NEETમાં ગેરરીતિ મામલો કોંગ્રેસના શિક્ષણ મંત્રી નિવાસ બાહર દેખાવ

Share this story

કોંગ્રેસ આજે NEET વિવાદને લઈને તમામ રાજ્યના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીથી લખનઉ અને જયપુરથી જમ્મુ સુધી રસ્તા પર ઉતરી આવ્યા છે. કાર્યકરો કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લખનઉમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ બેરિકેડ ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો સાથે ઝપાઝપી પણ કરી હતી.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિવેન્દ્ર યાદવના નેતૃત્વમાં રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. પાર્ટીના કાર્યકરો NEET પરીક્ષા રદ કરવા અને તેને ફરીથી યોજવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ પણ ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી હતી પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા અજય રાયે આરોપ મૂક્યો કે પરીક્ષામાં ટેક્નિકલ ગરબડ થઈ છે. અયોગ્ય સાધનોનો પણ ઉપયોગ કરાયો છે. ભાજપ શાસિત યુપી, બિહાર, ગુજરાત તથા હરિયાણામાં નીટની પરીક્ષામાં ગરબડ કરનારા અનેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેનાથી સંપૂર્ણ પરીક્ષા જ આશંકાઓ વચ્ચે ઘેરાઈ છે. ભાજપ શાસિત રાજ્યોમાં યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું છે.

આ પહેલા ગઈકાલે પણ ભારતીય યુથ કોંગ્રેસે NEET પરીક્ષાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બી.વી.એ કહ્યું કે NEET પરીક્ષામાં કૌભાંડ માત્ર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી નથી પરંતુ દેશના ભવિષ્ય સાથે પણ વિશ્વાસઘાત છે. તેમણે આરોપ લગાવ્યો કે, “NEET પેપર લીક ન થયું હોવાની માહિતી હોવા છતાં ધર્મેન્દ્ર પ્રધાને દેશને ગેરમાર્ગે દોર્યો હતો”. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માત્ર રાજીનામું આપવું જોઈએ નહીં પરંતુ તેમની પૂછપરછ પણ થવી જોઈએ.

આ પણ વાંચો :-