Home Blog Page 222

રાજસ્થાનમાં યુરિયા બેગમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ, બે લોકોની ધરપકડ

0

રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યું હતું. માહિતી અનુસાર પોલીસે એક કારમાંથી આશરે 150 કિલો જેટલું એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ ઉપરાંત પોલીસે 200 વિસ્ફોટક બેટરી અને 1100 મીટર જેટલું વાયર પણ કબજે લીધું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ટોંકના ડીએસપી મૃત્યુંજય મિશ્રાએ કહ્યું કે એક મારુતિ સિયાઝ કારમાંથી આ વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે બે આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર દેશમાં 2025ની વિદાય અને નવા વર્ષ 2026ના આગમનને લઈને અનેક કાર્યક્રમ-પાર્ટી યોજાવાના છે જેના પગલે કોઈ અણગમતી ઘટના ન બને તેવા ઉદ્દેશ્યથી પોલીસે કડક હાથે પેટ્રોલિંગ-તપાસ શરૂ કરી દીધી છે.

આરોપીઓની ઓળખ જાહેર
આરોપીઓની ઓળખ સુરેન્દ્ર ભંવરલાલ (48) અને સુરેન્દ્ર દુલીલાલ મોચી (33) તરીકે થઇ હતી. બંને કરવર બુંદીના રહેવાશી હતા. પોલીસે બંનેને પકડી પાડીને વિસ્ફોટક લાવ્યા ક્યાંથી અને ક્યાં લઇને જઇ રહ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

સુરત LCBએ મહારાષ્ટ્રની પારધી ગેંગને ઝડપી પાડી

સુરત LCBએ મહારાષ્ટ્રની પારધી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવતી હતી. સુરત રેલવે સ્ટેશન પર એક ચોરી થઈ, અને ત્યાર બાદથી પોલીસ આ ગેંગને શોધી રહી હતી. આ ગેંગ પકડાતા જ 15 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.. આરોપીઓ પાંડેસરામાં ઝુંપડામાં રહેતા હતા, અને ચોરી કર્યા બાદ ફરાર થઈ ગયા. આ ગેંગમાં 4 બાળકીઓ છે. ભીડભાડવાળી જગ્યા પર ખાસ ચોરીને અંજામ આપતા. આરોપીઓએ સોનાના દાગીના વેચી નાખી સોનાની લગડી બનાવી હતી, જેને પોલીસે રિકવર કરી છે.

જાન્યુઆરીમાં કાતિલ ઠંડીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છેકે, રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં ફેરફારના જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સાથે ક્યાંક હળવા વરસાદની તો ક્યાંક ગાઢ ધુમ્મસ રહી શકે છે. આ સાથે જ તેમણે જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ભાગમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાન પર જોવા મળશે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાશે, જ્યારે ગિરનાર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી શકે છે.

આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, સુઈગામ, રાધનપુર, થરાદ, વાવ અને ડીસા સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને સાણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ હવામાન બદલાયેલું રહેશે.

નવું વર્ષ 2026: 1 જાન્યુઆરીથી બદલાશે 10 મોટા નિયમો, તમારી જેબ પર પડશે સીધી અસર

0

વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલથી 2026નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી તારીખથી અનેક નાણાકીય અને વહીવટી નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા રસોડાના બજેટથી લઈને કાર ખરીદવાના સપના સુધી પડશે. ચાલો જાણીએ કયા છે એ 10 મોટા ફેરફારો જે તમારા ખીચ્ચા પર ભારણ વધારી કે ઘટાડી શકે છે.

પાન-આધાર લિંકિંગ: જો તમે ૩૧ ડિસેમ્બર સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય (Deactivate) થઈ જશે. આના કારણે બેન્કિંગ વ્યવહારો અને ITR રિફંડમાં સમસ્યા આવી શકે છે.

LPG ના ભાવ: દર મહિનાની જેમ ઓઈલ કંપનીઓ 1 તારીખે ગેસના ભાવ જાહેર કરશે. કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે, જે ગૃહિણીઓના બજેટને અસર કરી શકે છે.

કારના ભાવમાં વધારો: જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે BMW, ટાટા મોટર્સ, હોન્ડા અને નિસાન જેવી કંપનીઓએ પોતાની કારના ભાવમાં ૩% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

એર ટર્બાઇન ફ્યુઅલ (ATF): નવા વર્ષની શરૂઆતમાં જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર થવાથી વિમાનની ટિકિટના દરોમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. તેની સાથે જ CNG અને PNG ના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ઇન્કમ ટેક્સ એક્ટ 2025: સરકાર 1 જાન્યુઆરીથી નવા ITR ફોર્મ અને નિયમોની જાહેરાત કરી શકે છે. આ નવો કાયદો 1961ના જૂના ટેક્સ કાયદાનું સ્થાન લેશે, જે ટેક્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે.

૮મું પગાર પંચ (8th Pay Commission): કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર એ છે કે 1 જાન્યુઆરી 2026થી ૮મું પગાર પંચ લાગુ થઈ શકે છે. જોકે, પગાર વધારાનો વાસ્તવિક લાભ મળતા થોડો સમય લાગશે, પરંતુ તેની ગણતરી આજથી જ અમલી બનશે.

પીએમ કિસાન યોજના: નવા વર્ષમાં ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ‘યુનિક કિસાન આઈડી’ રાખવી ફરજિયાત બનશે. વળી, જંગલી જાનવરોથી થતા પાક નુકસાનના વીમા કવરેજમાં પણ રાહત આપવામાં આવી છે.

નાણાકીય સુરક્ષા: ઓનલાઇન ફ્રોડ રોકવા માટે UPI અને ડિજિટલ પેમેન્ટના નિયમો વધુ કડક કરવામાં આવશે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર થતી છેતરપિંડી રોકવા સિમ વેરિફિકેશન પ્રક્રિયા આવનાર વર્ષ સઘન બનાવવામાં આવશે.

લોન અને એફડી: SBI અને HDFC જેવી બેંકોના લોન દરોમાં ઘટાડો આજથી અમલી બનશે, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નવા વ્યાજ લાગુ કરવામાં આવશે. જેની સીધી અસર તમારા રોકાણો પર પડી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં ઝીરો ટેરિફ: ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરતા વેપારીઓને 2026ની શરૂઆતમાં કેન્દ્ર સરકારી ખુશીના સમાચાર આપ્યા છે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા નિકાસ થતી ૧૦૦% ચીજવસ્તુઓ પર કોઈ ટેરિફ નહીં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં બેંકો બંધ: નવા વર્ષના પહેલા મહિને મકર સંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સહિત કુલ 16 દિવસ બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેની વેબસાઇટ પર બેંક રજાઓની યાદી અપલોડ કરી છે. તેથી, આવતા મહિને બેંકના કામ માટે બહાર જતા પહેલા તેને તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રાહકોએ ઓનલાઇન વહીવટ કરી શકે છે.

મધ્યપ્રદેશમાં પ્રદૂષિત પાણી પીવાથી 3ના મોત, 100થી વધુ હોસ્પિટલમાં દાખલ

0

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર બીમારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 100થી વધુ લોકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપી વળતરની જાહેરાત કરી છે.

અહેવાલો અનુસાર, ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઊભી થઈ હતી. આ પાણી પીવાથી અચાનક મોટી સંખ્યામાં લોકોને ઉલટી-દસ્ત અને ડિહાઇડ્રેશનની અસર થવા લાગી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 70 વર્ષીય નંદલાલ પાલ, 60 વર્ષીય ઉર્મિલા યાદવ અને 65 વર્ષીય તારા કોરીનું દૂષિત પાણી પીવાને કારણે મૃત્યુ થયા છે. જો કે, સ્થાનિકોનો દાવો છે કે કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 111 દર્દીઓ વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા 12,000 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

તંત્રની કડક કાર્યવાહી
મુખ્યમંત્રી મોહન યાદવના કડક નિર્દેશ બાદ નગર નિગમના જવાબદાર અધિકારીઓ સામે ગાજ પડી છે. એક ઝોનલ ઑફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સબ-એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે IAS અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી છે.

સરકાર દ્વારા સહાયની જાહેરાત
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઈન્દોર કલેક્ટર અને મહાનગરપાલિકાને દરેક દર્દીને ઉત્તમ સારવાર પૂરી પાડવા અને પાણીની લાઇનોમાં થયેલા ભંગાણ અથવા પ્રદૂષણના સ્ત્રોતને તાત્કાલિક શોધવા આદેશ આપ્યા છે.

સ્થાનિકોમાં ભારે રોષ
ભગીરથપુરાના રહેવાસીઓ મુજબ, નર્મદાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળ્યું હોવાની આશંકા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સ્વચ્છતામાં નંબર 1 ગણાતા શહેરમાં પીવાના પાણીની સુરક્ષા બાબતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ શકે.

ફરિદાબાદમાં મિત્રને મળીને આવી રહેલી યુવતી ઉપર ચાલુ કારમાં દુષ્કર્મ

0

ફરીદાબાદમાં બળાત્કારનો એક બનાવ સામે આવ્યો છે. પીડિતા મોડી રાત્રે ઘરેથી નીકળી હતી. કારમાં બે યુવાનોએ તેને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી અને ફરીદાબાદ-ગુરુગ્રામ રોડ પર ચાલતી કારમાં તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો ત્યારે તેઓએ તેને માર માર્યો. બળાત્કાર બાદ તેઓએ તેને રસ્તા પર ફેંકી દીધી અને ભાગી ગયા. તેના ચહેરા અને માથા પર ઈજાઓ થઈ. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, પીડિતા મોડી રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી. તેના પરિવારે જણાવ્યું હતું કે તે તેના મિત્રના ઘરે જઈ રહી હતી. પોલીસ પ્રવક્તા યશપાલ સિંહે જણાવ્યું હતું કે પીડિતાની બહેને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને રાત્રે 8:30 વાગ્યે તેની બહેનનો ફોન આવ્યો હતો જેણે તેને કહ્યું હતું કે તેનો તેની માતા સાથે ઝઘડો થયો છે અને તે તેના મિત્રના ઘરે જઈ રહી છે. તેણીએ કહ્યું હતું કે તે ત્રણ કલાકમાં પાછી આવશે.

પીડિતાની બહેનના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 12:00 વાગ્યે તે કોઈ ગાડીની રાહ જોઈ રહી હતી. બે યુવાનોને લઈને એક કાર તેની સામે આવી. એવો આરોપ છે કે પીડિતાને લિફ્ટ આપ્યા પછી બંને માણસો વાન ગુરુગ્રામ રોડ તરફ લઈ ગયા.

ફરીદાબાદ-ગુરુગ્રામ જતા રસ્તે એક આરોપીએ વાહન ચલાવ્યું જ્યારે બીજાએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ ફરીદાબાદ-ગુરુગ્રામ રોડ પર બે કલાક સુધી વાન ચલાવી. જ્યારે પીડિતાએ પ્રતિકાર કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. સવારે લગભગ 3:00 વાગ્યે આરોપીઓએ તેને ચાલતી વાનમાંથી ફેંકી દીધી અને ભાગી ગયો. રસ્તા પર પડી જવાથી તેણીના ચહેરા અને માથામાં ઈજા થઈ.

પીડિતાએ મોડી રાત્રે તેની બહેનને ફોન કરીને ઘટના વિશે જણાવ્યું ત્યારબાદ તે ઘટનાસ્થળે પહોંચી. પીડિતાને ફરીદાબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેની હાલતને કારણે ડોક્ટરોએ તેને દિલ્હીની AIIMS રેફર કરી. જોકે હાલમાં તે ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના સાણંદમાં હિંસા: બે જૂથો વચ્ચે પથ્થરમારો, 40 થી વધુ ધરપકડ

ગુજરાતના સાણંદ તાલુકાના કલાણા ગામમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. સોમવાર રાત્રે અને મંગળવારે સવારે જૂની દુશ્મનાવટને લઈને બે જૂથો વચ્ચે તણાવ હિંસામાં ફેરવાઈ ગયો હતો. આ વિવાદ સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે બંને પક્ષના યુવાનો વચ્ચે ઉગ્ર દલીલ અને ઝઘડો થયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ગામમાં પથ્થરમારો શરૂ થયો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને DySPનો સમાવેશ થાય છે, ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.

ગામમાં શાંતિ જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સઘન કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. હિંસાના ડરથી, ઘણા ગ્રામજનો તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે, જેના કારણે ગામના ઘણા ભાગો શાંત સ્થિતિમાં છે.

પોલીસે આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોની અટકાયત કરી છે, અને બંને પક્ષો દ્વારા ક્રોસ-ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, અને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે, પરંતુ સાવચેતી તરીકે સુરક્ષા દળો તૈનાત છે.

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના: સુરંગમાં બે ટ્રેનો અથડાઈ, 70 શ્રમિકો ઈજાગ્રસ્ત

0

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન (THDC)ની વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની સુરંગની અંદર શ્રમિકો અને અધિકારીઓને લઈ જતી બે લૉકો ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે શ્રમિકોની શિફ્ટ બદલાઈ રહી હતી. બંને ટ્રેનોમાં લગભગ 108 શ્રમિકો સવાર હતા.

દુર્ઘટના કેવી રીતે બની?
પ્રાથમિક તપાસ મુજબ, કોઈ ટેકનિકલ ખામીને કારણે એક ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. સુરંગના અંધારાવાળા ભાગમાં થયેલી આ ટક્કરને કારણે અંદર હાજર શ્રમિકો પોતાને સંભાળી શક્યા ન હતા અને ઘણા લોકો ટ્રેનની અંદર જ પડી ગયા. ટક્કર થતાની સાથે જ સુરંગની અંદર બૂમાબૂમ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી
ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મોટાભાગના શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓને કારણે વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં 42 ઘાયલ શ્રમિકોની સારવાર ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે 17 શ્રમિકોને પીપલકોટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ લીધી મુલાકાત
અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર અને પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પંવાર ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોના હાલચાલ પૂછ્યા અને ડોક્ટરોને વધુ સારી સારવાર માટે નિર્દેશ આપ્યા હતા. જાણવા મળ્યું છે કે મોટાભાગના શ્રમિકો ઝારખંડ અને ઓડિશાના રહેવાસી છે અને તેમના પરિવારોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી રહી છે.

સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે યુવકના મોત

સુરત જિલ્લાના કોસંબા બ્રિજ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર બુધવારે (31મી ડિસેમ્બર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કોસંબા બ્રિજ નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે યુવકોને કચડી નાખતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અંધારાનો લાભ લઈ અજાણ્યો વાહનચાલક ફરાર
મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે જ્યારે નેશનલ હાઈવે 48 પરથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું, ત્યારે કોસંબા બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત સર્જનાર વાહન ચાલક માનવતા નેવે મૂકી, લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોની મદદ કરવાને બદલે અંધારાનો લાભ લઈને પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ સમ્બારા કાલુ સ્વૈનનું અંગદાન, ત્રણ દર્દીઓને મળશે નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૯મું સફળ અંગદાન થયું હતું. સુરતના ઓલપાડ ખાતે રહેતા ૪૭ વર્ષીય બ્રેઈનડેડ સમ્બારા કાલુ સ્વૈનના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથકી ત્રણ જરૂરતમંદોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓડીસાના ગંજામ જિલ્લાના સોરીસામુલીના વતની સમ્બારા કાલુ સ્વૈન તા.૨૭/૧૨/૨૦૨૫ના રોજ સાંજે ૯:૪૦ વાગે ઓલપાડના માસમા ખાતેની કંપનીમાં કામ કરતા પગથીયા પરથી પડી ગયા હતાં. તત્કાલ ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જયાં તેઓની ગંભીર હાલત હોવાથી ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે આઈસીયુ શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી. તા.૩૦/૧૨/૨૦૨૫ના રાત્રીએ ડો. આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ તથા ડૉ.કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. પડી જવાને કારણે માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈનડેડ થયા હોવાનું નિદાન થયું હતું.

  • ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા, ડૉ. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઇકબાલ કડીવાલાએ સમ્બારાના પત્ની, દિકરા અને ભાઇ તેમજ પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
  • આ નિર્ણય લેતી વખતે દર્દીના પત્ની સુર્યાકાંતી સ્વૈન તથા ભાઇઓએ કહ્યું કે, અંગદાનથી કોઇનું જીવન બચાવી શકાય અને કોઇને નવું જીવન મળે તેનાથી મોટું શું હોય શકે. આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતી આપી હતી.
  • બ્રેઈનડેડ સ્વ.સમ્બારા સ્વૈનના લીવર અને બે કિડનીને અમદાવાદની આઈ.કે.ડી.હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
  • સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૨૫ સફળ અંગદાન થઈ ચૂક્યાં છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે.