- ટોચના રાજકારણીથી માંડીને અધિકારી હોય કે પદાધિકારી સિવિલ હોસ્પિ.માં સારવાર માટે ‘કડીવાલા’ હાથવગો માણસ
- નર્સિંગની નોકરી સાથે ગરીબ, અભણ જરૂરિયાતમંદ બીમાર દરદીને જરૂરી સારવાર અપાવવાની કડીવાલાની સૌથી પહેલી પ્રાથમિકતા
- બીજી તરફ સુરત સિવિલ હોસ્પિ.માં વહિવટી બેદરકારી, કોઠાકબાડા પણ ખાનગી રહ્યા નથી; થોડા દિવસ પહેલા એક બળાત્કારના ગુનેગારની આરતી-પૂજા કરવામાં આવી હતી છતાં જવાબદારો સામે કોઈ જ પગલાં ભરાયા નથી.
લોકસેવા અને એમાં પણ ગરીબ, જરૂરિયાતમંદ લોકોની તબીબી સેવા કરવાનું કામ અત્યંત કપરું અને કંટાળાજનક છે. કારણ, દરેક વ્યક્તિની જરૂરિયાત, બીમારી સહિતના પ્રશ્નો અલગ અલગ હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે કે તબીબી સારવારના પણ પૈસા હોતા નથી. વળી બીમારી ક્યારે ઊભી થશે એ પણ નક્કી હોતું નથી. આવા સંજોગોમાં પણ અત્યંત ધીરજ રાખીને ગરીબો, મધ્યમવર્ગીઓ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર, જરૂરિયાત સંતોષવાનું અઘરું કામ છે.
પરંતુ આ અઘરું અને કંટાળાજનક કામ સુરત સિવિલ હોસ્પિ.માં જાણીતું નામ એવા ઇકબાલ કડીવાલા અને તેમની ટીમના સભ્યો જરા પણ અણગમો વ્યક્ત કર્યા વગર વર્ષોથી કરી રહ્યા છે. બલ્કે એવું કહી શકાય કે સરકારી નર્સિંગની નોકરી સાથે ઇકબાલ કડીવાલાએ માનવસેવાની ધૂણી ધખાવી છે. સુરત સિવિલ હોસ્પિટલ દિક્ષણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા રોજના હજારો દરદીઓ સારવાર માટે ઉભરાતા રહે છે. સુરત શહેરને બાદ કરતા દિક્ષણ ગુજરાતની પૂર્વપટ્ટીમાં ગરીબ અને આદિવાસીઓની મોટી વસ્તી છે. મતલબ એવું કહી શકાય કે ગણતરીના લોકોને બાદ કરતા મોટાભાગના પરિવારો ગરીબીની વ્યાખ્યામાં ગણાવી શકાય અને ઘણા એવા પણ પરિવારો છે કે જે પોતાને ગરીબ કહી શકતા નથી. પરંતુ ગરીબ કરતા વધુ બદતર હાલતમાં જીવે છે. ઘરમાં, કોઈ એકાદ વ્યક્તિ બીમાર હોય તો સારવાર કરાવવાના કે દવા લાવવાના પૈસા હોતા નથી. આવા સમયે સવિલિ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા હાથવગી વ્યક્તિ બની જાય છે.ઇકબાલ કડીવાલાનું પુરું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પરંતુ ‘કડીવાલા’ની ઓળખ તેમના માટે પૂરતી છે. છેલ્લી હરોળનો રાજકારણી હોય કે ટોચના પદાધિકારી હોય કે સરકારી અધિકારી હોય – હોસ્પિટલની જરૂરિયાત માટે ‘કડીવાલા’ અથવા તો ‘કડી’નું નામ યાદ આવી જાય. કડીવાલાની લાંબી ઓળખ આપવાની એટલા માટે જરૂર નથી કારણ કે જાહેર જીવનમાં મોટાભાગનાં લોકો ‘કડીવાલા’થી અજાણ નથી. કડીવાલાની આર્થિક રીતે કોઈ મોટી ક્ષમતા નથી, પરંતુ રસ્તા કાઢવામાં ‘માહીર’ છે. કડીવાલાનું સૌથી જમા પાસું એ છે કે તેમનામાં ‘આળસ’ નામનું તત્ત્વ નથી. ગમે ત્યારે ફોન કરો અને ૧૦૮ એમ્બ્યુલન્સની માફક હાજર હોય.
ખેર, કડીવાલા માટે લાંબો ઈતિહાસ લખવાની જરૂર નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે તેની પાસે ‘જાદુઈ ચિરાગ’ છે અને આ જાદુઈ ચિરાગને કારણે જ જરૂરિયાતમંદ લોકોની તબીબી સારવાર થતી રહે છે.શુક્રવાર તા.૧૦મી ઓક્ટોબરના રોજ ઈકબાલ કડીવાલાનો જન્મદિવસ હતો અને પોતાના જન્મદિવસની ઉજવણી પણ ગરીબો અને દરદીઓ વચ્ચે રહીને કરી હતી. આમ તો કડીવાલા કાયમ માટે બીમાર દરદીઓનો સહારો બનતા આવ્યા છે. પરંતુ પોતાના જન્મદિવસને અનુસરીને સિવિલ હોસ્પિ.નાં કેમ્પસમાં જ આવેલી લાયન્સ કેન્સર હોસ્પિ.માં કેન્સર-પીડિત દરદી અને સફાઈ કામદારોની વચ્ચે ઉજવણી કરી હતી. વસ્ત્રો, દિવાળીનાં દીવડા વગેરે ચીજવસ્તુઓનું વિતરણ કરીને આનંદનો અહેસાસ કરાવ્યો અને કર્યો પણ હતો. ટી. એન્ડ ટી.વી. નર્સિંગ કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને વ્હીલચેર અર્પણ કરી હતી.કડીવાલાને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ, ૨૦૨૧માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો નેશનલ એવોર્ડ, અંગદાન મહાદાન અંતર્ગત આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય એવોર્ડ સહિત અંગદાન ચેરિટેબલના અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. દિવાળી, જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, રામનવમી જેવા વિવિધ તહેવારોની સર્વધર્મ સમભાવ સાથે ઉજવણી, ઉત્તરાયણની હેલ્પલાઈન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના મેમ્બર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ અને ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ગુજરાત બ્રાન્ચ)ના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. અનેક ઈમર્જન્સી, દર્દીઓ અને નર્સિંગ ક્ષેત્રમાં યોગદાન, અંગદાન અને અંગદાન પહેલા બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોનું કાઉન્સેલિંગ, સ્વદેશી, જલસંચય, જળસંરક્ષણ સહિત સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ હરહંમેશ અગ્રેસર રહે છે.
લાતુર અને કચ્છનો ભૂકંપ, ૧૯૯૪ના વર્ષમાં સુરતની પ્લેગની મહામારી, ૧૯૯૮ અને ૨૦૦૬ની રેલ, નેપાળ ભૂકંપ, કોરોના જેવી મહામારી જેવી અનેક ઈમર્જન્સીઓમાં કડીવાલા અને તેમની ટીમ દિવસ-રાત ચોવીસ કલાક ખડેપગે રહીને લોકોની સેવા કરવામાં હંમેશાં તૈયાર રહે છે.ખરેખર જોવા જઈએ તો કડીવાલાએ આર્થિક ‘કમાણી’ કરી નથી, પરંતુ લોકોનાં દિલમાં જબજસ્ત જગ્યા ઊભી કરી છે. સિવિલ હોસ્પિટલ એક સરકારી હોસ્પિટલ છે. અહીંયા આવનાર દરેક દરદીને સમાન ભાવ સાથે સારવાર મળવી જોઈએ, પણ સરકારી હોસ્પિટલમાં ગરીબો, અભણ આદિવાસી સહિત અન્ય લોકો સાથે થતા વહેવારથી કોઈ અજાણ નથી. હોસ્પિટલનાં કેમ્પસમાં ઊભેલા પ્રત્યેક દરદીની આંખમાં નજીકથી જોવામાં આવે તો લાચારી સ્પષ્ટ તરી આવતી હોય છે. કારણ અહીંયા ગરીબોનું સાંભળનારું કોઈ નથી. સરકાર કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ ખાઈ બદેલા તબીબી અધિકારીઓની ભૂમિકા તપાસવામાં આવે તો ‘ચિત્કાર’ નીકળી જાય એવી બેદરકાર અને ભ્રષ્ટાચારની ‘બૂ’ આવશે. અહીંયા દરદીને માનસભર સારવાર મળતી નથી અને એટલે જ લોકો ‘કડીવાલા’ જેવી વ્યક્તિની શોધમાં હોય છે. ટોચના રાજકીય આગેવાનો પણ ગરીબોની સારવાર માટે તબીબી અધિકારીને નહીં પણ ‘કડીવાલા’ને ભલામણ કરતા જોવા મળે છે. કારણ કે, આ આગેવાનને પણ ભરોસો હોય છે કે ‘કડીવાલા’ને ભલામણ કરીશુ તો દરદીને યોગ્ય સારવાર મળશે! વળી ‘કડીવાલા’ ચોવીસ કલાક હોસ્પિટલ કેમ્પસમાં હાજર હોવાથી સંદેશો મળતા જ દરદીની સારવારમાં લાગી જાય છે.સારવાર તો ઠીક, પીવાના પાણીથી શરૂ કરીને ચા-નાસ્તો પણ કડીવાલા અને મિત્રો કરાવી આપે છે. પરિણામે કડીવાલાની મહેનત કહો કે સેવાનો જશ ભલામણ કરનારને મળે છે અને દરદીને સુખદ અનુભવ થાય છે. હકીકતમાં કડીવાલા કરે છે એ કામ કરવાની તબીબી અધિકારીઓની ફરજ છે. પરંતુ સરકારનો ભારેખમ પગાર મેળવતા તબીબી અધિકારીઓને ગરીબ, જરૂરિયાતમંદ દરદીઓની ક્યાંથી પડી હોય?
સરકાર ભલે ગમે તેટલો દાવો કરતી હોય, પરંતુ સુરત સિવિલ હોસ્પિટલની બિનસત્તાવાર મુલાકાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં ઉભરાતી તમામ પ્રકારની ગંદકીનાં આપોઆપ પુરાવા મળી જશે. હમણાં થોડા દિવસ પહેલાં જ બળાત્કારનાં ગુનામાં આજીવનની સજા પામેલા આસારામની સુરત સિવિલ હોસ્પિટલમાં આરતી-પૂજા કરવામાં આવી હતી અને છતાં વહીવટી તંત્ર ચૂપ બેસીને તમાશો જોતું રહ્યું હતું. એક બળાત્કારના ગુનેગારની સરકારી હોસ્પિટલમાં આરતી-પૂજા કરવામાં આવે તો આનાથી આઘાતજનક ઘટના બીજી કઈ હોઈ શકે? અને તેમ છતાં હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ કે મેડિકલ ઓફિસરનો વાળ પણ વાંકો થયો નથી કે દાખલારૂપ પગલાં ભરાયાં નથી. પરિણામે આવનારા દિવસોમાં બળાત્કારના ગુનેગારની આરતી- પૂજા કરવા કરતાં પણ ગંભીર ઘટના બનવાનો ઈન્કાર કરી શકાય તેમ નથી. સિવિલ હોસ્પિ.નાં કારભારમાં ઘોર બેદરકારી જાણવા માટે દૂર જવાની જરૂર નથી. થોડા રૂમ્સની તપાસ કરવામાં આવશે તો ઘણા પુરાવા મળી જશે.