Home Blog Page 12

સુરતમાં હોટફિક્સ વેસ્ટ બની માથાનો દુખાવો! આગની ઘટનાઓથી ભડક્યા લોકો, કુમાર કાનાણીએ કમિશનરને લખ્યો પત્ર

સુરતમાં હોટફિક્સ વેસ્ટનો સળગતો મુદ્દો હવે માત્ર કચરાના નિકાલ પૂરતો રહ્યો નથી, પરંતુ શહેરની સલામતી અને પાલિકાની કામગીરી સામે પણ સવાલ ઊભા કરી રહ્યો છે. ખુલ્લામાં પડેલા હોટફિક્સ વેસ્ટમાં આગ લાગવાની ઘટનાઓ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ પાલિકાની નોટિસ અને સીલિંગ કાર્યવાહી વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખીને કચરો ઉઠાવવાની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

સુરતના પુણા-વરાછા સહિતના વિસ્તારોમાં હોટફિક્સ મશીનોમાંથી નીકળતો પ્લાસ્ટિક આધારિત વેસ્ટ ખુલ્લી જગ્યાઓ, રસ્તા કિનારે અને ખાડી નજીક ઠલવાતો હોવાની ફરિયાદો સામે આવી છે. થોડા દિવસ પહેલાં પુણા વિસ્તારમાં આવા વેસ્ટના ઢગલામાં આગ લાગવાની ઘટનાએ લોકોમાં ચિંતા ફેલાવી હતી. આ વેસ્ટ જ્વલનશીલ હોવાથી આગ લાગ્યા બાદ ધુમાડો અને આસપાસના વિસ્તારમાં જોખમ વધવાની સ્થિતિ સર્જાય છે.

આ સમગ્ર મુદ્દાને લઈને પાલિકા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. મેયરના ઘર પાસે હોટફિક્સ કચરો ઠાલવી વિરોધ કરાયા બાદ મનપાએ કાર્યવાહી તેજ કરી હતી અને 1,500થી વધુ હોટફિક્સ યુનિટોને નોટિસ આપવામાં આવી છે. શહેરમાં અંદાજે 11 હજાર હોટફિક્સ યુનિટ હોવાને કારણે તમામ એકમો સામે કાર્યવાહી કરવી પાલિકા માટે પણ મોટો પડકાર બની છે.

કુમાર કાનાણીએ કમિશનરને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર યુનિટોને સીલ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેમના મતે પાલિકાએ હોટફિક્સ વેસ્ટ માટે અલગ કલેક્શન વાહન અથવા ડોર-ટુ-ડોર વ્યવસ્થા ઊભી કરી કચરો નિયમિત રીતે ઉઠાવવો જોઈએ. સાથે જ આવા કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કાયમી નીતિ બનાવવાની જરૂરિયાત પણ તેમણે દર્શાવી છે.

હાલમાં સ્થાનિકોમાં વેસ્ટના ઢગલા, આગના જોખમ અને કચરો ઉઠાવવાની વ્યવસ્થા અંગે અસંતોષ છે. બીજી તરફ, ટેન્ડર અને રાજકીય દબાણ અંગેના કેટલાક આક્ષેપો પણ ચર્ચામાં છે, પરંતુ ₹500 કરોડના સંભવિત ટેન્ડર કે આગની ઘટનાઓ પાછળ કોઈ સુનિયોજિત ષડયંત્ર હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થયેલ નથી.

VIDEO: નીચે બરફીલી ખીણ, ઉપર તોફાની પવન… છતાં આટલાં ફૂટે ભારતીય સેનાનું અદ્ભુત રેસ્ક્યૂ

0

ભારતનું સેન્ય માત્ર યુદ્ધ અને લડાઈ માટે નહીં પરંતુ તેના આવા શૂરવીર પરાક્રમો રૂંવાટા ઊભા કરી જાય છે. લદ્દાખના બર્ફીલા પહાડ પર જ્યાં હેલિકોપ્ટર ઊભું રહેવા જેટલી સપાટ જગ્યા પણ નહોતી, ત્યાં ભારતીય સેનાના પાઇલટ્સે જોખમની તમામ હદ પાર કરીને એક ઘાયલ જવાનને બહાર કાઢ્યો હતો.

18,600 ફૂટની ઊંચાઈ, જોરદાર પવન અને ઝડપથી ઢળતો દિવસ—આવી પરિસ્થિતિમાં આર્મી એવિએશનના પાઇલટ્સે માત્ર એક સ્કિડ ઢાળને અડાડીને Cheetal હેલિકોપ્ટરથી હાઈ-ઍલ્ટિટ્યૂડ કૅઝ્યુઅલ્ટી ઇવેક્યુએશન હાથ ધર્યું હતું. આ અદ્ભુત ઑપરેશનનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય સેનાની બહાદુરીની ભારે પ્રશંસા થઈ રહી છે.

આ રેસ્ક્યૂ 29 ઓગસ્ટ, શનિવારના રોજ લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલી જંસ્કર રેન્જના નુન-કુન મૅસિફ નજીક હાથ ધરાયું હતું. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે જણાવ્યું હતું કે સ્થળ અત્યંત ઢાળવાળું અને બરફથી ઢંકાયેલું હતું તથા ત્યાં પરંપરાગત રીતે હેલિકોપ્ટર ઉતારવા માટે જરૂરી સપાટ જમીન ઉપલબ્ધ નહોતી. ઉપરથી જોરદાર પવન પરિસ્થિતિને વધુ જોખમી બનાવી રહ્યો હતો.

18,600 ફૂટની ઊંચાઈએ હવામાં ઘનતા ઓછી હોવાથી હેલિકોપ્ટરના એન્જિન અને રોટર બ્લેડની લિફ્ટ ક્ષમતા પર અસર પડે છે. તેથી રેસ્ક્યૂ પહેલાં હેલિકોપ્ટરનું વજન ઘટાડવા માટે બિનજરૂરી સાધનો દૂર કરવામાં આવ્યા અને મિશન માટે જરૂરી મર્યાદિત ઇંધણ જ રાખવામાં આવ્યું હતું. આ રીતે હેલિકોપ્ટરની પેલોડ ક્ષમતા વધારવામાં આવી હતી.

જ્યારે હેલિકોપ્ટર ઘાયલ જવાન સુધી પહોંચ્યું ત્યારે લેન્ડિંગ માટે જગ્યા ન હોવાથી પાઇલટ્સે અત્યંત ચોકસાઈથી એક સ્કિડ ઢાળ પર ટચ કરીને હેલિકોપ્ટરને સંતુલિત રાખ્યું હતું. આ સ્થિતિમાં જ કૅઝ્યુઅલ્ટીને ઝડપથી હેલિકોપ્ટરમાં સુરક્ષિત રીતે લેવામાં આવ્યો અને ત્યારબાદ પાઇલટ્સે સફળતાપૂર્વક ઉડાન ભરી. આ કાર્યવાહી દિવસની છેલ્લી ઉપલબ્ધ લાઇટિંગ/લેન્ડિંગ વિન્ડોમાં પૂર્ણ કરવામાં આવી હતી.

જોકે રેસ્ક્યૂ સફળ રહ્યું હતું, અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાયલ જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)ને બાદમાં કારગિલની આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બચાવી શકાયા નહોતા અને તેમનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટનાએ એક વાત ફરી સાબિત કરી છે—લદ્દાખ જેવી અતિઉંચાઈ અને જોખમી ભૂપ્રકૃતિમાં ભારતીય સેના માત્ર સરહદની સુરક્ષા જ નહીં, પરંતુ જરૂરી સમયે માનવજીવન બચાવવા માટે પણ અદમ્ય હિંમત અને કુશળતા સાથે આગળ આવે છે.

VIDEO: નેપાળ પૂર બાદ કાટમાળના ઢગલા નીચે કેટલા કરોડનું સોનું અને રોકડ મળ્યું?

નેપાળમાં વિનાશક પૂર અને ભેખડધસારા બાદ જ્યાં નજર કરો ત્યાં માત્ર કાદવ, કાટમાળ અને તબાહી દેખાઈ રહી છે, ત્યાં જ એક બેંકના કાટમાળમાંથી કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળતા સૌનું ધ્યાન ખેંચાયું છે. નુવાકોટની કૃષિ વિકાસ બેંકની ત્રિશૂલી ઢુંગે શાખા પૂરથી ભારે નુકસાનગ્રસ્ત બની હતી. પોલીસ અને બચાવકર્મીઓએ જોખમી પરિસ્થિતિમાં સતત મહેનત કરીને બેંકના અંદરના મૂલ્યવાન સામાનને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો.

નેપાળ પોલીસના જણાવ્યા મુજબ, લગભગ આઠ કલાકની સતત કામગીરી બાદ બેંકમાંથી આશરે 1.5 કરોડ નેપાળી રૂપિયા રોકડા, અંદાજે 50 કરોડ નેપાળી રૂપિયા મૂલ્યનું સોનું અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ બચાવ કામગીરીનો વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં પૂરથી ક્ષતિગ્રસ્ત બેંકમાંથી કાટમાળ દૂર કરવાની અને અંદર રહેલા લૉકર તથા અન્ય સામાનને બહાર લાવવાની કાર્યવાહી જોવા મળે છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, પૂરથી બેંકની ઇમારતનો નીચલો ભાગ ભારે અસરગ્રસ્ત થયો હતો, જેના કારણે અંદર રહેલી નાણાકીય સંપત્તિને નુકસાનનું જોખમ ઊભું થયું હતું. પોલીસ ટીમે પડકારજનક સ્થિતિ વચ્ચે રોકડ, સોનું અને દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

નવરાત્રિની એ કાળરાત્રિનો આખરે આવ્યો ચુકાદો, ભાયલી ગેંગરેપના પાંચેય આરોપીઓના સામે અદાલતે શું ભર્યા પગલાં?

0

નવરાત્રિમાં જ્યાં ગરબાના તાલ અને ઉજવણીનો માહોલ હતો, ત્યાં વડોદરાની ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે થયેલા જઘન્ય ગુનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. લગભગ બે વર્ષ સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા, પોલીસની વિશાળ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ બાદ હવે આ ચકચારી કેસમાં પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વડોદરાની વિશેષ પોક્સો કોર્ટે 31 ઓગસ્ટે સજા સંભળાવી હતી.

આ કેસમાં 4 ઓક્ટોબર 2024ની નવરાત્રિની બીજી રાત્રે સગીરા પોતાના એક મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં ગઈ હતી. બંને એકાંત સ્થળે બેઠા હતા ત્યારે પાંચ શખસો બે બાઇક પર ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવી સગીરાના વાહનની ચાવી લઈ લીધી હતી. ત્યારબાદ ઘટનાએ ગંભીર વળાંક લીધો અને સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ફરિયાદ બાદ પોલીસ દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપીઓને ઓળખવાનો હતો, કારણ કે ઘટનાસ્થળ એકાંત વિસ્તારમાં હતું. તપાસમાં CCTV ફૂટેજ, મોબાઇલ અને ટેકનિકલ ઇનપુટ સહિતના પુરાવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું અને મજૂરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે પાંચેયને ઝડપી લીધા બાદ કેસમાં મજબૂત પુરાવા એકત્ર કર્યા હતા.

ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશને 45 સાક્ષીઓ રજૂ કર્યા હતા અને CCTV તથા મેડિકલ સહિતના વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ મૂક્યા હતા. લગભગ 22 મહિના ચાલેલી સુનાવણી બાદ 20 ઓગસ્ટ 2026ના રોજ પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ સજા અંગેની દલીલો થઈ હતી. સરકાર પક્ષે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મહત્તમ સજાની માંગ કરી હતી અને મૃત્યુદંડ ન અપાય તો જીવનના અંતિમ સમય સુધી કેદની માગણી પણ કરી હતી.

આખરે 31 ઓગસ્ટે કોર્ટના ચુકાદા સાથે ભાયલી ગેંગરેપ કેસની લાંબી કાનૂની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો અને પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

‘મુંબઈ પોલીસ’નો એક ફોન અને પૂર્વ IPSના પરિવારના ખાતાં ખાલી!

વડોદરામાં સાયબર ઠગોએ એવો ભય ઊભો કર્યો કે પરિવારને લાગ્યું જાણે કાયદાની પકડમાંથી બચવાનો કોઈ રસ્તો જ નથી. મુંબઈ પોલીસ, CBI અને RBIના અધિકારી બનીને કરાયેલા ફોન અને વીડિયો કોલ દ્વારા પૂર્વ IPS અધિકારીના પરિવારને નિશાન બનાવાયો અને ગંભીર નાણાકીય ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો નહીં, પરંતુ રૂ.1.53 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો અને સતત દેખરેખના નામે પરિવાર પર માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સાયબર ઠગોએ મહિલાને ફોન કરીને તેમના દિવંગત પતિના નામે ક્રેડિટ કાર્ડ જારી થયાનો દાવો કર્યો હતો. ત્યારબાદ વીડિયો કોલ મારફતે પોતાને મુંબઈ પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીના અધિકારી તરીકે ઓળખાવી પરિવાર વિરુદ્ધ મની લોન્ડરિંગ સહિતની ગંભીર તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું.

ઠગોએ વિશ્વાસ જીતવા માટે RBI અને બેંકના લેટરહેડ, સહી તથા સ્ટેમ્પવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાણાં એક કહેવાતા સુરક્ષિત સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવાની સૂચના અપાઈ હતી. આ રીતે પરિવાર પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે કુલ રૂ.1,53,04,047 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. કેટલીક ફિક્સ્ડ ડિપોઝિટ પણ તોડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પરિવારના એક પરિચિતને શંકા જતા સમગ્ર મામલો ચકાસવામાં આવ્યો અને ત્યારબાદ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ નંબર, વીડિયો કોલ અને બનાવટી દસ્તાવેજોના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.

શ્રીરામ સાથે છેતરપિંડી? આ મંદિરને દાનનો આટલાં કરોડનો ચેક બાઉન્સ

0

એક તરફ આયોધ્યાના રામ મંદિરમાં ટ્રસ્ટના કર્મચારિઓ જ કરોડો રૂપયાનું દાન ચોરી કર્યાના આક્ષેપો છે તોહ બીજી તરફ દાતાઓએ રામ મંદિરને દાન પેટે આપેલ કરોડો રૂપયાના ચેક બાઉન્સ થાય છે. આ ઘટના ઘોર કળયુગના પુરાવા આપે છે.

અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપવાની વાત વચ્ચે હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને સૌ કોઈ ચોંકી જશે. ચેન્નાઈની એક મહિલા શ્રદ્ધાળુએ મંદિરના કર્મચારીઓની સુવિધા અને પગારમાં સુધારો કરવા માટે આપેલો ₹4 કરોડનો ચેક બાઉન્સ થઈ ગયો છે. તપાસ દરમિયાન સંબંધિત બેંક ખાતામાં માત્ર ₹3 જ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ચેન્નાઈની એસ. નાગલક્ષ્મીએ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. તેમની ઇચ્છા હતી કે આ રકમનો ઉપયોગ મંદિરના કર્મચારીઓના કલ્યાણ માટે કરવામાં આવે. આ ઉપરાંત તેમણે રામલલાના દર્શન દરમિયાન અલગથી ₹10,000નું દાન પણ આપ્યું હતું. આ ₹4 કરોડના ચેકની રસીદ પણ આપવામાં આવી હતી.

ચેક બેંકમાં રજૂ થયા બાદ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી તેનું પેમેન્ટ થઈ શક્યું નહોતું. હવે બેંક દ્વારા દાતાને નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આ ઘટના સામે આવ્યા બાદ રામ મંદિરને મળતા મોટા દાન અને તેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

VIDEO: વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

0

માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી રહેલા વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે ધમાકેદાર બેટિંગ કરતાં વૈભવે એવો રેકોર્ડ તોડી નાખ્યો, જે 57 વર્ષથી અડીખમ હતો. તેણે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાનો કારનામો કર્યો હતો.

બેંગલુરુના સેન્ટર ઑફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ઓફ સ્પિનર સારંશ જૈનની બોલ પર સિક્સ ફટકારી તેણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.

આ પહેલાં આ રેકોર્ડ લક્ષ્મણ સિંહના નામે હતો. તેમણે 1969માં 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે તેમની સરખામણીએ વધુ નાની ઉંમરે આ સિદ્ધિ મેળવીને 57 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ફિફ્ટી બાદ પણ વૈભવનો આક્રમક અંદાજ યથાવત રહ્યો હતો. તે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ હર્ષ દુબેની બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં 92 રન બનાવીને આઉટ થયો. તેણે 81 બોલની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

આ વૈભવની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજી અડધી સદી છે. અગાઉ તેણે રણજી ટ્રોફીમાં મેઘાલય સામે માત્ર 33 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

VIDEO નેપાળ પૂરનો કહેરઃ મૃત્યુઆંક 903ને પાર, હજારો લાપતા; ભારતીયોને લઈને પણ સામે આવી મોટી અપડેટ

નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના વિનાશક પૂર બાદ તબાહીનું સાચું ચિત્ર હવે સામે આવી રહ્યું છે. જ્યાં એક તરફ હજુ પણ લાપતા લોકોની શોધ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સતત મળી રહેલા મૃતદેહોના કારણે મૃત્યુઆંક 903 સુધી પહોંચી ગયો છે. નેપાળ સરકારના 31 ઓગસ્ટના તાજા આંકડા મુજબ 4,247 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે અત્યાર સુધી 10,451 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

રાહત અને બચાવ કામગીરી માટે નેપાળમાં 20,819 સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી હેલિકોપ્ટરની 411 ઉડાનો દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

ભારતીયોને લઈને મોટી અપડેટ

ભારતીય નાગરિકોને બચાવવા માટે પણ ભારતે રેસ્ક્યૂ અને રાહત કામગીરી તેજ કરી છે. 30 ઓગસ્ટે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 149 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને તેમના નામોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. ભારતની 19 સભ્યોની ફોરેન્સિક ટીમ કાઠમંડુમાં DNA નમૂનાઓના વિશ્લેષણ દ્વારા અજાણ્યા મૃતદેહોની ઓળખમાં મદદ કરી રહી છે.

મૃતદેહોની ઓળખ અને જાળવણી પણ મોટો પડકાર બની છે. હાલમાં અનેક અજાણ્યા મૃતદેહોને અલગ-અલગ હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે અને પરિવારજનો પોતાના સ્વજનોની શોધમાં હોસ્પિટલ, રાહત કેમ્પ અને અન્ય સ્થળોએ ભટકી રહ્યા છે.

નેપાળમાં હાલ શોધ, બચાવ અને મૃતદેહોની ઓળખ—ત્રણે કામગીરી એકસાથે ચાલી રહી છે. હજારો પરિવારજનો હજુ પોતાના સ્વજનોની કોઈ ખબર મળવાની રાહ જોઈ રહ્યા છે.

તાળા લગાવી માનતા માગે છે ભક્તો! શ્રાવણના ત્રીજા સોમવારે જાણો ‘તાળા વાળા મહાદેવ’ની અનોખી માન્યતા

શ્રાવણના ત્રીજા સોમવારે વાત કરીએ એક એવા મહાદેવ મંદિરની, જ્યાં ભક્તો પોતાની માનતા માટે ફૂલ-પ્રસાદ સાથે તાળું પણ લગાવે છે. પ્રયાગરાજમાં ભગવાન શિવનું એક એવું મંદિર છે, જ્યાં ભક્તો પોતાની માનતા ‘ માટે ફૂલ-પ્રસાદની સાથે તાળું પણ લગાવે છે. મંદિર પરિસરની જાળીઓ અને અન્ય ભાગોમાં લટકતા હજારો તાળા અહીં આવનારા લોકોનું ધ્યાન ખેંચે છે. આ અનોખી પરંપરાને કારણે મુટ્ઠીગંજ વિસ્તારમાં આવેલું નાથેશ્વરનાથ મહાદેવ મંદિર લોકોમાં ‘તાળા વાળા મહાદેવ’ નામે પણ જાણીતું બન્યું છે.

સ્થાનિક માન્યતા મુજબ, પોતાની કોઈ ઈચ્છા કે મનત લઈને ભક્તો અહીં ભગવાન શિવની પૂજા કર્યા બાદ મંદિર પરિસરમાં તાળું લગાવે છે. કેટલાક ભક્તો તાળા પર પોતાનું નામ અથવા ઓળખ પણ લખે છે, જેથી મનત પૂર્ણ થયા બાદ તે તાળું ઓળખી શકાય છે. તાળાની ચાવી ભક્ત પોતાના પાસે રાખે છે. ઈચ્છા પૂર્ણ થાય ત્યારબાદ તેઓ ફરી મંદિર પહોંચીને તાળું ખોલે છે અને ભગવાન શિવજીનું પૂજન કરે છે.

મંદિર અંગેના અહેવાલો મુજબ, પરિસરમાં હજારો તાળા લગાવવામાં આવ્યા છે. તાળાંની સંખ્યા વધતી જતા જૂના તાળા હટાવીને નવા ભક્તો માટે જગ્યા બનાવવામાં આવે છે. આ પરંપરા ભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલી છે.

શ્રાવણના સોમવાર અને મહાશિવરાત્રિ જેવા પર્વો દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠે છે. ભક્તો માટે અહીં લગાવેલું દરેક તાળું તેમની માનતા, આશા અને ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક બની જાય છે.

નાણાં, નોકરી અને પરિવાર… 31 ઓગસ્ટે કોની કિસ્મત લેશે વળાંક? વાંચો આજનું રાશિફળ

૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની કૃપાથી સપ્તાહની શરૂઆત નવી ઊર્જા અને ઉત્સાહ સાથે થશે. કાર્યક્ષેત્રે તમારી યોજનાઓ સફળતાપૂર્વક આગળ વધશે અને અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે અને અટકેલા નાણાં મળવાના યોગ છે. પરિવારમાં આનંદ અને સ્નેહપૂર્ણ વાતાવરણ રહેશે.


​વૃષભ (Taurus):
આજે નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા અને અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો લાભદાયી રહેશે. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ યોજનાઓની ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહારના આહારથી દૂર રહેવું.


​મિથુન (Gemini):
તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાતચીતની શૈલીથી અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. વેપાર-ધંધામાં નવા સંપર્કો લાભદાયી સાબિત થશે અને આવકના સ્ત્રોત વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુકૂળ સમય છે. મિત્રો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે.


​કર્ક (Cancer):
રાશિ સ્વામી ચંદ્રના પ્રભાવથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં મન લાગશે. નોકરીમાં તમારી કાર્યનિષ્ઠાની પ્રશંસા થશે અને નવી જવાબદારી મળી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથીનો પૂરો સાથ મળશે. યોગ્ય આરામ લેવો જરૂરી છે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સામાજિક વર્તુળમાં માન-સન્માન વધશે અને મહત્વના નિર્ણયોમાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં પ્રગતિ અને સારો લાભ જોવા મળશે. પરિવાર સાથે સુખદ ક્ષણો વિતાવશો.


​કન્યા (Virgo):
સપ્તાહના પ્રથમ દિવસે કામનો ભાર વધુ હોવા છતાં યોગ્ય આયોજનથી તમામ કામો પાર પાડી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો ન લેવા. પરિવારજનો તરફથી પૂરો સાથ મળશે. ધ્યાન અને વ્યાયામથી માનસિક હળવાશ અનુભવાશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં મોટો નફો થવાના અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાના યોગ છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને ઉત્સાહવર્ધક રહેશે. મન દિવસભર પ્રફુલ્લિત રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે. કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ શાંત રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે અને મન શાંતિ અનુભવશે. ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. નાની યાત્રા લાભદાયી અને સુખદ નીવડી શકે છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું ફળ સકારાત્મક આવશે. નાણાકીય બાબતોમાં આયોજન જાળવવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ દ્રઢ બનશે. તમારી સર્જનાત્મકતાની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. ખર્ચ પર અંકુશ રહેશે અને બચતમાં વધારો થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.