Home Blog Page 186

ડાયરેક્ટર રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં હરિયાણાથી મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓ ઝડપાયા

ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે થયેલા ફાયરિંગના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હરિયાણાના બહાદુરગઢથી ચાર મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. 1 ફેબ્રુઆરીની રાત્રે બનેલી આ ઘટના બાદથી જ પોલીસ સતર્ક હતી અને આખરે 15 દિવસની તજવીજ બાદ મુખ્ય શૂટર સહિતના ગુનેગારો પોલીસના સકંજામાં આવી ગયા છે.

હરિયાણા STF ના એસપી વિક્રાંત ભૂષણે જણાવ્યું કે, મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા ચાર આરોપીઓ પૈકી દીપક મુખ્ય શૂટર છે, જેણે રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર કર્યો હતો. તેના સાથીદારો સન્ની અને સોનુએ અગાઉ ઘરની રેકી કરી હતી, જ્યારે ચોથા આરોપી ઋતિકે તેમને છુપાવવામાં મદદ કરી હતી. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ મુંબઈ પોલીસ તેમને વધુ તપાસ માટે મુંબઈ લાવી રહી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય શૂટર દીપક વિદેશમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર હરિ બોક્સર અને આરઝૂ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. સોશિયલ મીડિયા દ્વારા આ ગેંગસ્ટરોએ દીપકનો સંપર્ક કર્યો હતો અને રોહિત શેટ્ટીના ઘર પર હુમલો કરવાનું ટાસ્ક આપ્યું હતું. આ ફાયરિંગ માટે દીપકને 50 હજાર રૂપિયા એડવાન્સમાં આપવામાં આવ્યા હતા અને કામ પૂરું થયા બાદ વધુ રકમ આપવાનું વચન અપાયું હતું. આ કાવતરામાં બાબા સિદ્દીકી કેસમાં વોન્ટેડ શુભમ લોનકરની સંડોવણી પણ સામે આવી રહી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પુણે અને ઉત્તર પ્રદેશમાંથી સાત લોકો પકડાયા હતા, જ્યારે ૧૫ જાન્યુઆરીએ હરિયાણા-રાજસ્થાન બોર્ડર પરથી પણ અન્ય આરોપીઓ ઝડપાયા હતા. ફાયરિંગની આ ઘટના બાદ મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીની સુરક્ષામાં વધારો કરી દીધો છે. હરિ બોક્સરે આ હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો છે. હવે મુંબઈની એન્ટી એક્સટોર્શન સેલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા છે. દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતવિચારણા દરમિયાન પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે મોદી સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ બદનક્ષીનો કેસ કર્યો હતો.

પૂર્ણેશ મોદી કોણ છે
તેમનું પૂરું નામ પુર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર, 1965 ના રોજ થયો હતો. તેઓ બી.કોમ પાસ છે અને ત્યારબાદ તેમણે એલએલબીની ડિગ્રી મેળવી હતી. વર્તમાન સમયમાં તેઓ 167 – સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્ય છે. તેમના પત્નીનું નામ બીનાબેન છે. તેઓ હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહે છે.

રાજકીય કારકિર્દીની શરૂઆત
પૂર્ણેશ મોદીએ પોતાની રાજકીય સફર ભાજપના કાર્યકર તરીકે કરી હતી. જે બાદ કોર્પોરેટર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી હતી.

  • 2000 થી 2005: સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને શાસક પક્ષના નેતા તરીકે સેવા આપી હતી.
  • 2009-12 અને 2013-16: સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સંભાળી હતી.
  • 2013 પેટાચૂંટણી: તત્કાલીન ધારાસભ્ય કિશોરભાઈ વાંકાવાલાના અવસાન બાદ ભાજપે તેમને ટિકિટ આપી અને તેઓ પ્રથમવાર પેટાચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા.
  • 2017ની ચૂંટણી: ભાજપે ફરી વિશ્વાસ મૂક્યો અને પૂર્ણેશ મોદીએ 1,11,615 મતો મેળવી ભવ્ય વિજય મેળવ્યો. તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે માર્ગ અને મકાન, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો પણ સંભાળી ચૂક્યા છે.
  • 2022ની ચૂંટણીઃ ભાજપે ફરી તેમને ટિકિટ આપી હતી. મોદીએ સુરત પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજય શાહને 1,04,312 મતથી હરાવ્યા હતા.

શું હતો રાહુલ ગાંધી સામેનો કેસ?
13 એપ્રિલ 2019ના રોજ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? લલિત મોદી, નીરવ મોદી અને નરેન્દ્ર મોદીના ઉદાહરણ આપીને તેમણે આ ટિપ્પણી કરી હતી. આ નિવેદનથી સમગ્ર મોદી સમાજનું અપમાન થયું હોવાનું જણાવી પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.

સુરતમાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરતમાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદો સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ચિરાગ ગોટીએ ફરિયાદી પાસેથી લાખોના હીરા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે, જેમાં બંને ફરિયાદીઓ પાસેથી રૂ. 42 લાખ અને 5 લાખના હીરા પડાવ્યા હોવાનું કહેવાય છે. ચિરાગ ગોટી સાથે વેડરોડ, ડભોલી અને કતારગામના અન્ય લોકો પણ સંપર્કમાં હતા. તપાસ દરમિયાન બીજા માથાભારે શખ્સોના નામ સામે આવવાની શક્યતા છે.

સુરતમાં વધુ એક માથાભારે શખ્સનું નામ બહાર આવ્યું છે. વીડિયોમાં આ શખ્સનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયો બાદ લોકો પૂછી રહ્યાં છે કે, ચિરાગ ગોટી કોણ છે? ચિરાગ ગોટીના આતંકના અનેક કિસ્સાઓ, જેના પુરાવા વીડિયો રૂપી બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ધીરે ધીરે પીડિતોની પણ હિંમત ખૂલી રહી છે, અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યાં છે.

કોણ છે ચિરાગ ગોટી
સુરત વરાછા રોડ વિસ્તારનો એ કુખ્યાત ડોન હતો. ભાજપના મોટા નેતાઓનો નજીકનો મનાય છે. ધારાસભ્ય વીનુ મોરડિયા સાથેના તેનાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. પોતાના ડ્રાઈવરને ટેન્કરમાં પથ્થર નાંખવા બદલ ઢોર માર મારતો વીડિયો વાઈરલ થયો છે. તો પ્રજાપતિ સમુદાયના એક વેપારીને માર મારતો વીડિયો પણ વાઈરલ થયો છે. લાયસન્સ વગર રિવોલ્વર રાખતો હતો. જાહેરમાં ધાક જમાવતો હતો. પોતાના મિત્ર અને બિઝનેસ પાર્ટનરની ગાડીમાં ડ્રગ્ઝ મૂકવાના કેસમાં ફરાર હતો.

વધુ એક પીડિત બહાર આવ્યો
સુરતના માથાભારે ચિરાગ ગોટી વિરુદ્ધ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 2024 માં પોતાના પાર્ટનર પાર્થ મિયાણીને ઓફિસમાં ગાંધી માર માર્યો હતો. ધંધામાં 11,000 ની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા. પાર્થને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મ હાઉસ પર આખી રાત રાખી 11,000 વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો. પાર્થને માર મારતો વિડીયો મોબાઇલમાં શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મારને કારણે પાર્થને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સુરત ખાતે સારવાર લેવી પડી હતી. ઘટના અંગે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ તેવી ચિરાગે ધમકી આપી હતી. હાલમાં ચિરાગ ગોટી વિરુદ્ધ સુરતમાં ગુના નોંધાતા પાર્થ મિયાણીની હિંમત ખૂલી છે. તેથી ચિરાગ ગોટી સામે બિલીમોરા પોલીસ મથકમાં માર મારવો, અપહરણ, પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટીનો કબજો મેળવશે.

ચિરાગ સાથે તેનો ભાઈ અને પિતા પણ સામેલ
ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટી થતા ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ગુનામાં કોર્ટમાં હાજર થયેલા ચિરાગ ગોટી વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ખંડણીનો ગુનો નોંધાયો છે. ચિરાગ, તેના ભાઈ, પિતાએ અન્યો સાથે મળી વેડરોડના જમીનદલાલ પાસેથી જમીનનો ધંધો કરવા દર મહિને રૂ. 2 લાખની માંગણી કરી ચપ્પુ બતાવી રૂ.10 લાખ પડાવ્યા હતા. પાંચ વર્ષ અગાઉની ઘટનામાં પૈસા પડાવ્યાના ત્રણ દિવસ બાદ જમીનદલાલનું અપહરણ કરી ઘરે લઈ જઈ ચિરાગ અને અન્યોએ માર મારી પોલીસ ફરિયાદ કરી તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી.

ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાનો કાંડ કર્યો
ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટીથતા ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ગુનામાં ગત સોમવારે કોર્ટમાં હાજર થયેલા ચિરાગ ગોટીના એસીપી ઝેડ.આર.દેસાઈએ ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી ચિરાગ ગોટીએ ભાગીદારને ફસાવવા છે. દરમિયાન, નેપાળ ભાગી ગયેલા ઉપરાંત અન્યો સાથે પણ અમાનવીય વર્તન કર્યાના બે વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ વાયરલ થયા હતા.

ચિરાગ ગોટીને ગતરોજ પોલીસ કમિશનર કચેરી સ્થિત એસઓજીની ઓફિસે લાવી પુછપરછ હાથ ધરાઈ હતી. તે સમયે તેના દમનનો ભોગ બનેલા લોકોએ પોલીસ કમિશનરને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. તે પૈકી મૂળ ભાવનગર મહુવાના નાના જાદરાના વતની અને સુરતના વેડરોડ વાળીનાથ ચોક તૃપ્તિ સોસાયટી ઘર નં.59 માં રહેતા ૩૬ વર્ષીય જમીનદલાલ જીજ્ઞેશ મગનભાઈ વ્યાસે ચિરાગ ધનશ્યામભાઈ ગોટી, તેના ભાઈ નિરાંત, પિતા ઘનશ્યામભાઈ , રવિ ભાલ, યુવરાજ લક્ષ્મણ જાદવ,અને બે અજાણ્યા વિરુદ્ધ ખંડણી માંગી બળજબરીથી પૈસા પડાવી લીધાની અને પાકધમકી આપ્યાની ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું સ્મગલિંગ હબ, 3 વર્ષમાં ₹199 કરોડનું સોનું ઝડપાયું

શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરી માટે સ્મગલરોની પ્રથમ પસંદ હોય તેમ લાગે છે. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂપિયા 199 કરોડનું ગોલ્ડ સીઝ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટમ વિભાગ દ્વારા હાલ એક નવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વારંવાર દુબઈ કે બીજા દેશોમાંથી આવતા-જતા લોકો અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં મુસાફરો પર નજર રાખવામાં આવી છે. જેના કારણે સોનાની તસ્કરી કરતાં લોકો પકડાઈ રહ્યા છે.

વર્ષ 2025ના આંકડા મુજબ, પાછલા બે વર્ષની સરખામણીમાં ગત વર્ષે પકડાયેલા સોનાનું પ્રમાણ થોડું ઓછું રહ્યું છે. કસ્ટમ્સ વિભાગના ડેટા મુજબ, વર્ષ 2024માં વિભાગે 126.5 કિલો સોનું જપ્ત કર્યું હતું, જેની સરખામણીમાં 2025માં 53.6 કિલો સોનું પકડાયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 199 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભલે કુલ જથ્થો ઘટ્યો હોય, પરંતુ ટ્રેન્ડ મુજબ 2023માં પ્રતિ કેસ સરેરાશ 477 ગ્રામ સોનું પકડાતું હતું, તેની સામે 2025માં પ્રતિ કેસ સરેરાશ જપ્તી વધીને 825 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં જપ્ત કરાયેલા સોનાના પ્રતિ કિલોગ્રામ ભાવમાં પણ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનાની દાણચોરીનો સીધો સંબંધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થતી વધઘટ સાથે છે.

સોનાના સ્મગલિંગમાં એરલાઈન સ્ટાફની પણ સંડોવણી
કસ્ટમ્સ વિભાગે ગત વર્ષ અને 2026ની શરૂઆતમાં કેટલાક મોટા કેસો નોંધ્યા હતા. એક કિસ્સામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 2025માં એક સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં એરલાઈન સ્ટાફની સંડોવણી પણ જોવા મળી હતી. આ સિન્ડિકેટ દ્વારા બે મહિનામાં 16 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

અઠવાડિયા પહેલા અન્ડરવેરમાં છુપાવેલું 96 લાખનું સોનું પકડાયું હતું
અમદાવાદ એરપોર્ટ પરથી અઠવાડિયા પહેલા અન્ડરવેરમાં છુપાવેલું 96 લાખનું સોનું પકડાયું હતું. દુબઈથી સોનાની દાણચોરી કરીને લાવી રહેલા એક મુસાફરને એર ઇન્ટેલિજન્સ યુનિટદ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટમાંથી ઉતરેલા એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મુસાફર ગભરાયેલો જણાતો હતો, જેના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની સઘન તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન મુસાફરે તેના અન્ડરવેરમાં સોનાને પેસ્ટ સ્વરૂપે છુપાવેલું ગોલ્ડ મળી આવ્યું હતું. આ પેસ્ટ એવી રીતે લગાવવામાં આવી હતી કે તે પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. જ્યારે આ પેસ્ટને કાઢીને તેના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી, ત્યારે તેમાંથી 277.800 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. માત્ર અન્ડરવેર જ નહીં, પરંતુ આ શખસના ખિસ્સામાં રહેલા પર્સની તપાસ કરતા તેમાંથી 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી.

દાણચોરો કેટલો નફો કમાય છે?
વિદેશથી સોનાની દાણચોરી કરીને દાણચોરો કેટલો નફો કમાય છે, તેની સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે એક સામાન્ય ગણતરી મુજબ અંદાજે ₹14.6 લાખ/કિલો જેટલો નફો થાય છે. જ્યારે સોનાની દાણચોરી કરવામાં આવે છે, ત્યારે ન તો કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં આવે છે કે ન તો GST. આથી, દાણચોરને સીધેસીધો ₹14.6 લાખ પ્રતિ કિલોનો નફો થાય છે. જો આમાંથી દાણચોરોનો ખર્ચ બાદ કરીએ – જેમાં સોનું લાવનાર વ્યક્તિને ચૂકવણી, થાઈલેન્ડ કે મિડલ-ઈસ્ટની રિટર્ન ટિકિટ, ત્યાં ત્રણ-ચાર દિવસનો રહેવાનો ખર્ચ અને હવાલા મનીનો ખર્ચ મળીને અંદાજે ₹4 લાખ થી ₹5 લાખ થાય છે – તો પણ દાણચોરોને પ્રતિ કિલો સોનાની દાણચોરી પર ₹9 થી 10 લાખનો ચોખ્ખો નફો મળે છે.

રાજસ્થાનના અલવરમાં ફેક્ટરીમાં વિસ્ફોટ, સાત કામદારો જીવતા ભૂંજાયા

0

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના જીવતા ભુંજાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ આ કરૂણ ઘટના બની હતી. પ્લોટ નંબર G-1, 118માં આવેલી આ ફેક્ટરી છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડી હતી. અચાનક ફેક્ટરીમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં 7 લોકો જીવતા સળગી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટી અધિકારીઓ, ફાયર બ્રિગેડના અનેક વાહનો, બચાવ ટીમો અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો, અને આગને કાબુમાં લેવા અને અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી . શરૂઆતમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટ અથવા જ્વલનશીલ પદાર્થોના કારણે લાગી હશે. વહીવટીતંત્રે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો સંકેત આપ્યો છે. ફેક્ટરીના સલામતીના પગલાંની પણ તપાસ કરવામાં આવશે. આ દુ:ખદ અકસ્માત બાદ ઔદ્યોગિક વિસ્તારમાં કામગીરી પ્રભાવિત થઈ છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

અમદાવાદ–વડોદરાની 15થી વધુ સ્કૂલને બોમ્બ ધમકી, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ

આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 24 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 10 અને અમદાવાદની 14 સ્કૂલ અને નિરમા યુનિવર્સિટીને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.

સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે. હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાં આશંકા છે.

વડોદરાની 10 સ્કૂલ

  • ડી. આર. અમીન, વાસણા રોડ
  • ઉર્મી, સમાસાવલી
  • નાલંદા, વાઘોડિયા રોડબ
  • રોડા હાઈસ્કુલ, બગીખાના
  • નવયુગ, સમા
  • જીવન સાધના, નાઘરવાડા
  • AWS, ડભોઇ
  • શાનેન, ખોડિયારનગર
  • GPS સ્કૂલ, વાઘોડિયા
  • બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા

અમદાવાદની 14 સ્કૂલ

  • DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
  • એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
  • એ વન સ્કૂલ, સેટેલાઇટ
  • અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
  • સંત કબીર, નવરંગપુરા
  • સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
  • તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ
  • SGVP સ્કૂલએ.જી હાઈસ્કુલ નવરંગપુરા
  • જે.જી ઇન્ટરનેશનલ સ્કૂલદિવાન બલ્લુભાઈસી.એન વિધાલય
  • વિજયનગર સ્કૂલખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
  • અમદાવાદની નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બની ધમકી

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી લાપતા, પોલીસને જીવના જોખમની આશંકા

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં અભ્યાસ કરતો મૂળ કર્ણાટકનો વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા છેલ્લા ચાર દિવસથી રહસ્યમય રીતે લાપતા થયો છે. સ્થાનિક પોલીસે તેની શોધખોળ તેજ કરી છે અને તેની જાનને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોત અને ગુમ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે બર્કલેમાં 22 વર્ષીય સાકેત શ્રીનિવાસૈયાના ગુમ થવાની ઘટનાએ ચિંતા જગાવી છે. સાકેત કર્ણાટકનો રહેવાસી છે અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં કેમિકલ એન્ડ બાયોમોલીક્યુલર એન્જિનિયરિંગ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. તેને છેલ્લે મંગળવારે સાંજે 5 વાગ્યે જોવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો કોઈ પત્તો નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, સાકેતની લંબાઈ 6 ફૂટ 1 ઇંચ છે અને વજન આશરે 72 કિલો છે. તેની આંખો કથ્થઈ રંગની અને વાળ ટૂંકા છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને સાકેતના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. સાકેતે વર્ષ 2025 માં જ IIT મદ્રાસમાંથી બી.ટેક પૂર્ણ કર્યું હતું અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો.

સાકેતની સાથે રહેતા તેના મિત્ર બનેતસ સિંહે સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી છે. પોસ્ટ મુજબ, સાકેતને છેલ્લે બર્કલે હિલ્સ પાસે જોવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને વંશીય ભેદભાવના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેના પગલે ભારતીય વિદેશ મંત્રાલય પણ આ મામલે સતર્ક બન્યું છે.

કોલંબોમાં કાલે ભારત – પાકિસ્તાન વચ્ચે T20 World Cup નો મહામુકાબલો

0

ક્રિકેટના ચાહકો હવે રવિવારની રાહ જોઈ રહયા છે જ્યારે ભારત અને પાકિસ્તાન અહીંના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે. બંને ટીમોના થિંક ટેન્ક માટે સૌથી મોટો કોયડો એ રહેશે કે અહીં ધીમી પિચ પર ‘રહસ્યમય સ્પિનરો’નો સામનો કેવી રીતે કરવો. બંને ટીમોના બેટ્સમેનોએ તેઓ જે રહસ્યમય બોલરોનો સામનો કરવાના છે તેમના વીડિયો જોતા જ હશે.

ભારત પાસે વરૂણ ચક્રવર્તી છે, જ્યારે પાકિસ્તાની ટીમ અબરાર અહેમદ અને ઉસ્માન તારિકને મેદાનમાં ઉતારશે. જો આ બોલરોએ પ્રેમદાસા ખાતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચ જોઈ હોય, તો તેઓ રવિવારે અહીં યોજાનારી મેચ પહેલા ખૂબ જ ઉત્સાહિત હશે. અહીં, ઝિમ્બાબ્વેના બોલરોએ ધીમા બોલનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયા પર 23 રનથી અપસેટ વિજય મેળવ્યો.

ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચક્રવર્તીના સાઇડસ્પિનથી ઓવરસિ્પનમાં સ્વિચ કરીને તેણે સુધારો કર્યો. એંગલમાં થોડો ફેરફાર હોવા છતાં, ચક્રવર્તી અન્ય ઘણા સ્પિનરો કરતાં વધુ ઝડપી બોલિંગ કરે છે (સરેરાશ 95 કિમી પ્રતિ કલાક). જોકે, આ ટ્રેક તેને ધીમો પાડવા માટે દબાણ કરી શકે છે.

બાબર આઝમ જેવા બેટ્સમેન માટે આ સારું નથી, જે ચોથા નંબર પર બેટિંગ કરે છે અને ચક્રવર્તીની બોલિંગ સામે સંઘર્ષ કરે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન હજુ પણ શરૂઆતથી જ સંઘર્ષ કરી રહ્યા છે.

ચક્રવર્તી સામે પાકિસ્તાનનો જવાબ તારિક છે. તેનો ‘પોઝ અને સ્લિંગ’ બોલિંગ શૈલીએ ક્રિકેટ જગતમાં પહેલેથી જ ઘણી ચર્ચા જગાવી છે. રવિવારે, ઓફ-સ્પિનર ભારતના મજબૂત બેટિંગ ઓર્ડરને રોકવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાન સુપર લીગમાં તારિકની ટીમ ક્વોટા નબીલ હાશ્મીએ કહ્યું, “તેની એક્શન તેને બોલને બેટ્સમેનની આંખની રેખા નીચે રાખવાની મદદ કરે છે.

આથી તેઓએ હિટ કરવું સરળ નથી. આ લગભગ એવું લાગે છે કે તમે દરેક બોલ પર યોર્કર ફેંકી રહ્યા છો.” અબરાર થોડો ઓછો આંકવામાં આવ્યો છે. ભારતીય બેટ્સમેનો તેની સામે રમી ચૂક્યા છે. જોકે, પ્રેમદાસા પીચ પર, આ સ્પિનર પણ પડકાર ઉભો કરી શકે છે.

ભારતીય બેટ્સમેનોને નામિબિયન કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસની બિનપરંપરાગત સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરવો પડ્યો. ઉસ્માનના સમાન બોલિંગ આક્રમણના ખતરાનો સામનો કરવા માટે તેમને સખત મહેનત કરવી પડશે.

ઈરાસ્મસ અને તારિક બંને મુખ્યત્વે ઓફ-સ્પિન બોલિંગ કરે છે અને અસામાન્ય વિવિધતાઓનો ઉપયોગ કરે છે. ગુરુવારે રાત્રે ઈરાસ્મસે રાઉન્ડ-આર્મ એક્શન સાથે મોટી સંખ્યામાં બોલિંગ કરી હતી, અને તેમની કેટલીક બોલિંગે ભારતીય બેટ્સમેનોને છેતર્યા હતા.

અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ભારતીય બેટ્સમેનોને પાકિસ્તાની ઓફ સ્પિનર ઉસ્માન તારિક દ્વારા બોલિંગ કરવામાં આવતી અનોખી સાઇડ-આર્મ એક્શનનો સામનો કરવા માટે એક સરળ સૂચન આપે છે.

તારિકની ધીમી બોલિંગ શૈલીની ખૂબ ચર્ચા થાય છે. તેણે અત્યાર સુધીમાં ફક્ત ચાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને પ્રતિ ઓવર છ રન કરતા ઓછા ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી છે.

અશ્વિને કહ્યું, “જો બોલર બોલ ફેંકતા પહેલા થોડા ઉભા રહો, તો બેટ્સમેનને દૂર જવાનો અધિકાર છે. તે કહી શકે છે, ‘મને લાગ્યું કે તે રોકાઈ રહ્યો હતો.’ તે એક રસપ્રદ કેસ હશે અને અમ્પાયર માટે ઘણી મુશ્કેલી ઊભી કરશે.

જો હું ત્યાં હોત, તો મેં પણ એવું જ કર્યું હોત. મેચ જીતવા માટે, નિયમોમાં રહીને શક્ય તેટલું બધું કરવું જોઈએ. હું ફક્ત એટલું જ કહીશ કે મને ખબર નથી કે તે ક્યારે બોલ છોડશે અને બાજુ પર જશે. જો હું બાજુ પર હટીશ, તો તે અમ્પાયરની જવાબદારી રહેશે.”

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી, રિક્ષા-કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત

0

મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે બપોરે મેટ્રો નિર્માણ કાર્ય દરમિયાન એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એલબીએસ રોડ પર જોનસન એન્ડ જોનસન કંપની નજીક નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ કાટમાળ નીચેથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષા અને કાર પર ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 12:20 વાગ્યે બની હતી. દુર્ઘટના સમયે રિક્ષામાં સવાર 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે. પિલરનો હિસ્સો એટલો વજનદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એલબીએસ રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો છે. હાલમાં આ દુર્ઘટના પાછળ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવશે ગુજરાત પ્રવાસે

0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીન પહેલી વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. આગામી ૨૦ ફેબ્રુઆરીએ નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રદેશની પ્રવાસે આવી રહ્યા છે. જે અંતર્ગત તેઓ કાર્યકર્તાઓ સાથે મિલન મુલાકાત કરવાના છે. તદુપરાંત કાર્યકર્તાઓ સાથે વિવિધ શુભેચ્છા સંદેશનું પણ આદાન-પ્રદાન થાય તે પ્રકારની પણ રૂપરેખા ઘડાઈ રહી છે.

એક બાદ એક નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ નીતિન નબીન સાથે મુલાકાત કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એક બાદ એક નેતાઓ તેમની પાસે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ભાજપના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાજપના યુવા અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથેની શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે યોજી હતી. ત્યારે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતનો પ્રવાસ પણ ખેડશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દેશભરના વિવિધ રાજ્યના પ્રવાસ અર્થે જવાના છે. તે અંતર્ગતની રૂપરેખા પણ રાષ્ટ્રીય સ્તરે ઘડાઈ રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવનારા સપ્તાહમાં ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે મુજબ તેઓ ૨૦થી ૨૨ ફેબ્રુઆરી એમ ૩ દિવસ ગુજરાતમાં રહેશે અને વિવિધ શહેરોમાં કાર્યકરોને મળશે.

મહત્વનું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસને સમયે અમદાવાદમાં ભવ્ય જનસભાનું આયોજન પણ થઈ રહ્યું છે. નીતિન નબીન અમદાવાદમાં પણ એક ભવ્ય સભાને સંબોધન કરશે. જેમાં કાર્યકર્તાઓ સાથે નીતિન નબીન વાર્તાલાપ પણ કરશે. ચૂંટણી હોય કે પછી સંગઠનની સંરચના હોય રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત પ્રદેશની મુલાકાત યોજાતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્તિ બાદ હવે નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

ગુજરાત પ્રવાસ દરમિયાન નીતિન નબીન પાર્ટી કાર્યકર્તાઓને બુસ્ટ અપ કરશે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નીતિન નબીન કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ પૂરું પાડશે. તદુપરાંત આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારની રૂપરેખા અને કેવા પ્રકારના નવા નિયમો ઘડે છે તે જોવું રહેશે.