વલસાડમાં ઔરંગા નદી પર બનેતા નવનિર્માણ બ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થવાથી ભારે ચકચાર મચી છે. આ ગંભીર ઘટનાના અવાજો હવે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યા છે. દુર્ઘટનામાં ચારથી વધુ કામદારો દટાયા હતા, જેના પગલે સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને માર્ગ-મકાન વિભાગ દ્વારા ઝડપી પગલાં લેવાયા છે.
દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ બ્રિજના નિર્માણની ગુણવત્તા, વપરાયેલ સામગ્રી, ડિઝાઇનની ખામી અને બાંધકામની પદ્ધતિ સહિત તમામ મુદ્દાઓની બારીકાઈથી તપાસ કરશે. તપાસ બાદ કસૂરવારો સામે કડક કાયદાકીય અને વહીવટી કાર્યવાહી થશે.
વલસાડના કૈલાશ રોડ પર ચાલી રહેલા બ્રિજના બાંધકામ દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ સ્ટ્રકચર) અચાનક તૂટી પડતાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક પ્રત્યક્ષદર્શી અનુસાર, “એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો અને લોકો દોડી આવ્યા.” બીજી તરફ કોન્ટ્રાક્ટર તમામ મજૂરોનો ઇન્શ્યોરન્સ છે એવી માહિતી આપી બચાવનો પ્રયાસ કરતો જોવા મળ્યો.
દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તરત જ સ્થળ પર પહોંચ્યો અને પાંચેય મજૂરોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડ્યા. હાલ ક્રેનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને અધિકારીઓ આગળની તપાસ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચારની હાલત સ્થિર છે, જ્યારે એક ગંભીર છે. “શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા ત્યારે કોઇ જેકની ખામી અથવા લોડ બેલેન્સના કારણે ઘટનાની સંભાવના છે,” એમ તેમણે જણાવ્યું.
42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને બે વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી અને આવતા એક વર્ષમાં કામ પૂર્ણ થવાનું હતું. કલેક્ટરે કમિટી રચી આગળની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ઓરંગા નદી પર ઓવરબ્રિજ માટે ગડરની લેવલિંગ દરમ્યાન સ્ટ્રક્ચરનો ભાગ સ્લિપ થઈ ગયો હતો. રેસ્ક્યુ કરાયેલા મજૂરોની હાલત હાલ સ્થિર છે, એમ ડોક્ટરોએ જણાવ્યું છે.