Home Blog Page 130

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદે કહેર મચાવ્યો: 22નાં મોત, અનેક ઘરો ધરાશાયી

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ખરાબ હવામાનને કારણે 22 લોકોનાં મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે તેમ અફઘાનિસ્તાનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. હજુ પણ સમગ્ર અફઘાન પ્રદેશમાં પુલકારી સ્થિતિ છે.

જાનહાનીનો આંક ઉંચે જઇ શકે છે. મૃત્યુ પામેલાઓ પૈકી એક ડઝનથી વધારે લોકો પૂર્વ અફઘાનિસ્તાનમાં સમગ્ર રાત પડેલા ભારે વરસાદને કારણે ઘરોની છત તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં તોફાન અને ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં 130થી વધારે લોકોનાં મોત થયા છે. હજારો ઘર નાશ પામ્યા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે.

અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જારી કરવામાં તાજેતરનાં આંકડા ચાલુ વર્ષની શરૂૂઆતમાં અફઘાનિસ્તાનમાં ભારે બરફવર્ષા અને પૂરથી થયેલા મોતનાં આંકડાથી વધારે છે. અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને તે ખરાબ હવામાનની ઘટનાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર આ આંકડો હજુ પણ વધી શકે છે.

નંગરહાર પ્રાંતનાં ઇન્ફરમેશન એન્ડ કલ્ચરલ ડિરેક્ટોરેટમાં કાર્યરત ઇન્ફરમેશન ડાયરેક્ટર સિદ્દીકુલ્લાહ કુરેશીનાં જણાવ્યા અનુસાર પૂર્વીય શહેર જલાલાબાદનાં મોટા ભાગના વિસ્તારો મંગળવાર સવાર સુધીમાં પૂરની ચપેટમાં આવી ગયા હતાં. શહેર અને આસપાસના જિલ્લાઓમાં છત પડવાથી 13 લોકોનાં મોત થયા હતાં અને અન્ય 19 ઘાયલ થયા હતાં.

જલાલાબાદ નંગરહાર પ્રાંતનું મુખ્ય શહેર છે. કુરેશીએ જણાવ્યું હતું કે પ્રાંતનાં વિવિધ ભાગોમાં પૂરનાં પાણીમાં ફસાઇ ગયેલા 104 લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

ગુજરાત-રાજસ્થાન ATSનું મોટું ઓપરેશન: 25 કરોડના ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા

ગુજરાત ATS અને રાજસ્થાન ATS એ મોટી સફળતા મેળવી છે. બંને રાજ્યોની પોલીસે સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન દરમિયાન આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો અને 5 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 25 કરોડ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS ને સરહદ પારથી ડ્રગ્સ શિપમેન્ટ આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. આ પર તાત્કાલિક કાર્યવાહી કરતાં રાજસ્થાન ATS સાથે મળીને એક ટીમ બનાવવામાં આવી. બનાસકાંઠા-જૈસલમેર હાઇવે પર કડક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમની ઓળખ શંકરરામ અને સલમાન તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનમાંથી તસ્કરી કરીને ભારતમાં લાવવામાં આવ્યો હતો. તસ્કરોનો ઇરાદો તેને દેશના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો.

​ATSના એક અધિકારીએ જણાવ્યું કે હાલ પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે જેથી સમગ્ર સિન્ડિકેટના જડ સુધી પહોંચી શકાય. પોલીસે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે પાકિસ્તાનમાં બેઠેલો તેમનો મુખ્ય હેન્ડલર કોણ છે અને ભારતમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો.

આસારામના પુત્ર નારાયણ સાઇને છૂટાછેડા, પત્નીને ₹2 કરોડ ચૂકવવાનો કોર્ટનો આદેશ

0

મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાની વચ્ચે લગભગ આઠ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદને સમાપ્ત કરતા તેના લગ્નને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરી દીધા છે. તેમાં નક્કી કરવામાં આવેલી એલીમની એટલે કે ભરણપોષણ રકમે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

કોર્ટે પોતાના આદેશમાં નારાયણ સાંઈને નિર્દેશ આપ્યો કે તે પોતાની પત્નીને સ્થાયી ભરણપોષણના રૂૂપમાં 2 કરોડ રૂૂપિયાની એક સાછે ચુકવણી કરે. નોંધનીય છે કે નારાયણ સાંઈ વર્તમાનમાં સુરતની જેલમાં બંધ છે, જ્યાં તે દુષ્કર્મના એક ગંભીર મામલામાં આજીવન કેદની સજામાં બંધ છે. જેલમાં હોવા છતાં તેને કાયદાકીય રીતે પોતાની પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર માનવામાં આવ્યો છે.

જાનકી અને નારાયણ સાંઈ વચ્ચે આ વિવાદ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. લાંબી કાયદાકીય કાર્યવાહી, સાક્ષીઓના નિવેદન અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મહિનાની શરૂૂઆતમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. જાનકીના વકીલ અનુરાગ ગોયક અનુસાર બધા કાયદાકીય પાસાના અભ્યાસ બાદ કોર્ટેનો તે નિષ્કર્ણ હતો કે હવે આ લગ્નને જારી રાખવાનું કોઈ મહત્વ રહી ગયું નથી. અરજીમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર નારાયણ સાંઈ અને જાનકીના લગ્ન વર્ષ 2008મા થયા હતા. પરંતુ આ લગ્ન સંબંધ વધુ સમય સુધી સુખદ રહ્યો નહીં. વર્ષ 2013મા જ્યારે નારાયણ સાંઈ સામે ગુના નોંધાયા અને તેની ધરપકડ થઈ, ત્યારથી બંને અલગ-અલગ રહે છે. જાનકીએ કોર્ટમાં પોતાની વ્યથા જણાવતા નારાયણ સાંઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

11 વર્ષ બાદ રામપાલને જામીન, છતાં જેલમુક્તિ પર સસ્પેન્સ યથાવત્

0

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલને જામીન મંજૂર કર્યા છે. લગભગ 11 વર્ષ બાદ મળેલી આ રાહતથી તેમના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રામપાલ હાલ હરિયાણાની હિસાર જેલમાં બંધ છે. વર્ષ 2014માં હરિયાણાના બરવાલામાં આવેલ સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને તેમના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણમાં 6 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે તેમના વિરુદ્ધ અનેક કેસ નોંધાયા હતા, જેમાં રાજદ્રોહનો કેસ પણ સામેલ હતો.

હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં રામપાલની જેલમાંથી તાત્કાલિક મુક્તિ શક્ય નથી, કારણ કે તેમની સામે અન્ય અનેક કેસો હજુ પેન્ડિંગ છે. તેથી તેમની જેલમુક્તિ અન્ય કેસોની કાનૂની પ્રક્રિયા અને શરતોના પાલન પર આધારિત રહેશે. મળતી માહિતી મુજબ, જામીનની શરતોનું કડક પાલન કરવું જરૂરી રહેશે. રામપાલ સતલોક આશ્રમના પ્રમુખ છે અને તેમના અનુયાયીઓ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ એક તરફ તેમના સમર્થકોમાં ખુશી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર આગળની કાનૂની પ્રક્રિયાઓ પર નજર રાખી રહ્યું છે.

કોણ છે રામપાલ?
રામપાલ એક ભારતીય આધ્યાત્મિક ઉપદેશક અને સતલોક આશ્રમના સ્થાપક છે. તેમનો જન્મ 1951માં હરિયાણામાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલાં તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત હતા. તેમણે ભગવદ ગીતા, કબીર સાગર સહિતના ધાર્મિક ગ્રંથોના આધાર પર પોતાના આધ્યાત્મિક ઉપદેશો આપવાનું શરૂ કર્યું. તેઓ સંત કબીરના ઉપદેશોને અનુસરીને ભક્તિ અને મોક્ષના માર્ગનો પ્રચાર કરે છે. તેમના અનુયાયીઓ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે માને છે.

શું છે વિવાદ?
વર્ષ 2006માં હરિયાણામાં રામપાલના અનુયાયીઓ અને અન્ય ધાર્મિક જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં 2014માં હિસાર સ્થિત સતલોક આશ્રમમાં પોલીસ સાથે થયેલી હિંસક અથડામણમાં 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન પોલીસને રામપાલને ધરપકડ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રામપાલ પર ગેરકાયદેસર કેદ રાખવા અને લોકોને પર અત્યાચાર કરવા જેવા ગંભીર આરોપો લાગ્યા છે. કેટલાક કેસોમાં અદાલતોએ તેમની વિરુદ્ધ ચુકાદા પણ આપ્યા છે. વિવાદો હોવા છતાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમના અનુયાયીઓની મોટી સંખ્યા છે અને તેઓ વિવિધ માધ્યમો દ્વારા પોતાના ઉપદેશોનો પ્રસાર કરે છે.

બારડોલી એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 4ના મોત

બારડોલી તાલુકાના દસ્તાન ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એક ટેમ્પાનું ટાયર ફાટી જતા તે હાઈવે પર ઉભું રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર ટેમ્પા પાછળ જોરદાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા સહિત એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા. કારમાં સવાર લોકો મુંબઈથી ખંભાત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સાથે સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની સંખ્યા વધતી નજરે પડી રહી છે, જેના કારણે ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. પોલીસ દ્વારા વાહનચાલકોને ખાસ કરીને હાઈવે પર ઝડપ નિયંત્રણમાં રાખવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

મળતી વિગતો મુજબ, આણંદ જિલ્લાના ખંભાત ખાતે કાદરપુરા મહોલ્લામાં રહેતો દાઉદી વ્હોરા સમાજનો પરિવાર મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરાવીને મોડી રાત્રે ઈકો કાર (GJ 23 BL 0679) માં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન દસ્તાન ગામ પાસે ભારતમાળા હાઈવે પર ટાયર ફાટવાને કારણે સ્થિર ઉભેલા ટેમ્પો (GJ 16 AW 3448) પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ચારેય સભ્યોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

તસ્વીર: તેજસ વશી

ખડગેના નિવેદન બાદ માફી સાથે વિવાદ શાંત કરવાનો પ્રયાસ, છતાં રાજકારણ ગરમાયું

0

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં આપેલા ચૂંટણી ભાષણ અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પોતાની ટિપ્પણી બદલ ઊંડો દુઃખ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમની વાતોને જાણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. ખડગેએ સ્પષ્ટ કર્યું કે તેમનો ક્યારેય ગુજરાતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નહોતો. તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા ગુજરાતના લોકો પ્રત્યે આદર ધરાવે છે અને આગળ પણ રાખશે.

આ વિવાદ કેમ ઉભો થયો?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ખડગેએ કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું. તેમણે કેરળના લોકોના શિક્ષણ અને સમજણની પ્રશંસા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓછા શિક્ષિત લોકોને ગેરમાર્ગે દોરવું સરળ છે, જેમ કે ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં થાય છે, જ્યારે કેરળના મતદારો વધુ જાગૃત હોવાથી તેમને ભ્રમિત કરવું મુશ્કેલ છે.

ભાજપે શું પ્રતિક્રિયા આપી?
આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યો. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ નિવેદનને કોંગ્રેસની ‘વિભાજન કરો અને શાસન કરો’ જેવી માનસિકતા દર્શાવતું ગણાવ્યું. વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ ટિપ્પણીને શરમજનક ગણાવી અને પ્રશ્ન ઉઠાવ્યો કે શું મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા મહાન નેતાઓ પણ અભણ હતા? ભાજપે ખડગે પાસે જાહેર માફી માંગવાની માંગ કરી અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું.

શશિ થરૂરની પ્રતિક્રિયા
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાજકારણમાં ચર્ચાનું સ્તર સતત ઘટી રહ્યું છે અને આપણે પોતાની ભાષા તે લોકોના સ્તર સુધી ઘટાડવી જોઈએ નહીં, જે અપશબ્દોનો ઉપયોગ કરે છે. તેમણે નેતાઓને ભાષાની શિસ્ત જાળવવા અપીલ કરી.

ઇટાલિયાનો ઓડિયો-વીડિયો વોર: પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપો, વાયરલ ક્લિપથી વિવાદ ગરમાયો

0

સુરતના મોટા વરાછા ખાતે આવેલા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઘરે મહેસાણા પોલીસ 2020માં પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં સમન્સ આપવા પહોંચી હતી, જેને લઈને વિવાદ ઉભો થયો છે. ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે પોલીસ તેમના ઘરે પહોંચી તેમની માતા સાથે ગેરવર્તન કર્યું. આ ઘટના બાદ એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, જેમાં પોલીસની કાર્યવાહી અંગે પૂર્વ તૈયારી જેવી વાતચીત દર્શાવવામાં આવી છે. જોકે, ઇટાલિયાએ આ ઓડિયોને સંપૂર્ણપણે ખોટો ગણાવી દાવો કર્યો છે કે તે AI દ્વારા તૈયાર કરાયેલ છે.

વાયરલ ઓડિયોમાં “જીતુ” અને “ગોપાલ” વચ્ચેની વાતચીતમાં પોલીસ ઘરે વોરંટ બજાવવા આવશે અને ઘરના ફોટા લઈ પોર્ટલ પર અપલોડ કરશે તેવી ચર્ચા છે. જેમાં ગોપાલ તરફથી એવું કહેવામાં આવે છે કે “પોલીસ આવે તો આવવા દો, અને પછી કહીશું કે મારી મા ને હેરાન કરે છે.” આ ક્લિપને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

આ મામલે ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “મારા પરિવાર સાથે ગેરવર્તનનો ભાંડો ફોડતા જ સાંજ સુધીમાં બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો.” તેમણે વધુમાં કહ્યું કે ભાજપ અને હર્ષ સંઘવી પર તેમણે અગાઉ પણ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે, પરંતુ ક્યારેય આવો ઓડિયો સામે આવ્યો નહોતો. ઇટાલિયાએ આ ઓડિયોને “ફેબ્રિકેટેડ” ગણાવી કહ્યું કે તેમાં દર્શાવેલી વાતો બિનઆધારિત અને બનાવટી છે.

ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ કાયદાની સારી સમજ ધરાવે છે અને પોતે વકીલ રહી ચૂક્યા છે, તેથી કોઈ વ્યક્તિ તેમને નિયમોની સમજ આપે તે હાસ્યાસ્પદ છે. તેમણે આક્ષેપ કર્યો કે આ આખી ઘટનાને રાજકીય રીતે પ્રભાવિત કરવા માટે બનાવટી ઓડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

આ સાથે જ ઇટાલિયાએ ભાજપ અને હર્ષ સંઘવી પર વધુ આક્ષેપો કરતાં જણાવ્યું કે તેમના સમયમાં રાજ્યમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે અને પોલીસ પર પણ હુમલાઓ વધ્યા છે. તેમણે પડકાર આપ્યો કે આવા મુદ્દાઓ પર પણ ઓડિયો બનાવી બતાવો.

આ સમગ્ર મામલે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને ચૂંટણીના માહોલ વચ્ચે આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું.

IPS મનોજ નિનામાનું રાજીનામું, સ્થાનિક ચૂંટણીમાં ભાજપથી ઉમેદવારીની ચર્ચા

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષોએ ધમધમાટ શરૂ કરી દીધો છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. આ પહેલા તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

મનોજ નિનામા હાલ આઈજીપી તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં તૈનાત હતા. તેઓ અરવલ્લી જિલ્લાની ભીલોડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. અહીંયા કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત છે. આ સ્થિતિમાં મનોજ નિનામાની એન્ટ્રીને ભાજપનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. નિનામાના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે.

કોણ છે મનોજ નિનામા
1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતી. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું છે.

શિસ્તબદ્ધ અને વહીવટી અનુભવ ધરાવતા નિનામાની રાજકારણમાં એન્ટ્રીથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ્યારે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા નવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીની રાજકારણમાં એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. જો ભાજપ તેમના નામ પર મહોર મારશે, તો સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેના પર હવે સૌની નજર ટકેલી છે.

ટિકિટ વિવાદે સુરત AAPમાં ભડકો, સહ કન્વીનરનું રાજીનામું

0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઈને પક્ષની અંદર અસંતોષ વધતા, વોર્ડ નંબર-2ના સહ કન્વીનર અશોક બલરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી
મળતી માહિતી મુજબ, અશોક બલરે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીને રાજીનામું સોંપ્યું છે. તેમણે પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. બલરે આરોપ લગાવ્યો છે કે પક્ષ પાયાના કાર્યકરોને અવગણે છે અને ટિકિટ વહેંચણીમાં યોગ્ય માપદંડો અપનાવવામાં આવતા નથી.

કાર્યકરોમાં અસંતોષ ફેલાયો
તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં વિવાદાસ્પદ છબી ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવી રહી છે, જેના કારણે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. આ ઘટનાએ પાર્ટીમાં આંતરિક ગૂંચવણને વધુ તેજ કરી છે.

ચૂંટણી નજીક આવતા આ પ્રકારના વિવાદો આપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને કાર્યકરોમાં ઉદ્ભવતો અસંતોષ પાર્ટીના પ્રદર્શન પર અસર કરી શકે છે. હવે પાર્ટી નેતૃત્વ આ મુદ્દાને કેવી રીતે હેન્ડલ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

RBIનો નિર્ણય: રેપો રેટ યથાવત, હોમ લોન EMIમાં કોઈ રાહત નહીં

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ​​નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી, જેમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

RBI ગવર્નરે શું કહ્યું?
MPCએ પણ તેની પોલિસીને ‘તટસ્થ’ જાળવી રાખી છે, જેનો અર્થ એ કે બેંક ભવિષ્યના આર્થિક ડેટાના આધારે દર વધારવા અથવા ઘટાડવા માટે સ્વતંત્ર છે. ગવર્નરે કહ્યું કે, ‘વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત છે, પરંતુ ફુગાવા પર નજીકથી નજર રાખવા માટે હાલ માટે દરો યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

ફુગાવાના અંદાજો શું છે?
RBI ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘RBIની અપેક્ષા છે કે ઉચ્ચ ક્ષમતાના ઉપયોગને કારણે પ્રાઈવેટ સેક્ટરમાં રોકાણમાં તેજી બની રહશે.’ RBI ગવર્નરે વૃદ્ધિ પર હવામાનની અસરની જાણકારી આપતા કહ્યું કે, ‘અલ નિનો પરિસ્થિતિઓની સંભાવના જોખમી હોઈ શકે છે.’ RBIએ નાણાકીય વર્ષ 2026-27 માટે CPI ફુગાવો 4.6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. નાણાકીય વર્ષ 27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ 6.9 ટકા રહેવાની આશા છે. RBIએ બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ 6.8 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. અગાઉની MPC બેઠકમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે ત્રિમાસિક ગાળા માટે ભારતનો આર્થિક વિકાસ અનુક્રમે 6.9 ટકા અને 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.