠક, ત્રણ માગણીઓ પર સરકાર પાસે માંગ્યો સમય

0

NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ વચ્ચે CJP (કોકરોચ જનતા પાર્ટી)ના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે શુક્રવારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જે. પી.નડ્ડા અને જિતેન્દ્ર સિંઘ સાથે CJPના આશુતોષ રાકા અને સૌરવ દાસ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન CJP તરફથી સરકારને પોતાની ત્રણ મુખ્ય માગણીઓનું પત્ર સોંપવામાં આવ્યું હતું. બેઠક બાદ CJP નેતાઓએ જણાવ્યું કે તેમની ત્રણમાંથી બે માગણીઓ પર સરકાર વિચાર કરવા તૈયાર છે, જ્યારે અંતિમ નિર્ણય માટે સરકારે શનિવાર સુધીનો સમય માંગ્યો છે.

CJPએ કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ મૂકી છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામાની માંગ, NEET પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર અને વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ સામેલ છે.

CJP નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર શનિવાર સુધી યોગ્ય નિર્ણય નહીં લે તો દેશભરમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ બેઠક પહેલા CJPનું પ્રદર્શન દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહ્યું હતું, જે દરમિયાન સ્થિતિ તંગ બની હતી. પ્રદર્શન સમયે કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

હવે સૌની નજર સરકારના નિર્ણય પર છે કે શું CJPની માગણીઓમાંથી કેટલી બાબતો સ્વીકારવામાં આવે છે.

Video: નવસારીમાં પૂરનો કહેર: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી 30 લોકોનું રેસ્ક્યુ, NDRFએ 67 લોકોને બચાવ્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાતા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. મેંધર ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા આશરે 30 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિલધડક એર રેસ્ક્યુ ઓપરેશનમાં અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

ગણદેવી તાલુકાના સરીખુર્દ ગામમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા અને કેટલાક લોકોને છત તથા ઊંચા સ્થળોએ આશરો લેવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.

NDRF જવાનોએ ભારે પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સરીખુર્દ ગામમાંથી કુલ 67 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેમાં 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકોનો સમાવેશ થાય છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટ ગાર્ડ અને NDRFની સંકલિત કામગીરીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

વલસાડથી અમદાવાદ સુધી સેનાની મદદ, પૂર રાહત માટે Golden Katar Division તૈનાત

0

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે ભારતીય સેનાની Golden Katar Divisionને રાહત અને બચાવ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વલસાડ, નવસારી તેમજ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેનાની પૂર રાહત ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

સેનાના જવાનો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, જરૂરી સામગ્રી પહોંચાડવા અને સ્થાનિક તંત્રને રાહત કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. નવસારીના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ સેનાની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Golden Katar Division ભારતીય સેનાની મહત્વપૂર્ણ ઇન્ફેન્ટ્રી ડિવિઝન છે, જેને સત્તાવાર રીતે 11મી ઇન્ફેન્ટ્રી ડિવિઝન તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે અને તે સેનાની Southern Command હેઠળ કાર્ય કરે છે.

રાજ્યમાં સતત વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે સેનાની મદદ લેવામાં આવી છે.

ભારે વરસાદથી રેલવે સેવા ખોરવાઈ: પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો રદ કરી, મુંબઈ-સુરત-વલસાડ રૂટ સૌથી વધુ અસરગ્રસ્ત

0

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની કામગીરી પર મોટી અસર પડી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવા અને ઓપરેશનલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત એક સ્પેશિયલ ટ્રેનનું સમયપત્રક બદલવામાં આવ્યું છે, જ્યારે બે ટ્રેનોને આંશિક રીતે રદ અથવા ટૂંકાવવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ રેલ રૂટ પર ભારે વરસાદની અસર જોવા મળી છે. ખાસ કરીને ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચેના વિસ્તારમાં પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી 15 ટ્રેનોની યાદી
ટ્રેન નંબર ટ્રેનનું નામ/રૂટ
19002 સુરત – વિરાર
22444 બાંદ્રા ટર્મિનસ – કાનપુર સેન્ટ્રલ
19011 વલસાડ – દાહોદ
22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંક્શન
20959 વલસાડ – વડનગર
20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ
59049 વલસાડ – વડોદરા જંક્શન
12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંક્શન (શતાબ્દી)
12935 બાંદ્રા ટર્મિનસ – સુરત
69139 બોરીવલી – વલસાડ
59045 મુંબઈ સેન્ટ્રલ – વાપી
59024 વલસાડ – મુંબઈ સેન્ટ્રલ
19010 વિરાર – ભરૂચ જંક્શન
69161 વિરાર – સુરત
59039 વિરાર – વલસાડ

બે ટ્રેનો આંશિક રીતે પ્રભાવિત
04727 હિસાર-વલસાડ એક્સપ્રેસ: ટ્રેનને મરોલી ખાતે ટૂંકાવવામાં આવી છે. મરોલીથી વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે.
22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ: હવે આ ટ્રેન બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે. બાંદ્રા ટર્મિનસથી સુરત વચ્ચેનો ભાગ રદ રહેશે.

રેલવે પ્રશાસને જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન સેવા તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે. મુસાફરોને સત્તાવાર રેલવે અપડેટ્સ ચેક કરવાની અપીલ કરવામાં આવી છે.