Home Blog Page 11

સંસદના 17માં દિવસે પાસ થયા આ મહત્વના બિલ,જાણો શું છે ખાસ?

0

સંસદના ચોમાસુ સત્રમાં આજે બે મહત્વના બિલ પસાર કર્યા તેમાં નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (અમેન્ડમેન્ટ) બિલ, 2026 અને કેરળ (અલ્ટરેશન ઑફ નેમ) બિલ, 2026નો સમાવેશ થાય છે. કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની જોગવાઈ ધરાવતું બિલ ચર્ચા વિના વોઇસ વોટથી પસાર થયું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

કેરળ નામ બદલવાના બિલનો હેતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ ‘Kerala’ માંથી ‘Keralam’ કરવાનો છે. કેરળ વિધાનસભાએ જૂન 2024માં રાજ્યનું નામ બદલવા માટે ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2026માં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બંધારણીય પ્રક્રિયા હેઠળ હવે સંસદમાં બિલ પસાર થવાથી નામ બદલવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે.

આ બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ થવાનું હતું, પરંતુ તેઓ ગૃહમાં હાજર રહ્યા નહોતા. તેમના સ્થાને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ આગળ ધપાવ્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે બિલ વોઇસ વોટથી પસાર થયું હતું.

બીજી તરફ, NCDC (Amendment) Bill, 2026નો હેતુ સહકારી ક્ષેત્ર માટે નાણાકીય સહાયની પ્રક્રિયાને વધુ સરળ અને વ્યાપક બનાવવાનો છે. પ્રસ્તાવિત ફેરફારો હેઠળ NCDC સહકારી મંડળીઓ તેમજ સહકારી વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓને સીધી લોન અને ગ્રાન્ટ આપી શકશે. કોર્પોરેશનને સહકારી સંસ્થાઓ અથવા સહકારી વિકાસ સાથે જોડાયેલી સંસ્થાઓની શેર મૂડીમાં ભાગ લેવાની પણ સત્તા મળશે.

Reforms Bill, 2026 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ ટ્રિબ્યુનલ્સની કામગીરી અને માળખામાં સુધારા સાથે સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ ધરાવે છે.

સંસદમાં છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષના વિરોધને કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે. આજે પણ વિરોધ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી. સરકાર તરફથી વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ઓફર છતાં વિપક્ષનો વિરોધ યથાવત રહ્યો હતો.

જેના નામથી થરથરતું હતું સીરિયા, આજે તેને જ મોતની સજા!

સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ , તેમના ભાઈ મહેર અલ-અસદ અને તેમના પિતરાઈ ભાઈ તથા પૂર્વ સુરક્ષા અધિકારી અતેફ નજીબને મોતની સજા ફટકારી છે. બશર અને મહેરને તેમની ગેરહાજરીમાં સજા સંભળાવવામાં આવી છે.

કોર્ટના જણાવ્યા અનુસાર બશર અલ-અસદને પૂર્વયોજિત હત્યા, ત્રાસ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ન્યાયાધીશે સાક્ષીઓના નિવેદનોના આધારે જણાવ્યું કે બશર અલ-અસદ સૌથી ઉચ્ચ સ્તરના નિર્ણયકર્તા હતા અને રાજ્યની સંસ્થાઓનો ઉપયોગ કથિત ગુનાઓ માટે કરવામાં આવ્યો હતો. તેઓ ડિસેમ્બર 2024માં સત્તા પરથી હટ્યા બાદ રશિયામાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.

મહેર અલ-અસદને પણ પૂર્વયોજિત હત્યા અને ત્રાસના આરોપોમાં ગેરહાજરીમાં મોતની સજા આપવામાં આવી છે. બીજી તરફ, અતેફ નજીબને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ સજા સંભળાવવામાં આવી. નજીબ દક્ષિણ સીરિયાના દારા પ્રાંતમાં રાજકીય સુરક્ષા વિભાગના વડા રહી ચૂક્યા હતા અને 2011માં સરકાર વિરોધી પ્રદર્શનોના દમન સાથે તેમનું નામ જોડાયેલું છે.

આ કેસને સીરિયાની નવી સંક્રમણકાળીન સરકાર હેઠળ પૂર્વ અસદ સરકારના અધિકારીઓ સામે ચાલેલી કાર્યવાહીનો મહત્વપૂર્ણ પ્રથમ ચુકાદો માનવામાં આવી રહ્યો છે. 2011માં શરૂ થયેલા બળવા બાદ સીરિયા લગભગ 14 વર્ષ સુધી વિનાશક યુદ્ધમાંથી પસાર થયું હતું. હવે આ ચુકાદો પીડિતો માટે ન્યાયની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ કાનૂની ઉદાહરણ બની શકે છે.

જોકે બશર અને મહેર રશિયામાં હોવાને કારણે સજાનો તાત્કાલિક અમલ કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. તેમ છતાં, આ ચુકાદાએ અસદ શાસન દરમિયાન થયેલા કથિત અત્યાચારોની જવાબદારી નક્કી કરવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે.

80 વર્ષ જૂનું રહસ્ય ફરી ચર્ચામાં! નેતાજીના અવશેષો ભારત લાવવાની માગ પર સુપ્રીમ કોર્ટમાં ફરી ચર્ચા

0

80 વર્ષથી વધુ સમયથી રહસ્ય બનેલા નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતિમ અવશેષો હવે ભારત લાવવામાં આવશે ?
આ સવાલે એકવાર ફરી દેશનું ધ્યાન ખેંચ્યું છે. નેતાજીની પુત્રી અનીતા બોઝ ફાફે જાપાનના ટોક્યો સ્થિત રેન્કોજી મંદિર ખાતે રાખવામાં આવેલા તેમના પિતાના કથિત અવશેષો ભારત પરત લાવવાની માંગ સાથે આજે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને ત્યારબાદ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાએ અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને નોટિસ પાઠવી છે. અનીતા બોઝ ફાફ તરફથી વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ દલીલ કરી હતી કે આ મામલે નેતાજીની પુત્રી પોતે કોર્ટ સમક્ષ આવી છે. કોર્ટે પહેલાં કેન્દ્રનો જવાબ સાંભળવાનો અભિગમ અપનાવ્યો હતો.

આ કેસનો એક મહત્વનો વળાંક માર્ચ 2026માં આવ્યો હતો. તે સમયે નેતાજીના સંબંધીએ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે જો નેતાજીના અવશેષો ભારત લાવવાની માગ કરવી હોય તો તેમની સીધી વારસદાર અનીતા બોઝ ફાફે પોતે અરજી કરવી જોઈએ. ત્યારબાદ હવે તેમણે પોતાના નામે અરજી દાખલ કરી છે.

અનીતા બોઝ ફાફ લાંબા સમયથી પોતાના પિતાના અવશેષો ભારત લાવીને અહીં અંતિમ સંસ્કાર કરવાની માગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે નેતાજીને તેમના વતનની ધરતી પર અંતિમ સન્માન મળવું જોઈએ.

નેતાજીના મૃત્યુ અંગેનો ઇતિહાસ જોકે આજે પણ વિવાદોથી ઘેરાયેલો છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇહોકુ, હાલના તાઇપેઈમાં વિમાન દુર્ઘટના બાદ નેતાજીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમની માનવામાં આવતી અસ્થિઓ જાપાનના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવી હતી. જોકે આ મુદ્દે તપાસ પંચોના તારણોમાં મતભેદ રહ્યા છે. 1956ની શાહનવાઝ સમિતિ અને 1974ના ખોસલા કમિશને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ અને રેન્કોજી મંદિરની અસ્થિઓને નેતાજીની ગણાવી હતી. બીજી તરફ, 2005ના મુખર્જી કમિશને નેતાજી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ન હોવાનું અને રેન્કોજીની અસ્થિઓ તેમની ન હોવાનું તારણ આપ્યું હતું. ભારત સરકારે આ બંને તારણો સ્વીકાર્યા નહોતા.

હવે સુપ્રીમ કોર્ટમાં અનીતા બોઝ ફાફની અરજી બાદ કેન્દ્ર સરકારનો જવાબ આ લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દામાં આગામી મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

Video: 7 રખડતા કૂતરાઓએ 4 વર્ષની બાળકીને બચકાં ભર્યા, 80 ટાંકા લેવા પડ્યા

0

માત્ર પાંદડા લેવા ઘરની બહાર નીકળેલી ચાર વર્ષની બાળકી માટે રસ્તા પરનો આ સામાન્ય લાગતી ક્ષણ અચાનક ભયાનક બની ગય હતી. પુણેના પિંપરી-ચિંચવડના ચિખલી વિસ્તારમાં સાત રખડતા કૂતરાઓએ બાળકી પર હુમલો કરી બચકાં ભરતા થયેલી ગંભીર ઇજા ને પગલે 80થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે બની હતી. બાળકી નજીકના ઝાડ પરથી પાંદડા લેવા માટે ઘરની બહાર ગઈ હતી. એ સમયે ત્યાં રખડતાં કૂતરાના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. CCTVમાં દેખાય છે કે શરૂઆતમાં બે કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો અને તેને જમીન પર પાડી દીધી હતી. ત્યારબાદ અન્ય કૂતરાઓ પણ તેની તરફ ધસી આવ્યા હતા.

બાળકી ડરીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૂતરાઓએ તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ, હુમલો આશરે 43 સેકન્ડ સુધી ચાલ્યો હતો. કૂતરાઓએ તેના માથા, હાથ અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

બાળકીની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કૂતરાઓને ભગાડ્યા બાદ ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. ઘટનાનું CCTV ફૂટેજ આજે સામે આવતા વિસ્તારમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ચિંતા વધી છે.

કલ્યાણમાં પણ રખડતા કૂતરાનો આતંક

મહારાષ્ટ્રના કલ્યાણમાં પણ રવિવારે એક રખડતા કૂતરાએ લગભગ સાત કલાકમાં 130 લોકોને નિશાન બનાવ્યા હોવાનો અહેવાલ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગંભીર રીતે ઘાયલ 11 વર્ષની બાળકીને વધુ સારવાર માટે મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ વચ્ચે સ્થાનિક તંત્ર સામે હવે લોકોની સુરક્ષા અને કૂતરાઓના નિયંત્રણ અંગે સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્દેશોમાં પણ રખડતા કૂતરાઓના હુમલાને ખાસ કરીને બાળકો સહિત સામાન્ય નાગરિકોની સલામતી સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવવામાં આવ્યો છે.

આરતી બાદ આચમન શા માટે કરવામાં આવે છે? જાણો આ પરંપરા પાછળનું ધાર્મિક મહત્વ

આરતી પૂરી થયા પછી થાળીની આસપાસ પાણી ઓવારવામાં આવે છે અને ત્યારબાદ ઘણા લોકો આચમન કરે છે અથવા પાણી પોતાના પર છાંટે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરા શા માટે કરવામાં આવે છે? આ માત્ર વર્ષોથી ચાલી આવતી રીત નથી, પરંતુ હિંદુ પૂજા પદ્ધતિમાં આચમનને શુદ્ધિકરણ સાથે જોડવામાં આવ્યું છે. આ પરંપરા પાછળની માન્યતા અને યોગ્ય રીત જાણવી પણ એટલી જ જરૂરી છે.

આચમન શા માટે કરવામાં આવે છે?

આચમનનો અર્થ છે ધાર્મિક વિધિ દરમિયાન થોડું પાણી ગ્રહણ કરીને શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી. અનેક પૂજા પદ્ધતિઓમાં પૂજા શરૂ કરતાં પહેલાં આચમનનો સમાવેશ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આચમન દ્વારા સાધક શરીર અને મનની શુદ્ધિ માટે ભગવાનનું સ્મરણ કરે છે. વિવિધ પૂજા વિધિઓમાં ત્રણ વખત આચમન કરવાનો ઉલ્લેખ પણ મળે છે.

આરતીમાં દીવો અને કપૂર પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક પરંપરામાં અગ્નિને પવિત્ર તત્વ માનવામાં આવે છે. આરતી બાદ પાણી ઓવારવાની પરંપરાને કેટલીક જગ્યાએ અગ્નિની ઉષ્ણતા બાદ શીતળતા અને પવિત્રતાના પ્રતીક તરીકે સમજવામાં આવે છે. જોકે આ રીત દરેક સંપ્રદાય અને કુટુંબમાં એકસરખી હોય તે જરૂરી નથી.

આચમન કરતી વખતે શું ધ્યાન રાખવું?

આચમન સામાન્ય રીતે સ્વચ્છ જગ્યાએ બેસીને કરવામાં આવે છે. પૂજા વિધિઓમાં સ્વચ્છ પાણીનો ઉપયોગ કરીને જમણા હાથથી ત્રણ વખત આચમન કરવાની રીત જોવા મળે છે.

આ દરમિયાન ભગવાનનું સ્મરણ અને મંત્રોચ્ચાર કરવો પરંપરાગત રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલીક વિધિઓમાં આચમન બાદ હાથની શુદ્ધિ માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

આચમનની ચોક્કસ પદ્ધતિ અને મંત્રો સંપ્રદાય તથા કુટુંબની પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી કોઈ એક રીતને સર્વમાન્ય નિયમ માનવાને બદલે પોતાની પરંપરા અને જાણકાર પૂજારીના માર્ગદર્શન મુજબ આ વિધિ કરવી યોગ્ય છે.

અધૂરા ભારતના નકશા પર લવલીનાએ ઉઠાવ્યો અવાજ, PM મોદીએ આપ્યો આ જવાબ

0

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા બાદ ઉજવણીના માહોલમાં ભારતના નકશામાંથી પૂર્વોત્તર ગાયબ જોવા મળતાં બોક્સર લવલીના બોરગોહેનએ અવાજ ઉઠાવ્યો હતો. એક નાની લાગતી ભૂલ સામે તેમણે જે રીતે અવાજ ઉઠાવ્યો, તેની હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. મોદીએ લવલીનાના આ પગલાને સામાન્ય ઘટના નહીં ગણાવી અને કહ્યું કે આ ક્ષણ લાંબા સમય સુધી યાદ રહેશે.

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026માં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ લવલીના સાથે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂછ્યું કે રેસ્ટોરન્ટમાં શું થયું હતું. તેના જવાબમાં લવલીનાએ જણાવ્યું કે ઉજવણી દરમિયાન રેસ્ટોરન્ટમાં ભારતનો એક અધૂરો નકશો નજરે પડ્યો હતો, જેમાં પૂર્વોત્તર ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો ન હતો.

આ જોઈને આસામની બોક્સર લવલીનાએ રેસ્ટોરન્ટ મેનેજર સમક્ષ શાંતિપૂર્વક પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પૂર્વોત્તર ભારતનો અભિન્ન હિસ્સો છે અને નકશામાં તેનો અભાવ તેમને દુઃખદ લાગ્યો હતો. તેમના વિરોધ બાદ રેસ્ટોરન્ટ તરફથી નકશો સુધારવાની ખાતરી આપવામાં આવી હતી.

મોદીએ લવલીનાના આ વલણની પ્રશંસા કરતાં કહ્યું કે ઉજવણીના સમયે પણ તેમણે આ મુદ્દાની ગંભીરતા સમજી અને અવાજ ઉઠાવ્યો હતો. તેમણે લવલીનાના વીડિયોનો ઉલ્લેખ કરીને કહ્યું કે “એ વીડિયો સામાન્ય નહોતો” અને આ ઘટના લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે.

લવલીના બોરગોહેને 75 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. ગ્લાસગોમાં શરૂઆતથી જ તેઓ ભારતીય ટીમની મહત્વપૂર્ણ ખેલાડી રહી હતી.

Video: નેપાળમાં ભૂસ્ખલનનો કહેર! બસ પર ધસી પડી વિશાળ ચટ્ટાન, ઉડી ગયા પરખચ્ચા

નેપાળના બાજુરા જિલ્લામાં ચોમાસાની વચ્ચે કુદરતનો એવો ખોફનાક નજારો જોવા મળ્યો કે થોડી ક્ષણો માટે બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પહાડ પરથી અચાનક એક વિશાળ ખડક ધડાકાભેર નીચે આવી અને રસ્તા બસ સાથે અથડાઈ હતી.ખડકની ટક્કર એટલી જોરદાર હતી કે બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના બાજુરા જિલ્લાના જગન્નાથ ગ્રામ્ય નગરપાલિકા-5ના ભુકાહા ખોલા વિસ્તારમાં બની હતી. ચોમાસાને કારણે પહાડી વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન પહાડ પરથી ભારે ભરખમ ખડક તૂટીને સીધી રસ્તા પર આવી અને ત્યાં ઊભેલી મિડ-વેસ્ટર્ન ટ્રાન્સપોર્ટની બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
સદનસીબે અકસ્માત થયો ત્યારે બસમાં એકપણ મુસાફર કે ડ્રાઇવર હાજર નહોતા અને મોટી જાનહાનિ ટળી હતી.

ચટ્ટાન બસ પર પડતાં વાહનને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે રસ્તા પર વાહનવ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાયો હતો. સ્થાનિક સ્તરે ચોમાસા દરમિયાન પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ચટ્ટાન ધસી પડવાની ઘટનાઓને લઈને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Video 🚨 કોલંબિયામાં 7.4નો વિનાશક ભૂકંપ, 111નાં મોત; અનેક વિસ્તારોમાં ભારે તબાહી

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપનું કેન્દ્ર ચૉકો પ્રાંતના San José del Palmar નજીક હોવાનું જણાવાયું છે. ભૂકંપના જોરદાર આંચકા કોલંબિયાની રાજધાની બોગોટા સહિત અનેક શહેરોમાં અનુભવાયા હતા.

ભૂકંપ બાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો સુરક્ષિત સ્થળોએ પહોંચવા માટે ઘરો તથા ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે, જ્યારે સેંકડો મકાનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે.

તાજા અહેવાલ મુજબ મૃત્યુઆંક 111 પર પહોંચી ગયો છે અને 87 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વચ્ચે પોલીસ, ફાયર બ્રિગેડ, બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ભૂકંપના કારણે 1,575 જેટલા ઘરોને નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઉપરાંત છ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં ત્યાં ફ્લાઇટ કામગીરી અટકાવવામાં આવી હતી. સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવી છે.

ભૂકંપ બાદ આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. અધિકારીઓ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે અને નુકસાન તથા જાનહાનિનો આંકડો હજુ બદલાઈ શકે છે.

કોલંબિયાના આ ભૂકંપને 21મી સદીમાં દેશને અસર કરનારા સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે.

Stadium Run 5.0 Brings Together 650 Runners for an Action-Packed Morning in Surat

Surat, August 9, 2026: Stadium Run 5.0 witnessed an overwhelming response as 650 participants took to the track at 5:00 AM, competing across three endurance categories — 1-Hour, 2-Hour and 3-Hour Runs.

The event delivered an energetic experience throughout, with live music, drummers and dhol performances keeping the atmosphere lively from the first lap to the finish.

The experience extended beyond running, with a strong focus on hydration, nutrition and recovery. @clearwater kept participants hydrated, while @supersandwichco served hot sandwiches and @fukucoffee added a refreshing cold brew experience. @alpinoporteincafe provided protein bowls and shakes, @superone’s energydrink helped keep energy levels high, and @prideofcows served protein Greek yogurt as a post-run treat. Other partners who helped event come alive were decathlon, Gujarat Guardian, Sam’s performance coaching, Nirmal Hospitals, and Mytickets.

The event also celebrated sporting excellence, with 18 winners — the top three male and female runners across each of the three categories — being recognised for their performances.

Speaking about the event, Mehul Adajaniya, Event Director of Stadium Run and Founder of Brand Circus Events, said, “Stadium Run is not just about how many kilometres you complete; it is about the energy, the community and the experience you take back with you. The response this year has been incredible, and it reinforces what we believe — there is always a reason to keep moving.”

Stadium Run 5.0 was curated by Brand Circus Events, bringing together endurance, entertainment, nutrition and community to create a distinctive running experience in Surat.

આજે સાંજે 7 વાગ્યા સુધી આ 15 જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ એલર્ટ

વરસાદના શોર્ટ બ્રેક બાદ આજે ભારતીય હવામાન વિભાગની નાવકસ્ટ આગાહી મુજબ આજે સાંજના 7 વાગ્યા સુધીમાં આ જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

દાહોદ,પંચમહલ,મહીસાગર,ખેડા,આણંદ,અમદાવાદ,ગાંધીનગર,અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને પવનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વરસાદની તીવ્રતા અને સ્થાનિક હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

સાથે રાજ્યના બીજા જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર સાથે વોચ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન IMD દ્વારા ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત રહ્યા હતા.