મુંબઈ થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા. અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, 10 થી 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં 5 લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે.
અકસ્માત કેવી રીતે થયો?
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ ધનરાજ નીલાએ જણાવ્યું હતું કે આઠ લોકો પાટા પર પડી ગયા હતા. અત્યાર સુધી હોસ્પિટલ તરફથી કોઈ મૃત્યુના સમાચાર મળ્યા નથી. આ અકસ્માત મુમ્બ્રા અને દિવા રેલ્વે સ્ટેશન વચ્ચે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા મુસાફરો લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. તેમની બેગ એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સવારે 9.30 વાગ્યે આ અકસ્માતની માહિતી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે એક લોકલ ટ્રેન કસારા તરફ જઈ રહી હતી અને બીજી ટ્રેન CSTM તરફ આવી રહી હતી. બંને લોકલ ટ્રેનના મુસાફરો દરવાજા પર લટકીને ઉભા હતા. આમાંથી એક મુસાફરોની બેગ અથડાઈને કારણે દરવાજા પર ઉભેલા મુસાફરો પાટા પર પડી ગયા હતા. જે લોકો લોકલ ટ્રેનના ફૂટબોર્ડ પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા તેઓ પડી ગયા છે.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર લખ્યું, “દિવા-મુમ્બ્રા સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી થયેલા અકસ્માતમાં કુલ 8 મુસાફરોના મોત થયા છે. આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સહભાગી છીએ. ઘાયલોને તાત્કાલિક શિવાજી હોસ્પિટલ અને થાણે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર સંકલન કરી રહ્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલોને વહેલી તકે રાહત મળે. આ ઘટના ખરેખર કેવી રીતે બની તેની તપાસ રેલ્વે વિભાગે શરૂ કરી દીધી છે.”