Home Blog Page 200

અજિત પવારના પ્લેન ક્રેશનો મોટો ખુલાસો, દુર્ઘટના પહેલાંનું સુરત કનેક્શન સામે આવ્યું

0

મહારાષ્ટ્રના પુણે જીલ્લાના બારામતીમાં તા. 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે લગભગ 8 વાગ્યે એક મીડ સાઇઝ બિઝનેસ પ્લેન (Learjet-45) દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતુ, જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અવસાન થયું છે. આ દુર્ઘટનામાં વિમાન પર સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા. હવે આ પ્લેન ક્રેશ પહેલાનું આ પ્લેનનું સુરત કનેક્શન સામે આવ્યુ છે.

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં થયેલી મિડ-સાઇઝ ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલું Learjet-45 વિમાન ગુજરાતના સુરત સાથે સીધું કનેક્શન ધરાવતું હોવાનું સામે આવ્યું છે. આ વિમાન છેલ્લા બે દિવસ સુરત એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું, જે બાદમાં મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

આ વિમાન મુંબઈ એરપોર્ટથી સવારે 8 વાગ્યની આસપાસ ટેક-ઓફ કરીને બારામતી જતું હતું, પરંતુ બારામતી એરપોર્ટ નજીક લૅન્ડિંગ પ્રયાસ દરમિયાન નુકસાન પામ્યું અને આશરે 8:44 કલાકે તે જમીનમાં પટકાયુ. વિમાનનું ઓપરેશન VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું અને આ Learjet-45નું રજીસ્ટ્રેશન નંબર VT-SSK હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આ પ્લેન સુરતમાં ચાલી રહી એક સેલિબ્રિટી ઇવેન્ટ માટે પ્રવાસીઓ લાવા-જવા અને ગેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરીના રોજ સવારે તે મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

ત્યારબાદ આ જ વિમાને 28 જાન્યુઆરી 2026ના રોજ સવારે મુંબઈ એરપોર્ટથી બારામતી એરપોર્ટ માટે ટેક-ઓફ કર્યું હતું. પરંતુ બારામતી પહોંચતા પહેલાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. આ દુર્ઘટનાને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચકચાર છે.

વિમાનોનો આ પ્રકારનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાઇવેટ ચાર્ટર્ડ સર્વિસ તરીકે કરવામાં આવે છે જેમાં રાજકીય નેતાઓ, સેલિબ્રિટી અને કોર્પોરેટ ગેસ્ટો માટે મુસાફરી સુવિધા પૂરી કરવામાં આવે છે. આ Learjet-45 મિડ-સાઈઝ બિઝનેસ જેટ છે અને સામાન્ય રીતે મધ્યમ અંતર માટે યોગ્ય કરવામાં આવે છે.

વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સંકળાયેલા હોવાના દાવાઓ સામે આવ્યા બાદ સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની છે. હાલમાં એરક્રાફ્ટ સેફ્ટી, ફ્લાઈટ રૂટ, ટેક્નિકલ તપાસ અને છેલ્લા દિવસોની મૂવમેન્ટ અંગે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર વિમાનનું બે દિવસનું પાર્કિંગ, સેલિબ્રિટી ઇવેન્ટ માટે ઉપયોગ અને ત્યારબાદની ફ્લાઈટ આ તમામ મુદ્દાઓ તપાસ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આવનારા દિવસોમાં તપાસ પછી જ દુર્ઘટનાના સાચા કારણો અને જવાબદારીઓ અંગે સ્પષ્ટતા થશે.

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું, દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્

0

કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે દેશની સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે. સુપ્રીમે કહ્યું કે આ નિયમોથી સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે.

ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે.

ચીફ જસ્ટિસે આદેશ આપ્યો કે 2012ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે. સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે UGCની ધારા 3(C) ગેરબંધારણીય છે. સુનાવણી દરમિયાન દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું કે આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.

બળાત્કાર–POCSO કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ ફરજિયાત, મોડું પડ્યું તો અધિકારી જવાબદાર

રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.

બળાત્કારના ગુનામાં વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે
ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને કડક સૂચના આપવામાં આવી છે કે મહિલા અને સગીર બાળા પરના બળાત્કારના ગુનાઓમાં હવેથી વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. નવા ફોજદારી કાયદા (BNSS) હેઠળ મહિલા સુરક્ષા માટે CID ક્રાઈમનો કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર-જિલ્લા પોલીસ વડાઓને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 હેઠળ તપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પગલું લેવાયું છે. કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયાના બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી માટે કાયદેસરની જવાબદારી બની ગઈ છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે.

ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકાશે
ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી હવે ગુનાની સાબિતી માટે માત્ર નિવેદનો પૂરતા નહીં રહે. સાત વર્ષથી વધુની સજા હોય તેવા ગુનામાં ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત અનિવાર્ય છે.

ગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશે. જેથી કોર્ટમાં પુરાવા સાથે છેડછાડની શક્યતા ન રહે. આ સિવાય રાજ્યના તમામ પોલીસ મથકોએ E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવી પડશે. આ ડેટા સીધો જ ‘ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ’ (ITSSO) પોર્ટલ પર રિફ્લેક્ટ થશે.

60 દિવસથી વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારી
આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટા સેન્ટર પરથી પણ રાજ્યના પર્ફોર્મન્સની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે અધિકારીની જવાબદારી ગણાશે.પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી. ક્રાઈમ) ડો. કે.એલ.એન. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના જિલ્લા કે શહેરમાં નોંધાયેલા આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

આવતીકાલે ગુજરાતમાં તોફાની દરિયો અને કડકડતી ઠંડી, મોસમ વિભાગની ચેતવણી

હવામાન વિભાગે દરિયાકાંઠે માછીમારોને ભારે દબાણના કારણે તોફાની પવનો અને દરિયામાં તોફાની સ્થિતિની ચેતવણી આપવામાં આવી છે. આજથી બીજી ફેબ્રુઆરી, 2026 સુધીના પાંચ દિવસના સમયગાળા માટે જારી કરાયેલી એડવાઈઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે 29 જાન્યુઆરીએ ભારે પવન ફૂંકાશે અને દરિયો તોફાની બનવાની સંભાવના છે, તો માછીમારોએ માછીમારી માટે દરિયો ખેડવો નહીં.

આગાહી મુજબ, જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા, ઓખા, જામનગર, પોરબંદર અને નજીકના બંદરો સહિત, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 45-55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરિયો ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે, અને માછીમારોને આ વિસ્તારોથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે પણ આવી જ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં વેરાવળ, દીવ, પીપાવાવ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણ જેવા દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાના પવનો સમાન તીવ્રતા સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાઈ સ્થિતિ અસુરક્ષિત બની શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખુલ્લા સમુદ્ર માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

સલાહમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજે અને કાલે કોમોરિન વિસ્તારના ઘણા ભાગોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. માછીમારોને પણ તે પ્રદેશમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ સાથે આવતા 28 કલાકમા સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી ગગડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મહિનાના અંતમાં ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે ત્રણેક દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત

0

અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં 3 લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યાની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ધારાસભ્ય પણ પહોંચ્યા ઘટનાસ્થળે, મહિલાના મોતની પુષ્ટી
ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે અહીં પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જુના છે. જર્જરિત મકાન પાસે જ ડ્રેનેજનું કામ ચાલતું હતું અને તે સમયે જ મકાન પડ્યું હતું. જેમાં એક શ્રમિક અને અન્ય 2 લોકો દટાયા હતા. જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉ. વ 62) નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

અમદાવાદની નવતાળની પોળમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જે સમયે આ મકાન પડ્યું, ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.આ દુર્ઘટનામાં એક વૃદ્ધા અને બે મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દટાયેલા લોકોને બહાર કાઢી રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃદ્ધ મહિલાને બચાવી ન શકાયા.

ગુજરાતમાં બાળકોની લે-વેચ કરતું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું, નવજાત બાળકનો રેસ્ક્યૂ, ચારની ધરપકડ

0

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી પોલીસને એક ગાડીમાંથી નવજાત બાળક રેસ્ક્યૂ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ બાળકને હિંમતનગરના મુન્ના પાસેથી ચાર શખસ 3.60 લાખ રૂપિયામાં ખરીદી હૈદરાબાદ મોકલવા જઈ રહ્યા હતા.

પોલીસે હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની વંદના પંચાલ અને કારના ડ્રાઇવર મૌલિક દવેને ઝડપી લીધા છે. મુંન્ના અને હૈદરાબાદના નાગરાજ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. નવજાત બાળક તાત્કાલિક ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે.

આ પહેલાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે છત્રપતિ સંભાજી નગર અને ધોળકા વિસ્તારમાં બાળકોની તસ્કરી કરતા ગેંગનો પર્દાફાશ કર્યો હતો. 7 મહિનાની બાળકીના અપહરણ બાદ એક મહિલા સહિત 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ ધોળકા અને મહારાષ્ટ્રમાં બાળકોનું અપહરણ અને વેચાણ કરતી હતી.

અપહરણની વિગત અનુસાર, ધોળકાના ગરીબ મજૂર પરિવારમાં 7 મહિનાની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતાપિતાએ તપાસ અને ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસને માહિતી મળી કે આ એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો ભાગ છે. CCTV ફૂટેજ અને લોકોના નિવેદનોના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને રેકેટનો પર્દાફાશ કર્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બાળકીનું અપહરણ કરીને તેને ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી. આ કૌભાંડમાં કુલ 4 લોકો સંડોવાયેલા હતા, જેમાં 1 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા નર્સ હોવાનું બહાર આવ્યું છે. તે ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી હતી. આ કૌભાંડમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની એક નર્સ પણ સામેલ હતી, જેણે બાળકીને ખરીદી હતી.

પોલીસે છત્રપતિ સંભાજીનગરથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે તત્કાળ કાર્યવાહી કરી છત્રપતિ સંભાજીનગર પહોંચીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં અને બાળકીને તેમના પંજામાંથી છોડાવી તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું હતું. આ ઘટનાએ IVF સેન્ટરોની કામગીરી અને આવા સેન્ટરોમાં કામ કરતા લોકોની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા હતાં.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ

  • જયેશ રાઠોડ
  • વિમલ સોલંકી
  • મનીષા સોલંકી (ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી નર્સ)
  • જગતાપ

લક્ષ્મી ગ્રુપ પર IT દરોડા યથાવત, મેહુલ ચોક્સી કનેક્શન અને કરોડોની કરચોરીની શંકા

0

સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગ્રુપના માલિકો વસંત ગજેરા અને ચૂની ગજેરાના નિવાસસ્થાનો અને સંસ્થાઓ પર આઈટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત આ ગ્રુપની 30 જેટલી જગ્યાઓ પર 110 થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે અને ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હતી. મેહુલ ચોક્સીનું નામ મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેના લક્ષ્મી ગ્રુપ સાથેના કનેક્શનની વિગતો મળી હતી. આ કનેક્શન મુદ્દે પણ સઘન તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો, ભાગીદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના રહેણાંક સ્થળો, ઓફિસો, ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ડાયમંડ ફેક્ટરીઓ સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે. ઘટના સ્થળે આઈટી વિભાગના અધિકારીઓની અવરજવર સતત જોવા મળી રહી છે.

આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થયા બાદ પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ આ મામલે કાર્યવાહી કરી શકે છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા ભાગેડુ સાથેના કનેક્શનના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પણ જોડાઈ શકે છે. સુરતમાં ચાલી રહેલી આ કાર્યવાહી ગુજરાતના સૌથી મોટા આઈટી દરોડાઓમાંની એક ગણાય છે.

ડાયમંડ સિટીથી ઝીરો વેસ્ટ સિટી તરફ સુરતની ગૌરવભરી યાત્રા

0

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ‘ગ્રીન ગ્રોથ’ને પણ પ્રાથમિકતા આપી છે.

વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ અથવા પ્લાન્ટમાં રિસાયકલ થઈ પુનઃ વપરાશમાં લેવાય.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ અને ડિમોલિશન કચરાનું વૈજ્ઞાનિક રીતે એકત્રીકરણ કરીને તેને ફરી ઉપયોગમાં લેવા માટે કાર્યરત કરાયેલા કન્સ્ટ્રકશન અને ડિમોલિશન (C&D) વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ હવે સમગ્ર ભારત માટે એક ઉદાહરણરૂપ મોડેલ બન્યો છે. આ પ્રોજેક્ટ શહેરની સાફસફાઈ સાથે પર્યાવરણનું રક્ષણ અને કુદરતી સંસાધનો બચાવવા પણ યોગદાન આપી રહ્યો છે.

બાંધકામના કચરાનું 100 ટકા રિસાયક્લિંગ કરતા સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ તે પર્યાવરણના જતનનું મોટું અભિયાન બન્યું છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયાના પરિણામે દર વર્ષે અંદાજે 500 ટનથી વધુ CO₂ (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન ઘટાડે છે, જે 2,50,000 કિલો કોલસાની બચત સમાન છે. જેથી કુદરતી સંસાધનો (જેમ કે પથ્થર અને રેતી) ના ખનન પરનું ભારણ ઘટ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણ-2025માં સમગ્ર ભારતમાં સૌથી વધુ ગુણ મેળવી સુરતે દેશમા ફરી એકવાર સ્વચ્છતામાં આગવી ઓળખ ઉભી કરી છે. સુપર સ્વચ્છ લીગમાં સુરત સતત અગ્રેસર રહ્યું છે, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ દૃઢ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કચરાને વૈજ્ઞાનિક રીતે રિસાઈકલ અને વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. શહેરમાં બાંધકામ અને ડિમોલીશન વેસ્ટના ઘન કચરામાંથી બેસ્ટ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

સુરતના કોસાડ ખાતે 300 મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ જનભાગીદારી (PPP) મોડલ હેઠળ કાર્યરત છે, જેમાં દરરોજ અંદાજિત 80 મેટ્રિક ટન ડિમોલીશન વેસ્ટ રિસાયકલ થાય છે. આમ C&D વેસ્ટથી પેવર બ્લોક્સ, વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન વેસ્ટ મટીરિયલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બનાવવામાં આવે છે.

ક્લિન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે વેસ્ટ નહીં, પણ વેલ્થ બની રહ્યો છે. સુરત મનપા દ્વારા ક્લિન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન અમલી બનાવી છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી નાગરિકો ઘરબેઠાં જ કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવા માટે નોંધણી કરાવી શકે છે. સુરત મનપાએ એક પ્રેરણાદાયી નિર્ણય લેતા પ્લાન્ટમાં નિકળતી રિસાયકલ સામગ્રીને સરકારી ટેન્ડરોમાં પણ 20 ટકા સુધી રિસાયકલ સામગ્રીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. આ નીતિથી રિસાયકલ થયેલી ચીજવસ્તુઓના માર્કેટને વેગ મળશે અને ‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે.

સુરત મનપા દ્વારા અમલી ક્લિન કન્સ્ટ્રક્શન ગાઇડલાઇન શહેરના હવા પ્રદૂષણને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સ્માર્ટ મોનિટરિંગને કારણે નાગરિકોની ફરિયાદોમાં ઘટાડો થયો છે. બાંધકામ સ્થળોએ પતરા, શેડ્સ, ધૂળ નિયંત્રણ માટે સ્પ્રિન્કલર્સ અને ગ્રીન નેટનો ફરજિયાત ઉપયોગ આ બધું મળીને સુરતને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવાસિત બનાવે છે.

કોસાડ સ્થિત પ્લાન્ટ વર્ષ 2018થી કાર્યરત થયો ત્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા કલેક્શન સિસ્ટમ મજબૂત બનાવતા ક્રમશ: બાંધકામ અને ડિમોલીશનના ઘનકચરાનું કલેક્શન વધ્યું છે, જેમાં વર્ષ 2018-19માં 65,746 મેટ્રિક ટન વેસ્ટ કલેક્શન થયું હતું. વર્ષ 2019-20માં 37457 મેટ્રિક ટન, વર્ષ 2020-21માં 10614 મેટ્રિક ટન, વર્ષ 2021-22માં 23315 મેટ્રિક ટન, વર્ષ 2022-23 માં 41451 મેટ્રિક ટન, 2023-24 માં 49381 મેટ્રિક ટન અને 2024-25 માં 58106 મેટ્રિક ટન બાંધકામ-ડિમોલીશન વેસ્ટ કલેક્શન કરીને ડમ્પિંગ સાઈટ પર જવાને બદલે રિસાયક્લિંગ કરવામાં આવે છે.

આ પ્લાન્ટમાં ઇંટ, કોન્ક્રીટ, લોખંડના ટુકડા વગેરે એકત્રિત કરીને સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી ફરી ઉપયોગી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં Crushed Aggregates, રિસાયકલ કરેલી રેતી, પેવર બ્લૉક અને કોંક્રીટ ઇંટો જેવી ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરવામાં આવે છે.

રાજકીય સમ્માન સાથે અજિત પવારનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન, પુત્રોએ આપી મુખાગ્નિ

0

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. બારામતીમાં અજિત પવારના રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આજે બારામતીમાં અજિત પવારને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપાઈ હતી. અજિત પવારના પુત્રો જય અને પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી હતી. અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે અમિત શાહ, નીતિન ગડકરી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બીજી તરફ હજારોની સંખ્યામાં સમર્થકોની જનમેદની ઉમટી પડી હતી.

અજિત પવારના આકસ્મિક અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી સંબંધિત તમામ નવીનતમ સમાચાર માટે જનસત્તાના લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

Budget 2026: સિનિયર સિટિઝન્સ માટે મોટી ભેટ? ટ્રેન ટિકિટમાં ફરી મળી શકે છે છૂટ!

0

બજેટ 2026 નજીક આવતા સિનિયર સિટિઝન્સ માટે ખુશખબરીની આશા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવેની જૂની અને લોકપ્રિય સુવિધા સિનિયર સિટિઝન કન્સેશન ફરીથી શરૂ થઈ શકે છે. આ સુવિધા માર્ચ 2020માં કોરોના મહામારી દરમિયાન અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. હવે બજેટ પહેલા નાણાં મંત્રાલય અને રેલવે મંત્રાલય વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

જો સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવે, તો 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ફરીથી ટ્રેન ટિકિટમાં છૂટનો લાભ મળી શકે છે.

વરિષ્ઠ નાગરિક રાહત: ઇતિહાસ અને મહત્વ
ભારતીય રેલ્વે દાયકાઓથી વરિષ્ઠ નાગરિકોને ભાડામાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. પુરુષ મુસાફરોને 40% સુધી અને મહિલા મુસાફરોને 50% સુધીની છૂટ આપવામાં આવી હતી. આ લાભ લગભગ તમામ વર્ગોમાં લાગુ પડતો હતો, જેમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીનો સમાવેશ થાય છે. ટિકિટ બુક કરાવવા માટે ફક્ત ઉંમર દાખલ કરવી જરૂરી હતી, કોઈપણ કાર્ડ અથવા અલગ પ્રક્રિયા વિના. આ લાભ IRCTC ઓનલાઈન પ્લેટફોર્મ અને રેલ્વે કાઉન્ટર બંને પર ઉપલબ્ધ હતો.

કોવિડ-૧૯ લોકડાઉન અને નાણાકીય દબાણ
માર્ચ 2020 માં, કોવિડ-19 રોગચાળાએ ટ્રેન સેવાઓ બંધ કરી દીધી, જેના કારણે મુસાફરોના ટ્રાફિકમાં ઐતિહાસિક ઘટાડો થયો. રેલ્વેને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ સમયગાળા દરમિયાન, વરિષ્ઠ નાગરિક રાહત અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. તે સમયે, એવી દલીલ કરવામાં આવી હતી કે રેલ્વે પહેલાથી જ સબસિડી પર કામ કરે છે, અને વરિષ્ઠ નાગરિક રાહતનો વાર્ષિક ખર્ચ ₹1,600-2,000 કરોડ થાય છે. રોગચાળા પછી, જોકે ટ્રેનો સંપૂર્ણ ક્ષમતાથી દોડવા લાગી અને ભાડામાં વધારો થયો, આ સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી ન હતી.

બજેટ 2026 માં શું અપેક્ષાઓ છે?
સૂત્રો કહે છે કે બજેટ પહેલાની બેઠકમાં આ છૂટછાટ ફરીથી શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, અને સરકાર આ સુવિધા ફરીથી શરૂ કરવા માટે તૈયાર હોય તેવું લાગે છે. જો આ દરખાસ્ત મંજૂર થઈ જાય, તો વરિષ્ઠ નાગરિકો ફરી એકવાર રેલ મુસાફરીમાં નોંધપાત્ર રાહતનો અનુભવ કરશે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ જાહેરાત થવાની અપેક્ષા છે, જેનાથી વૃદ્ધ મુસાફરોને તેમના મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે રાહતનું મહત્વ
આ સુવિધા વૃદ્ધોને માત્ર નાણાકીય સહાય પૂરી પાડે છે, પરંતુ તેમને સલામત અને અનુકૂળ રેલ મુસાફરી જાળવવામાં પણ મદદ કરે છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા વૃદ્ધો માટે ફાયદાકારક છે.