Friday, Oct 24, 2025

નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી, આજે લેશે શપથ

3 Min Read

આજે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની સાંજે ૫ વાગ્યે શપથ લેવાના છે ચંડીગઢમાં સવારે મનોહર લાલ ખટ્ટરે કેબિનેટ મંત્રીઓ સાથે રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે હરિયાણા ભાજપના અધ્યક્ષ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનવાના છે.

નાયબસિંહ હાલમાં કુરુક્ષેત્રના સાંસદ છે. તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ૨૦૧૪માં નાયબ સિંહ અંબાલા જિલ્લાની નારાયણગઢ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. નાયબ સિંહ આ ચૂંટણીમાં ૨૪ હજારથી વધુ મતોથી જીત્યા હતા. બાદમાં તેમને ખટ્ટર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણી આવી ત્યારે પાર્ટીએ નાયબ સિંહને મોટી જવાબદારી આપી અને તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. ત્યારે પણ નાયબ સિંહ સંગઠનના વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નાયબ સિંહને ૬ લાખ ૮૮ હજાર ૬૨૯ વોટ મળ્યા હતા. તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ સિંહ અડધા મત પણ મેળવી શક્યા ન હતા.

કોણ છે નાયબ સિંહ સૈની

  • નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ છે.
  • ઓબીસી સમુદાય સાથે જોડાયેલા સૈનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.
  • ભાજપ સાથે તેમનું જોડાણ ૧૯૯૬થી છે, જે સંગઠનાત્મક ભૂમિકાઓથી શરૂ થયું હતું અને પક્ષની અંદર વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા પર આગળ વધ્યું હતું.
  • નાયબ સિંહ સૈની ૨૦૧૪માં પહેલી વાર નારાયણગઢ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતા અને ૨૦૧૬માં હરિયાણા સરકારમાં મંત્રી બન્યાં હતા. તેમની મંત્રીપદની નિમણૂકનો સમાવેશ થાય છે.
  • સૈની મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ તરીકે ઓળખાય છે, અને વિધાનસભા જૂથના નેતા તરીકે તેમની નિમણૂકને ચૂંટણી અને જાતિના સંદર્ભમાં જોવામાં આવે છે.

ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ JJPમાં બળવો થયો છે. JJPએ દિલ્હીમાં તમામ ૧૦ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પરંતુ ૫ ધારાસભ્યો પહોંચ્યા નથી.  આ તમામ ચંદીગઢમાં છે અને ભાજપના સંપર્કમાં છે. હરિયાણામાં જેજેપી સાથે ગઠબંધન તૂટી ગયું પરંતુ ભાજપ પાસે બહુમત છે. હરિયાણામાં વિધાનસભાની ૯૦ બેઠકો છે. જેમાંથી ભાજપના પોતાના ૪૧ ધારાસભ્યો છે. તેને ૬ અપક્ષ અને એક હલોપા (HLP)ના ધારાસભ્યનું સમર્થન છે, એટલે કે ભાજપ પાસે ૪૮ ધારાસભ્યો છે. બહુમત માટે ૪૬ બેઠકો જરૂરી છે.

આ પણ વાંચો :-

Share This Article