- ગુજરાતનો વિકાસ જાળવી રાખવા સાથે ‘બેદાગ’ ભૂપેન્દ્રપ ટેલની સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ
- અહંમને બાજુએ મુકીને કામ કરતાં હોવાથી સંગઠન કે સરકારમાં ક્યારેય પણ ટકરાવ ઉભો થવા દીધો નથી, ભૂપેન્દ્ર પટેલ ફરિયાદ નહીં કરે પરંતુ સરકારને વધુ અસરકારક અને લોકોને અહેસાસ કરાવવા મુક્ત દોર હોવો ખૂબ જ જરૂરી
- ખડખડાટ હાસ્ય વેરતા ભૂપેન્દ્ર પટેલને લોકો મુખ્યમંત્રી કરતાં સામાજિક આગેવાન તરીકે આવકારે છે; પુત્રનાં બ્રેઈનસ્ટ્રોકના હુમલાની આઘાતજનક ઘટના છતાં ભૂપેન્દ્ર પટેલે મહાભયાનક વેદનાને છાતીમાં ધરબી દીધી હતી
- ઘણાં લોકોને એવી અનુભૂતિ થઈ રહી છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ચોક્કસ સિવાયનાં કામ થતાં નથી આવી લાગણી દૂર કરવી જરૂરી, લોકોની વાતમાં સાવ દમ નથી એવું પણ નથી
- ખેડૂત, ખેતમજુર, શ્રમજીવી, કર્મચારીથી શરૂ કરીને વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને સમાજ ઉત્થાનનાં ક્ષેત્રે ત્રણ વર્ષમાં સતત કરેલી કામગીરીને પગલે રાજ્યનાં કોઈ ખૂંણામાંથી અસંતોષ સંભળાતો નથી
સમાધિમાં બેઠેલા સાધુ-મહાત્મા જેવી સ્થિતપ્રજ્ઞતા ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં, પરંતુ એકપણ ખૂંણામાંથી હોહા કે આંદોલનોનાં સૂત્રોચ્ચાર જોવા મળ્યા નહીં કે સાંભળવા મળ્યા નહીં. હજુ થોડા દિવસ પહેલાં જ રાજ્યનાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને મંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કોઈ ‘જાદુ’ હોવાની વાત કરી હતી અને શરત પણ લગાવી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરી બતાવે તો હું ઈનામ આપીશ!
નીતિન પટેલે આ વાત રમૂજમાં કરી હતી, પરંતુ હકીકત પણ સાવ એવી જ છે. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કયા ‘ચોઘડિયા’માં પસંદગી કરી હશે એ ખબર નથી, પરંતુ સમગ્ર દિવસના ૨૪ કલાકના ચોઘડિયા પૈકી એકપણ ચોઘડિયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લાગુ પડતું નથી. તેમના મંત્રી મંડળનાં ચહેરાઓને જોવામાં આવે તો એકાદ-બેને બાદ કરતાં બાકીનાં બગલઘોડીમાં પણ કામ આવે એવા નથી, પરંતુ તેમ છતાં દાદાની સરકાર ટનાટન દોડી રહી છે. વીતેલાં ત્રણ વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે આંતરિક અને બાહ્ય રીતે ઘણાં પરિબળોનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં લોકો પેલા લુચ્ચા શિયાળની માફક ઊંટનો હોઠ પડવાની લાલચમાં રાહ જોઈને બેઠા હતા. પરંતુ ભૂપેન્દ્રદાદા જરા પણ વિચિલત થયા વગર બેધડક સરકાર ચલાવી રહ્યા છે. કોઈપણ વિવાદને ઊગતો જ ડામી દેવાની નીતિને કારણે ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઈ મોટું આંદોલન કે વિરોધ પ્રદર્શનો થયાં નથી. વળી વિરોધ પક્ષના લોકો પણ ભૂપેન્દ્ર પટેલ સામે આંગળી ચીંધી શક્યા નથી. બલ્કે, એવું કહી શકાય છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ‘દાદા ભગવાન’ ચલાવી રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ નરસિંહ મહેતાની જેમ ભરોસાની સ્થિતિમાં છે. ચાલુ વર્ષ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદની પ્રારંભથી આગાહી હતી અને ભારે વરસાદ પણ પડ્યો, પૂર પણ આવ્યા; પરંતુ એકમાત્ર વડોદરાને બાદ કરતાં એકપણ સ્થળે મોટી ખુંવારી થયાના અહેવાલ નથી. આ તરફ રાજ્યનાં મોટાભાગનાં સરોવરો, ડેમ, નદીઓ છલકાઈ જવાથી હવે શિયાળુ અને ઉનાળુ પાકની સિઝન લેવા માટે ખેડૂતોને મોટી તક મળશે.
વીતેલાં ત્રણ વર્ષ દરમિયાન પક્ષમાં થોડીઘણી ખેંચતાણ થવા પામી હતી, પરંતુ સરવાળે મામલો શાંત કરવામાં ‘દાદા’ સફળ રહ્યા હતા. રોજેરોજ નવી-નવી જાહેરાતો અને નવી નીતિ, પોલીસીઓની હારમાળા અને સતત પ્રવાસને પગલે ભૂપેન્દ્ર પટેલની એક વડીલ તરીકેની પ્રતિભા વધુ નિખરી ઊઠી હતી. કુદરતી રીતે જ લોકો ભૂપેન્દ્ર પટેલને એક મુખ્યમંત્રી કરતાં સામાજિક આગેવાન તરીકે વધુ આવકારી રહ્યા છે.
ભૂપેન્દ્ર પટેલના જીવનમાં પુત્રને આવેલા બ્રેઈનસ્ટ્રોકની ઘટના બાદ એક પિતા તરીકે ભૂપેન્દ્ર પટેલે કારમો આઘાત અનુભવ્યો હતો તેમ છતાં જરા પણ વિચલિત થયા વગર દાદા ભગવાનનાં ભરોસે તેઓ મહાભયાનક પરિસ્થિતિ પાર કરી ગયા અને પુત્ર પણ સારો થઈ ગયો.
પરંતુ પુત્રની ઘટના બાદ ભૂપેન્દ્ર પટેલે ક્યારેય પણ બીજા લોકોને કે સરકારનાં કામમાં દર્દનો અહેસાસ થવા દીધો નહોતો, પરંતુ એ દિવસથી તેમણે ‘ઈનશર્ટ’ કરવાનું લગભગ બંધ કરી દીધું છે.
પ્રારંભિક તબક્કામાં મીઠી સોપારી ખાતા હતા હવે એ પણ બંધ કરી દીધું છે. અલબત્ત, તેમના ચહેરા ઉપરનું ખડખડાટ હાસ્ય હજુ એનું એ જ છે.
ભૂપેન્દ્ર પટેલે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવતા રહ્યા છે. માળખાગત વિકાસ, શિક્ષણ, કાયદો, વ્યવસ્થા, વેપાર, ઉદ્યોગ, સહકારી ક્ષેત્ર સહિત તમામ મોરચે સતત નિર્ણયો લેતા રહ્યા છે. કોઈપણ સ્થિતિમાં સરકારને ‘હૅંગ’ થવા દીધી નથી.
તેમના મંત્રીમંડળનાં સભ્યોની કાર્યક્ષમતાને ઓળખી-ઓળખીને હંમેશા ભાર મૂકતા આવ્યા છે. સાથે ગુજરાતમાં ભાજપની ‘જડ’ને પણ અડીખમ જાળવી રાખવા હંમેશાં સફળ પુરવાર થતા આવ્યા છે. શીર્ષ નેતૃત્વ નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં અડીખમ પીઠબળને કારણે ભૂપેન્દ્ર પટેલે વિપરીત સંજોગોની પણ પરવા કરી નહોતી.
ગુજરાતને વિકાસ માર્ગે લઈ જવા રિન્યુએબલ એનર્જી, સેમિકંડક્ટર પોલીસી, ગ્રીન હાઈડ્રોજન પોલીસી, શિક્ષણક્ષેત્રે નવા આયામો શરૂ કર્યાં હતાં. વાયબ્રન્ટ ગુજરાત, ગરીબો, વંચિતો, શ્રમિકો, આદિવાસી પરિવારની કલ્યાણ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, નવા રોડ, રસ્તા, બ્રિજીસ, આવાસ યોજના, યુવાઓ માટે ઢગલાબંધ યોજનાઓની હારમાળા, મહિલાઓ માટે સશક્તિકરણ, આરોગ્ય ક્ષેત્રે લોકોની આર્થિક સહાયમાં વધારો કરવા સાથે નવા આરોગ્યકેન્દ્રો, અસરકારક એમ્બ્યુલન્સ સર્વિસ, ટી.બી. મુક્ત સમાજ સહિતનાં અનેક કાયમી પગલાં ભર્યાં છે.
રાજ્યની વીજળીની માંગને પહોંચી વળવા વિન્ડ, સોલાર ઊર્જા ઉપરાંત ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ૧૦૬૭ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે એક હજાર સી.એન.જી. સ્ટેશનો સાથે ગુજરાતને દેશમાં ટોચના ક્રમે લઈ આવવાનું શ્રેય ભૂપેન્દ્રદાદાને ચોક્કસ આપી શકાય.
વીતેલાં ત્રણ વર્ષમાં કોઈ ક્ષેત્ર એવું નથી કે જેના વિકાસ માટે નિર્ણયો કરાયાં ન હોય. ગામડાંનો ખેડૂત, જાહેર સ્થળોએ કામ કરતો શ્રમજીવી, કારખાના, ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓ આ બધા માટે સેંકડો નિર્ણયો લેવાયા છે. દરેક નિર્ણયનો અમલ, કામગીરી અંગે પૃથક્કરણ કરવામાં આવે તો આખો ઇતિહાસ લખાઈ જાય.
સૌમ્ય સ્વભાવને કારણે ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ સમક્ષ ફરિયાદ નહીં કરે, પરંતુ હજુ થોડો વધુ છુટોદોર અને મોકળાશથી કામ કરવાની તક આપવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતને એક આદર્શ રાજ્ય બનાવવાનું ચોક્કસ સામર્થ્ય ધરાવે છે.