Home Blog Page 116

સુરતના ભાજપ ગઢમાં બગાવત: લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢ્યા, પોલીસને બોલાવવી પડી

સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો ઘાલતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.

સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષ માટે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ થયો ન હોવાની ફરિયાદ સાથે લોકોમાં ભાજપના ઉમેદવાર પ્રત્યે ભારે રોષ છે. વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર ગોરાટ મંદિરે દર્શન કરવા જવાના છે તેવી જાણ થતા જ સ્થાનિક મહિલાઓએ કાળાં કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મંદિરે ભલે દર્શન કરવા આવો, પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવશો નહીં

ઉમેદવાર સાથે ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માજી મેયર હેમાલી બોઘાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ ઉપસ્થિત હતા. જોકે, મહિલાઓએ આ નેતાઓનો ઉધડો લેતા કહ્યું હતું કે, જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી અને હવે મતો માંગવા આવી ગયા છો. આક્રોશિત મહિલાઓ, યુવાનો અને અન્ય લોકોએ ભાજપ ગો બેક અને જય શ્રી રામના નારા લગાવી ઉમેદવારોને ધક્કે ચઢાવ્યા હતા. આ સમયે ઉમેદવારના કેટલાક ટેકેદારોએ દાદાગીરી કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ટેકેદારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રોષે ભરાયેલી મહિલાઓએ દાદાગીરી કરનારાઓ પર હાથ સાફ કરી ટપલીદાવ પણ કર્યો હતો.

સ્થાનિકો સાથે થયેલી આ ઝપાઝપી બાદ મામલો ગંભીર બનતા તાત્કાલિક પોલીસ કાફલો બોલાવાયો હતો. જોકે, પોલીસની હાજરીમાં પણ લોકોનો આક્રોશ શમ્યો નહોતો અને તેઓએ નેતાઓને દૂર સુધી ધકેલી દીધા હતા. અંતે બીજા પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી ત્યારે માંડ મામલો થાળે પડ્યો હતો. એક સમયે ભાજપનો અજેય ગઢ ગણાતા આ વિસ્તારમાં નેતાઓની જે હાલત થઈ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે ભાજપ માટે અહીં સ્થિતિ કફોડી બની છે.

ચેન્નાઈમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકીય તોફાન: નરેન્દ્ર મોદી પર ટિપ્પણી બાદ આપી સ્પષ્ટતા

0

ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના આ નિવેદન પર ભાજપે આકરા શબ્દોમાં ટીકા કરી છે.

મલ્લિકાર્જુન ખડગેએ મોદીને આતંકવાદી કહ્યાકોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, ‘ભાજપ સમાનતાના સિદ્ધાંતને માનતી નથી.’ આ દરમિયાન વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ‘મોદી આતંકવાદી છે અને તેમનો પક્ષ સમાનતાના સિદ્ધાંતને માનતો નથી.

’‘AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે’

કોંગ્રસ અધ્યક્ષ ખડગેએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર અને આંબેડકર દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતોની વિરુદ્ધ કાર્ય કરી રહી છે.’ જોકે, પોતાના નિવેદન બાદ ખડગેએ પાછળથી તેમના નિવેદ અંગે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, ‘મેં PM મોદીને આતંકવાદી નથી કહ્યા, મારો કહેવાનો અર્થ એ હતો કે મોદી લોકોને અને રાજકીય પક્ષોને ડરાવે છે. વડાપ્રધાન મોદી હંમેશા ધમકીઓ આપે છે અને તેમનું વર્તન રાજકીય વર્તુળોમાં ભય પેદા કરે છે.

’ખડગેએ ભાજપ અને AIADMKના ગઠબંધન પર શું કહ્યું?

ભાજપ અને AIADMK વચ્ચે બનેલા ગઠબંધન પર સવાલ ઉભા થતા ખડગેએ નિવેદન આપતા કહ્યું કે, ‘AIADMK ભાજપ સાથે ગઠબંધન કેવી રીતે કરી શકે? મોદી એક આતંકવાદી છે જે સમાનતાના સિદ્ધાંતમાં માનતા નથી. ભાજપ સમાનતા અને ન્યાયમાં કોઈ વિશ્વાસ રાખતી નથી, છતાં આ લોકો તેમની સાથે ગઠબંધન કરી રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે, અને અન્નાદુરાઈ, આંબેડકર અને કરુણાનિધિ દ્વારા સ્થાપિત સિદ્ધાંતો સાથે સમાધાન કરી રહ્યા છે.

’CBI, ED અને IT વિભાગનો દુરુપયોગ

તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં જણાવ્યું હતું કે મોદી અને શાહે અગાઉ ચૂંટાયેલી સરકારોને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, “જેમ તમે જાણો છો, છેલ્લા 11 વર્ષોમાં, તેમણે અનેક સરકારોને પાડી દીધી છે અને ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને ખરીદી લીધા છે. આ વ્યક્તિઓએ નાણાકીય શક્તિ અને ક્રૂર બળનો ઉપયોગ કર્યો છે. તેઓ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પર દરોડા પાડવા માટે તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ જેમ કે CBI, ED અને IT વિભાગનો દુરુપયોગ કરી રહ્યા છે.” ત્યારબાદ, ખડગેએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા જાહેર કરી છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું, “અમને શરમ આવે છે કે કોંગ્રેસ પાર્ટી આટલી નીચી સપાટીએ ઉતરી ગઈ છે. તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન – જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે – ને આતંકવાદી ગણાવી રહ્યા છે. હું ખડગેના આ નિવેદનની સખત નિંદા કરું છું. હું ભારતના લોકો પ્રત્યેના આ અપમાન બદલ માફી માંગુ છું. તેમણે માત્ર વડા પ્રધાનનું જ અપમાન કર્યું નથી પરંતુ 142 કરોડ ભારતીયો અને તમિલ લોકોનું પણ અપમાન કર્યું છે. તમિલનાડુના લોકો રાહુલ ગાંધી, ખડગે અને સ્ટાલિનને ક્યારેય માફ કરશે નહીં.”

શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) ના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શરદ પવારને મંગળવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, 85 વર્ષીય પીઢ નેતાને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ કારણે તેમની બારામતી મુલાકાત રદ કરવામાં આવી હતી.
શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે તેમની તબિયત સ્થિર છે અને તેમને ફક્ત નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા સુલેએ કહ્યું, “શરદ પવારને નિયમિત તપાસ અને કેટલાક તબીબી પરીક્ષણો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ વિશે વધુ વિગતો પરીક્ષણ અહેવાલો આવ્યા પછી જ ઉપલબ્ધ થશે.”
હોસ્પિટલના સૂત્રોએ પણ પુષ્ટિ આપી છે કે પવારની સ્થિતિ ગંભીર નથી અને તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. અગાઉ, ફેબ્રુઆરીમાં, તેમને છાતીમાં ચેપ અને ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વરિષ્ઠ નેતાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારથી તેમના ગૃહ મતવિસ્તાર બારામતી અને રાજ્યભરના પક્ષના કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. શરદ પવાર મંગળવારે બારામતીની મુલાકાતે આવવાના હતા, જ્યાં તેમના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો અને બેઠકોનું આયોજન હતું. જોકે, ડોકટરોની સલાહ પર, આ મુલાકાત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. પક્ષના અધિકારીઓએ પક્ષના કાર્યકરોને હોસ્પિટલમાં ભીડ ટાળવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

દેશમાં ગરમીનો ત્રાસ વધ્યો: અનેક રાજ્યોમાં લૂનું એલર્ટ, તાપમાન 45 ડિગ્રી પાર

0

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગે ભીષણ ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 25 એપ્રિલ સુધી લૂ નું એલર્ટ છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ છે. દાદરા અને નગર હવેલીમાં પણ માવઠું થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગે અમદાવાદમાં 27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. 26મી એપ્રિલ રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજી દ્વારા શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે.આગામી એક સપ્તાહ દરમિયાન બપોરે 12 થી 5 દરમિયાન સાવચેત રહેવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઈકલમાં 22 એપ્રિલ સુધી, કેરળ, તટીય આંધ્રપ્રદેશમાં 24 એપ્રિલ સુધી, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલે લૂ ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત હરિયણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભમાં 21 એપ્રિલે રાત્રી પણ ગરમ રહેવાની શક્યતા છે.

IMDએ જણાવ્યું કે, દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં સોમવારે મધ્યમથી તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં કેટલાક સ્થળો પર આગામી 24 કલાકમાં કરા પડી શકે છે.

કોલકાતાની સોલ્ટ લેક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી

કોલકાતાની સોલ્ટ લેકની આનંદલોક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. આખો વિસ્તાર કાળા ધુમાડાથી છવાયેલો છે. દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. બે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રારંભિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, જેના કારણે હોસ્પિટલમાં ગભરાટ ફેલાયો હતો. આગ બીજા માળે લાગી હતી. એવી આશંકા છે કે તે બિલ્ડિંગના બાકીના ભાગમાં ફેલાઈ શકે છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

સુરતમાં ફોરેક્સ ઠગાઈ: લગ્નના લાલચે રત્ન કલાકાર પાસેથી લાખોની ઠગી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહેતાં રત્ન કલાકારને સોશિયલ મીડિયાના માઘ્યમથી સંપર્કમાં આવેલી અજાણી યુવતીએ લગ્નની લાલચ આપી ફોરેક્સ ટ્રેડિંગના બહાને રૂા. 21.55 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. યુવતીએ મિત્ર સાથે મળી રોકાણના નામે કટકે-કટકે રૂપિયા પડાવી લીધા હતા.

કામરેજના ખોલવડ ગામે બંસરી લકઝરીયામા પ્રકાશ લલ્લુભાઈ સુરાણી (ઉ.વ. 43, મૂળ રહે.અમૃતવેલ, જી.ભાવનગર) પરિવાર સાથે રહે છે અને સુરત ખાતે રત્નકલાકાર તરીકે કામ કરે છે. પ્રકાશ સુરાણીની પત્ની મનીષાનું 4 મહિના પહેલા અવસાન થયું હતું અને બે દીકરી તથા દીકરા સાથે રહે છે. પ્રકાશ સુરાણી ગત ઓક્ટોબર માસમાં ફેસબુક પર રિલ્સ જોતાં હતાં ત્યારે અર્પિતા પટેલ નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. વાતચીત આગળ વધતા અર્પિતાએ પોતાની ઓળખ મુંબઈના મીરા રોડની રહેવાસી તરીકે આપી હતી અને પ્રકાશ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી વિશ્વાસ જીતી લીધો હતો.

પ્રકાશ સુરાણીનો વિશ્વાસ કેળવ્યા બાદ અર્પિતાએ પોતે ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો મેળવતી હોવાનું જણાવી પ્રકાશને પણ રોકાણ કરવા લલચાવ્યા હતા. અર્પિતાએ ભાવેશ સર નામના શખ્સનો સંપર્ક કરાવી સોનીકોઈ નામની વેબસાઈટ અને અન્ય એપ્લિકેશન દ્વારા રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં રૂા. 30,000ના રોકાણ સામે વળતર આપીને પ્રકાશનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. વધુ નફાની લાલચમાં પ્રકાશે તા. 05-11-2025થી તા.20-11-2025 દરમિયાન અલગ-અલગ તારીખે આરટીજીએસ અને ફોન-પે દ્વારા કુલ રૂા. 21,55,092 ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પ્રકાશ પોતાનો નફો વિડ્રો (ઉપાડવા)નો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશનમાં એરર હોવાનું અને તે દૂર કરવા માટે વધુ રૂા. 6 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી શંકા જતાં પ્રકાશે તપાસ કરી તો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જે અંગે પ્રકાશે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવ્યા બાદ કામરેજ પોલીસે અર્પિતા પટેલ અને ભાવેશ સર વિરૂધ્ધ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંઘ્યો છે.

ચોમાસા પહેલા મુંબઈમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

0

ચોમાસા પહેલા મુંબઈમાં મોસમનો પહેલો વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે મુંબઈ માટે ’યલો એલર્ટ’ જારી કર્યું. આ આગાહી મુંબઈવાસીઓ માટે આશાનું કિરણ આપે છે, જે તાજેતરના દિવસોમાં પ્રવર્તતી તીવ્ર ગરમી અને ભેજથી થોડી રાહત આપે છે.

યલો એલર્ટ જારી કરતી વખતે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે મુંબઈના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વધુમાં, મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈની સાથે, IMDએ પણ સંકેત આપ્યો છે કે બુધવાર (22 એપ્રિલ) સુધી પાલઘર જિલ્લામાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન, થાણે અને રાયગઢ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગાજવીજ અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન આગાહી મુજબ, આ પૂર્વ-ચોમાસાના વરસાદથી ગરમીથી કોઈ નોંધપાત્ર અને કાયમી રાહત મળવાની શક્યતા નથી. મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. આ પૂર્વ-ચોમાસાની ઋતુની લાક્ષણિક પેટર્ન સાથે સુસંગત છે, જ્યાં સાંજે વરસાદ તાપમાન ફરી એકવાર વધવા લાગે તે પહેલાં ફક્ત કામચલાઉ રાહત આપે છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર 2 યુવકો ઝડપાયા

અમદાવાદમાં ગુજરાત ATSએ બે યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. એટીએસની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશ વિરોધી પ્રવૃત્તિનો ગંભીર આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી અત્યંત શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું છે. આ સાહિત્યનો ઉપયોગ લોકોમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.

હાલમાં ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી પકડાયેલા બે અને મુંબઈથી પકડાયેલા એક એમ કુલ ત્રણ આરોપીઓની સઘન પૂછપરછ ચાલુ છે. આ યુવકો પાછળ અન્ય કોઈ સંગઠનનો હાથ છે કે કેમ, અને તેમના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સાયબર ક્રાઈમ અને ATS ટીમ સોશિયલ મીડિયા પર વધુ બાજ નજર રાખી રહી છે.

ભારતના અનેક રાજ્યોમાં તીવ્ર ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

0

મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સુરત PSI પરીક્ષામાં ચીટિંગ કાંડ: મોબાઈલથી ગૂગલ પર જવાબ શોધતો ઉમેદવાર ઝડપાયો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે યોજાયેલી PSI કેડરની પરીક્ષામાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં કડક સુરક્ષા અને સીસીટીવીની દેખરેખ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન ચોરી છુપે અંદર લઈ જવામાં સફળ રહ્યો હતો. જોકે, ગૂગલ પરથી જવાબ શોધવાની લાલચમાં આ ઉમેદવાર રંગેહાથ ઝડપાઈ ગયો છે.

ઘટનાની વિગત એવી છે કે, અમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિવમ રામકુમાર યાદવ નામનો ઉમેદવાર પરીક્ષા આપી રહ્યો હતો. પરીક્ષા શરૂ થયા બાદ જ્યારે અન્ય ઉમેદવારો પેપર લખવામાં વ્યસ્ત હતા, ત્યારે શિવમ પોતાની બેઠક પાસે છુપાવેલા મોબાઈલ ફોન દ્વારા ગૂગલ સર્ચ કરી પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. સુપરવાઈઝરની નજર પડતા જ શિવમની કરતૂત પકડાઈ ગઈ હતી.

આ ઘટનાએ પરીક્ષા કેન્દ્ર પરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં આ ઉમેદવાર મોબાઈલ ફોન જેવું ઉપકરણ વર્ગખંડ સુધી કેવી રીતે પહોંચાડી શક્યો? શું ચેકિંગ કરનાર સ્ટાફની કોઈ બેદરકારી હતી કે પછી આમાં કોઈ મોટી સંડોવણી છે, તે દિશામાં હવે તપાસ તેજ થઈ છે.

પરીક્ષા સંચાલકોએ તુરંત પોલીસને જાણ કરતા સુરતસાયબર ક્રાઈમ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે