Home Blog Page 112

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર ભીષણ આગ: શાંગરીલા આર્કેડમાં અનેક વાહનો બળીને ખાખ

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોમ્પ્લેક્સના પાર્કિંગ વિસ્તાર આગ લાગી હતી. આ આગ જોતજાતોમાં ઉપર આવી પહોંચી અને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની કે આ આસપાસના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાઈ ગયો હતો.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આગમાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો, એટીએમ મશીન અને કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે આર્કેડમાં આવેલી ઓફિસો અને જીમમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

મહત્વની વાત એ છે કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને આગ શા કારણે લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ દ્વારા વધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગ એટલી વિકરાળ હતી કે, લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. જોકે, નુકસાનનો સત્તાવાર આંકડો હજી પ્રકાશમાં આવ્યું નથી.

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં લિફ્ટમાં બે બાળક સહિત 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે બચાવ્યા

0

સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બે બાળકો સહિત કુલ 11 લોકો અધવચ્ચે ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સામે આવતા જ વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી કરીને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લોકો લિફ્ટ દ્વારા જતાં હતા ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા યાંત્રિક ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે અટકી ગઈ હતી. લિફ્ટ બંધ થતાં અંદર હવાની અવરજવર ઘટી ગઈ હતી, જેના કારણે અંદર ફસાયેલા લોકોમાં ગભરાટ અને ગૂંગળામણ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. મદદ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ પોતાની ટીમ સાથે આધુનિક સાધનો લઈને સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે મહેનત બાદ લિફ્ટના દરવાજા ખોલી દીધા હતા અને અંદાજે 15 મિનિટમાં બે બાળકો સહિત તમામ 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

લિફ્ટમાંથી સુરક્ષિત બહાર આવતા જ ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના લિફ્ટમાં ઓવરલોડ અથવા યોગ્ય મેન્ટેનન્સના અભાવે બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુંબઈમાં ફૂડ પોઈઝનિંગથી એક જ પરિવારના 4 સભ્યોના મોત

0

મુંબઈના પાયધુની વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ખળભળાટ મચ્યો છે. મૃતકોમાં અબ્દુલ્લા ડોકડીયા (40), તેમની પત્ની નસરીન ડોકડીયા (35) તેમજ તેમની બે પુત્રીઓ આયશા (16) અને ઝૈનબ (13)નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, પરિવારએ રાત્રે પહેલા બિરયાની અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું, જેના કારણે તેમની તબિયત બગડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતની દ્રષ્ટિએ આ ઘટનામાં ફૂડ પોઈઝનિંગ મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે. પરિવારના એક સભ્યએ મૃત્યુ પહેલાં પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ સભ્યોએ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

ઘટનાક્રમ મુજબ, 25 એપ્રિલની રાત્રે લગભગ 10:30 વાગ્યે પરિવારના સભ્યો તેમના પાંચ સંબંધીઓ સાથે ભોજન માટે બેઠા હતા. ભોજન બાદ સંબંધીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. રાત્રે 1:00 થી 1:30 દરમિયાન પરિવારના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું. બીજા દિવસે વહેલી સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે તેમને ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જે.જે. હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.

હાલમાં ચારેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ડોક્ટરોએ અંતિમ અભિપ્રાય મેડિકલ રિપોર્ટ આવ્યા સુધી સુરક્ષિત રાખ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ખોરાકના નમૂનાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: વડોદરાના એક જ પરિવારના 4 લોકોના મોત

0

આજે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પંચમહાલના કાલોલ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં વડોદરાના એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. રાજસ્થાનથી દર્શન કરી પરત ફરી રહેલા આ પરિવારની પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે અચાનક નિયંત્રણ ગુમાવતા તે ડિવાઈડર ઓળંગીને બીજી તરફ ફંગોળાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે.

મૃતકોની ઓળખ વડોદરાના ખિનજી પરિવાર તરીકે થઈ છે, જેમાં 55 વર્ષીય સાજિદ ઈકબાલ ખિનજી, 50 વર્ષીય ઇલ્યાસ ખિનજી અને 35 વર્ષીય રેહાન ખિનજી સહિત અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે. અકસ્માતની તીવ્રતા જોઈને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કાલોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન તેમજ સ્થાનિકોની મદદથી ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહોને બહાર કાઢી પંચનામું કરી પીએમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

નોંધનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર તેના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈ-સ્પીડ લિમિટ માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓવરસ્પીડિંગ અને ઊંઘના ઝોકાને કારણે અહીં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઈ-સ્પીડ ટ્રેક પર વાહન પરથી કાબૂ ગુમાવવો જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર લાંબા અંતરની મુસાફરી દરમિયાન ડ્રાઈવિંગ સેફ્ટી અને ગતિ મર્યાદાના પાલન સામે સવાલો ઊભા કર્યા છે. વડોદરામાં આ સમાચાર પહોંચતા જ સમગ્ર ખિનજી પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

0

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો દિલ્હીથી યુપી, બિહાર અને રાજસ્થાન સુધી તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જો કે, આ ગરમી વચ્ચે, હવામાન વિભાગ (IMD) એ 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે, જે આજથી – 27 એપ્રિલથી અમલમાં આવશે. આ પ્રદેશોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે.

27 એપ્રિલના રોજ, દિલ્હીમાં દિવસ દરમિયાન ખતરનાક, સળગતા પવનો (હીટવેવની સ્થિતિ)નો અનુભવ થવાની ધારણા છે. આ પવનો 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. 28 એપ્રિલે, દિલ્હીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 27 એપ્રિલ સુધી રાજ્યભરમાં તીવ્ર ગરમી રહેશે. જોકે, 28 એપ્રિલથી શરૂ થતી આગાહી મુજબ, વીજળીના કડાકા, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. બાંદા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, ફતેહપુર, પ્રતાપગઢ, મિર્ઝાપુર, વારાણસી, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, માઉ અને બલિયા જેવા જિલ્લાઓ તેમજ લખનૌ, કાનપુર, આગ્રા, મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, ઝાંસી અને તેમની આસપાસના વિસ્તારોને આવરી લેતા પશ્ચિમી પ્રદેશોમાં આજે ગરમીનું મોજું આવવાની શક્યતા છે. 28 એપ્રિલથી પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

આજે બિહારમાં હવામાન કેવું રહેશે?

મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા, સહરસા, સુપૌલ, મધેપુરા, અરરિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, જમુઈ અને ગયા માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, આ સમયગાળા દરમિયાન ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મધ્યપ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે 27 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ભોપાલ, વિદિશા, શિવપુરી, શાજાપુર, રાજગઢ, મંદસૌર, નીમચ, ગુના, બૌલના, અશોકનગર, અશોકપુર જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. કલાન, સિંગરૌલી, સીધી, રીવા, મૌગંજ, સતના, અનુપપુર, શહડોલ, ડિંડોરી, છિંદવાડા, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, છતરપુર, ટીકમગઢ, નિવારી અને મૈહર.

ઉત્તરાખંડમાં આજે હવામાન કેવું રહેશે?

સમગ્ર ઉત્તરાખંડમાં તીવ્ર ગરમીનો દોર ચાલુ છે; જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ખૂબ જ હળવાથી હળવા વરસાદની આગાહી છે. વધુમાં, 4,400 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા પ્રદેશોમાં હિમવર્ષાની આગાહી છે.

રાજસ્થાનમાં આજે હવામાન કેવું રહેશે?

રાજસ્થાનના ઘણા ભાગોમાં ગરમીનું મોજું ચાલુ છે. બાડમેરમાં, દિવસનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે 28 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન રાજ્યના પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં હળવો વરસાદ શક્ય છે.

હરિયાણામાં આજે હવામાન કેવું રહેશે?

ભિવાની, ફરીદાબાદ, પલવલ, પાણીપત અને સોનેપત માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન અંગે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે.

આજે હિમાચલ માટે હવામાન આગાહી

હિમાચલ પ્રદેશ (28 થી 30 એપ્રિલ): કાંગડા, કુલ્લુ, ચંબા, શિમલા અને કિન્નૌરમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન મુશ્કેલીઓ વધારી શકે છે. લોકોને આ સમય દરમિયાન અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન, મનાલીમાં, આવતીકાલે મહત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

બંગાળમાં પીએમ રેલી પહેલાં હિંસા ભડકી: BJP-TMC અથડામણમાં CISF જવાનને ગોળી વાગ્યાનો દાવો, ઉમેદવારના ઘર પર બોમ્બ હુમલો

0

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદલમાં રવિવારે રાત્રે પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો, ફાયરિંગ અને દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્રણ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક CISF જવાનને પગમાં ગોળી વાગી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી જગદલના જલેબી મઠ મેદાનમાં થવાની છે. ભાજપના કાર્યકરોનો આરોપ છે કે રેલી માટે લગાવવામાં આવેલા પોસ્ટરો અને ધ્વજ ફાડી નાખવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે ટીએમસીના સમર્થકો ત્યાં પહોંચ્યા. પોલીસ સ્ટેશનની સામે દલીલ થઈ અને ઝપાઝપી થઈ.

ભાટપારા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પવન કુમાર સિંહના ઘર પર પણ એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે રોડ શો કરશે. પહેલો રોડ શો બેહાલા થાણાથી મંથન સુધીનો હશે.

બીજો રોડ શો હુગલીના ચંદનનગર બાગબજારમાં હશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે જાધવપુરના સુકાંત સેતુથી જાધવપુર અને ટોલીગંજ મતવિસ્તારના પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર રેલીમાં જોડાશે. ત્યારબાદ તેઓ પોતાનો કાર્યક્રમ યોજશે.તેઓ ભવાનીપુર મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધન કરશે.

વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતામાં તેમના રોડ શો પહેલા ‘મા સિદ્ધેશ્વરી’ નામથી ઓળખાતા મુખ્ય મંદિર થંથાનિયા કાલીબારીમાં મા કાલીના દર્શન કરીને આશાર્વાદ લીધા.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો માહોલ, 5 વાગ્યા સુધીમાં કુલ 49 ટકા મતદાન

ગુજરાત રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે સાંજ સુધી યથાવત રહી હતી. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુદ્રઢ વ્યવસ્થા અને સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 49 ટકા મતદાન નોંધાયું છે.

ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાં કુલ સરેરાશ 49 ટકા જેટલું મતદાન નોંધાયું છે. વિગતવાર જોઈએ તો, 15 મહાનગરપાલિકાઓમાં મતદાનનો આંકડો 41 ટકા પર પહોંચ્યો હતો. નગરપાલિકા વિસ્તારોમાં વધુ જાગૃતિ જોવા મળી હતી, જ્યાં 84 નગરપાલિકાઓમાં 51 ટકા મતદાન થયું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મતદારોનો પ્રતિસાદ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે. 34 જિલ્લા પંચાયતોમાં 52 ટકા અને 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 53 ટકા મતદાન નોંધાયું છે. શહેરી વિસ્તારોની સરખામણીએ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મતદાનની ટકાવારી વધુ રહેતા ગ્રામીણ જનતાની રાજકીય સક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યનું સરેરાશ મતદાન 40 ટકા નોંધાયું હતું. જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 32 ટકા, 84 નગરપાલિકાઓમાં 41 ટકા, જ્યારે 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં સમાન રીતે 44 ટકા મતદાન થયું હતું. જોકે, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સાંજ સુધીમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડાઓમાં મોટો ફેરફાર આવ્યો હતો.

પહેલાં મતદાન, પછી લગ્ન: પીઠીના દિવસે મતદાન કરી લોકશાહી પર્વને પ્રાથમિકતા આપતી યુવા મતદાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત અંબિકા તાલુકાના વેલણપુર ગામની પીઠી ચોળેલી યુવતીએ પોતાના પીઠીના દિવસે મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોમવારે લગ્નવિધિ થશે, ત્યારે પોતાના લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી.વેલણપુરના નાયકીવાડ ફળિયા વિસ્તારમાં રહેતી સુહાનીબેન નટુભાઈ પટેલ નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીને પ્રાથમિકતા આપી હતી.યુવતી પોતાના પીઠીના પોષાકમાં મતદાન મથક વેલણપુર -૨ ઉપર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પરિવારજનો અને સગાસંબંધીઓએ સાથે રહી મતદાન કાર્ય હતું અને આ પગલાને વધાવી યુવતીના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. લગ્નોત્સવ પહેલા લોકશાહીના ઉત્સવમાં જોડાઈ મતદાનને પ્રાથમિકતા આપી યુવતીએ ખાસ કરીને યુવા પેઢીને મતદાન માટે પ્રેરિત કરી હતી.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાઈપ્રોફાઈલ ડીનર પાર્ટીમાં ગોળીબારથી ચકચાર

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હવે, એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં, વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સનું ડિનર યોજાયું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડિનર કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જો કે ગોળીબારના અવાજ બાદ સુરક્ષા કર્મચારીઓએ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર હતા.

હોલમાં ગોળીબારનો અવાજ સંભળાતા ગભરાટનો માહોલ સર્જાવા સાથે જ હોલમાં ઉપસ્થિત તમામ લોકો જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાઈ ગયા હતા. જો કે એ દરમિયાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ગોળીબાર અને ચીસો જોવા મળી રહી છે. લોકો ટેબલ નીચે છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખા હોલમાં ગભરાટનું વાતાવરણ ફેલાયેલું છે. કેમેરા એક ટેબલ પર ફરે છે જ્યાં એક માણસ બેઠો છે, જે અવિચલિત અને શાંત લાગે છે. તે આરામથી બેઠો છે અને તેની કેક ખાઈ રહ્યો છે. તેના ચહેરા પર ડરનો કોઈ સંકેત નથી. તે ગોળીબારથી ચિંતિત નથી, પરંતુ તેના ખોરાક પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે, આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોકો વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, “આ વાર્તા જૂની અને ઘસાઈ ગઈ છે.” મને ભોજનનો આનંદ માણવા દો. બીજાએ લખ્યું કે અંકલે યમરાજને રોકી રાખ્યો છે, તો ચાલો પહેલા કંઈક મીઠું ખાઈએ.

હર્ષ સંઘવી અને સીઆર પાટીલે કર્યું મતદાન: ગરમી વચ્ચે મથકો પર ઓછી હાજરી, સુરતમાં 3 વાગ્યા સુધી 43.52% મતદાન નોંધાયું

0

સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક પર આજે મતદાન યોજાય રહ્યું છે. આકરી ગરમી વચ્ચે 28 લાખથી વધુ મતદારો 483 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. સુરત મનપામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર અને SMC ચૂંટણીના ઉમેદવાર અમિતસિંહ રાજપૂતને સોશિયલ મીડિયા પર બદનામ કરી તેમની પાસે લાખોની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ ગોડાદરા પોલીસ મથકે નોંધાઈ છે.ફરિયાદ મુજબ, આરોપી અરુણ પાઠક અને તેના સાગરીત મોહન કનોજિયાએ અમિતસિંહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે ફેસબુક પર નીચા સ્તરના શબ્દો અને ફોટા પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટ ડિલીટ કરવાના બદલામાં આરોપીઓએ રૂપિયા 1 લાખની માંગણી કરી હતી.

સુરતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારે ગરમી વચ્ચે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. સવારથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ હોવા છતાં અને તાપમાનનો પારો ઊંચો હોવા છતાં સુરતીલાલાઓએ મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. જોકે, બપોરના સમયે આકરી લૂને કારણે મતદાનની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ જેમ-જેમ સાંજ નજીક આવતી ગઈ અને મતદાન પૂર્ણ થવાની ગણતરીની મિનિટો બાકી રહી, તેમ મતદારોનો ધસારો વધ્યો છે. જાગૃત નાગરિકો ગરમીને માત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો પર કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો આ સૌથી મોટો પર્વ, સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે.

સુરત શહેરમાં પણ આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા પણ સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ પણ જગ્યા પર લાઈનો પણ એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને પાણીથી લઈને છાસ, લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી હતી જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ પણ પ્રકારની અગવડતા તેને ન પડે. પણ ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનારા લોકોને 100 એ 100 ટકા હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે.