Home Blog Page 198

સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ પુત્રીના લગ્ન

સુરત શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તેમના ઘરમાં પુત્રીના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. હાલ તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

માહિતી મુજબ, આ ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. તુષાર ઘેલાણીએ રાત્રિના અંદાજે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો અને આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા. અવાજ સાંભળીને પરિવારજનો તુષારભાઈના રૂમ તરફ દોડી ગયા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોળી માથાના ભાગે વાગી હોવાથી તેમની હાલત અત્યંત નાજુક છે અને ડોક્ટરોની ટીમ તેમને બચાવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. શું આ આર્થિક ભીંસને કારણે લીધેલું પગલું છે કે કોઈ અંગત પારિવારિક કારણ? તે અંગે હાલ રહસ્ય અકબંધ છે. પોલીસ તુષારભાઈના મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન આગામી 5 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો, કંકોતરીઓ વહેંચાઈ ગઈ હતી અને લગ્નની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી હતી. આવા સમયે બિલ્ડરે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યું છે.

બજેટ પર સુરત ચેમ્બરની નજર: દક્ષિણ ગુજરાતના વેપાર-ઉદ્યોગ માટે 15 મહત્વના સૂચનો રજૂ

0

આજે રવિવારે કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમણ આમ બજેટ રજૂ કરશે. આ વખતે અમેરીકાના ટેરિફ વોરને કારણે ઇન્ડસ્ટ્રીને બજેટમાં અનેક અપેક્ષાઓ છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગને સ્પર્શતા 15 મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે આ સૂચનો કરવેરા વ્યવસ્થાને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગમૈત્રી બનાવવા માટે કરવામાં આવ્યા છે. જેથી આવતીકાલે બજેટમાં આ મુદ્દાઓ સમાવવામાં આવેતો વેપાર જગતને ફાયદો થશે.

ચેમ્બરે આવકવેરા વિભાગમાં વિવાદો ઘટાડવા CBDT દ્વારા સ્પષ્ટીકરણાત્મક SOP જાહેર કરવાની માંગ કરી છે, જેથી હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં એકસરખો અમલ થાય. દર વર્ષે અલગ–અલગ સ્ક્રુટિનીના બદલે 2 થી 3 વર્ષના બ્લોક એસેસમેન્ટ અમલમાં મૂકવાની ભલામણ પણ કરાઈ છે, જેથી કરદાતાઓ પરનો ભાર ઘટે અને પ્રશાસનની કાર્યક્ષમતા વધે. ટ્રાન્સફર પ્રાઈસિંગ માટે અલગ એસેસમેન્ટ વ્યવસ્થા, સુપ્રિમ કોર્ટમાં સમાન મુદ્દા પેન્ડિંગ હોય ત્યારે અપીલ ન કરવાની નીતિ, રિવાઇઝ્ડ રિટર્ન દ્વારા કરાયેલા ક્લેઈમ માન્ય ગણવાની માંગ પણ કરવામાં આવી છે. રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારવા, રિફંડ 30 દિવસમાં આપવા અને વિલંબે 9 ટકા વ્યાજ ચૂકવવાની ભલામણ કરાઈ છે.

વ્યવસાયિક ખર્ચમાં prior period expensesને માન્ય કરવા, સ્પષ્ટ વ્યવસાયના નુકસાનનું સેટ–ઓફ, MSME માટે પ્રિઝમ્પટિવ ટેક્સેશનની મર્યાદા 10 કરોડ સુધી વધારવા તથા TDS દરોને સરળ બનાવી માત્ર ત્રણ સ્લેબ રાખવાની સૂચના આપવામાં આવી છે. GST/B2B વ્યવહારો માટે કલમ 194Q રદ કરવા અને સ્ટાર્ટઅપ્સને નુકસાન કેરી ફોરવર્ડની છૂટ આપવા પર પણ ભાર મુકાયો છે. ટેક્સટાઇલ ક્ષેત્રે માટે PTA અને MEG ઉપર ઇમ્પોર્ટ ડ્યૂટી શૂન્ય કરવા, MMF યાર્ન અને સિલ્ક યાર્ન પર ડયુટી ઘટાડવા, TTDS અથવા નવી ATUF સ્કીમ માટે રૂ. 1000 કરોડની માંગ કરવામાં આવી છે. સેન્ટર ઓફ એકસલન્સ, યાર્ન બેન્ક, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ તથા MSME માટે વિવિધ ઇન્સેન્ટિવ સ્કીમોની પણ રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત ડાયમંડ સેક્ટર માટે પણ અનેક ભલામણો જીજેઇપીસી દ્વારા કરવામાં આવી છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી રીયલ ડાયમંડનું માર્કેટ વિશ્વમાં ડામાડોળ થઇ ગયું છે. જેથી તેની માટે પણ કોઇ યોગ્ય નિર્ણય આવતીકાલે બજેટમાં આવે તેવી સંભાવનાઓ છે. આ ઉપરાંત પણ નાના અને મધ્યમ વેપારીઓને પણ સરકાર બજેટમાં ભેટ આપે તો નવાઈ નહિ.

રાજ્યસભામાં માતાની જગ્યા લેશે અજિત પવારનો મોટો દીકરો, ‘સુનેત્રા યુગ’ની શરૂઆત

0

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ બાદ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નેતૃત્વની ચર્ચાનો અંત આવ્યો છે. તેમના પત્ની, સુનેત્રા પવારે, દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદની ઓફર સ્વીકારી લીધી છે. હાલમાં રાજ્યસભાના સાંસદ, સુનેત્રા શનિવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે શપથ લે તેવી અપેક્ષા છે. શપથ લીધા પછી, તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રાની નિમણૂકના સમાચાર વચ્ચે, એક નવો પ્રશ્ન ઉભો થયો છે: NCP માંથી રાજ્યસભામાં તેમનું સ્થાન કોણ લેશે? સુનેત્રા હાલમાં રાજ્યસભાના સાંસદ છે.

રાજ્યસભામાં પાર્થ પવાર તેમની માતાની બેઠક સંભાળશે
આ પ્રશ્નનો જવાબ હવે રાજકીય વર્તુળોમાંથી બહાર આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સુનેત્રા અજિત પવારનું સ્થાન લેશે, ત્યારે એવી પણ ચર્ચા છે કે તેમના મોટા પુત્ર, પાર્થ પવાર, રાજ્યસભામાં તેમની માતાના સ્થાને આવી શકે છે. દરમિયાન, એવી પણ ચર્ચા છે કે સુનેત્રા બારામતી લોકસભા બેઠક માટે પેટાચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જે તેમના પતિના મૃત્યુથી ખાલી પડી હતી. NCP વિધાનસભા પક્ષના નેતા સુનીલ તટકરેએ સ્પષ્ટતા કરી કે આવતીકાલે બપોરે 2 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તમામ ધારાસભ્યો અને સાંસદો ભાગ લેશે.

તેમણે કહ્યું કે બેઠકમાં સુનેત્રા પવાર સાથે રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે અને અંતિમ નિર્ણય મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. તટકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુનેત્રા બેઠકમાં હાજર રહેશે. શુક્રવારે તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે થવાની ધારણા છે. સુનેત્રાને માત્ર નાયબ મુખ્યમંત્રી તરીકે જ નહીં પરંતુ સંગઠનના વડા તરીકે પણ નિયુક્ત કરવાની પાર્ટીમાં માંગ વધી રહી છે.

સુનેત્રા ડેપ્યુટી મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમનું રાજ્યસભા સભ્યપદ સમાપ્ત થઈ જશે. પરિણામે, એનસીપી અજિતના મોટા પુત્ર પાર્થને નોમિનેટ કરવા તરફ આગળ વધી રહી છે. પાર્થ પહેલેથી જ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને બારામતી મોડેલના પ્રચારક રહ્યા છે. સૂત્રો સૂચવે છે કે પ્રફુલ્લ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

સુરત મનપાનો ઐતિહાસિક નિર્ણય: શહેરની 75 શેરી, રોડ-રસ્તાના બદલાશે નામ

સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં સાામજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદી માનસિકતાને નાબૂદ કરવા માટે શહેરના 75 વિસ્તારોના નામ બદલવાનો નિર્ણય લેવાયો છે. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકોએ સર્વાનુમતે મંજૂરીની મહોર મારી છે.

આ નિર્ણયને કારણે દાયકાઓથી ચાલી આવતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર એક નવી આધુનિક ઓળખ સાથે આગળ વધશે.સામાન્ય સભામાં જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે એસસી અને એસટી સમાજના કોર્પોરેટરોએ તેને ઉમળકાભેર વધાવી લીધી હતી. હવે શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે.સામાજિક સંગઠનોની લાંબા સમયની રજૂઆતો બાદ પાલિકાના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મહાપાલિકાના તમામ 9 ઝોનમાં કુલ 75 જેટલી એવી શેરીઓ, નગરો અને ગલીઓની ઓળખ કરવામાં આવી હતી જેમના નામમાં જ્ઞાતિનો ઉલ્લેખ હતો. આ યાદીના આધારે હવે સત્તાવાર રીતે સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, સુરત શહેરમાં એવા અનેક વિસ્તાર છે. જેના નામ જાતિ સૂચર છે. જેમકે ધોબીની વાડી, ધોની શેર, વાલ્મિકી વાસ વગેરે, હવે આ વિસ્તારના નામ બદલી સન્માજનક નામ આપવામાં આવશે.જાતિસૂચક નામોને સ્થાને હવે આ વિસ્તારો મહાનુભાવો, ક્રાંતિકારીઓ અથવા સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને સન્માનજનક નામોથી ઓળખાશે. આ માટે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સૂચવાયેલા નામોને પ્રાધાન્ય આપીને નવા નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રેકોર્ડ પર આ નામો બદલવાની કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.

NEET વિદ્યાર્થીના હોસ્ટેલમાં મોત મામલે બિહાર સરકાર કડક, CBI તપાસનો આદેશ આપવાની તૈયારી

0

બિહાર સરકાર ઇચ્છે છે કે શહેરના શંભુ ગર્લ્સ હોસ્ટેલમાં NEET ની પરીક્ષા આપતી એક વિદ્યાર્થીનીના મૃત્યુની તપાસ CBI દ્વારા કરવામાં આવે. વિદ્યાર્થીના પરિવારે પોલીસ તપાસમાં ખામીઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. બિહાર સરકારે કેન્દ્ર સરકારને CBI તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. વિદ્યાર્થીના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ તપાસ પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

બિહાર સરકાર હવે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવા માંગે છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકારને આ કેસની CBI તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થવી જોઈએ.

આ ઘટના શંભુ ગર્લ્સ હોસ્ટેલમાં બની હતી.
પટનાના ચિત્રગુપ્ત નગર વિસ્તારમાં આવેલી શંભુ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહીને રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા (NEET) ની તૈયારી કરી રહી હતી. તે જહાનાબાદ જિલ્લાની રહેવાસી હતી. 6 જાન્યુઆરીએ તે તેના હોસ્ટેલ રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે ઘણા દિવસો સુધી કોમામાં રહી અને 11 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું.

એક વિદ્યાર્થીની પર બળાત્કારનો આરોપ પણ હતો.
મૃતક વિદ્યાર્થીના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના પર બળાત્કાર થયો હતો. તેમનું એમ પણ કહેવું છે કે અધિકારીઓ આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીનો પરિવાર પોલીસ તપાસથી અસંતુષ્ટ છે અને આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યો છે. 28 જાન્યુઆરીના રોજ, વિદ્યાર્થીના પિતાએ આ મામલાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. તેમણે જો ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

એક દિવસ પહેલા, 27 જાન્યુઆરીના રોજ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા 11 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓમાં હોસ્ટેલ માલિક, મૃત વિદ્યાર્થીના પરિવારના પાંચ સભ્યો અને છ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં શંકાસ્પદોમાં CCTV ફૂટેજમાં દેખાતા લોકોનો પણ સમાવેશ થાય છે. જે લોકો બેભાન વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ ગયા હતા તેમને પણ શંકાસ્પદ માનવામાં આવે છે. ગુના સાથે તેમનો સંબંધ નક્કી કરવા માટે આ તમામ શંકાસ્પદોના લોહીમાંથી DNA નમૂના લેવામાં આવી રહ્યા છે.

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની સગીર હતી, જે તેના વય પ્રમાણપત્ર દ્વારા પુષ્ટિ મળી છે. તેથી, આ કેસમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદાની જોગવાઈઓ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. FSL પરીક્ષણોમાં વિદ્યાર્થીના કપડાં પર શુક્રાણુની હાજરીની પુષ્ટિ થઈ છે, જેનાથી બળાત્કારની શંકા વધુ મજબૂત થઈ છે. વિદ્યાર્થીના પરિવારે 10 જાન્યુઆરીએ તેના કપડાં પોલીસને સોંપ્યા હતા. ફોરેન્સિક સાયન્સ લેબનો તપાસ રિપોર્ટ બે દિવસ પહેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને સુપરત કરવામાં આવ્યો હતો.

પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ખાતે કરાયેલા પોસ્ટમોર્ટમમાં પણ બળાત્કારની શંકા ઉભી થઈ હતી, જ્યારે પોલીસની શરૂઆતની તપાસમાં તેનાથી વિપરીત વાત સામે આવી હતી. તપાસમાં કથિત ખામીઓ સામે આવ્યા બાદ, બે સ્ટેશન હાઉસ ઓફિસર (SHO), ચિત્રગુપ્ત નગર પોલીસ સ્ટેશનના રોશની કુમારી અને કદમકુઆન પોલીસ સ્ટેશનના હેમંત ઝાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીએ શુક્રવારે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું, જેમાં પોલીસ મહાનિર્દેશક (DGP) વિનય કુમાર અને મુખ્ય સચિવ પ્રત્યય અમૃતને સમન્સ પાઠવ્યા હતા. આ બેઠક બાદ તરત જ, ચૌધરીએ તપાસની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્યના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓને બોલાવ્યા હતા.

જેલમાંથી સુકેશ ચંદ્રશેખરે RCB ખરીદવાની 8300 કરોડની ઓફર આપી

0

જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની માલિકી અને ઓપરેશનલ કંટ્રોલ ખરીદવાની દરખાસ્ત કરી છે. ગ્લોબલ ડ્રિંક્સ કંપની ડાયઝિયો RCBની પ્રમોટર છે. સુકેશે પોતાની કંપની “LS Holdings’ વતી 1 અબજ યુએસ ડોલર (આશરે ₹8,300 કરોડ) ની ઓફર આપી છે. તેણે દાવો કર્યો છે કે આ ઓફર તાજેતરમાં વેચાયેલી અન્ય કોઈપણ IPL ટીમ કરતા ઘણી સારી છે

સુકેશે તેના પત્રમાં જણાવ્યું છે કે, તેની દરખાસ્ત અદાર પૂનાવાલાની સંભવિત ઓફર કરતા વધુ વ્યવહારુ અને ચઢિયાતી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ઈઊઘ અદાર પૂનાવાલા RCB ખરીદી શકે છે. સુકેશે લખ્યું છે કે, અમે 48 કલાકમાં સંપૂર્ણ સેટલમેન્ટ કરવા તૈયાર છીએ અને આ માટે કોઈ થર્ડ પાર્ટી ફંડિંગની જરૂૂર નથી, આ એક ‘ઓલ-કેશ ડીલ’ હશે.

સુકેશે RCB પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, RCB મારી હોમ ટીમ છે અને મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. મારી પાર્ટનર અને લેડી લવ જેકલીન ફર્નાન્ડીઝનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય. જો આ એક્વિઝિશન સફળ થશે, તો તે જેકલીન માટે મારી તરફથી એક ભેટ હશે.

સુકેશે પત્રમાં પોતાની કાયદાકીય મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સામેના આરોપો હજુ સાબિત થયા નથી. તેણે સ્પષ્ટ કર્યું કે તેની કંપની “LS Holdings’ (જે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં રજિસ્ટર્ડ છે) પર કોઈ કાયદાકીય કેસ નથી. તે આખી રકમ એસ્ક્રો એકાઉન્ટ (ઊતભજ્ઞિૂ અભભજ્ઞીક્ષિ)ં માં જમા કરાવવા પણ તૈયાર છે જેથી સોદાની પારદર્શિતા જળવાઈ રહે.

એસ્ક્રો એકાઉન્ટ શું છે?
એસ્ક્રો એકાઉન્ટ એ એક એવી નાણાકીય વ્યવસ્થા છે જેમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે ત્રીજો નિષ્પક્ષ પક્ષ (બેંક અથવા એજન્ટ) પૈસા સુરક્ષિત રાખે છે, જ્યાં સુધી કરારની તમામ શરતો પૂરી ન થાય. સુકેશે ડાયઝિયો પાસે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LOI) ની મંજૂરી માંગી છે જેથી તે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો હેઠળ આગળની ચર્ચા કરી શકે.

એક દિવસમાં ચાંદીના ભાવ ₹1.06 લાખ ઘટ્યા, સોનું ₹20 હજાર સસ્તું થયું – અચાનક ભાવ કેમ ઘટ્યા?

0

જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરો છો, તો શુક્રવાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. 30 જાન્યુઆરીએ, સોના અને ચાંદીના બજારોમાં ઘટાડો જોવા મળ્યો જેના કારણે રોકાણકારો મૂંઝવણમાં મુકાયા. ચાંદીમાં એક જ દિવસમાં ₹1.06 લાખનો ઘટાડો થયો, જ્યારે સોનામાં લગભગ ₹20,000નો ઘટાડો થયો. પ્રશ્ન એ છે કે, આટલો મોટો ઘટાડો અચાનક કેમ થયો?

પ્રોફિટ બુકિંગને કારણે, 1 કિલો ચાંદીનો ભાવ ₹3.99 લાખથી ઘટીને ₹2.93 લાખ થયો, જે લગભગ 26.5% ઘટ્યો. ચાંદી કેટલાક સમયથી સતત ઊંચી હતી. રોકાણકારોને નફો મળતાં જ તેમણે વેચાણ શરૂ કર્યું, અને ભાવમાં તીવ્ર ઘટાડો થયો.

સોનાના ભાવમાં ઘટાડો: સોનામાં પણ કેમ ઘટાડો થયો?
ચાંદીની સાથે સોનામાં પણ નબળાઈ જોવા મળી. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹20,323 ઘટીને ₹1.49 લાખ થયો. પાછલા સત્રમાં આ જ ભાવ ₹1.69 લાખની આસપાસ હતો. વધુમાં, સોના અને ચાંદીના ETF માં પણ 23% સુધીનો ઘટાડો નોંધાયો છે.

MCX અને બુલિયન માર્કેટ વચ્ચે ભાવ કેમ અલગ અલગ હોય છે?
લોકો ઘણીવાર વિચારે છે કે MCX અને બુલિયન માર્કેટ વચ્ચે દર કેમ અલગ અલગ હોય છે. MCX એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જ્યાં ખરીદી અને વેચાણ દર સેકન્ડે થાય છે, તેથી કિંમતો ઝડપથી બદલાય છે. બીજી બાજુ, બુલિયન માર્કેટ ભૌતિક સોના અને ચાંદીનું વેચાણ કરે છે, જેના પર પરિવહન, સંગ્રહ અને કર ખર્ચ થાય છે.

સોનાની ખરીદીની ટિપ્સ: સોનું ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
જો તમે મંદી દરમિયાન સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બે બાબતો યાદ રાખો: પ્રથમ, હંમેશા BIS હોલમાર્ક સાથે પ્રમાણિત સોનું ખરીદો. બીજું, IBJA જેવી વિશ્વસનીય વેબસાઇટ પર દૈનિક દર તપાસો.

ચાંદીની શુદ્ધતા તપાસ: વાસ્તવિક ચાંદી કેવી રીતે ઓળખવી?
વાસ્તવિક ચાંદી ચુંબક સાથે ચોંટી જતી નથી, તેમાં ગંધ હોતી નથી, અને બરફમાં મૂકવામાં આવે ત્યારે ઝડપથી પીગળી જાય છે. સફેદ કપડાથી ઘસવામાં આવે ત્યારે કાળો નિશાન પણ અધિકૃતતાની નિશાની છે.

ટ્રમ્પે વડાપ્રધાન મોદી પર ‘વશીકરણ’ કર્યું હતું! પરમહંસ આચાર્યનો વિચિત્ર દાવો

0

યુજીસીના નિયમોને લઈને દેશમાં ભારે વિવાદ ચાલી રહ્યો હતો અને ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે લગાવતા આ મામલો સમાપ્ત થયો હતો. આ સાથે કોર્ટે સરકાર અને યુજીસીને નિયમો નવેસરથી તૈયાર કરવા અને તેના માટે એક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન અયોધ્યાના પરમહંસ આચાર્યએ આ અંગે ખૂબ જ રસપ્રદ દાવો કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. આચાર્યએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે Donald Trump પીએમ મોદી PM Modi પર તંત્ર-મંત્ર કરાવ્યા હતા અને તેની અસરથી તેઓ વશીકરણનો શિકાર બન્યા હતા. આ વશીકરણને કારણે યુજીસીએ આવો નિયમ બનાવ્યો હતો, પરંતુ હવે અમે તેમને વૈદિક મંત્રોમાંથી મુક્ત કર્યા છે.

મીડિયા સાથે વાત કરતા પરમહંસ આચાર્યએ કહ્યું કે અમને આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થઈ ગયું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જવાબ આપ્યો કે તેમના વધતા પ્રભાવને જોઈને દુનિયાએ તંત્ર-મંત્ર કરાવીને વશીકરણ કર્યું છે. જ્યારે મેં ધ્યાન કર્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ વશીકરણ કરાવ્યું છે. હવે અમે અહીં વૈદિક મંત્રોનો પાઠ કર્યો છે તેથી તેમની પર કોઈ જાદુટોણા કે વશીકરણની અસર થશે નહીં. હવે અમને આશા છે કે નરેન્દ્ર મોદી કોઈ એવો કાયદો નહીં બનાવે જે દેશના વિકાસમાં અવરોધ ઉભો કરે. દેશને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

તેમણે કહ્યું કે ફરીથી એવું કંઈ ન થાય તેવી મને આશા છે. અમે અયોધ્યાથી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને પૂજા પાઠ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે પરમહંસ આચાર્ય પણ યુજીસીના નિયમો અંગે ખૂબ જ આક્રમક હતા અને સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા. તેમણે આ નિયમોનો વિરોધ કરતા કહ્યું કે કાં તો તેમને રદ કરવા જોઈએ અથવા તેમને ઈચ્છા-મૃત્યુની મંજૂરી આપવી જોઈએ.

UGC રુલ્સ પર આચાર્ય પરમહંસ ગુસ્સે થયા હતા
આચાર્યએ કહ્યું કે આનાથી દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે. આનાથી હિન્દુઓ વિભાજીત અને અલગ થઈ જશે. આવા નિયમને કારણે ભાજપ આખા દેશમાંથી આપણી નજર સામે જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે હું નથી ઇચ્છતો કે આવું થાય. તેથી હું આ નિયમો બનતા પહેલા ઈચ્છા મૃત્યુની માંગણી કરું છું. આ નવો UGC નિયમ આખા દેશને બાળી નાખશે અને લોકો અરસ પરસ લડશે. આપણી બહેનો અને દીકરીઓ પર બળાત્કાર થશે. પરમહંસ આચાર્યએ કહ્યું કે જો આ નિયમ પહેલા લાગુ કરવામાં આવ્યો હોત, તો તમે બિહારમાં 1000% ચૂંટણી હારી ગયા હોત. જો તમે આ નિયમ પાછો નહીં ખેંચો તો હું મરી જઈશ.

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસ અંગે WHOનું મહત્વનું અપડેટ, જાણો શું કહ્યું

0

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં નિપાહ વાયરસના ચેપના બે કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. એશિયાના કેટલાક દેશોએ ભારતથી તેમના પ્રદેશમાં પ્રવેશતા લોકોમાં વાયરસના ચેપના લક્ષણોની તપાસ માટે નિર્દેશ આપ્યા છે. એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ મહત્વનું અપડેટ આપ્યું છે.

આજે શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) એ જણાવ્યું હતું કે ભારતમાં નિપાહ વાયરસના ફેલાવાનું જોખમ ઓછું છે. મુસાફરી કે વેપાર પર પ્રતિબંધોની કોઈ જરૂર નથી.

વાયરસ ફેલાવાની શક્યતા કેટલી?
WHOની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી એક અપડેટમાં મુજબ ભારતમાં માનવ-થી-માનવ ચેપમાં વધારો થયો હોવાના કોઈ પુરાવા નથી. રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક જોખમ જોખમ ખુબજ ઓછું છે.WHO એ જણાવ્યું હતું કે કેસ ફક્ત એક જિલ્લા પૂરતા સીમિત છે, દર્દીઓએ તાજેતરમાં જીલ્લા બહાર કોઈ મુસાફરી કરી ન હતી.કેન્દ્રિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

UAEએ પ્રોટોકોલ લાગુ કર્યા:
UAEએ તેના એરપોર્ટસ પર પ્રોટોકોલ લાગુ કર્યા છે. UAEની મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એંસ પ્રિવેન્શન (MoHAP)એ જણાવ્યું કે તેઓ એવિએશન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. UAEમાં પ્રવેશતા મુસાફરોને તાવ, શ્વસન તકલીફ અથવા ન્યુરોલોજીકલ રોગના લક્ષણો દેખાય તેની તપાસ કરવામાં માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

નિપાહ વાયરસ કેટલો ઘાતક?
નિપાહ વાયરસ (NiV) એક ઝૂનોટિક વાયરસ છે, આ વાયરસ ચામાચીડિયા અને ફલાયિંગ ફોક્સીઝ જેવાં પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. ખોરાક અને પાણી દ્વારા આ વાયરસ માણસમાંથી માણસમાં પણ ફેલાઈ શકે છે.

આ વાયરસ સામાન્ય રીતે માનવ શરીરમાં પાંચથી 14 દિવસ સુધી રહે છે, અને ત્રણથી ચાર દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. આ વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે. વાયરસના ચેપને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંચકી આવવી, તાવ અને માથનાં દુખાવાથી તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવી તકલીફો થઇ શકે છે. નીપાહ વાયરસ ન્યુરોલોજીકલ રોગનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીઓ 24 થી 48 કલાકની અંદર કોમામાં સરી શકે છે.

વડોદરા નજીક કરજણ પાસે NH-48 પર ટ્રક-બસની ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઘાયલ

0

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ભિષણ હતો કે, બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને 25 થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી. 10 જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરજણ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક કે બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.