બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દરભંગામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં 73 વર્ષીય નીતીશ કુમાર 74 વર્ષના પીએમ મોદી તરફ હાથ જોડીને ચાલતા જોવા મળ્યા પછી તેમણે પીએમ મોદીની નજીક પહોંચીને તેમના ચરણ સ્પર્શ કરવા ઝૂક્યા હતા. જોકે, એ સમયે પીએમ મોદી તેમને ચરણ સ્પર્શ કરતા અટકાવ્યા હતા અને તેમની સાથે હાથ મિલાવતા જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિહારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમનો દરભંગામાં એક સરકારી કાર્યક્રમ હતો, જેમાં તેમણે બિહારના લોકોને 12 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ આપી છે. પીએમએ દરભંગા AIIMS સહિત આરોગ્ય, રસ્તા, રેલ અને ઉર્જા ક્ષેત્રની 25 વિકાસ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, શિલાન્યાસ કર્યોં હતો. આ દરમિયાન મંચ પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, નિત્યાનંદ રાય, બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સહિત ઘણા નેતાઓ હાજર હતા.
જોકે આ પહેલીવાર નથી જ્યારે નીતીશ કુમારે આવું કર્યું હોય. આ પહેલા પણ તેઓ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી ચૂક્યા છે. જ્યારે દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી ત્યારે બિહારના સીએમ નીતીશ કુમારે પીએમ મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મોદીએ તેમને પકડી લીધા હતા.
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ જ્યારે પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સીએમ નીતિશ કુમાર પણ તેમની સાથે હતા. જ્યારે પીએમ મોદી નીતિશ કુમાર પાસે બેઠા હતા ત્યારે અચાનકથી નીતિશે તેમનો હાથ પકડી લીધો અને તેમની આંગળી ચેક કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
આ પણ વાંચો :-