Home Blog Page 199

વડોદરા નજીક કરજણ પાસે NH-48 પર ટ્રક-બસની ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઘાયલ

0

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ભિષણ હતો કે, બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને 25 થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી. 10 જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરજણ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક કે બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

દિલ્હીમાં 6 વર્ષની બાળકી પર સગીરોએ કર્યો ગેન્ગરેપઃ બે આરોપી ઝડપાયા

0

દિલ્હી પોલીસે મંગળવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે બળાત્કારના આરોપમાં બે છોકરાઓની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. ત્રીજો આરોપી હાલ ફરાર છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના 18 જાન્યુઆરીએ બની હતી. બાળકીના પરિવાર તરફથી ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને બાળકોને યૌન અપરાધોથી સંરક્ષણ (POCSO) અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

તપાસકર્તાઓએ જણાવ્યું કે 10, 13 અને 16 વર્ષની ઉંમરના ત્રણ છોકરાઓએ કથિત રીતે બાળકીને લલચાવીને તેના પર યૌન અત્યાચાર કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે સગીરોને કસ્ટડીમાં લઈ કિશોર ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજાની શોધ ચાલુ છે. બાળકીની તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે અને તેને જરૂરી સારવાર તથા કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. તેનું નિવેદન નોંધાઈ ચૂક્યું છે અને સગીરો સાથે સંબંધિત કેસોમાં લાગુ પડતી તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાના વિરોધમાં સોમવારે પીડિતાના પરિવારજનો અને પડોશીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટના 18 જાન્યુઆરીની સાંજે બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી છોકરાઓ પીડિતાના પડોશી છે અને અવારનવાર તેના ઘરની નજીક તેની સાથે રમતા હતા. એક સંબંધીએ જણાવ્યું કે સાંજે લગભગ 7 વાગ્યે બાળકી પોતાની માસીના ઘરેથી પરત ફરી રહી હતી, ત્યારે છોકરાઓએ તેને લલચાવીને પોતાની સાથે લઈ ગયા. આરોપ છે કે નજીકની એક છત પર તેના પર યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

પીડિતાની માતાએ જણાવ્યું હતું કે જ્યારે બાળકી ઘરે પરત આવી, ત્યારે તે લોહીથી લથપથ હતી અને તેના કપડાં પર પણ લોહી લાગેલું હતું. ત્યાર બાદ પરિવાર તેને પહેલા પોલીસ સ્ટેશન લઈ ગયો અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ડાંગની આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મ શાળાના મહિલા પ્રમુખના પતિની ધરપકડ

0

ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર આશ્રમશાળાના મહિલા પ્રમુખના જ પતિએ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. આ ગુનામાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલા અને મુખ્ય આરોપી પ્રફુલ નાયક સામે પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈકામ કરતી મહિલાએ 15 વર્ષીય વિદ્યાર્થિનીને રસોડામાં કામ હોવાનું બહાનું બતાવી બોલાવી હતી.

સગીરાને વિશ્વાસમાં લઈને રસોઈયાએ પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને તેને પીવડાવી દીધુ હતું. કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી.

સગીરા જ્યારે બેભાન જેવી અવસ્થામાં હતી, ત્યારે આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ પ્રફુલ નાયક તેને રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની લાચારીનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ડરેલી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી.

માતાએ તાત્કાલિક આશ્રમમાં પહોંચી તપાસ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મુખ્ય આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કૃત્યમાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, આશ્રમશાળા જેવી સંસ્થા, જ્યાં વાલીઓ પોતાની દીકરીઓને સુરક્ષિત સમજીને મોકલે છે, ત્યાં જ આવું કૃત્ય આચરતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.

ક્રિપ્ટોકરન્સી ક્રેશ: 24 કલાકમાં ₹16 લાખ કરોડ ઉડી ગયા, બિટકોઇન-ઇથેરિયમ 6%થી વધુ તૂટ્યા

0

ક્રિપ્ટોકરન્સી માર્કેટ, જે અસ્થિરતા પછી સ્થિર થઈ ગયું હતું, શુક્રવારે ક્રેશ થયું . ક્રિપ્ટો માર્કેટ કેપ 24 કલાકમાં 5% થી વધુ ઘટ્યું. બિટકોઇન અને ઇથેરિયમ સહિત અનેક ક્રિપ્ટોકરન્સીમાં 6% થી વધુ ઘટાડો થયો. ક્રિપ્ટો રોકાણકારોએ 24 કલાકમાં ₹15.62 લાખ કરોડ ગુમાવ્યા. સવારે લગભગ 10:30 વાગ્યે, ક્રિપ્ટો માર્કેટ કેપ 5.42% ઘટીને $2.82 ટ્રિલિયન પર ટ્રેડ થઈ રહી હતી.

આ ઘટાડાથી બધી મુખ્ય ક્રિપ્ટોકરન્સી પર અસર પડી. બિટકોઇન $82,835 પર ટ્રેડ થઈ રહ્યું હતું, લગભગ 6% ઘટીને. ગયા અઠવાડિયામાં તે 7% થી વધુ ઘટ્યું છે. દરમિયાન, ઇથેરિયમ છેલ્લા 24 કલાકમાં 6% થી વધુ ઘટીને $2,740 પર ટ્રેડ થઈ રહ્યું છે. બિનાન્સ, રિપલ અને સોલાના જેવી ક્રિપ્ટોકરન્સીમાં પણ 24 કલાકમાં 6% થી વધુ ઘટાડો જોવા મળ્યો.

કેન્ટન બૂમ
ક્રિપ્ટો માર્કેટમાં નોંધપાત્ર ઘટાડાથી કેન્ટન ક્રિપ્ટો કોઈન પર કોઈ અસર પડી નથી . તેના બદલે, તેમાં વધારો થયો. છેલ્લા 24 કલાકમાં તે લગભગ 6 ટકા વધ્યો, જે $0.1722 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં તેમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે, અને તેનું એક મહિનાનું વળતર લગભગ 16 ટકા છે.

ભય અને લોભ સૂચકાંકમાં ઘટાડો
ક્રિપ્ટો માર્કેટમાં ઘણા સમયથી કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. પરિણામે, રોકાણકારો ભયભીત છે. CoinMarketCap મુજબ, તેનો ભય અને લોભ સૂચકાંક, જે ગુરુવારે 38 હતો, શુક્રવારે ઘટીને 28 પર આવી ગયો. આ સૂચવે છે કે લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં વધુને વધુ સાવચેત છે . જેઓ પહેલાથી જ રોકાણ કરે છે તેઓએ પણ તેમના રોકાણો ઘટાડી દીધા છે અને ઉપાડ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય! હોટલ, પીજી અને હોસ્ટેલમાં રહેતા લોકોની ઓળખ હવે આ રીતે થશે

0

ગુજરાતમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજી અને હોસ્ટેલમાં રોકાતા મુસાફરોની ઓળખ પ્રક્રિયામાં હવે મોટો ટેકનોલોજીકલ ફેરફાર આવ્યો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વિકસિત ‘પથિક’ સોફ્ટવેરને UIDAI આધારિત ડેટાબેઝ સાથે સીધું જ જોડવામા આવ્યું છે ને એનાજ ડેમોસ્ટ્રેશન માટે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંધલ અને અજીત રાજીયન દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે .

અગાઉ હોટલોમાં રહેતા મહેમાનો પાસેથી ઓળખપત્રની નકલ લેવાતી હતી અને તેની મેન્યુઅલ એન્ટ્રી કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા સમય બગડતો હોવા સાથે ભૂલ થવાની સંભાવનાઓ પણ હતી. જે બાબતને ધ્યાને રાખીને હાલ નવી QR કોડ આધારિત ઓળખ પદ્ધતિ પોલીસે અમલમાં મુકી છે. જે હવે થોડી જ સેકન્ડમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજી અને હોસ્ટેલમાં રોકાતા મુસાફરોની ઓળખની ચકાસણી થઈ જશે અને આના કારણે હોટલ સંચાલકો તેમજ પોલીસ વિભાગ બંને માટે કામગીરી સરળ બની છે.

પથિક સિસ્ટમની મહત્વપૂર્ણ બાબત એ છે કે, તેમાં નાગરિકોની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં મુસાફરોનો આધાર નંબર ક્યાંય સંગ્રહિત થતો નથી. તેના બદલે ડિજિટલી સાઈન કરેલી વિગતો અને ફોટોગ્રાફના આધારે ઓળખ ચકાસણી કરવામાં આવે છે. એટલે કે સુરક્ષા અને ગોપનીયતા – બંનેનું સંતુલન જાળવવામાં આવ્યું છે.

આ ટેકનોલોજીકલ પહેલને રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર માન્યતા મળી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગને પ્રદર્શિત કરવા માટે માત્ર 11 સંસ્થાઓની પસંદગી કરી હતી, જેમાં પોલીસ વિભાગમાંથી એકમાત્ર પસંદગી પામનાર પ્રોજેક્ટ ‘પથિક’ રહ્યો છે. આ પસંદગી ગુજરાત પોલીસ માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2017માં પ્રયોગાત્મક રીતે શરૂ કરાયેલો પથિક પ્રોજેક્ટ હવે રાજ્યવ્યાપી અમલમાં આવી ગયો છે. હાલ રાજ્યની 9,000થી વધુ હોટલો આ સિસ્ટમ સાથે જોડાઈ છે અને શરદ સિંધલના દિલ્હીથી પરત આવ્યા બાદ આધાર સાથે આ સોફ્ટવેર વિધીવત રીતે જોડાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.

પોલીસ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પથિક સિસ્ટમથી શહેરોમાં રહેતા અને આવનારા લોકો અંગે તાત્કાલિક માહિતી ઉપલબ્ધ થવાથી સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. સાથે જ હોટલ ઉદ્યોગ માટે પણ આ વ્યવસ્થા સરળ અને સમય બચાવનારુ સાબિત થશે.

સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, 10 કરોડની ખંડણીની માંગ

0

લોરેન્સ બિશ્નોઈ ગેંગ અત્યારસુધી ઘણી જાણીતી ફિલ્મી સેલિબ્રિટીને ધમકી આપી ચૂકી છે. આ ગેંગે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું તો એન્કાઉન્ટર જ કરાવી નાખ્યું હતું. ત્યારે હવે વધુ એક સિંગર પર આ ગેંગની નજર પડી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે જાણીતા ગાયક બી પ્રાકને ધમકી આપી છે.

સિંગર દિલનૂરને આવ્યો ધમકીભર્યો વોઈસ મેસેજ
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સિંગર બી પ્રાક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જો આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક મેંમ્બરે બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને કહ્યું હતું કે, “10 કરોડ રૂપિયા આપ, નહીંતર માટીમાં ભેળવી દઈશું.” ધમકી આપનારે પોતાની ઓળખ આરજુ બિશ્નોઈ તરીકે આપી હતી અને એક અઠવાડિયાની અંદર આ રકમ ચૂકવવા કહ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આપવામાં આવેલી ધમકીને લઈને મોહાલી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંજાબી સિંગર દિલનૂરે SSP મોહાલી પાસે ફરિયાદમાં લખાવ્યું છે કે, “કોલ કરવા વાળાએ પોતાને આરજુ બિશ્નોઈ ગણાવીને કહ્યું કે, તારા મિત્ર, બોલીવૂડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહીં દે કે તે 10 કરોડ રૂપિયાની ખંડણઈ આપી દે, નહીંતર એક અઠવાડિયામાં તેનું ખરાબ પરિણામ આવશે.”

મળતી માહિતી મુજબ, 5 જાન્યુઆરીના રોજ એક ફોરેન નંબરથી દિલનૂરને બે મિસ્ડ કોલ આવ્યા હતા. જેનો દિલનૂરે કોઈ જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીએ બીજા ફોરેન નંબરથી કોલ આવ્યો હતો. જેને રિસિવ કરતા દિલનૂરને સામેવાળી વ્યક્તિની વાતચીત શંકાસ્પદ લાગી હતી. જેથી તેણે કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તરત તેને એક વોઈસ મેસેજ આવ્યો હતો. જેમાં 10 કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી હતી.

સુરત: લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત

0

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગજેરા પરિવાર સંચાલિત એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત મુંબઈની કુલ 30 જગ્યાઓ પર તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે, જ્યાંથી જ્વેલરી, રોકડ રકમ તેમજ જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણોને લગતા મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીનો હિસ્સો ખરીદવાનો સોદો ગજેરા ગ્રુપને ભારે પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુંબઈની ED દ્વારા ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ થયા બાદ તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. લક્ષ્મી ડાયમંડના ચોપડામાં કરોડોના કાળા કારોબારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ વિભાગે દસ દિવસ પહેલાં કરચોરી બાબતે નોટિસ ફટકારી હતી અને નોટિસના દસ દિવસમાં વસંત ગજેરા એન્ડ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે.

આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે અને ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હતી. મેહુલ ચોક્સીનું નામ મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેના લક્ષ્મી ગ્રુપ સાથેના કનેક્શનની વિગતો મળી હતી. આ કનેક્શન મુદ્દે પણ સઘન તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો, ભાગીદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના રહેણાંક સ્થળો, ઓફિસો, ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ડાયમંડ ફેક્ટરીઓ સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે. ઘટના સ્થળે આઈટી વિભાગના અધિકારીઓની અવરજવર સતત જોવા મળી રહી છે.

આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થયા બાદ પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ આ મામલે કાર્યવાહી કરી શકે છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા ભાગેડુ સાથેના કનેક્શનના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પણ જોડાઈ શકે છે. સુરતમાં ચાલી રહેલી આ કાર્યવાહી ગુજરાતના સૌથી મોટા આઈટી દરોડાઓમાંની એક ગણાય છે.

11 હજાર ઊંચાઈએ ફસાયેલા સેનાના 20 જવાનોને ગ્રામજનોએ જીવ જોખમે બચાવ્યા

0

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના એક ગામના સ્થાનિકોએ 11,000 ફૂટની ઉંચાઈ પર ફસાયેલા સેનાના જવાનોની મદદ કરીને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના લોકોએ લગભગ પાંચ કલાક સુધી સતત પર્વતોની મુશ્કેલ ચઢાઇ ચડીને બરફમાં ફસાયેલા સૈનિકોને સુરક્ષિત બહાર કાઢયા હતા.

ગ્રામજનોએ સૈનિકો સુધી પહોંચવા માટે બરફમાંથી એક સાંકડો રસ્તો ખોદી કાઢ્યો હતો. આ ઓપરેશનમાં હિંમત અને એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સેનાના જવાનો કેવી રીતે ફસાયા?
જણાવવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો ઉંચા પહાડી શિખરો પર આતંકવાદ વિરોધી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ સૈનિકોએ આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન તે એન્કાઉન્ટર બાદ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીના હવાલદાર ગજેન્દ્ર સિંહ શહીદ થયા હતા અને અન્ય સાત સૈનિકો ઘાયલ થયા હતા. આ કારણોસર સેનાએ આતંકીઓને શોધવા અને તેમને ડોડા જિલ્લામાં પ્રવેશતા રોકવા માટે ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું હતું.

જોકે ખરાબ હવામાનને કારણે સેનાના જવાનો દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આવી સ્થિતિમાં સૈનિકો તરફથી ગુંદના આર્મી પોસ્ટને એક સંદેશ મોકલવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરીએ ગામના સ્થાનિક લોકો પાસેથી મદદ માંગવામાં આવી હતી.

ગામના લોકોએ કેવી રીતે બચાવ્યા?
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક ગ્રામજને જણાવ્યું હતું કે અમે 25 જાન્યુઆરીએ સવારે 8:30 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરી હતી. સેનાએ અમને શૂઝ અને કેટલાક ફૂડ પેકેટ આપ્યા હતા, જ્યારે અમે અમારી સાથે પોતાના પાવડા લઈ ગયા હતા. બપોરે લગભગ 1:30 વાગ્યે અમે આર્મીના જવાનો સુધી પહોંચ્યા અને બધાને સલામત રીતે નીચે લાવ્યા હતા.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ ભારતવાલે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોએ સેના સાથે મળીને સલામત રસ્તો બનાવ્યો હતો. આ સિવાય બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) એ ચિત્રગલ વિસ્તારમાં બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. 26 જાન્યુઆરીએ બીઆરઓ અને ગ્રામજનોની મદદથી સેનાના 40 જેટલા જવાનો અને 20 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા

કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં આજે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનો આંચકો બપોરે 1.56 કલાકે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 11 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં ભયનો માહોલ
ભૂકંપના આંચકાથી કેટલાક વિસ્તારોમાં લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જોકે આ આંચકો હળવો હોવાથી કોઈ મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.

કચ્છ વિસ્તાર ભારતના સૌથી વધુ ભૂકંપીય જોખમવાળા વિસ્તારોમાં ગણાય છે. 2001ના વિનાશક ભુજ ભૂકંપ (7.7 તીવ્રતા) પછી અહીં અનેક હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં પણ ભચાઉ, રાપર, ધોળાવીરા અને આસપાસના વિસ્તારોમાં 2.5થી 4.0+ તીવ્રતાના અનેક ભૂકંપો આવ્યા છે, જે કચ્છ રિફ્ટ બેસિનની ભૂસ્તરીય પ્રવૃત્તિને દર્શાવે છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

અજિત પવારના પ્લેન ક્રેશનો મોટો ખુલાસો, દુર્ઘટના પહેલાંનું સુરત કનેક્શન સામે આવ્યું

0

મહારાષ્ટ્રના પુણે જીલ્લાના બારામતીમાં તા. 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે લગભગ 8 વાગ્યે એક મીડ સાઇઝ બિઝનેસ પ્લેન (Learjet-45) દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતુ, જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અવસાન થયું છે. આ દુર્ઘટનામાં વિમાન પર સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા. હવે આ પ્લેન ક્રેશ પહેલાનું આ પ્લેનનું સુરત કનેક્શન સામે આવ્યુ છે.

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં થયેલી મિડ-સાઇઝ ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલું Learjet-45 વિમાન ગુજરાતના સુરત સાથે સીધું કનેક્શન ધરાવતું હોવાનું સામે આવ્યું છે. આ વિમાન છેલ્લા બે દિવસ સુરત એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું, જે બાદમાં મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

આ વિમાન મુંબઈ એરપોર્ટથી સવારે 8 વાગ્યની આસપાસ ટેક-ઓફ કરીને બારામતી જતું હતું, પરંતુ બારામતી એરપોર્ટ નજીક લૅન્ડિંગ પ્રયાસ દરમિયાન નુકસાન પામ્યું અને આશરે 8:44 કલાકે તે જમીનમાં પટકાયુ. વિમાનનું ઓપરેશન VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું અને આ Learjet-45નું રજીસ્ટ્રેશન નંબર VT-SSK હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આ પ્લેન સુરતમાં ચાલી રહી એક સેલિબ્રિટી ઇવેન્ટ માટે પ્રવાસીઓ લાવા-જવા અને ગેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરીના રોજ સવારે તે મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

ત્યારબાદ આ જ વિમાને 28 જાન્યુઆરી 2026ના રોજ સવારે મુંબઈ એરપોર્ટથી બારામતી એરપોર્ટ માટે ટેક-ઓફ કર્યું હતું. પરંતુ બારામતી પહોંચતા પહેલાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. આ દુર્ઘટનાને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચકચાર છે.

વિમાનોનો આ પ્રકારનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાઇવેટ ચાર્ટર્ડ સર્વિસ તરીકે કરવામાં આવે છે જેમાં રાજકીય નેતાઓ, સેલિબ્રિટી અને કોર્પોરેટ ગેસ્ટો માટે મુસાફરી સુવિધા પૂરી કરવામાં આવે છે. આ Learjet-45 મિડ-સાઈઝ બિઝનેસ જેટ છે અને સામાન્ય રીતે મધ્યમ અંતર માટે યોગ્ય કરવામાં આવે છે.

વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સંકળાયેલા હોવાના દાવાઓ સામે આવ્યા બાદ સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની છે. હાલમાં એરક્રાફ્ટ સેફ્ટી, ફ્લાઈટ રૂટ, ટેક્નિકલ તપાસ અને છેલ્લા દિવસોની મૂવમેન્ટ અંગે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર વિમાનનું બે દિવસનું પાર્કિંગ, સેલિબ્રિટી ઇવેન્ટ માટે ઉપયોગ અને ત્યારબાદની ફ્લાઈટ આ તમામ મુદ્દાઓ તપાસ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આવનારા દિવસોમાં તપાસ પછી જ દુર્ઘટનાના સાચા કારણો અને જવાબદારીઓ અંગે સ્પષ્ટતા થશે.