BHIM UPI પેમેન્ટ માટે હવે તમને PIN યાદ રાખવાની જરૂર નહીં રહે. સરકારે UPIમાં નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે યુઝર્સ ફક્ત ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન દ્વારા પણ પેમેન્ટ કરી શકશે. નવા ફીચર્સ 8 ઓક્ટોબર, 2025થી અમલમાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેશની આધાર સિસ્ટમમાં આ બદલાવ બાયોમેટ્રિક ડેટા દ્વારા અમલમાં લાવવામાં આવશે. એટલે કે, હવે યુઝર્સને માત્ર પોતાના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશનથી જ ઓથન્ટિકેશન કરાવવું પડશે.
આ સુવિધાનો શુભારંભ નાણાકીય સેવા વિભાગના સચિવ એમ. નાગરાજૂએ કર્યો. એનપીસીઆઈ અનુસાર, આ નવી ટાઈપ-પિન સિસ્ટમ વધુ સુરક્ષિત, અસરકારક અને યુઝર-ફ્રેન્ડલી છે.
નવું UPI ફીચર કેવી રીતે કામ કરશે?
યુઝર નવા યુપીઆઈ ફીચરનો ઉપયોગ ન માત્ર પેમેન્ટ કરવા, પણ યુપીઆઈ પીન સેટ કે રિસેટ કરવા માટે પણ કરી શકે છે. સાથે જ, તેનાથી યુઝર્સ ATM માંથી રોકડ રકમ ઉપાડવા માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે.
યુપીઆઈની નવી સર્વિસ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જો કોઇ યુઝર્સ ઇચ્છે તો બાયોમેટ્રિક સિસ્ટમ અપનાવી શકે છે, આ સાથે જ જુની યુપીઆઈ પીન સિસ્ટમ પર ચાલુ રાખી શકે છે. એનપીસીઆઈ એ કહ્યું કે, પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને બેંક દ્વારા ક્રિપ્ટોગ્રાફિક સિક્યોરિટી ચેક થી વેરિફાઇ કરાશે, જેથી પુરતી સાયબર સુરક્ષા પ્રાપ્ત થાય છે.
સિનિયર સિટિઝન માટે સુવિધાજનક
NPCI એ જણાવ્યું કે, નવા ફીચરથી સિનિયર સિટિઝનને યુપીઆઈન ઉપયોગ કરવામાં સરળતા રહેશે. સિનિયર સિટિઝનને UPI PIN યાદ રાખવાની અને પીન દાખલ કરવાની કંટાળાજનક કામમાંથી મુક્તિ મળશે. હવે આધાર બેઝ્ડ ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા દ્વારા ઝડપી અને સરળતાથી યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે.
ઓનલાઈન ઠગાઈ રોકવાનો પ્રયાસ
હકીકતમાં, RBI છેલ્લા થોડા સમયથી UPI ઠગાઈ અને PIN સંબંધિત ઘટનાઓ અંગે ચિંતિત છે. તેથી, તેણે બેંકો અને ફિનટેક કંપનીઓને PIN અથવા OTPની બદલે બાયોમેટ્રિક્સ અને વર્તન આધારિત ઓથન્ટિકેશન પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે.