સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે ફરી એક બાળક ચોરી થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેથી ભારે ઉહાપોહ મચી ગયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા ન્યુ બમરોલી રોડ પર ધીરજભાઈ શુક્લા પરિવાર સાથે રહે છે. તેમની પત્ની સંધ્યાને પ્રસુતિની પીડા ઉપડતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં મહિલાને કોવીડ બિલ્ડીંગના બીજા માળે આવેલા લેબર રૂમમાં દાખલ કરવામાં આવી હતી અને સાંજે સાતેક વાગ્યાની આસપાસ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
બાળકને વધુ સારવાર અર્થે માતા સાથે છઠ્ઠા માળે જી-1 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યાના સુમારે એક અજાણી મહિલા બાળકને લઈને ગુમ થઈ ગયી હતી. બાળક ગુમ થયા બાદ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળકની કોઈ ભાળ નહીં મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ત્રિલોકેશ શુક્લાએ જણાવ્યું હતું કે, મારા નાના ભાઈને ત્યાં સાંજે 7 વાગ્યે દીકરાનો જન્મ થયો હતો મારી નાની બહેન આવી હતી અને તેણે દીકરાને જોયો હતો દરમ્યાન છોકરા માટે કપડાની જરૂરિયાત હતી અને ત્યાં એક મહિલા બેઠી હતી અને તેણે કીધું હતું કે બાળકને મને આપો, તમે કપડા લઈને આવો હું કપડા બદલી દઉ છું, અને મારી બહેન કપડું લઈને આપ્યું હતું અને બાદમાં બાળકને કાચની પેટીમાં મુકવા માટે ગયી હતી અને બાદમાં મારી બહેને ત્યાં આવીને જોયું તો ત્યાં દીકરો ના હતો. 7 વાગ્યે દીકરાનો જન્મ થયો હતો અને 9 વાગ્યથી દીકરો ગાયબ થઈ ગયો છે હાલ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.