હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એને લઇને આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા છે. એને લઇને અનેક નદીઓ બે કાંઠે થઇ છે, તો ક્યાંક નદીઓનાં પાણી ગામમાં ઘૂસી ગયાં છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જાણે કે કલાકોમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોય એમ અનેક કોઝ-વે ધોવાઇ ગયા છે, તો ઘણા રસ્તા બંધ કરવા પડ્યા છે. બીજી તરફ અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાં છે, અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક જગ્યાએ વીજળી ડૂલ થઇ ગઇ છે, જોકે રાહતની વાત એ છે કે અંગ દઝાડતી ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.
આજે 5 જિલ્લામાં રૅડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
17 જૂનની આગાહી
રાજ્યમાં 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.