Home Blog Page 204

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી: બોર્ડ તૈયાર, ઉમેદવારો માટે મહત્વની માર્ગદર્શિકા

આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી યોજાનાર છે. આ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 10 લાખથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતના 15 સ્થળોએ શારીરિક ક્ષમતા કસોટી યોજાનાર છે.

10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ મળી કુલ-13591 જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

આ જાહેરાત અન્વયે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 (પંદર) શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST)) માટે તા.21.01.2026થી બોલાવવામાં આવેલ છે.

ક્યારથી શરુ થશે શારીરિક કસોટી?
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 11 (અગીયાર) ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા.21.01.2026 થી તા.13.03.2026 સુધી તથા 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21.01.2026 થી તા.06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે.

90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક
દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે. તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.

શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ ધ્વારા કરવામાં આવનાર છે.

ઉમેદવારોની શારીરિક કસોટીના માપદંડ
પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મીનીટ 30 સેકન્ડમાં પુરી કરવાની રહેશે.

અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ. અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ 150 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ 155 સે.મી. હોવી જોઇએ.

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની અપીલ: એસ જયશંકરનો પોલેન્ડને કડક સંદેશ

0

પોલેન્ડના ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની હાકલ કરી. જયશંકરે પોલેન્ડના વિદેશ પ્રધાનને કહ્યું કે તેમના દેશે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ દાખવવી જોઈએ અને પડોશમાં આતંકવાદી માળખાને પ્રોત્સાહન આપવામાં મદદ ન કરવી જોઈએ.

વિદેશ મંત્રીએ કહ્યું, “અમે હંમેશા યુક્રેન સંઘર્ષ પર અમારા વિચારો વ્યક્ત કર્યા છે. પરંતુ ભારતને પસંદગીપૂર્વક નિશાન બનાવવું અન્યાયી છે. આ સંપૂર્ણપણે પાયાવિહોણું છે, અને હું આજે તેનો પુનરોચ્ચાર કરું છું.” જયશંકરે વધુમાં કહ્યું, “ભારત તેના હિતો સામે કોઈપણ બેવડા ધોરણોને સ્વીકારશે નહીં.”

પોલેન્ડના પ્રતિનિધિમંડળે જયશંકરના નિવેદન સાથે સંમતિ દર્શાવી
પોલેન્ડના ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કીએ આ વાત સાથે સહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું, “મને જયપુર લિટરેરી ફેસ્ટિવલમાં ભાગ લઈ ખૂબ આનંદ થયો, આ એક શાનદાર વૈશ્વિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સરહદ પાર આતંકવાદ સામે લડવાની જરૂરિયાત પર હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. પોલેન્ડ આગચંપી અને આતંકવાદ બંનેનો ભોગ બન્યું છે.”

ટેરિફના મુદ્દા પર બોલતાં પોલેન્ડના ઉપપ્રધાનમંત્રીએ જણાવ્યું, “ટેરિફ સાથે પસંદગીયુક્ત લક્ષ્યીકરણના અન્યાય પર પણ હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. અમને ડર છે કે આનાથી વૈશ્વિક વેપારમાં વિક્ષેપો થઈ રહ્યા છે. અમને આશા છે કે ભારત યુરોપ સાથે સંકળાયેલું રહેશે. અમે જોયું છે કે તમે યુરોપમાં દરેક જગ્યાએ દૂતાવાસો સ્થાપિત કરી રહ્યા છો, જેનો અર્થ છે કે તમે EU સાથેના તમારા સંબંધો પ્રત્યે ગંભીર છો.”

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, “અલબત્ત, પસંદગીયુક્ત લક્ષ્યીકરણ ફક્ત ટેરિફ સુધી મર્યાદિત નથી. મને લાગે છે કે પસંદગીયુક્ત લક્ષ્યીકરણના અન્ય રસ્તાઓ પણ છે, પરંતુ આપણે તેના પર ચર્ચા કરીશું.”

અમદાવાદની મેજિક્વીન સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી

અમદાવાદની મેજિક્વીન સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી. EDએ PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી. મેજિક્વીન કેસમાં 14 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ. સાયબર ક્રાઈમ FIRના આધારે ED દ્વારા તપાસ હાથ ધરાઇ. મેજિક્વીન વેબસાઇટ અને એપથી ગેરકાયદે સ્પોર્ટ્સ સટ્ટાબાજીનો આક્ષેપ છે. ક્રિકેટ અને ફૂટબોલ મેચો પર ઓનલાઇન સટ્ટો ચલાવાતો હતો. લાઇવ કેસિનોમાં તીન પટ્ટી અને રૂલેટ જેવી રમતો રમાતી. UKમાં નોંધાયેલી કંપની મારફતે સટ્ટાબાજી નેટવર્ક ચાલતુ. ED દ્વારા રૂ. 2.5 કરોડની જપ્તી કરાઈ. ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો કબજે કરાયુ.

ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસમાં કુલદીપ સેંગરને મોટો ઝટકો, હાઈ કોર્ટે આપ્યો ચુકાદો

0

ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ: 2017 માં ઉન્નાવમાં સગીરા પર બલાત્કાર કેસના દોષિત ભાજપના ભૂતપૂર્વ વિધાન સભ્ય કુલદીપ સિંહ સેંગરને અન્ય એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં સેંગરને મળેલી 10 વર્ષની જેલની સજાને સ્થગિત કરવાનો કોર્ટે ઇનકાર કર્યો છે.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રવિન્દર દુડેજાએ જણાવ્યું હતું કે, “રાહત આપવા યોગ્ય કોઈ આધાર રજુ કરવામાં આવ્યો નથી. સજા સ્થગિત કરવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવે છે.”

માર્ચ 2020 માં સેંગરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા ફટકારતા ટ્રાયલ કોર્ટે તે સમયે કહ્યું હતું કે પરિવારના એકમાત્ર કમાતા વ્યક્તિની હત્યા કરવા બદલ દોષિત સામે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવી ન જોઈએ. આ દરમિયાન જ કુલદીપના ભાઈ અતુલ સિંહ સેંગર અને અન્ય પાંચ લોકોને પણ આવી જ સજા ફટકારી હતી.

સગીરા બાદ બળાત્કાર ગુજારવા બદલ સેંગરને ડિસેમ્બર 2019માં બાકીના જીવન માટે જેલની સજા ફટકારવામાં આવી હતી, કસ્ટોડિયલ ડેથ કેસમાં પણ તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ચુકાદા સામે તેણે કરેલી અપીલ હજુ પણ પેન્ડિંગ છે.

નોંધનીય છે કે દિલ્હી હાઈ કોર્ટની બીજી બેન્ચે ડિસેમ્બર 2025 માં ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા માટે જામીન આપવામાં આવ્યા હતા. ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદ અને ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથનની બેન્ચે એમ પણ કહ્યું હતું કે કે આ કેસમાં POCSO લાગુ કરી શકાય નહીં.

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો: દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશમંત્રી ફિરોઝ મલેકે પક્ષમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે કોંગ્રેસના એક બાદ એક કાર્યકરો રાજીનામા આપી રહ્યા છે, જેના કારણે પક્ષની સ્થિતિ કફોડી બની છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી છે. થોડા દિવસ પહેલા શહેર કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું હતું. જેના ગણતરીના જ કલોકમાં ફિરોઝ મલેકે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામું આપતા ફીરોઝ મલેકે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ ચક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. સતત અવગણના, નબળા નેતૃત્વ અને ઈચ્છાશક્તિ વગરના સુરત અને પ્રદેશ નેતૃત્વ સાથે તાલમેલ બનાવવું ખુબ અઘરું લાગી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, 33 વર્ષ કોંગ્રેસ પક્ષના સૈનિક તરીકે ખુબ કામ કર્યું, પણ હવે માન સન્માનના ભોગે વધુ રોકાવાય તેમ નથી. પોતાના માણસોને સેટ કરવાના મોહમાં કોંગ્રેસ પક્ષને નુકશાન કરવાના કાર્યક્રમમાં હું સહભાગી થઈ શકું તેમ નથી. એટલે તમામ પદ પરથી રાજીનામું આપી મુક્ત થઈ રહ્યો છું.

લદાખમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

0

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર 19 જાન્યુઆરીના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તાજિકિસ્તાન સુધી જોવા મળી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લદાખમાં સોમવારે સવારે 11 વાગીને 51 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. NCSએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 171 કિલોમીટર નીચે હતું. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા લદાખની બહાર કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

સોમવારની સવાર દેશના ઉત્તરીય ભાગ માટે ભૂકંપના આંચકાઓથી ભરેલી રહી. લદાખ પહેલા, રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. NCS મુજબ, દિલ્હીમાં સવારે 8 વાગીને 44 મિનિટે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી દિલ્હીમાં જ નોંધાયું હતું અને તેની અસર હરિયાણાના સોનીપત સુધી જોવા મળી હતી.

જાણો મહાશિવરાત્રીની તારીખ અને શુભ મુહૂર્ત, આ રીતે શિવજીને કરો પ્રસન્ન

0

દર વર્ષે ભગવાન શિવના ભક્તો મહાશિવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. તે દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ પર ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા હૃદયથી શિવ અને શક્તિની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે અને કોઈપણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થાય છે. દર વર્ષની જેમ લોકો મહાશિવરાત્રીની તારીખ વિશે મૂંઝવણમાં છે. જાણો આ વર્ષે મહાશિવરાત્રી ક્યારે છે અને આ દિવસે પૂજા માટે કયો સમય શુભ રહેશે.

મહાશિવરાત્રીની તારીખ અને સમય
હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહા મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની તેરસ તિથિ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેનો સમય સાંજે 5:04 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે. તેથી મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરીએ રહેશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવશે અને આ દિવસે વ્રત રાખવામાં આવશે. પૂજા માટેના શુભ સમય વિશે વાત કરીએ તો મહાશિવરાત્રી પૂજા 15 ફેબ્રુઆરીએ સાંજે 5:54 થી રાત્રે 12:12 વાગ્યા સુધી ગમે ત્યારે કરી શકાય છે. આ વ્રત બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી ગમે ત્યારે તોડી શકાય છે.

આ ખાસ યોગ રચાઈ રહ્યો છે
આ વર્ષની મહાશિવરાત્રી ઘણા કારણોસર ખાસ રહેવાની છે. આ દિવસે એક સાથે અનેક યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મહાસંયોગ દરેક ઈચ્છા પૂર્ણ કરી શકે છે. તેથી આ દિવસે ઉપવાસ કરવો ખૂબ જ ફળદાયી રહેશે. આ વર્ષે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. અભિજીત મુહૂર્તની સાથે આ દિવસે ભદ્રાવાસ યોગ પણ બની રહ્યો છે. આ મહાસંયોગ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

સોના-ચાંદીમાં ભારે ઉછાળો: ચાંદી રૂ. 3 લાખને પાર, ભાવ વધારાના મુખ્ય કારણો

0

સોનાં અને ચાંદીના ભાવે મોટો છલાંગ લગાવી છે. આજે સોમાવરે વાયદા બજારમાં સોનાં અને ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર્સમાં લગભગ ₹3,000 (2 ટકા) થી વધુનો વધારો નોંધાયો અને સર્વકાલીન ઉચ્ચ સ્તર ₹1,45,500 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. MCX સિલ્વર માર્ચ ફ્યુચર્સમાં જંગી ₹13,550 (5 ટકા)નો ઉછળો નોંધાયો અને ₹3,01,315 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો.

આજે મુંબઈમાં સોનાના ભાવ:

  • 24 કેરેટ- ₹ 14,569 પ્રતિ ગ્રામ
  • 22 કેરેટ- ₹ 13,355 પ્રતિ ગ્રામ
  • 18 કેરેટ- ₹ 10,927 પ્રતિ ગ્રામ

દિલ્હીમાં સોનાનો ભાવ:
24 કેરેટ- ₹ 14,584 પ્રતિ ગ્રામ
22 કેરેટ- ₹ 13,370 પ્રતિ ગ્રામ
18 કેરેટ- ₹ 10,942 પ્રતિ ગ્રામ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ:
અહેવાલ મુજબ સિંગાપોરમાં સવારે સોનાનો ભાવ 1.6 ટકા વધીને 4668.76 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ચાંદી 3.2 ટકા વધીને 92.0211 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો.

આ કારણે વધી રહ્યા છે ભાવ:
નોંધનીય છે એક વેનેઝુએલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. યુએસએ યુરોપના 8 દેશો પર ટેરિફ લાદ્યો છે. વૈશ્વિક રાજકારણમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, જેની સીધી અસર કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે.

સોના બાદ ચાંદી ગરમી અને વીજળી બંનેનું ઝડપી વાહક છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર એનર્જી અને ઓટો ઉદ્યોગમાં ચાંદીનો વ્યાપકપણે થાય છે. જેથી ચાંદીની ઔદ્યોગિક માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે.

ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, શહેરમાં ચકચાર

અમદાવાદમાં તાજેતરના સમયમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાની ઘટનાઓ વધી રહી છે, જેમાં જૂના ઝઘડા જીવલેણ હુમલામાં ફેરવાઈ જાય છે. આવી જ એક ઘટના ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર બની, જ્યાં ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો. પીડિતને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો કેટલાક દિવસ પહેલાંના વિવાદને કારણે થયો હતો.

આ પહેલાં પણ સૌથી ચર્ચિત અને દુઃખદ ઘટના સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં બની હતી. ખોખરા વિસ્તારમાં ધોરણ 10ના 15 વર્ષીય વિદ્યાર્થી નયન સંતાની પર તેના જુનિયર વિદ્યાર્થીએ બોક્સ કટર વડે જીવલેણ હુમલો કર્યો. હુમલો શાળા બહાર થયો, પરંતુ નયન ઈજાગ્રસ્ત હાલતમાં કેમ્પસમાં પ્રવેશ્યો અને પછી ઢળી પડ્યો. CCTVમાં જોવા મળ્યું કે આસપાસના વિદ્યાર્થીઓ ભેગા થયા, પરંતુ સ્ટાફ કે સિક્યોરિટીએ તાત્કાલિક મદદ ન કરી. લગભગ અડધા કલાક પછી માતા અને અન્ય મહિલાઓએ રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા પણ તેનું મોત થયું.

આ બંને ઘટનાઓ શાળાઓમાં વધતી હિંસા અને વિદ્યાર્થીઓ વચ્ચેના નાના વિવાદોને જીવલેણ સ્તરે પહોંચવાની ગંભીર સમસ્યા દર્શાવે છે. વાલીઓ અને સમાજ આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને કાઉન્સેલિંગ પર વધુ ધ્યાન આપવાની માંગ કરી રહ્યા છે.

સુરતના ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ, પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉધના રોડ નંબર 3 પર આવેલી ધરતી નમકીન પાસેના એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ દુર્ઘટનામાં ગોડાઉનમાં હાજર 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના CMO શીતલ ખેરડીયાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ લાવવામાં આવેલા પાંચેય દર્દીઓ 30 થી 50 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગયા છે. હાલમાં તમામ દર્દીઓની હાલત નાજુક ગણાવવામાં આવી રહી છે અને સિવિલના તબીબો દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

સત્તાવાર નિવેદનો
ઘટના સ્થળે પહોંચેલા ફેક્ટરી માલિક રફીક મેમને પણ અકસ્માત અંગે વિગતો આપી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ ગંભીર રીતે દાઝેલા શ્રમિકોના પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. પોલીસ અને પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.