Home Blog Page 247

અંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માત: બાઈક-રિક્ષાની ટક્કર બાદ આગ, મહિલાનું મોત, 4 ગંભીર રીતે દાઝ્યા

અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે સવારના સમયે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. બાઈક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં તુરંત આગ ભડકી ઊઠી હતી. આ વિકરાળ આગની લપેટમાં આવી જવાથી રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતું ભૂંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થળ પર જોવા મળેલા દ્રશ્યો હૃદય દ્રાવક હતા.

ટક્કર બાદ વાહનોમાં આગ ભભૂકી
પ્રાથમિક માહિતી મુજબ, કોસમડી ગામ પાસે બાઈક અને રિક્ષા વચ્ચે એટલી જોરદાર અથડામણ થઈ કે ટક્કરના કારણે સેકન્ડોમાં જ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આગનો તીવ્ર પ્રકોપ એટલો હતો કે રિક્ષામાં સવાર મહિલાને બહાર નીકળવાનો કે બચવાનો કોઈ અવકાશ મળ્યો નહોતો. મદદ માટે લોકો દોડી આવ્યા છતાં, વિકરાળ જ્વાળાઓએ કોઈને નજીક જવા દીધા નહોતા અને મહિલાનો જીવ બચાવી શકાયો ન હતો.

ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
આ ભયાનક અકસ્માતમાં રિક્ષા અને બાઈકમાં સવાર અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ અને ધુમાડાના કારણે રોડ પર વાહનોની અવરજવર અટકી ગઈ હતી, જેના પરિણામે ટ્રાફિક જામ સર્જાયો હતો.

તપાસ બાદ જ અકસ્માતનું કારણ સ્પષ્ટ થશે
અકસ્માતની માહિતી મળતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક અંદાજ મુજબ, બંને વાહનો બેફામ ગતિએ આવતા હતા અને તેના કારણે જ આ ધડાકાભેર ટક્કર સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણો પોલીસની સધન તપાસ બાદ જ સામે આવશે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને બેફામ ડ્રાઇવિંગના ભયાનક પરિણામો સામે લાવ્યા છે.

ગીર સોમનાથના તાલાળામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા

ગીર સોમનાથના તાલાળામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હરીપુર ગામ નજીકના જંગલ વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપ જમીનની સપાટીથી માત્ર 4.1 કિલોમીટરની ઓછી ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાથી તેની તીવ્રતા વધુ અનુભવાઈ હતી.

સ્થાનિક લોકોએ ધડામ દઈને ધરતી ધ્રુજતી અનુભવી હતી. આ ઘટનાની જાણ તાલાલા મામલતદાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી.

જોકે, ભૂકંપની અસર માત્ર ત્રણ સેકન્ડ સુધી જ રહી હોવાથી કોઈ પ્રકારની જાનમાલની નુકસાની નોંધાઈ નથી. તેમ છતાં, પંથકના લોકોમાં ભૂકંપનો ભય વ્યાપી ગયો છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

વલસાડમાં ઔરંગા નદીનો નવો બ્રિજ ધરાશાયી: પાંચ મજૂરો ઘાયલ, રાજ્ય સ્તરે તપાસના આદેશ

વલસાડમાં ઔરંગા નદી પર બનેતા નવનિર્માણ બ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થવાથી ભારે ચકચાર મચી છે. આ ગંભીર ઘટનાના અવાજો હવે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યા છે. દુર્ઘટનામાં ચારથી વધુ કામદારો દટાયા હતા, જેના પગલે સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને માર્ગ-મકાન વિભાગ દ્વારા ઝડપી પગલાં લેવાયા છે.

દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ બ્રિજના નિર્માણની ગુણવત્તા, વપરાયેલ સામગ્રી, ડિઝાઇનની ખામી અને બાંધકામની પદ્ધતિ સહિત તમામ મુદ્દાઓની બારીકાઈથી તપાસ કરશે. તપાસ બાદ કસૂરવારો સામે કડક કાયદાકીય અને વહીવટી કાર્યવાહી થશે.

વલસાડના કૈલાશ રોડ પર ચાલી રહેલા બ્રિજના બાંધકામ દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ સ્ટ્રકચર) અચાનક તૂટી પડતાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક પ્રત્યક્ષદર્શી અનુસાર, “એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો અને લોકો દોડી આવ્યા.” બીજી તરફ કોન્ટ્રાક્ટર તમામ મજૂરોનો ઇન્શ્યોરન્સ છે એવી માહિતી આપી બચાવનો પ્રયાસ કરતો જોવા મળ્યો.

દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તરત જ સ્થળ પર પહોંચ્યો અને પાંચેય મજૂરોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડ્યા. હાલ ક્રેનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને અધિકારીઓ આગળની તપાસ કરી રહ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચારની હાલત સ્થિર છે, જ્યારે એક ગંભીર છે. “શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા ત્યારે કોઇ જેકની ખામી અથવા લોડ બેલેન્સના કારણે ઘટનાની સંભાવના છે,” એમ તેમણે જણાવ્યું.

42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને બે વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી અને આવતા એક વર્ષમાં કામ પૂર્ણ થવાનું હતું. કલેક્ટરે કમિટી રચી આગળની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.

જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ઓરંગા નદી પર ઓવરબ્રિજ માટે ગડરની લેવલિંગ દરમ્યાન સ્ટ્રક્ચરનો ભાગ સ્લિપ થઈ ગયો હતો. રેસ્ક્યુ કરાયેલા મજૂરોની હાલત હાલ સ્થિર છે, એમ ડોક્ટરોએ જણાવ્યું છે.

ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સેની આગોતરા જામીન અરજી દિલ્હી કોર્ટે ફગાવી

0

ગોવાના એક પ્રખ્યાત નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીની રોહિણી કોર્ટે ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા, જેઓ આ કેસમાં આરોપી હતા, તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ વંદનાના આદેશથી ભાઈઓની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. લુથરા બ્રધર્સે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજીઓ દાખલ કરી હતી, પરંતુ રોહિણી કોર્ટના ન્યાયાધીશ વંદનાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું, સ્પષ્ટ કર્યું કે તેમની ધરપકડ હવે અનિવાર્ય રહેશે.

દેશના 13 જિલ્લાઓ ગાઢ ધુમ્મસ અને શીત લહેરના બેવડા હુમલાનો કરશે સામનો, કેવું રહેશે આજનું હવામાન

0

ગુજરાતમાં આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે. વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના પટના, ભાગલપુર, પૂર્ણિયા અને ગયા તેમજ ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, આગ્રા, બહરાઇચ, ઉન્નાવ અને બરેલી માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરાખંડના નૈનિતાલ અને ચમોલી અને હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલા માટે પણ ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે. આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. ખેડૂતોને તેમના રવિપાકની જાળવણી માટે આ ઠંડું હવામાન સાનુકૂળ રહેશે, જોકે લોકોને ઠંડીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

અમરેલીમાં 11.44 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 11.7 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડિસામાં 12.7 ડિગ્રી, મહુવામાં 12.7 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી, દીવમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા, 34 લોકો ઇજાગ્રસ્ત

જાપાનમાં આજે સવારે ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. 6.7ની તીવ્રતાનો ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેણે દરિયાકાંઠાના વિસ્તારોથી દૂરના શહેરો સુધી જમીનને હચમચાવી દીધી. ભારતીય સમય મુજબ સવારે 8.14 વાગ્યે ભૂકંપ આવ્યો. તેની ઊંડાઈ 10.7 કિલોમીટર હતી, જેના કારણે તે ખતરનાક બની ગયું. ભૂકંપ દરિયાકાંઠાની નજીક આવ્યો હતો અને ભૂકંપની તીવ્રતાને કારણે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરોમાંથી દોડી આવ્યા હતા. દુકાનો અને ઓફિસોમાં એલાર્મ વગાડવામાં આવ્યા હતા.

ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ આપેલી માહિતી મુજબ. ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. વડા પ્રધાન સનાઈ તકાઈચીએ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક કટોકટી કાર્ય દળની રચના કરાઇ છે.

જાપાની મીડિયા આઉટલેટ્સ અનુસાર, જાપાન હવામાન એજન્સીએ ભૂકંપ પછી 1 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરી હતી. ઘણા દરિયાકાંઠાના વિસ્તારો બપોર સુધી સતત ચેતવણી હેઠળ રહ્યા હતા. અહેવાલો સૂચવે છે કે હોક્કાઇડોના સેન્ટ્રલ પેસિફિક કોસ્ટ, આઓમોરી પ્રીફેક્ચર, ઇવાટે પ્રીફેક્ચર અને મિયાગી પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. મોજા 1 મીટર ઊંચા સુધી પહોંચવાની ધારણા છે.

રાજકોટમાં 70 લાખની વીમા રકમ માટે પુત્રે જ રચ્યો પિતાની હત્યાનો ખૂની પ્લાન

ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું. આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે રૂ. 70 લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. 9ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉં. 50)નું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસ ટીમ ત્યાં પહોંચી તો મૃતક કાનાભાઇની લાશ અને બાઈક વાડીએ પડયા હતા અને ત્યાં સગો ભત્રીજો વિરમ ભૂતપભાઇ જોગ હાજર હતો, જેણે કાકાને અકસ્માત થતાં પોતે વાડીએ લાવ્યાનું કહ્યું, પણ પોલીસને શંકા ઉપજી હતી. બાદમાં કથિત અકસ્માત સ્થળે જઈને નિરીક્ષણ કરતા વાહન અકસ્માતને લગતા કોઇ નિશાન દેખાયા નહોતા.

આ શંકાસ્પદ બનાવ મામલે ભાયાવદરના પીઆઈ પરમારની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા, આખરે હકીકત જણાઇ આવી કે, સગા ભત્રીજા વિરમ ભૂપતભાઇ જોગએ જ તેના કાકાની હત્યા કરી છે. જેથી આગવીઢબે પુછતાછ કરતા મૃતકના સગા દીકરા રામદે કાનાભાઇ જોગ સાથે મળીને કાવતરૂ રચી હત્યા બાદ તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ પુછપરછ કરતા કબુલ્યું કે, પુત્ર રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી કરવા માટે જવું હતું અને તેના માટે 16 લાખ રૂપિયા ખર્ચ થતો હોવાથી પૈસાની શોધમાં હતો.

આ દરમિયાન તેને ખબર પડી કે, એકાદ વર્ષ પહેલા તેના પિતાએ વીમો ઉતરાવ્યો હતો, જેમાં મૃત્યુ થાય તો 60-70 લાખ રૂપિયા મળે તેમ હતા. વળી, હાલ બીજું વીમા પ્રિમિયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો. જેથી તેણે મોટા બાપુના દીકરા વિરમ ભૂપતભાઇ જોગને એક લાખ રૂપિયા આપવા અને તે જીવે ત્યાં સુધી ભોજન-ખર્ચ આપવાની લાલચ આપી હતી. વિરમના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતા અને પોતે એકલો જ રહેતો હોવાથી કાકાની હત્યા માટે તૈયાર થઈ ગયો હતો અને બન્નેએ પૂર્વાયોજીત કાવતરું ઘડીને હત્યાને અંજામ આપ્યા બાદ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 91 વર્ષની વયે અવસાન

0

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે શુક્રવારે સવારે 6:30 વાગ્યે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા દિવસોથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ડોકટરોની દેખરેખ હેઠળ ઘરે સારવાર લઈ રહ્યા હતા.

શિવરાજ પાટિલના અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. માહિતી માટે, શિવરાજ પાટિલ માત્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ નહીં પરંતુ સાત વખત સાંસદ પણ રહ્યા હતા. તેઓ સતત લાતુરથી જીત્યા હતા. તેમને ઘણી વખત કેન્દ્રીય મંત્રી બનવાની તક પણ મળી હતી અને વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી હતી.

2008ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે શિવરાજ પાટિલ દેશના ગૃહમંત્રી હતા. સુરક્ષામાં ખામીઓ માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને તેમને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે તેઓ હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

શિવરાજ પાટિલ કોંગ્રેસના ખૂબ જ અનુભવી નેતા હતા, જેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કામ કર્યું હતું. તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

1980માં, તેમણે સૌપ્રથમ લાતુરથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પ્રવેશ કર્યો અને 1999 સુધી જીતતા રહ્યા. તેમણે 1991 થી 1996સુધી લોકસભાના સ્પીકર તરીકે પણ સેવા આપી. તેમણે દેશ અને વિદેશમાં અનેક સંસદીય પરિષદોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

મારી પાસે શું હતું કે કોઈ લઈ ગયું..! નિઃસ્પૃહી ભૂપેન્દ્ર પેટલની બીજી ટર્મની સરકારનાં ત્રણ વર્ષ પૂરા થઇ ગયાં

  • સ્વ. વિજય રૂપાણીની અડધી સરકાર ભંગ કરીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે ભૂપેન્દ્ર પટેલ એક ‘માઇલસ્ટોન’ પુરવાર થશે
  • તાજેતરમાં મંત્રી મંડળના વિસ્તરણ વખતે પણ હવા ચાલી હતી કે ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવશે, પરંતુ ભાજપના નેતૃત્વએ તેમને ફરી-ફરીને જાળવી રાખ્યા
  • એક વાત ચોક્કસ છે કે ભૂપેન્દ્ર પટેલને ‘સત્તા’ ગમતી નથી એવું નથી; પરંતુ સત્તાને વળગી રહેવાનો મોહ નથી તેઓ માને છે કે આ જગતમાં કોઈ ‘અમરપટ્ટો’ લખાવીને આવ્યું નથી
  • ભૂપેન્દ્ર પટેલ સરકારની સિદ્ધિઓ વચ્ચે એ પણ હકીકત છે કે ગુજરાતમાં ગુનાખોરી વકરી છે, આર્થિક સંકડામણને કારણે આપઘાતના પ્રમાણમાં વધારો થયો છે, વેપાર-ઉદ્યોગ, રોજગારમાં લોકોને સંતોષ નથી અને ભ્રષ્ટાચાર બેખોફ બની રહ્યો છે, ભૂપેન્દ્ર પટેલ આ મુદ્દે મક્કમ બનીને કોઈ ચોક્કસ પગલાં ભરશે તો લોકો વર્ષો પર્યન્ત ‘દાદા’ની સરકારને યાદ રાખશે
  • પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા આજે પણ લોકોના માનસપટ ઉપરથી ભુલાતા નથી; ભૂપેન્દ્ર પટેલ અને કેશુબાપા વચ્ચે ઘણું ઘણું સામ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છે તો સ્વ. કેશુબાપાની હરોળમાં આવી શકશે

ગુજરાતના ‘નાથ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેમની સરકારના ત્રણ વર્ષ પૂરા કરશે. આ અગાઉ તેમના એક વર્ષના શાસનને જોડવામાં આવે તો ‘દાદા ભગવાન’ના માણસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકેનો સમયકાળ ચાર વર્ષનો ગણી શકાય. સ્વ. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અધવચ્ચેથી ભંગ કરીને ભૂપેન્દ્ર પટેલના માથે ગુજરાત સરકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પૂર્વે ગુજરાત અને ભાજપના રાજકારણમાં ભૂપેન્દ્ર પટેલ ચર્ચાતો ચહેરો નહોતો, પરંતુ કંઇક નવું કરવાની હંમેશાં ખેવના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્ચર્યજનક રીતે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ગુજરાતને અને ખુદ ભાજપના લોકોને અચંબામાં મૂકી દીધા હતા. વિજય રૂપાણીની વિદાય પૂર્વે મળેલી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવશે એ વાતથી ખુદ ભાજપનું સ્થાનિક નેતૃત્વ અંધારામાં હતું અને અચાનક ભાજપની જાદુઇ ટોપલીમાંથી ભૂપેન્દ્રદાદા એટલે કે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ અચંબો પામી ગયા હતા અને સ્વ. વિજય રૂપાણીએ કરેલી જાહેરાતની વારંવાર ખાતરી કર્યા બાદ વચ્ચેની હરોળમાંથી ઊભા થઇને મંચ ઉપર આવ્યા હતા.

ખેર, આ બધી જૂની અને આનંદ પમાડનારી અને વારંવાર વાગોળવા જેવી ઘટના છે કારણ કે રાજકારણમાં કોઇ ગુમનામ વ્યક્તિને અચાનક સર્વોચ્ચ શિખર ઉપર બેસાડી દેવામાં આવે એવી ગુજરાતના રાજકારણમાં કદાચ પ્રથમ ઘટના હતી.

પરંતુ સાવ એવું પણ નહોતું કે ભૂપેન્દ્ર પટેલ સાવ બિનઅનુભવી હતા. ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા એ પૂર્વે અમદાવાદ મહાનગરપાલિકાની ખૂબ જ મહત્ત્વની એવી સ્ટે‌િન્ડંગ સમિતિના ચેરમેન હતા અને ત્યાર બાદ ‘‘ઔડા’’ એટલે કે અમદાવાદ વિકાસ સત્તામંડળ ઓથો‌િરટીના ચેરમેન પણ હતા પરંતુ સ્થાનિક સંસ્થા અને સરકારના વહીવટ વચ્ચે ખૂબ મોટા તફાવત હોય છે, આ ઉપરાંત ખુદ ભાજપના ભૂગર્ભમાં ધુંધવાતા જૂથવાદમાં પણ બેલેન્સ કરીને ચાલવાનું હતું. પ્રારંભે એવું માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જુથના છે. આ તરફ રાજકીય ચોગઠાબાજી ગોઠવવામાં માહિર અને રાજકીય વ્યૂહરચનાકાર અમિત શાહ સાથે પણ તાલ મિલાવવાનો હતો. કારણ પાછલા ઘણાં વર્ષોથી એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપની ઘટનાઓ ઉપર અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.

અલબત્ત સરવાળે આ બધી ભ્રમણાઓ હતી. બાહ્ય ચિત્ર ગમે તે હોય પરંતુ પક્ષના નિર્ણયમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને અમિત શાહનો સામૂહિક મત હોય છે. ઘણા એવું પણ માનતા હતા કે સ્વ. વિજય રૂપાણી આનંદીબેન પટેલ જૂથના હતા. આ વાત કે ભ્રમણા માત્ર હતી, જે સાચી હોત તો આનંદીબેન પટેલે સ્વ. વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી દૂર થવા દીધા ન હોત, આનાથી પણ આગળ વધીને વાત કરીએ તો ખુદ આનંદીબેન પટેલને પણ અડધી સરકારે ગાદી છોડવી પડી હતી.

પરંતુ આ બધાની વચ્ચે એટલું ચોક્કસ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ પક્ષના શીર્ષ નેતૃત્વના હંમેશાં વિશ્વાસુ રહ્યા છે અને પોતે વિશ્વાસુ હોવાનું સાકાર કરી બતાવ્યું છે. થોડા સમય પહેલાં મંત્રીમંડળમાં ફેરફારો કરવામાં આવ્યા ત્યારે એવા અનુમાન વહેતા થયા હતા કે ભૂપેન્દ્ર પટેલને પણ મુખ્યમંત્રી પદેથી બદલવામાં આવશે. પરંતુ આવી કોઇ જ ઘટના બનવા પામી નહોતી, બલ્કે ખુદ વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને કહ્યું હતું કે ચિંતા કર્યા વગર આગળ વધો અને તેમને મુખ્યમંત્રી પદે યથાવત્ જાળવી રાખ્યા હતા.વિતેલા તેમના શાસન કાળમાં ઘણી વિટંબણાઓ આવી. વિમાન દુર્ઘટના અતિવૃષ્ટિ જેવી ઘટનાઓ બનવા પામી ક્યારેક ભૂપેન્દ્ર પટેલ વિહવળ પણ થઇ ગયા હશે પરંતુ ભાજપના શીર્ષ નેતૃત્વનો ભૂપેન્દ્ર પટેલની કાર્યક્ષમતા ઉપરનો ભરોસો હજુ પણ અકબંધ છે. તેમના પુત્ર અનુજને આવેલા ‘બ્રેઇન સ્ટ્રોક’ વખતે ભૂપેન્દ્ર પટેલ હચમચી ગયા હતા અને એક તબક્કે તેમણે મુખ્યમંત્રી પદેથી હટી જવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ આવા કપરા સમયે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની બરાબર પડખે ઊભા રહ્યા હતા અને પુત્રની સારવાર ચાલુ રાખવા અને મુખ્યમંત્રી પદે અડીખમ બનીને સરકાર ચલાવવા અનુરોધ સાથે ‘આદેશ’ પણ કર્યો હતો.એક તરફ દાદા ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભરોસાને કારણે ભૂપેન્દ્ર પટેલ માનસિક રીતે મજબૂત થઇ ગયા હતા અને બેધડક સરકારને દોડાવી હતી.

ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની માફક ધરતીના માણસ હોવાથી છેવાડાના પરિવારોની જરૂરિયાત અને વ્યથાને સમજી શકે છે અને એટલે જ તેમણે પાછલાં ચાર વર્ષ દરમિયાન લીધેલા પ્રત્યેક નિર્ણયમાં ગામડાના છેવાડાના માણસથી શરૂ કરીને મહાનગરોમાં વેપાર-ઉદ્યોગ અને રોજગારી કરતા લોકોની હંમેશાં ચિંતા કરી છે અને કરતા અાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલનું એક જમા પાસું એ પણ છે કે તેઓએ ક્યારેય પણ વ્યક્તિગત જશ ખાટવાનો પ્રયાસ કર્યો નથી. કોઇપણ સારા પરિણામ માટે તેઓ હંમેશા યશના હકદાર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને પક્ષના નેતૃત્વને ગણાવતા આવ્યા છે.તાજેતરમાં મંત્રીમંડળના વિસ્તરણ વખતે ઘણા લોકો એવું માનતા હતા કે ‘‘દાદા’’ સાથે અન્યાય થયો છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી બિલકુલ વિપરીત છે. ગુજરાત સરકારમાં એકપણ નિર્ણય ભૂપેન્દ્ર પટેલની જાણ બહાર કે ઇચ્છા વિરૂદ્ધ કરાતો નથી. ભૂપેન્દ્ર પટેલ સ્વભાવગત ‘આ બધુ મેં કર્યુ’ એવું માનતા નથી, કારણ પોતે અત્યંત સંવેદનશીલ ઉપરાંત ધાર્મિક અને મૃદુ સ્વભાવના હોવાથી યશ, અપયશ બધું જ ‘દાદા ભગવાન’ની ઉપર છોડી દે છે. ભૂપેન્દ્ર પટેલ સ્પષ્ટ રીતે માને છે કે ‘મારી પાસે શું હતું અને કોણ લઇ ગયું!’ મને ક્યાં ખબર હતી કે હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ. વળી આજે નહીં તો કાલે ગાદી ખાલી કરવાની જ છે. આ જગતમાં કોઇ ‘અમરપટ્ટો’ લખાવીને આવ્યું નથી.

ખેર, ભૂપેન્દ્ર પટેલની વીતેલા ચાર વર્ષની સરકારે કરેલા સેંકડો નિર્ણયમાં એક પણ એવો નિર્ણય નહીં હોય કે જેને વખોડવો પડ્યો હોય, ભૂલ કરી હોય તો સુધારી લેવા માટે હંમેશા તત્પર રહેતા આવ્યા છે. ઘણી એવી પણ ઘટનાઓ બનવા પામી હશે કે પ્રથમ નજરે એવું લાગે કે ભૂપેન્દ્ર પટેલ સક્ષમ નથી, પરંતુ દૂર સુધી નજર દોડાવવામાં આવે તો વિચાર બદલીને કહેવું પડે કે ‘ભૂપેન્દ્ર પટેલ જ બરાબર છે’’ કારણ, નિઃસ્પૃહી વ્યક્તિત્વને કારણે ભૂપેન્દ્ર પટેલ કોઇને ‘કઠયા’ નથી અને રસ્તો આપી દેવામાં માનતા ભૂપેન્દ્ર પટેલે ક્યારેય કોઇને રોકવાની કોશિશ પણ કરી નથી. પરિણામે ભૂપેન્દ્ર પટેલ ‘અજાતશત્રુ’ હોવાથી તેમની વિરૂદ્ધ વાત કરનારનું મન પણ છેલ્લી ઘડીએ બદલાઇ ગયું હોવાની અનેક ઘટનાઓ ગુજરાતના પાછલા વર્ષના ઇતિહાસમાં સાક્ષી છે.ગુજરાતમાં આજકાલ કોંગ્રેસ કરતા ‘આમ આદમી પાર્ટી’ વિપક્ષ તરીકે વધુ આક્રમક માનવામાં આવે છે. ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા બોલવામાં બેબાક છે. પરંતુ ક્યારેય પણ ભૂપેન્દ્ર પટેલ માટે હલકો શબ્દપ્રયોગ કર્યો નથી. કોંગ્રેસના જિગ્નેશ મેવાણી પણ નિવેદન કરવામાં આકરા છે. પરંતુ જિગ્નેશ મેવાણીએ પણ ભૂૂપેન્દ્ર પટેલ માટે ઘસાતો શબ્દપ્રયોગ કર્યો હોવાનું યાદ નથી.

આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ભૂપેન્દ્ર પટેલ કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકશે તો તેમના ‘બેદાગ’ અને મક્કમ પ્રજાભિમુખ વહીવટને લોકો દાયકાઓ સુધી યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા આજે પણ લોકોના માનસપટ ઉપરથી ભુલાતા નથી. રાજકીય, સામાજિક કે દુઃખદ ઘટના હોય એકઠા થયેલા લોકોમાંથી હંમેશા ‘કેશુબાપા’નું નામ અચૂક સાંભળવા મળે જ મતલબ ‘કેશુબાપા’ લોકમાનસમાં ‘અમર’ થઇ ગયા છે.ભૂપેન્દ્ર પટેલનો સ્વભાવ અને વહેવાર કેશુબાપાની સાથે મળતા આવે છે. મૃદુ હાસ્ય વેરતા ભૂપેન્દ્ર પટેલ સહુ કોઇને પોતીકા માણસ લાગે છે. વીતેલા ચાર વર્ષમાં અનેક રાજકીય ઘટનાઓ બની, કુદરતી આફતો આવી અને ગઇ પરંતુ હંમેશા ‘માઇલસ્ટોન’ જેવા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે ચાર વર્ષ પૂરા કર્યા પછી આજે પણ જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા છે. તેમના સ્વભાવમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી. મહત્ત્વાકાંક્ષામાં કોઇ જ વધારો નથી અને મુખ્યમંત્રી નહી હોય ત્યારે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારવામાં તેમને કોઇ જ અફસોસ નહીં હોય.

સુરતના કતારગામ GIDC વિસ્તારમાં મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

સુરત શહેરના કતારગામ GIDC વિસ્તરણ વિસ્તારમાં શુક્રવારે સવારે મંડપ સામગ્રીના એક મોટા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપી રીતે ફેલાઈ કે થોડા જ સમયમાં આખું ગોડાઉન આગની જ્વાળાઓની ચપેટમાં આવી ગયું. આગનું વિકરાળ સ્વરૂપ એવું હતું કે 10 કિલોમીટર દૂરથી પણ કાળા ધુમાડાનો ઘાટો ગૂબારો આકાશમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

મળી રહેલી માહિતી મુજબ, ગોડાઉનમાં લગ્ન-વિવાહ અને મોટા કાર્યક્રમોમાં ઉપયોગ થાય તેવું કપડાનું સજાવટ સામાન, પડદા, મંડપની ડેકોરેશનની વસ્તુઓ, પ્લાસ્ટિક સામગ્રી અને અન્ય જ્વલનશીલ સામાન મોટી માત્રામાં રાખવામાં આવ્યો હતો. જેના કારણે આગ ઝડપથી ફેલાતી ગઈ અને થોડા જ મિનિટોમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગ બાદ ગોડાઉનમાંથી અનેક જોરદાર અવાજો સંભળાયા હતા, જેના આધારે અનુમાન લાગી રહ્યું છે કે અંદર રાખેલા ઇલેક્ટ્રિક ઉપકરણો, ગેસ સિલિન્ડર અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી આગને વધુ વિકરાળ બનાવવા જવાબદાર હોઈ શકે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ગોડાઉનની અંદર મોટી માત્રામાં સામગ્રી હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે અને તેને સંપૂર્ણ રીતે બુઝાવવા માટે વધુ સમય લાગી શકે છે.

ફાયર અધિકારીઓએ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. બીજી તરફ, પ્રશાસન દ્વારા સ્થળ પર પહોંચીને નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન શરૂ કરી દેવાયું છે. આગથી કેટલા કરોડનું નુકસાન થયું છે તે વિગતવાર તપાસ બાદ જ જાણવા મળશે.