Home Blog Page 177

ભારતીય સોલર કંપનીઓને ઝટકો: અમેરિકાએ તોતિંગ 125 ટકા ટેરિફ લાદયો

0

ભારત પર અમેરિકાના ટેરિફને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે દક્ષિણ એશિયાના દેશમાંથી આવતા સોલર સેલ અને સોલર પેનલ્સ પર એન્ટિ-સબસિડી કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને લાઓસ માંથી આયાત કરવામાં આવતી સોલર પ્રોડક્ટ્સ પર પણ આવા ઇમ્પોર્ટ ટેરિફ લાદવામાં આવ્યા છે.

ભારતની સોલર પ્રોડક્ટ પર તોતિંગ 125 ટકા ટેરિફ
અમેરિકન ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી ફેક્ટ શીટ અનુસાર, ભારત માંથી અમેરિકામાં આયાત કરવામાં આવતા સોલર સેલ અને સોલર પેનલ્સપર હવે 125.87 ટકા ટેરિફ લાદવામાં આવ્યા છે. તો ઇન્ડોનેશિયા અને લાઓસ પર અનુક્રમે 104.38 ટકા અને 80.67 ટકા ટેરિફ વસૂલવામાં આવશે.

સરકારી વેપારના આંકડા દર્શાવે છે કે આ ત્રણેય દેશોની આયાતમાં 4.5 અબજ ડોલરનો હિસ્સો છે, જે 2025 ની કુલ આયાતનો લગભગ બે તૃતીયાંશ હિસ્સો છે.

ન્યૂઝ એજન્સીને ટાંકીને સરકારી વેપાર આંકડા દર્શાવે છે કે, આ ત્રણેય દેશોમાંથી કુલ 4.5 અબજ ડોલરની સોલર પ્રોડક્ટ્સ આયાત કરવામાં આવી હતી, જે 2025 ની કુલ આયાતના લગભગ બે તૃતીયાંશ છે. પરિણામે ટ્રમ્પ વહીવટીતંત્રે આરોપ લગાવ્યો હતો કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસે સોલાર મેન્યુફેક્ચરિંગને અયોગ્ય સબસિડી આપી રહ્યા છે.

ભારતના સંદર્ભમાં અમેરિકાના વાણિજ્ય વિભાગે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2024માં દક્ષિણ એશિયાના દેશમાંથી સોલર ઇમ્પોર્ટ 792.6 મિલિયન ડોલરની હતી, જે વર્ષ 2022ની તુલનામાં નવ ગણી વધુ છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાને આગળ વધારવા માટે આ નિર્ણયને અમેરિકન ઉત્પાદકો માટે પ્રોત્સાહન તરીકે જોવામાં આવે છે. જો કે, આ ટેરિફની અસર આખરે ગ્રાહકો માટે વધેલા ભાવના રૂપમાં સામે આવી શકે છે.

અમેરિકા જેવી જ વેપાર નીતિ ચીન અપનાવી રહ્યું છે. ચીને મંગળવારે જાપાનની 20 કંપનીઓને એક્સપોર્ટ કન્ટ્રોલ લિસ્ટ અને 20 અન્ય કંપનીઓને વોચ લિસ્ટમાં મૂકી છે. તાઇવાન અંગે જાપાની નેતાઓ દ્વારા અગાઉના નિવેદનો પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે, જેને બેઇજિંગ પોતાનું હોવાનો દાવો કરે છે.

પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, સાણંદમાં સ્વદેશી ચીપ પ્લાન્ટ દેશને સમર્પિત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 28 ફેબ્રુઆરીએ સાણંદમાં પ્રથમ સ્વદેશી ચીપ દેશને સમર્પિત કરશે. સાણંદ ખાતેના સેમિકન્ડકટર પ્લાન્ટની રૂબરુ મુલાકાત લેશે.

વડા પ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન વેગ પકડી રહ્યું છે. સાણંદમાં કાર્યરત આ પ્લાન્ટમાં તૈયાર થયેલી પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડકટર ચિપને પીએમ મોદી દેશને સમર્પિત કરશે. આ ચિપનું ઉત્પાદન થવાથી ભારતની વિદેશી આયાત પરથી નિર્ભરતા ઘટશે અને ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે.

સાણંદ ખાતે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને રાજ્યને નવી વિકાસની ભેટ આપશે.આ યુનિટ શરૂ થવાથી ગુજરાત ગ્લોબલ સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી આવશે અને હજારો લોકોને રોજગારીની તકો પણ મળશે. વડા પ્રધાનની મુલાકાતને લઈ કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે. નિર્ધારીત કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 28 ફેબ્રુઆરીએ બપોરે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

એરપોર્ટ પર તેમના સ્વાગત માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાણંદમાં મુખ્ય કાર્યક્રમ બાદ વડા પ્રધાન અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત કરી શકે છે.

PM મોદીની ગુજરાત મુલાકાત ખાસ કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. ગુજરાત ભાજપની ચૂંટણીની તૈયારીઓ, સંગઠન કેટલું મજબૂત છે અને ક્યાં સુધારો જરૂરી છે, આ તમામ મુદ્દે PM સ્વયં સમીક્ષા કરશે.

આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી,2026થી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવ્યા હતા. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. જે બાદ રાજકોટમાં રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત અમદાવાદમાં જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

AI શબ્દની પાછળની રસપ્રદ કહાની, કોણે આપ્યું ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ નામ?

0

ભારત-AI ઇમ્પેક્ટ સમિટ 2026માં દુનિયાભરના ટોચના AI નિષ્ણાતો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં સેમ ઓલ્ટમેન, ડેમિસ હાસાબીસ અને ડારિયો જેવી પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. સમિટ દરમિયાન AIની ઝડપી ટેક્નોલોજી બદલાવ, સરકારોની નીતિઓ, અર્થતંત્ર પર પડતા પ્રભાવ અને નૈતિક પ્રશ્નો પર ચર્ચા થઈ. આ સંદર્ભમાં, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ શબ્દ ક્યાંથી આવ્યો અને કોણે બનાવ્યો તે જાણવું રસપ્રદ બને છે.

“આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” શબ્દનો પહેલો ઉપયોગ 1956માં થયો હતો. આ શબ્દ અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક જોન મેકકાર્થીએ સૂચવ્યો હતો, જે મશીનોને માણસોની જેમ વિચારવા સક્ષમ બનાવવા માટે સંશોધન કરતા હતા. તે જ વર્ષે ડાર્ટમાઉથ કોલેજમાં યોજાયેલી પ્રસિદ્ધ ડાર્ટમાઉથ કોન્ફરન્સના પ્રસ્તાવમાં આ શબ્દનો પ્રથમ વખત ઔપચારિક ઉપયોગ થયો હતો.

જોન મેકકાર્થી અને તેમના સાથી વૈજ્ઞાનિકો માનતા હતા કે જો મશીનો શીખી શકે છે, તર્ક આપી શકે અને સમસ્યાઓ ઉકેલવા સક્ષમ બને, તો તેને કૃત્રિમ બુદ્ધિ કહી શકાય. આ વિચાર પરથી “આર્ટિફિશિયલ “(જેનો અર્થ “કૃત્રિમ”) અને “ઇન્ટેલિજન્સ”(જેનો અર્થ “બુદ્ધિ”) શબ્દો જોડીને AI શબ્દ બનાવાયો. તે સમયમાં કમ્પ્યુટર્સ નવી ટેક્નોલોજી હતા, છતાં વૈજ્ઞાનિકોએ કલ્પના કરી હતી કે ભવિષ્યમાં મશીનો ચેસ રમશે, ભાષા સમજશે અને પોતે નિર્ણય પણ લેશે, જે તે સમય માટે બહુ સાહસિક વિચાર ગણાતો હતો.

ડાર્ટમાઉથ કોન્ફરન્સમાં માર્વિન મિન્સ્કી, ક્લાઉડ શેનોન અને એલન નેવેલ જેવા જાણીતા વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. તેમણે મળીને AI સંશોધન માટે મજબૂત પાયો તૈયાર કર્યો, જોકે તે સમયે તેમને અંદાજ નહોતો કે આ શબ્દ અને વિચાર ભવિષ્યમાં ટેક્નોલોજીની દુનિયામાં મોટો બદલાવ લાવશે.

1956 પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધીમે ધીમે વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો. શરૂઆતમાં સંશોધન ઓછું હતું, પરંતુ 1980 પછી કમ્પ્યુટરની શક્તિ વધતા AI વિકાસ ઝડપથી આગળ વધ્યો. આજે AI મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, રોબોટિક્સ અને ભાષા સમજવાની ટેક્નોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં ઉપયોગી છે. જોકે તેની શરૂઆત માત્ર એક સરળ વિચાર અને શબ્દથી થઈ હતી.

આજે AI ઘણા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં રોગ ઓળખવામાં, બેંકિંગમાં ફ્રોડ શોધવામાં અને રોજિંદા જીવનમાં ચેટબોટ્સ, વોઇસ આસિસ્ટન્ટ તથા સ્વચાલિત કાર જેવી ટેક્નોલોજીમાં તેનો ભાગ છે. મોબાઇલ ફોનથી લઈને તબીબી સાધનો, કાર અને કાયદાકીય સિસ્ટમ સુધી AI હવે લગભગ દરેક જગ્યાએ હાજર છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.

સુરતના વેસુમાં પરિવારનો સામૂહિક આપઘાત પ્રયાસ, ત્રણના મોત

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો સમયસર સારવાર મળતા બચાવ થયો છે.

પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, નોટમાં વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા બાબતે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મૃતક ઘરે બેઠા શેરબજારનું કામ કરતો હતો

મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરનાર બાલમુકુન્દે પોતાના પરિવારના સભ્યો સાથે ઝેરી દવા પીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.ત્રણ પાનાની સુસાઇડ નોટ મળીપોલીસ તપાસ દરમિયાન ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પરિવાર દ્વારા આ અંતિમ નિર્ણય પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધાનો આરોપ

સુસાઇડ નોટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા તથા તે કાર્ડનો દુરુપયોગ કરીને ખરીદી પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલ વેસુ પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલુ છે.

Surat: હોળી-ધૂળેટી મનાવવા વતન જતા પ્રવાસીઓનો ઉધના રેલવે સ્ટેશન પર ધસારો

હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો ખાસ કરીને વર્ષમાં બેવાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળીના પર્વમાં અને હોળી-ધૂળેટીના પર્વમાં પરિવાર સાથે વતન જતા હોય છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનો દોડાવી પ્રવાસીઓને માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા અપનાવવામાં આવેલા ક્રાઉડ મેનેજમેન્ટના કારણે સ્ટેશન પર ભીડ હોવા છતાં કોઈપણ જાતની મુશ્કેલી વગર પ્રવાસીઓ સરળતાથી ટ્રેનમાં બેસીને વતન જઈ રહ્યા છે. ટ્રેન ઉપડવાના 5 કલાક પહેલા પ્રવાસીઓ રેલવે સ્ટેશન પહોંચી જાય છે. એટલે ઊધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે મંડપ, પાણી અને ચાર્જિંગ સહિત વેઈટિંગ એરિયાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઊધના જંકશન ઉત્તરભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે હોળી પહેલા અહીં શ્રમિકોની કીડિયારું ઉભરાય તેવી સ્થિતિ સર્જાય છે.

ઊધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ખાસ 10 જેટલા નાના શેડ બનાવવામાં આવ્યા છે. આ શેડમાં મુસાફરોને આકરા તાપથી બચાવવા માટે પંખા, રોશની માટે વીજળી અને પ્રવાસીઓની સૌથી મોટી જરૂરિયાત એવા ‘મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડમાં ઉભેલા મુસાફરોની તરસ છિપાવવા માટે પ્લેટફોર્મ વિસ્તારમાં વધારાના 4 પીવાના પાણીના નળ મૂકાયા છે તેમજ રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ‘ક્રાઉડ મેનેજમેન્ટ’ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીની ભીડ વચ્ચે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સ્ટેશન પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF)ના 50 જવાનો, GRPના 40 જવાનો અને 30 જેટલા ચેકિંગ સ્ટાફને સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા છે, જનરલ ટિકિટ ધારકોને કતારબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવાની પદ્ધતિ અમલી બનાવતા અફરાતફરી ટળી હતી.

સુરતમાં ઇકોએ યુવકને ઉડાવ્યો, જિંદગી અને મોત વચ્ચેનો ખેલ CCTVમાં કેદ

0

સુરત શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં બેફામ કાર ચાલકે રસ્તા કિનારે જઈ રહેલા યુવકને અડફેટે લીધો હતો. યુવક રોડની બાજુએ ચાલતો હતો ત્યારે અચાનક ઝડપથી આવતી કારએ તેને જોરદાર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસે સીસીટીવીના આધારે ડ્રાઈવર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ભાજપના કોર્પોરેટરને શો-કોઝ નોટિસ

સુરતમાં ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કોલ્ડ વોર વચ્ચે કતારગામના ભાજપના કોર્પોરેટરે ઝંપલાવતાં મામલો વધુ ગરમાયો છે. કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન મુદ્દે ઊભેલા વિવાદે પહેલેથી જ આંતરિક અસંતોષ જગાવ્યો હતો, જે શરૂઆતમાં માત્ર મોટા નેતાઓ સુધી સીમિત હતો.

પરંતુ સરકારી સ્કૂલની જગ્યા બદલવાના મુદ્દે કતારગામના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા સોશિયલ મીડિયામાં કરાયેલા બેફામ નિવેદનો અને ધારાસભ્ય વિનોદ મોરડીયા સામે કરાયેલા સીધા-આડકતરા પ્રહારથી સમગ્ર મામલાને રાજકીય રંગ મળી ગયો હતો.

નરેન્દ્ર પાંડવ દ્વારા અગાઉ પણ અનેક વખત બેફામ નિવેદનો કરવામાં આવ્યા હોવા છતાં શહેર સંગઠન લાંબા સમય સુધી મૌન રહ્યું હતું. પરિણામે પાલિકાની ચૂંટણી પહેલાં જ વિપક્ષને તૈયાર મુદ્દો મળી ગયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

પાલિકાની ચૂંટણી નજીક આવતા સ્કૂલની જગ્યા બદલાયેલા સ્થળે જઈને કરાયેલા નિવેદનો અને ત્યારબાદ અસામાજિક તત્વો સામે ફરિયાદ બાદ તેમના પરિવાર તરફથી કરાયેલા નિવેદનોને કારણે વર્ગવિગ્રહ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટનાક્રમથી ભાજપ બેકફૂટ પર આવી ગયું છે અને ચૂંટણીમાં નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

આખરે મોડે મોડે શહેર સંગઠન હરકતમાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા વિવાદી કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ્સ તથા વોર્ડમાં મનસ્વી વર્તનના કારણે પાર્ટીને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આ અંગે સાત દિવસમાં સ્પષ્ટીકરણ રજૂ કરવા જણાવ્યું છે.

બે મોટા નેતાઓની ખેંચતાણ વચ્ચે ઝંપલાવનાર કોર્પોરેટર હવે પોતે જ રાજકીય ઘેરાબંધીમાં ફસાયા છે. પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ માટે આ આંતરિક વિખવાદ કેટલો નુકસાનકારક સાબિત થશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

હોળી ટાણે કમોસમી વરસાદની ચેતવણી: ગુજરાતના 8 જિલ્લામાં ‘યલો એલર્ટ’, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં હોળી ટાણે અષાઢી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ગઇકાલે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગત મોડી રાતે અમદાવાદમાં પણ વરસાદ ખબક્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં વરસાદ પાડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે.

મળતી વિગતો અનુસાર, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તેમજ ઉત્તર, પૂર્વ-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. અમરેલીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનનું લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ સહિત 4 લોકોના મોત

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે મધ્ય ઈરાનમાં એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું. મધ્ય ઈરાનમાં ફળ અને શાકભાજી બજારમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. ઈરાની રાજ્ય ટેલિવિઝન અનુસાર, આ અકસ્માત ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 330 કિલોમીટર (205 માઇલ) દક્ષિણમાં આવેલા ઇસ્ફહાન પ્રાંતના દોરચેહ શહેરમાં થયો હતો.

ઈરાની વાયુસેનાનો બેઝ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળ ઈસ્ફહાન નજીક આવેલો છે. જૂનમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ આ પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. તેણે ફોર્ડો અને નાતાન્ઝ પરમાણુ સ્થળો પર પણ બોમ્બમારો કર્યો હતો. સરકારી ટીવી અનુસાર, લશ્કરી હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટનું મોત થયું છે. ફૂટેજમાં હેલિકોપ્ટરનો કાટમાળ અને બજારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી ફાર્સે અહેવાલ આપ્યો છે કે બજારમાં જમીન પર બે લોકો માર્યા ગયા છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ઈરાનમાં આ બીજો અકસ્માત છે. તાજેતરમાં, પશ્ચિમી ઈરાની શહેર હમાદાન નજીક એક F-4 ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં એક પાઇલટનું મોત થયું હતું. ઈરાનમાં જીવલેણ ક્રેશનો ઇતિહાસ રહ્યો છે. પશ્ચિમી પ્રતિબંધોએ ઈરાનમાં વિમાનના ભાગોનો પુરવઠો બંધ કરી દીધો છે. ઈરાન તેની સરકારી અને વાણિજ્યિક એરલાઇન્સ બંને માટે જૂના હેલિકોપ્ટર અને વિમાનોના કાફલા પર આધાર રાખે છે.

ગોંડલમાં આપના પ્રદેશ સંયુક્ત સચિવ પર હુમલો, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ પર હુમલો થયો છે. મહિલાઓના ટોળાએ જિગીષા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો, જેથી જિગીષા પટેલને ઈજા પહોંચી હતી.

દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાળી પણ કરી હતી, જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી. જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જોકે ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ પથ્થરમારાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી. જિગીષા પટેલ પોતાની કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા શખસોએ તેમની કારને આંતરી હતી. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલાં નેતા પર અજાણ્યા શખસોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે જિગીષા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યાં હતાં ત્યારે અચાનક 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ તેમના પર હુમલો કર્યો હતો.

હુમલાના કારણે જિગીષા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાથમાં પણ ફેક્ચર જેવી ઈજાની આશંકા છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિકોની મદદથી ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેમની હાલત નાજુક જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.