Saturday, May 16, 2026

હિમાચલમાં હિમવર્ષાને કારણે અટલ ટનલમાં 1000થી વધુ વાહનો ફસાયા

2 Min Read

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ હિમાચલ પ્રદેશમાં મનાલી અને લાહૌલ સ્પીતિ પહોંચવાનું ચાલુ રાખે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં રોકાયા છે પરંતુ સાથે જ પ્રશાસન માટે પણ મુશ્કેલીઓ વધવા લાગી છે. અટલ ટનલની આસપાસનું તાપમાન માઈનસમાં છે અને કેટલાક વિસ્તારોમાં રસ્તા પર સૂર્યપ્રકાશ નથી જેના કારણે બરફ કાચ જેવો થઈ જાય છે જેના કારણે વાહનો લપસી જાય છે. ગઈકાલે હિમવર્ષાને કારણે અટલ ટનલના બંને છેડે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેમાં સેંકડો વાહનો ફસાઈ ગયા હતા.

ખાસ કરીને સોલંગ નાળા અને અટલ ટનલના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અટલ ટનલના સાઉથ પોર્ટલથી નોર્થ પોર્ટલ વચ્ચેના માર્ગો પર 1000થી વધુ વાહનો ફસાઈ ગયા છે. પર્યટકોને ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું છે. પોલીસ, ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર ફસાયેલા વાહનોને નિકાળવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. DSP મનાલી, SDM મનાલી અને SHO મનાલી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે છે.

જણાવી દઇએ કે, વરસાદ અને હિમવર્ષાના કારણે રાજ્યમાં 2 નેશનલ હાઈવે સહિત 30થી વધુ માર્ગો બંધ છે, જે અનેક સ્થળોએ પરિવહન પર અસર કરી રહ્યા છે. વધુમાં, કેટલીક જગ્યાએ વરસાદે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હિમાચલ પ્રવાસ માટે આવેલા લોકો માટે સફર રોમાંચક હોવાની સાથે કઠિન બની ગયો છે. જેના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ભારે બરફ અને ઠંડી વચ્ચે શિમલા, કુફરી, નારકંડા અને સોલંગ વેલી જેવા પ્રખ્યાત પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 થી 26 ડિસેમ્બરના સમયગાળામાં મિડ હિલ્સ અને હાઈ હિલ્સમાં ભારે હિમવર્ષા અને નીચા વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article